મગ ની દાળ નો હલવો – નાના મોટા કોઈપણ પ્રસંગે બનાવો આ ટેસ્ટી હલવો, બનાવતા શીખો વિડીઓ જોઇને…

મીઠાઈ એટલે આપણા ગુજરાતીઓ ની પેહલી પસંદ, ગમે તેવું નાનું સેલિબ્રેશન હોય કે તહેવાર હોય મીઠાઈ વગર તો પૂરું થાય જ નઈ. હવે તો હોળી પણ આવી રહી છે તો ચાલો આજે જોઈએ એક સરસ મજા ની મીઠાઈ – મગ ની દાળ નો હલવો. આ રેસીપી બનાવ માં થોડો સમય જરૂર લાગશે માટે તમારો સમય લઇ ને હલવો બનાવવાનો ચાલુ કરવો. સમય લાગશે પણ બનશે ખુબ જ સ્વાદિષ્ટ. ચાલો રેસીપી જોઈ લઈએ.
સામગ્રી:

૧ કપ ફોતરાં વગર ની મગ ની દાળ

૧ કપ ઘી

૨ કપ – દૂધ

૧ કપ – ખાંડ

કિસમિસ

બદામ ના ટુકડા

મગ ની દાળ ને ૪-૫ કલાક પાણી માં પલાળી ને રાખો અને ત્યારબાદ પેસ્ટ બનાવી લો. હવે એક નોન સ્ટિક પેન લઇ તેમાં ઘી નાખો , બધું ઘી ઓગળી જાય એટલે તેમાં મગ દાળ ની જે પેસ્ટ બનાવેલી છે તે નાખો. ઘી અને દાળ ને ૧૫ મિનિટ સુધી હલાવતા રહો. સતત હલાવતા રેહવું નઈ તો ગાંઠ પડવા લાગશે. ગેસ ધીમો જ રાખવો . ૧૫-૨૦ મિનિટ સુધી હલાવ્યા પછી જોઈ શકશો કે ઘી બધું પીવાઈ ગયું હશે. હવે ફરી થી હલાવવાનું ચાલુ રાખો ધીમે ધીમે ઘી છુટ્ટુ પડતું જશે. ધીમે ધીમે સતત હલાવ્યા કરો તમે જોઈ શકશો કે હલવો એકદમ પાતળો થઇ રહ્યો છે. અને કલર પણ ધીમે ધીમે બદલાવવા લાગશે. જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી હલાવો. હવે દૂધ નાખી અને હલાવો , સાથે ૧ કપ જેટલું પાણી પણ નાખી શકો. હવે હલવો ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવો. પછી ખાંડ નાખી ફરી થી હલાવો. ઘટ્ટ થઇ જાય એટલે બદામ ના ટુકડા અને કિસમિસ નાખી મિક્સ કરી લો.હવે બદામ ની કતરણ થી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરો. આશા છે તમને પણ આ રેસીપી પસંદ આવી હશે તો જરૂર થી બનાવજો અને તમારો અભિપ્રાય જણાવજો. ફરી મળીએ નવી રેસીપી સાથે.

નોંધ :

બને તો નોનસ્ટિક માં બનાવો, એલ્યૂમીનિયમ કે સ્ટીલ ની કડાઈ માં ચોંટવા લાગશે.

ગેસ એકદમ ધીમો રાખવો અને સતત હલાવતા રેહવું.

કેસર ની ફ્લેવર જોઈતી હોય તો અડધી વાટકી ગરમ દૂધ માં થોડું કેસર ઓગાળી અને હલવા માં દૂધ નાખો ત્યારે સાથે નાખવું.

રસોઈની રાણી : નિરાલી કોરાટ

વિડીઓ જોઇને રેસીપી શીખવા માટે અહિયાં ક્લિક કરો.