શ્રાવણ મહિનો – મહાદેવની એપોઈન્ટમેન્ટ જોઈએ છે?

‘ના ના હમણાં તો કોઈ એપોઈન્ટમેન્ટ મળી જ શકે તેમ નથી. તમે એક કામ કરો, આ શ્રાવણ મહિના પછી ટ્રાય કરો કદાચ કંઈ જુગાડ થઈ શકે તો…’ એક મહાકાય ભક્તની વારંવારની અરજી પર આખરી નિર્ણય જણાવતા નંદીએ કહ્યું હશે. એવી ધારણા મૂકી શકીએ? હા મૂકી જ શકીએ ને, કારણ કે શ્રાવણ મહિનો એટલે નંદીના બોસ અને આપણાં બધાના પાલનહાર, દેવાધી દેવ મહાદેવનો સૌથી બીઝી શેડ્યુલના દિવસો. ફક્ત મહાદેવનો જ શું કામ, આખીય સૃષ્ટિના તમામ દેવો આ મહિના દરમિયાન જબરદસ્ત બિઝી થઈ જતા હોય છે.

ગામના એક એક પાળીયા પૂજાય અને દૂર દૂરના એક એક મંદીરમાં ભક્તજનો એ રીતે ઉમટી પડે જાણે પહેલાં વરસાદ પછી દેડકાં ડ્રાઉં-ડ્રાઉં કરતાં બહાર નીકળી આવ્યા હોય. અને તમે નહીં માનો પણ ક્યારેક કોઈ મહાદેવના મંદીરે જઈને ચકાસશો તો ખબર પડશે કે એવા એવા રમૂજી દ્રશ્યો જોવા મળે કે આપણને પોતાને આપણી જ શ્રધ્ધા પર શંકા થવા મંડે. આ સાલૂ, આ લોકો આટલી બધી ભક્તિ કરે છે, આટલી પૂજા કરે છે જાણે મહાદેવને હમણાં જ અહીં બોલાવી પોતાના ઘરે તેમની સાથે તેડી જવાના હોય. અને તેની સામે આપણે? આપણે તો આમાનું કંઈ જ નથી કરતાં. આપણે આસ્તિક છીએ જ નહીં કે શું? આપણે તો ભગવાનમાં માનતા જ નથી કે શું?

‘મારો તો નિયમ, શ્રાવણ મહિનો શરૂ થાય એટલે રોજ સવારે સૌથી પહેલાં મહાદેવના મંદીરે જવાનું, જળાભિષેક કરવાનો, દૂધનો અભિષેક કરવાનો અને પછી જ રોજના કામની શરૂઆત કરવાની.’ આવુ કહેતાં કેટલાંય લોકોના જબરદસ્ત કોમિક રોલ અમે મહાદેવ મંદીરે નિહાળ્યા છે. તમે ધ્યાન નહીં રાખો તો લપસીને પડો અને પગ કે પીઠના હાડકાં તોડી બેસો તેટલાં ભીના થઈ ગયેલા મહાદેવજીના મંદીરના એ ગર્ભગૃહમાં એક પછી એક ભક્તોની લાઈન લાગી હોય. કોઈ મહાદેવના શિવલીંગને ભેટીને પપ્પીઓ કરતું હોય તો કોઈક વળી ઉપરથી પડતી દૂધના અભિષેકની ધારને વિઘ્ન પહોંચાડી મહાદેવને હાથ ઘસી-ઘસીને સાફ સફાઈ કરતું હોય.
જો જો વળી રખે એમ માનતા કે અમે આ આર્ટિકલ દ્વારા તમને કોઈ OMG ફિલ્મ જેવા બોધપાઠો આપવાના છે કે, દૂધનો બગાડ, દાનપેટીના ધનની કાળાબજારી જેવા મુદ્દાઓ પર ભાષણ ચોપડવાના છીએ. આપણે તો આ શ્રાવણ મહિના બાબતે કેટલીક વાતો કરવી છે.

અમે પણ મન વચનથી પ્યોર-પ્યોર હિન્દુ છીએ અને ધર્મમાં માનનારા પણ ખરાં જ. પરંતુ એ બાબતે ઘણીયવાર કમ્પલેન થતી રહે કે તર્ક સમજ્યા વિના, પોતાનું લોજીક લગાડ્યા વિના બસ આંધળૂકિયા કર્યા કરવાનો ખરેખર કોઈ અર્થ ખરો? પેલી જૂની કહેવત ‘સાસૂએ ઢાંક્યુ આથી મેં પણ ઢાંક્યુ’ પ્રમાણે વર્તતા રહી આપણાં જ ધર્મ અને આપણી અતિદિર્ઘશીલ, તાર્કિક અને વૈજ્ઞાનિક એવી રીત-રસમોને આમ અભળાવી મારવાનો ગુનો આપણે શા માટે કરવો જોઈએ?

કેટલીક, સૉરી કેટલીક નહીં ઘણી એવી બાબતો છે જે ખરેખર આપણે જાણવાની અને સમજવાની જરૂર છે અને ત્યારબાદ તેને સાચા અર્થમાં અનુસરવાની જરૂર છે. જો આપણે સાચી દ્રષ્ટિએ પોતાની જાતને ધાર્મિક ગણાવવી હોય, ધર્મમાં માનનાર (જોકે અમારી દ્રષ્ટિએ તો ધર્મની વ્યાખ્યા પણ સદંતર ભિન્ન જ છે. આપણે જેને ધર્મ તરીકે ગણાવીએ છીએ તે સંપ્રદાયથી વિશેષ બીજું કંઈ જ નથી. પરંતુ ખેર, તે વિશે હમણાં અહીં વાત નથી કરવી. કારણ કે, એ ચર્ચા એટલી લાંબી છે કે આવા બે આર્ટિકલ માત્ર તે એક બાબતે કરી શકાય.) ગણાવવી હોય તો આ બધી બાબતો અંગે ચર્ચા કરવી અતિઆવશ્યક છે.

જેમકે, શ્રાવણ મહિનામાં મોટાભાગના દિવસો દરમિયાન એકટાણું કરવાની એટલે કે ઉપવાસ રાખવાની પ્રથા છે. તેમાં પણ ખાસ કરીને સોમવારે (જેને મહાદેવનો દિવસ ગણાવવાનું આપણે તૂત રાખતા હોઈએ છીએ.) ઘણાંય લોકો ઉપવાસ રાખતાં હોય છે. હવે અહીં રમૂજની વાત એ છે કે, આ બધાં ધાર્મિક ભક્તો ઉપવાસને દિવસે એકટાણું ખાતા હોવાના નામે રોજ ખાતા હોય તેના કરતાં પણ વધું આરોગી લેવાની મેન્ટાલિટી સાથે ઉપવાસ કરે છે. સવારે દૂધ અને સાથે ફ્રુટ, કેમ? અરે એકટાણું કરું છું ને…

પછી બપોરે ફરાળી ખીચડી અને સાથે શિંગોડાના લોટનો લાડવો કે શિરો. કેમ? અરે કહ્યું તો ખરૂં એકટાણું! બપોરે આમ તો કંઈ ખાતો નથી પરંતુ થોડું પેટ ખાલી જેવું લાગે અને આમતેમ કંઈ ખાઈ લેવાની ઈચ્છા નહીં થાય એટલે મોરી શીંગ અને એકાદ ફ્રુટ ખાઈ મૂકીએ. કેમ? અરે…. હા એ જ સમજી ગયાને તમે? અને સાંજે શું જરા ગરમ ગરમ શિરો અને સાબૂદાણાની ખીચડી હોય તો સારું પડે. આખા દિવસના ભૂખ્યા હોઈએ એટલે વધુ તો કંઈ ખવાય નહીં ને. કેમ? અરે યાર એકટાણું છે. કેટલીવાર કહેવાનું? ભક્તરાજે આ રીતના ઉપવાસ આખોય શ્રાવણ મહિનો કે સોમવારના દિવસે કર્યા હોય અને પોતે તથા ઘરવાળા બધાં જ ખુશ ખુશ થઈ ગયા હોય. ‘અમારો ગગો તો ભાઈ બઉં ધાર્મિક. આખો મહિનો એકટાણું કરે બોલો!’

