મહાશિવરાત્રિના દિવસે કરો આટલું ભગવાન શિવ તમારી દરેક તકલીફ દુર કરશે…

ભગવાન શિવને સમર્પિત દિવસોમાંથી સર્વશ્રેષ્ઠ હોય છે મહા શિવરાત્રી. મહા વદ ચૌદશના રોજ આ પર્વની ઉજવવામાં આવે છે. શાસ્ત્રોનુસાર શિવરાત્રિના પર્વથી દ્વાપરયુગનો પ્રારંભ થયો હતો. શિવરાત્રિનું વ્રત કરનારને અનંત ફળની પ્રાપ્તિ થાય છે. શિવરાત્રિની કથાનો સંબંધ કેટલીક કથાઓમાં સમુદ્રમંથન સાથે જોડવામાં આવે છે. શિવજીએ પૃથ્વી અને દરેક જીવની રક્ષા માટે સમુદ્રમાંથી નીકળેલું વિષ પીધું હતુ ત્યારપછી આ દિવસને શિવને સમર્પિત માની વ્રત અને પૂજા અર્ચના કરવામાં આવે છે. ભગવાને હળાહળ પીધું હોવાથી તેમને ઠંડક થાય તે માટે તેમનો અભિષેક કરવામાં આવે છે ઉપરાંત તેમને એવી સામગ્રીઓ ધરાવવામાં આવે છે જે વિષની અસર ઓછી કરે.

શિવરાત્રિની પૌરાણિક કથાઓ તો તમે પણ સાંભળી હશે. પરંતુ શું તમે એ વાત જાણો છો કે શિવરાત્રિનું વ્રત કરવાથી કેટલા લાભ થાય અને આ વ્રત કેવી રીતે કરવું જોઈએ? ન જાણતાં હોય તો આ વર્ષે તમે આ વાતોથી પણ જાણકાર થઈ જશો. જી હાં. આજે અહીં આપને જણાવીશું શિવરાત્રિનું વ્રત કરવાથી થતાં લાભ વિશે અને તેની વિધિની વિગતો.

શિવપુરાણ અનુસાર મહાશિવરાત્રિનું વ્રત કરવાથી અનંત ફળ અને શિવકૃપા પ્રાપ્ત થાય છે. આ વ્રત કરવાની ઈચ્છા રાખતાં જાતકે સવારે સૂર્યોદય પહેલાં પથારીનો ત્યાગ કરી દેવો અને સ્નાન કરી સ્વચ્છ કપડા પહેરવા. આ દિવસે કપાળમાં ભસ્મથી ત્રિપુંડ કરવું અથવા તિલક કરવું. ભગવાન શંકર માટે પૂજાની સામગ્રી લઈ શિવ મંદિરમાં જવું અને તેમની વિધિવત પૂજા કરવી. પૂજાની સામગ્રીમાં રુદ્રાક્ષની માળા, ધતુરાના ફૂલ, બીલીપત્ર, દૂધ, પાણી લઈ જવા. આ દિવસે શક્ય હોય તો રુદ્રાભિષેક કરાવવો. યથાશક્તિ જરૂરિયાતમંદને દાન કરવું અને ભગવાન શંકરનું ધ્યાન ધરી નીચે આપેલા મંત્રની 5 માળા કરવી.

શિવ મંત્ર
‘ॐ नमः शिवाय शुभं शुभं कुरू कुरू शिवाय नमः ॐ’

મહાશિવરાત્રિનું વ્રત શ્રદ્ધા અને શુદ્ધ વિચારથી કરનારને ફળ અચૂક પ્રાપ્ત થાય છે. કારણ કે ભોળાનાથ પોતાના ભક્તોની સામાન્ય ભક્તિથી પણ તુરંત પ્રસન્ન થઈ જાય છે. તો તમે પણ આ વર્ષે આ અવસરનો લ્યો લાભ અને બનો શિવ કૃપાના અધિકારી.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ ઉપયોગી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી