મદદ કરીશ ને..?? – પોતાની જરૂરિયાતને પહોંચી વળવા બે બાળકોની માતા મળવા તૈયાર થઇ જુના પ્રેમીને…

“મને વાત કર.. મન ભરીને વાત કર..

આ ડૂસકાં શમે ત્યાં સુઘી વાત કર”

ઉદાણી ઇન્ડસ્ટ્રીઝનો 35 વર્ષનો સૌમ્ય ઉદાણી આજે ઓફિસેથી વહેલો નીકળી ગયો. કરોડોનો વેપાર અને તેના હાથ નીચે ઓફિસમાં 50 થી 60 કર્મચારીઓ કામ કરતા હોય ત્યારે માલિક થઇને વહેલું નીકળવુ તેને પોસાય તેમ ન હતું, પણ આજનો દિવસ કંઇક અલગ હતો. આજના દિવસની રાહ તો તેને છેલ્લા 10 વર્ષથી જોઇ હતી. જે ઘડીની રાહ જોતો હતો તે ઘડી તો રાતે બાર વાગ્યા પછી આવવાની હતી, પણ તે ક્ષણની ખુશીની અધીરાઇમાં તે વહેલો છ વાગ્યે જ નીકળી ગયો.


ઘરે જઇને બાથટબમાં કલાક પડયો રહીને નહ્યો, પછી તૈયાર થયો, સારામાં સારું ક્રિમ અને સ્પ્રેથી જાતને સુગંધીત કરી, અરીસામાં જોઇને લાગ્યુ કે.. વાહ.. તન્વી ખૂશ થઇ જશે.. દસ વર્ષ પહેલા તે મારાથી રીસાઇને ગઇ હતી ત્યારે જેવો લાગતો હતો તેવો જ આજે લાગુ છું. તન્વીને મળવાની ખૂશીમાં આજે ભુખ પણ ન લાગી, જમ્યા વગર જ નવ વાગ્યે ગાડી લઇને નીકળી ગયો. તન્વીનું ઘર શહેરના બીજા છેડે હતું, ત્યાં પહોંચતા એક કલાક જેવો સમય લાગે તેમ હતું. આમ તો તેને મળવામાં ત્રણ કલાકની વાર હતી પણ તેણે વિચાર્યુ કે કદાચ ટ્રાફિક હોય તો મોડું થાય એટલે તે વહેલો નીકળી ગયો.

ડિસેમ્બરની જામતી રાત હતી. દસ – સવા દસ વાગ્યા સુઘીમાં રસ્તા ખાલી થઇ જતા. સૌમ્ય સાડા દસે તન્વીની સોસાયટીમાં પહોંચ્યો. સલામત જગ્યા જોઇને ગાડી પાર્ક કરી. સખત ઠંડી હોવા છતાં તન્વીના વિચારોથી તેના શરીરમાં ગરમી ચડી ગઇ. તે બેઠા બેઠા દસ વર્ષ પહેલાનું વિચારતો હતો. તે અને તન્વી કોલેજમાં સાથે હતા, એકબીજાના પ્રેમમાં હતાં, લગ્ન કરવાનું પણ નકકી જ હતું. સૌમ્ય વઘારે રોમેન્ટીક હતો. બન્ને એકલા મળતા ત્યારે કંઇક ને કંઇક અડપલા કરતો રહેતો. પણ તન્વી ના પાડતી.


લગ્ન કરવાના જ છે. પછી શું ઉતાવળ છે? તેમ કહીને સોમ્યને દુર રાખતી. સૌમ્ય મનમાં ધુંઘવાતો, પણ તન્વીને બેહદ ચાહતો હોવાથી માની જતો. એક દિવસ બન્ને લોંગ ડ્રાઈવ પર ગયા હતા. પાછા ફરતા રાત પડી ગઇ હતી.બહાર વરસાદ હતો. સૌમ્ય વઘુ રોમેન્ટીક બની ગયો. કાર એક સ્થળે ઊભી રાખીને તન્વીને પોતાની પાસે ખેંચી, તન્વી સમજી ગઇ કે બહારના વરસાદનું તોફાન સૌમ્યમાં આવી ગયું છે. તેણે સૌમ્યને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ સૌમ્ય પર પ્રેમની મસ્તી ચડી હોવાથી તે ન માન્યો.