હવે દરઅસલ આ શ્રાવણ મહિના દરમિયાન ઓછું કે એકટાણું કરવાનું કહેવા પાછળનો મૂળ ઉદ્દેશ એ છે કે, ચોમાસાની ઋતુ શરૂ થયાને લગભગ એક મહિના જેવો સમય થઈ ગયો હોય. વરસાદ અને વાદળાને કારણે સૂર્યના સીધા કિરણો રોજે રોજ આ ધરા પર અને આપણાં પર પડતાં નહીં હોય. આથી આપણી ડાયજેસ્ટીવ સિસ્ટમ એટલે કે પાચનતંત્ર નબળું પડી ગયું હોય અથવા ૧૦૦% કેપેસિટીએ કામ નહીં કરી રહ્યું હોય આથી આ સમય દરમિયાન જો તમે કાયમ ખાતા હોય તે જ પ્રમાણે બકાસૂરની જેમ ખાધે રાખો અને સંયમ નહીં જાળવો તો શક્ય છે કે ખાવાનાનું પાચન પૂરેપુરુ થાય નહીં જેને કારણે અપચની કે બીજી પેટની બિમારીઓ થઈ શકે. આથી નબળા પાચનકાર્યને કારણે પેટને અને પાચનતંત્રને થોડો આરામ રહે તેથી ઉપવાસ કે અલ્પભોજન અંગે કહેવામાં આવ્યું. પરંતુ આપણે એમ કોઈના કહે તો માનીએ નહીં તેથી તેની સાથે ધાર્મિક માન્યતાઓ જોડવામાં આવી કે, આ મહિના દરમિયાન ઉપવાસ કરવાથી પૂણ્ય મળે. કે જેથી લોકો એ બહાને પણ ઉપવાસ રાખે. પરંતુ આપણે તો…

એ છૂપાવવાની કે મોઘમ રીતે કહેવાની હવે જરૂર નથી રહી કે શ્રાવણ મહિનો શરૂ થવા પહેલાંની અમાસને લોકો ‘ગટરી અમાસ’ કહેતાં અને તે પ્રમાણે વર્તતા થઈ ગયા છે. મતલબ કે, આખાય શ્રાવણ મહિના દરમિયાન શરાબપાન નહીં થવાનું, નોનવેજ નથી ખવાવાનું આથી આ અમાસને દિવસે એટલું પીઓ, એટલું ખાઓ કે ટૂન થઈને ગટરમાં ગરકી જવાય. આથી તેને ‘ગટરી અમાસ’ કહેવાય છે. હવે આ બધાં બગભક્તોના લોજીક પાછળનો ઉદ્દેશ મને સાચે જ ક્યારેય સમજાયો નથી. મને કહો, ક્યારેય કોઈપણ જગ્યાએ તમે કોઈ એવો કાયદો જોયો છે કે, તમે અમૂક દિવસે ખૂન કરો તો તમારા પર ખૂનનો આરોપ અને પાપ નહીં લાગે અને અમૂક દિવસોમાં કે અમૂક ચોઘડીઆમાં કરો તો ખૂનનું મહાપાપ અને મહાગુનો લાગે? શક્ય જ નથી.

ખૂન ગમે ત્યારે, ગમે ત્યાં થયું હોય તે આખરે ખૂન જ છે. પરંતુ, તેમ છતાં શ્રાવણ મહિના દરમિયાન શરાબપાન અને નોનવેજની મનાઈ ફરમાવવામાં આવી, શા માટે? કે જેથી કરીને શરાબ પીવાની આદતને જેણે ખરાબ આદતની હદ સુધી વળગાડી લીધી હોય તેવા લોકો આ બહાને કમ સે કમ એક મહિના માટે દૂર રહે અને નોનવેજ નહીં ખાય તો કમ સે કમ એટલાં એક મહિના માટે જીવ હત્યા ઓછી થાય. આ કારણથી શરાબ અને નોનવેજની મનાઈ ફરમાવવામાં આવી. સાથે જ આ બંને વસ્તુ પચવામાં પણ ભારે ગણાય આથી પેલી નબળી પાચનક્રિયા અને પાચનતંત્રવાળી વાત તો ખરી જ. હવે આ લોજીકનો કંઈક અલગ જ રીત સંદર્ભ લઈ જવલ્લે જ પીતા કે કાયમ લિમીટમાં પીતા લોકો પણ શ્રાવણ મહિના દરમિયાન ત્યાગની ભાવનાના રંગે રંગાઈ જાય છે. (આ સંદર્ભે અમે શરાબપાનના હિમાયતી છે એવું રખે કોઈ માનતા.)

ભક્તિમાં વધારો, ધાર્મિક યાત્રા અને જપ-માળાઓના મણકાનો ઘસારો. હવે આ શ્રાવણ મહિનો એ જ એક માત્ર પ્રભુની કૃપા મેળવી લેવાનો મહિનો હોય તેમ લોકો એક સામટું આ મહિના દરમિયાન મંડી પડે છે. શિવ, વિષ્ણુ, માતાજી બધાં દેવોને પ્રાર્થવા. જાણે આ સિવાયના મહિના પછીના મહિનાઓમાં તમે પ્રર્થના કે ભક્તિ કરશો તો એનરોલ્મેન્ટ નહીં મળશે. અરે વ્હાલા. આ મહિના દરમિયાન ભક્તિભાવમાં વધુ રાચવાનું કહેવા માટેના ત્રણથી ચાર તર્કો છે. સૌથી પહેલાં તો એ કે તમારે ખાવા તરફ ધ્યાન ઓછું આપવાનું છે અને ઉપવાસ રાખવાનો કે અલ્પભોજન કરવાનો ઉદ્દેશ રાખવાનો છે. હવે પહેલાંના સમયમાં પુરૂષોમાં મહદઅંશે ખેતી અને સ્ત્રીઓમાં ઘરકામ સિવાય બાકી કોઈ મોખરાના કામ નહોતાં. આથી પુરૂષો ખેતીમાંથી પરવારી નવરા થઈ જાય અને ઉપવાસને કારણે ખાવાનું ખાસ બનાવવાનું નહીં હોવાને કારણે સ્ત્રીઓ પણ રસોડામાંથી નવરી થઈ જાય. પછી જો તેમના દિમાગને અને શરીરને કોઈ કામમાં વ્યસ્ત કરવામાં નહીં આવે તો બે જ કામ થશે. એક તો ઘરની વહુની ચાડી-ચુગલી અથવા પારકાં લોકો બાબતે પંચાત અને બીજું પેટની ભુખ યાદ આવશે અને કંઈકને કંઈક મોઢાંમાં ઓરતા રહેવાનું મન થશે. આથી સૌથી સરળ અને એવો તર્ક આપવાની કોશિશ કરવામાં આવી જેથી કોઈ વિરોધમાં સામે દલીલ નહીં કરી શકે.

બીજું લોજીક એ છે કે, પહેલાં આપણે શહેર વ્યવસ્થામાં નહીં પરંતુ ગામડાની ગૃહવ્યવસ્થામાં રહેતાં હતાં જ્યાં લાઈટ નહોતી, કાચા રસ્તા હતાં અને ટ્રાવેલના સાધન તરીકે કોઈ વાહન પણ નહોતા મતલબ કે પગપાળા પ્રવાસ કરતાં અથવા બળદગાડાં કે ઘોડાગાડી દ્વારા પ્રવાસ કરતાં હતાં. હવે આ શ્રાવણ મહિના દરમિયાનનો સમય એ સમય છે જ્યારે ચોમાસુ ઋતુ શરૂ થયાને લગભગ એકથી દોઢ મહિનાનો સમય થઈ ગયો હોય. આટલાં સમયમાં લગભગ બધાં જ જીવજંતુઓના ખાસ કરીને સરિશ્રુપ જીવોના દર પાણીથી ભરાઈ ગયા હોય જેને કારણે તેઓ બહાર ભટકતાં હોય શકે. ખાસ કરીને ખેતરોમાં કે ખેતરોની આસપાસ. હવે આવા સંજોગોમાં જ્યારે લાઈટ પણ નહીં હોય અને વાદળોને કારણે દિવસ દરમિયાન પણ ઓછાં અજવાળાવાળુ વાતાવરણ હોય એવામાં કોઈ (ખાસ કરીને વૃધ્ધો) બહાર નીકળે તો સાપ, વિંછી કે બીજા ઝેરી જીવો કરડી પડવાનું જોખમ રહે. આથી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. તો તેને માટે શું કરવું? કહો કે, ‘ભક્તિ કરો પૂણ્ય મળશે.’ આથી વધુ દલીલો નહીં આવે અને અવળચંડા, કહેલી વાત નહીં માનનારા લોકો પણ ધાર્મિક માન્યતાની વાત સાંભળીને ચૂપ થઈ જશે અને અનુસરશે.

