મહાભારતની સમાપ્તિએ આ રહસ્ય જાણી અર્જૂન સ્તબ્ધ રહી ગયો ! તેનો અહંકાર થઈ ગયો ધ્વસ્ત !

મહાભારત એ વિશ્વના સૌથી મોટા કાવ્યમાંનું એક છે. વિશ્વ માટે આ કોઈ કાવ્ય હશે પણ એક હીંદુ માટે આ એક યુગ છે, એક જીવન ગાથા છે, જીવનનો ચિતાર છે અને તેમાં સમાયેલી ગીતા એ અત્યંત પવિત્ર ગ્રંથ છે.

ગીતાને આજે પણ ઘણા વિદ્વાનો દ્વારા જીવન માટે માર્ગદર્શનરૂપિ ગ્રંથ માનવામા આવે છે. આજના યુગમાં પણ જીવનની ઘણીબધી સમસ્યાઓના ઉત્તર તમને ગીતામાંથી જ મળી જાય છે. પણ મહાભારતના કેટલાક એવા રહસ્યો છે જે લોકો માટે અજાણ્યા રહી ગયા છે.

મહાભારતની આ હકીકત જાણી જેટલું આશ્ચર્ય અર્જુનને થયું હતું તેટલું જ તમને પણ થશે. મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું. અર્જુન અને કર્ણનો આમનોસામનો થઈ રહ્યો હતો. અર્જુન અને કર્ણ આમ તો સમકક્ષ યોદ્ધાઓ હતા ફર્ક માત્ર એટલો હતો કે કર્ણ અધર્મના પક્ષે લડી રહ્યો હતો જ્યારે અર્જુન ધર્મના પક્ષે લડી રહ્યો હતો અને માટે જ કૃષ્ણ તેની સાથે હતા.

અર્જુનના એક બાણના પ્રહારથી કર્ણનો રથ જોજનો દૂર પાછળ ધકેલાઈ જાય છે. સામે કર્ણ પણ તેટલાજ બળથી તીર છોડે છે અને અર્જુનનો રથ કેટલાએ ડગલા પાછળ ધકેલાઈ જાય છે. ત્યારે કૃષ્ણ અર્જુનના વખાણ કરવાની જગ્યાએ કર્ણની પ્રશંસા કરે છે. કેટલો મહાન યોદ્ધા છે ! આ કર્ણ, કે તેના એક તીરના પ્રહારથી આપણો રથ આટલો બધો પાછળ ધકેલાઈ જાય છે !

અર્જુન કૃષ્ણના આ ભેદભાવથી છંછેડાઈ જાય છે ! તેને મન પર લાગી આવે છે અને છેવટે તે શ્રી કૃષ્ણને પુછી બેસે છે કે મારા એક તીરથી તેનો રથ જોજનો દૂર જઈ પડ્યો અને તેના પ્રહારથી આપણો રથ માત્ર થોડા જ પગલાં પાછળ થયો તેમ છતાં તમે મારી પ્રશંસાની જગ્યાએ તેની પ્રશંસા કરો છો !

ત્યારે શ્રી કૃષ્ણ અર્જુનનો એ ભ્રમ તોડે છે કે તે કર્ણથી બળવાન છે. તેઓ તેને જણાવે છે કે કર્ણ તેના રથ પર એકલો છે જ્યારે અહીં તારા રથ પર હું એટલે કે કૃષ્ણ અને તારી ધ્વજામાં શ્રી હનૂમાન બીરાજમાન છે. જો અમે આ રથ પર ન હોત તો આજે આ તારો રથ ભસ્મીભૂત થઈ ગયો હોત. અર્જુનને વાસ્તવિકતાનું ભાન થતાં તે નત મસ્તક થઈ ગયો.

વાત અહીં પુરી નથી થતી. પણ મહાભારતનું યુદ્ધ જ્યારે પૂર્ણ થાય છે કૌરવોનો નાશ થાય છે. કર્ણ પણ મૃત્યુ પામ્યો હોય છે. પાંડવોનો વિજય થાય છે. તે વખતે યુદ્ધની છેલ્લી સંધ્યાએ કૃષ્ણ નિત્ય ક્રમથી ઉલટુ એક કૃત્ય કરે છે. સામાન્ય રીતે યુદ્ધ વિરામના બ્યુગલો ફૂંકાય ત્યારે રથમાંથી સૌ પ્રથમ શ્રી કૃષ્ણ પહેલાં ઉતરતાં અને ત્યાર બાદ જ એક સારથી તરીકે તેઓ અર્જુનને રથ પરથી ઉતારતા.

પણ યુદ્ધની છેલ્લી સંધ્યાએ શ્રી કૃષ્ણએ અર્જુનને પ્રથમ રથ પરથી ઉતરવા આદેશ કર્યો. અને ત્યાર બાદ પોતે રથ પરથી ઉતર્યા અને તેમણે જેવો રથ પરથી નીચે પગ મુક્યો કે તરત જ તે રથ કે જેણે ભલભલા યોદ્ધાના પ્રહારો જીલ્યા હતાં તે રાખ થઈ ગયો. આ દ્રશ્ય જોઈ અર્જુનને આશ્ચર્ય થયું. તે તેની પાછળનું કારણ જાણવા આતુર થયો.

ત્યારે શ્રી કૃષ્ણએ તેને તેનું રહસ્ય જણાવતા કહ્યું. કે હે અર્જુન તારો આ રથ તો ભીષ્મ, દ્રૌણાચાર્ય, કૃપાચાર્ય અને કર્ણ જેવા મહાન યોદ્ધાના દિવ્યાસ્ત્રોથી ક્યારનોએ નેસ્તનાબૂદ થઈ ગયો હતો, પણ મારા સંકલ્પે તેનું અસ્તિત્વ ટકાવી રાખ્યું હતું. આ વાસ્તવિકતા જાણી અર્જુનનું યુદ્ધ જિત્યાનું અભિમાન ચૂર થઈ ગયું.

મનુષ્ય હંમેશા એવા ભ્રમ એવા અહંકારમાં રહે છે કે તે જે કંઈ કરી રહ્યો છે અને તેનું જે કંઈ પરિણામ આવી રહ્યું છે તે માત્રા તેના પ્રયાસથી જ છે પણ તેવું નથી હોતું તેના પર હંમેશા ઇશ્વરકૃપા રહેલી હોય છે. મનુષ્યએ ક્યારેય અહંકરાનો ભાર પોતાના પર ન લાદવો જોઈએ તે જ તેના અસ્તિત્વનો અંત લાવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