તન્વી ગુસ્સે થઇ અને દરવાજો ખોલીને બહાર નીકળી ગઇ. સૌમ્યને ગુસ્સો આવ્યો કે, તન્વીને મારા પર વિશ્ર્વાસ નથી ? લગ્ન તો થવાના જ છે તો મારા પ્રેમમાં શું વાંઘો? તે પણ ગુસ્સામાં તેને બોલાવ્યા વગર ચાલ્યો ગયો. વરસતા વરસાદમાં તન્વી એકલી ઘરે પહોંચી. બસ ત્યાર પછી તે કયારેય મળી નહી. કોલેજમાં પણ આવવાનું બંઘ કરી દીઘું.સૌમ્ય એ કેટલીવાર બીજા સાથે સંદેશા મોકલ્યા, પણ તે ના માની. સૌમ્ય એ પણ ગુસ્સામાં તેને મનાવવાનું છોડી દીઘું.


કોલેજ પૂરી થયા પછી સૌમ્ય પિતાના ધંધામાં જોડાય ગયો, પરણી ગયો, પણ કયારેક તન્વીની યાદ આવી જતી. અઠવાડીયા પહેલા તેને તન્વી રસ્તામાં મળી ગઇ. તન્વી રહેતી હતી તે સોસાયટીમાં સૌમ્ય ગયો હતો ત્યારે તે મળી. તન્વીને જોઇને દસ વર્ષ પહેલાનો ઝઘડો ભૂલી ગયો અને તેને બોલાવી. તન્વીએ પણ ઉત્સાહથી વાત કરી. જાણે બન્ને વચ્ચે કંઇ થયુ જ ન હતું તેમ બન્નેએ વાતો કરી. સૌમ્યએ માફી માંગી પણ તન્વીએ કહ્યું કે, “હું પણ વધારે ગુસ્સે થઇ હતી, હવે માફી નથી માંગવી.. બઘુ ભુલી જા…”

ત્યારે સૌમ્યએ કહ્યુ કે, “તનુ… ભુલી કેમ જાઉં?? તને જોઇને પાછી તે જ લાગણી જન્મી છે. તું મને એકવાર ન મળી શકે ? બસ એકવાર મળને” તન્વીએ થોડો વિચાર કરીને હા પાડી. દુરથી પોતાનું ઘર બતાવ્યુ. તેનો પતિ અઠવાડીયા પછી બહારગામ જવાનો હતો એટલે તે રાતે તેણે સૌમ્યને ઘરે આવવા કહ્યુ. સૌમ્યએ હોટલમાં જવાની ઓફર કરી પણ તન્વીએ પોતાના બન્ને બાળકો કયાં મૂકવા તેમ કહીને ઘરે જ આવવાનું કહ્યુ.


આજે મળવાનું હતું. સૌમ્યને નવાઇ લાગતી હતી કે પ્રેમ વખતે મર્યાદામાં રહેતી તન્વી હવે લગ્ન પછી તેને મળવા કેમ તૈયાર થઇ ગઇ? પણ બધું વિચારવાને બદલે તે આવતી ક્ષણની રાહ જોવા લાગ્યો. બરાબર બાર વાગ્યેતે કારમાંથી બહાર આવ્યો. તન્વીની ઘર તરફ ચાલ્યો. વર્ષો જુના ખખડી ગયેલા એપાર્ટમેન્ટમાં તેનું ઘર હતું. તેના ફલેટ પાસે જઇને તેણે જરા બારણું ખખડાવ્યું, બારણું ખુલ્લુ જ હતું. જરાક ધકકો મારીને તે અંદર ગયો.જોયુ તો નાઇટ લેમ્પના આછા પ્રકાશમાં તન્વી ઉભી હતી. તેને જોઇને આવેગનો ઉછાળો આવ્યો… અને તેને ભેટી પડયો…