અને સૌથી છેલ્લે, ખાવાનું કંઈ ખાસ છે નહીં, બહાર ભટકવા જવાનું પણ છે નહીં. તો સમયનો સદુપયોગ કઈ રીતે કરવો? આ માટે સૌથી શ્રેષ્ઠ વાત છે ઈશ્વરની પ્રાર્થના. આથી લોકોએ આ મહિના દરમિયાન ભક્તિ વધારી. બીજું કાળઝાળ ગરમીના દિવસો જોયા, જીવ્યા અને વિતાવ્યાબાદ વર્ષા ઋતુ આવી. આ તરસી ધરતીને જળથી ભીની કરી. આથી આવા સમયે સૌથી પહેલાં આભાર માનવાનો હોય શિવનો. શા માટે?

કારણ કે પોતાના શિરે ગંગા જેવા ધસમસતા પ્રવાહને ઝીલનાર અને ત્યારબાદ ધરતી પર મનુષ્યજીવનનિર્વાહ માટે આ પવિત્ર નદીને ધરતી પર વહેતી મૂકનાર શિવ-મહાદેવ છે. બીજું, પુરાણકથાઓ અનુસાર આ સંસારને, બીજા દેવોને નહીં ભોગવવું પડે તેથી સમુદ્રમંથન દરમિયાન ભગવાન મહાદેવે ઝરનો ગટગટાવી લીધું હતું. હવે આ ઝેર શરિરમાં જતાં જ એટલી ગરમી ઉત્પન્ન કરે છે કે, આપણે માનવીઓ કલ્પના પણ નહીં કરી શકીએ. અને આવી કાળઝાળ ગરમીમાં તેમણે પણ કેટલી તકલીફ ભોગવી હશે? જો આપણે ત્રાહિમામ થઈ ગયા હોઈએ તો ઝર ગટગટાવી જનાર મહાદેવને તો કેટલી તકલીફ થઈ હશે? આવી પ્રેમભાવનાને કારણે આ વિચાર માત્રથી તેમના પ્રત્યે આપણને એવી લાગણી જન્મે છે કે, નીલકંઠને સૌથી પહેલાં સંતૃપ્ત કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો તેઓને આરામ થશે. આથી આપણે આ મહિના દરમિયાન સૌથી પહેલાં શિવને આરાધીએ છીએ.

ભક્તિ કરો, કરવી જ જોઈએ. ઈશ્વરની આરધનાથી વિશેષ ગમતિલી બાબત બીજી કોઈ હોય જ નહીં શકે. પરંતુ એમ નથી લાગતું કે સમજી વિચારીને અને સ્વીકારીને તે કરવામાં આવે તો તેમાં વધુ મજા પડે. ક્યાંય કોઈ બાબત જબરદસ્તી જેવું નહીં લાગે! કારણ કે, મેં અનેક જુવાનિઆઓને જોયા છે જે વાત કરતાં હોય કે, ‘અરે યાર આ શ્રાવણમાં મારી દાદી છે ને, તે બળજબરીએ મંદીર ખેંચી જાય છે એટલે જવું પડે છે.’ ત્યાં જ બીજો મિત્ર કે બીજી ફ્રેન્ડ કહે, હા યાર મારા ઘરે પણ ગઈકાલે ભજન રાખ્યા હતાં કે સુંદરકાંડના પઠનનો કાર્યક્રમ રાખ્યો હતો એટલે મારે જબરદસ્તી ત્યાં બેસી રહેવું પડ્યું.’

આવી તો આખાય મહિના બાબતની પણ અનેક બાબતો છે જે સમજવા જેવી છે. રાંધણ છઠથી લઈને સિતળાસાતમ અને નાગપંચમી જેવા તહેવારો શા માટે ઉજવાય છે ત્યાંથી લઈને શિવ પૂજનનો મહિમા શું છે. ત્યાંસુધીની અનેક બાબતો છે જે ચર્ચવી જોઈએ સમજવી જોઈએ. પરંતુ એ બધાં વિશે લખવા બેસીએ તો કેટલાંય લોખો લખાય. કારણ કે, શ્રાવણના એક એક દિવસ પાછળ એક કહાણી છે. કારણો છે, લોજીક છે. પરંતુ આજે માત્ર મુખ્ય વાત કરી લીધી. જે સમજો તો ઠીક અને નહીં સમજો તો પણ ઠીક. અમારે ક્યાં કહેવું છે કે તમે અમે કહીએ તે પ્રમાણે જ જીવો. સમજો એટલું આપનું બાકી હરી હરી… આપણે ઘેંટાના ટોળા રચવામાં ક્યાં પાછા પડીએ જ છીએ.

લેખક : આશુતોષ દેસાઈ

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

ટીપ્પણી