તેને ચુંબનોથી નવડાવી દીઘી. બે ચાર મિનિટ પછી શરૂઆતનો આવેગ શમતા તેનાથી દૂર થયો. તન્વીએ બારણું બંઘ કર્યુ અને લાઇટ કરી. બલ્બના અજવાળામાં તેના ઘરને જોઇને સૌમ્યને આધાત લાગ્યો. બે રૂમના જુના ઘરમાં સામાન પણ જુનો હતો. ઘરમાં બઘે ભીંતોના કલર ઉખડી ગયા હતાં જમીનમાંથી પણ પોપડા ઉખડેલા હતાં. પતરાની બે ખુરશીઓ, એક ટેબલ, રસોડાનો થોડો સામાન દેખાતો હતો. તેના બન્ને બાળકો આટલી ઠંડીમાં પણ જમીન પર ગોદડી પાથરીને સુતા હતા. તન્વી સૌમ્યને બીજા રૂમમાં લઇ ગઇ.


સૌમ્યએ પુછયું કે, ” આટલી ઠંડીમાં બાળકોને નીચે કેમ સુવાડયા છે ?” તન્વીએ જવાબ આપ્યો કે, “રોજ તો પલંગમાં જ સુઇ જાય છે પણ આજે તું આવવાનો હતો એટલે નીચે સુવડાવ્યા છે… પણ ચાલ એ બઘી વાત મૂકી દે.. હું તારા માટે પાણી લઇને આવું છું.. પછી તારી વર્ષોની ઇચ્છા પૂરી કરી લે” તેમ કહીને બહાર ચાલી ગઇ.

સૌમ્યએ જોયુ તો ટેબલ પર મકાન ભાડાની ચિઠ્ઠી, સ્કૂલની ફીની નોટીસ, લાઈટબીલ વગેરે પડયા હતાં. તે જોતો હતો ત્યાં તન્વી આવી. સૌમ્યને કહે. ” હવે એ બઘું ન જો.. મારા પતિનો પગાર ટુંકો છે એટલે કયારેક બીલ ભરવાના રહી જાય છે. તેની તો ચિંતા નથી.. પણ સ્કૂલનો ફી ભરવાની બાકી છે.. કાલે છેલ્લો દિવસ છે… પણ વાંઘો નહી, તું થોડી મદદ કરીશ ને…? ચાલ હવે પલંગ પર આવતો રહે.”


સૌમ્ય સમજી ગયો. મર્યાદામાં લપેટાયેલી પ્રેમીકાના પતનનું કારણ સમજી ગયો. બાળકો માટે તે પોતાને સમર્પિત થવા માટે તૈયાર થઇ છે તે સમજતા તેનો બઘો આવેગ ઠરી ગયો. તન્વીને પાસે બેસાડીને બઘું જ પુછયું. તન્વીએ રડતા રડતા તેના ઘરની ખરાબ હાલતની બઘી વાત કરી. તેને પતિની નોકરી પણ આ મહિનાથી છૂટી જવાની હતી તે પણ કહ્યુ. સૌમ્યએ તેને રડવા દીધી. પછી ખિસ્સામાંથી દસ હજાર રૂપિયા કાઢીને તેને આપ્યા અને કહ્યુ કે, “અત્યારે આટલા રાખી લે… કાલે બીજા રૂપિયા આપી જઇશ.. તારા પતિ આવે એટલે મારી ઓફિસે મોકલજે… બીજીવાર રૂપિયા માટે આવું ન કરતી” આટલું કહીને તે ચાલ્યો ગયો… તન્વી રડતી આંખે આભાર માનતી તેને જોઇ રહી….

લેખક : દિપા સોની “સોનુ”

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