મારા લગ્ન – મારા રિવાજો – મારી સમજ

હા, સુધારો થયો છે, થયો જ છે અને જરૂર થયો છે, ખરાબ લાગે તો માફ કરજો પરંતુ આ સંદર્ભમાં એટલું તો કહેવું જ પડશે કે હવે મોટાભાગના કિસ્સાઓમાં જ્યારે છોકરાના મા-બાપ હવે ઘણાં ખરાં સુધરી ગયા છે ત્યારે છોકરીના મા-બાપ બગડી રહ્યા છે.

આપણે વાત કરી રહ્યા છે લગ્નના સંદર્ભમાં. જો કે હવે તો અરેન્જ મેરેજનો જમાનો બદલાઈ રહ્યો છે અને તેનું સ્થાન લવ મેરેજ લઈ રહ્યા છે. પરંતુ, લવ મેરેજનું એક્સેપ્ટન્સ પણ એટલું વધી ગયું છે કે છોકરા-છોકરી મળીને નહીં તો એ લોકોના મા-બાપ તે લવ મેરેજને પણ અરેન્જ મેરેજમાં પલ્ટાવી દેતા હોય છે. ‘હેં હેં હેં… આપણે તો છોકરાઓને ગમ્યું તે ખરું, અમે એવા નેરોમાઈન્ડેડ નહીં હં…’ જો કે આ વાક્યો અને અને ભાવના સારાં જ છે. ના નહીં. આમ જ હોવું જોઈએ. આખરે જિન્દગી તમારા છોકરા કે છોકરીએ તેના જીવનસાથી સાથે જીવવાની છે તમારે નહીં. પરંતુ…

પરંતુ… આ લગ્ન પ્રસંગ આવે એટલે સૌથી પહેલાં વાત અને વિચાર આવે વ્યવહારની. હા એ કબૂલ કે હવે વાંકડો, દહેજ જેવી પ્રથાઓ કેટલાંક બુડબક લોકો કે સમાજ સિવાય ખાસ રહી નથી. પરંતુ, હવે એક નવો સિરસ્તો શરૂ થયો છે. મેં આગળ કહ્યું ને તેમ છોકરાના મા-બાપ હવે ઘણાં ખરાં સુધરી ગયા છે ત્યારે છોકરીના મા-બાપ બગડી રહ્યા છે. ‘અરે, તમે નહીં કહી રહ્યા કે તમે નહીં લો એતો તમારી ખાનદાની કહેવાય પરંતુ, અમારે પણ એકની એક દીકરી છે, અમારી પણ કંઈક મહેચ્છા તો હોય ને!’ અથવા ‘જુઓ અમે કંઈ જ લેવામાં માનતા નથી, હવે જમાનો સુધરી ગયો છે સાહેબ, આપણે પણ સુધરવું પડશે. આ અમારો બાબલો ઘર માંડે ત્યારે તો આપણે તેને મદદ કરવી જ પડશે ને, બસ ત્યારે જોઈશું.’ એક મોટો ફર્ક એ પડ્યો છે કે હવે ફોડ પાડીને આંકડો નક્કી થતો નથી પરંતુ, આવા ઉપર મુજબના અનેક વાક્યોને અંતે મોઘમ રીતે પણ વ્યવહાર તો નક્કી થઈ જ જાય છે અથવા કરી દેવામાં આવતો હોય છે. આવી તો બીજી અનેક બાબતો છે. જેમાં ગીત ગવડાવતી વખતે વહેંચાતી લ્હાણી, પહેરામણી પ્રથા (ખાસ કરીને અનાવિલોમાં જોવા મળે, જો કે હવે આ પ્રથા લગભગ બંધ થઈ ચૂકી છે, થેન્ક ગોડ!), મોસાળીયા પૂજન, પુરી-વડા લાડવા (આ પ્રથા ગામડાઓમાં હજીય સુપેરે ચાલુ છે.) (હવે એવું કંઇ રહ્યું નથી એમ કહેનારા વાચકો કે મિત્રો પ્લીઝ એક્સક્યુઝ, રૂબરુ મળો તો ૨૦૦-૫૦૦ ફોટોગ્રાફ્સ અલગ અલગ લગ્નપ્રસંગના દેખાડી શકીએ છીએ, આ પ્રથાની ઉજવણી કરી રહ્યા હોય એવા) તો વળી આ બધાં સાથે જ વાંકડો (હવે નથી) વ્યવહાર અને કન્યાદાન કે લાડકાલાડુ.

ક્યારેક તમે કોઈ આવા પ્રસંગમાં હાજરી આપવા જાઓ ત્યારે જોજો. કે પરણી રહેલી દીકરીના મા-બાપ, વડીલો દ્વારા નક્કી કરવામાં આવેલા અથવા પોતે જાતે પસંદ કરેલાં જીવનસાથી સાથે તેમની દીકરી પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહી છે તે બાબતની ઉજવણી કરવાની જગ્યાએ હવે કયો વ્યવહાર કરવાનો છે, કઈ વિધીમાં કેટલાં કવર કોને આપવાના છે તે બધી પડોજણમાં જ પડ્યા હશે. અને તમે શું દીકરા કે દીકરીની માની આસ-પાસ ખભે પર્સ લટકાવીને ફરતી કોઈક એક હોંશિયાર દેખાતી સ્ત્રીને જોઈ છે? બસ આ જ… બસ આ જ એ એક્સપર્ટ ઓપીનિઅનવાળા બહેન. જે દીકરા કે દીકરીની મા કે બાપ જો ભૂલેચૂકે પણ પ્રસંગ એન્જોય કરવા તરફ વળે તો ત્યાંથી તેમને પાછા ખેંચી લાવી કાનમાં સમજાવશે કે, હવે જાન આવે ને ત્યારે જમાઈને અરઘવામાં આટલાનું કવર આપવાનું, વરરાજાની બાજુમાં કુંવારકા નણંદ બેઠી હોય તો તેને નાળીયેર અને આટલી રકમનું કવર આપવાનું. બસ થઈ રહ્યું. પેલી દીકરીની મા બિચારી જરાક આવી રહેલી જાનને જોઈ ખુશ થઈ રહી હોય, પોતાના ભાવી જમાઈને જોવા મથી રહી હોય ત્યાં જ આ વ્યવહારનું ચલકચલાણું ખોળામાં આવી પડે. હાસ્ય-ખુશી ફરી પાછું બધું બાજુ પર અને પેલાં બહેનના પર્સમાંથી કાઢેલાં કવર ગણાવા માંડે અને ચેક થવા માંડે.

પરંતુ, આપણે કોઈએ એ વિચાર નથી કર્યો કે, આ રિવાજો શા માટે ઘડાયા હતાં. તેની પાછળના કારણ કે લોજીક શું હતાં. શા માટે તેને લગ્ન પ્રસંગની વિધીમાં સામેલ કરી દેવામાં આવ્યા હતાં કે જેથી કોઈ તેનો અમલ કરવાની ના નહીં કહી શકે. અને આજે એ લોજીક કે કારણનું અસ્તિત્વ છે કે નહીં, આજે તે રિવાજ કે જે હવે એક બદી બની ચૂક્યો છે તેની ખરેખર જરૂર છે કે નહીં.

આપ આ મજેદાર પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. આવી બીજી પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

તમને નાના બધાં જ રિવાજો વિશે વાત કરીને ત્રાસ નથી આપવો પરંતુ કેટલાંક મુખ્ય રિવાજોની અહીં વાત કરી લઉં તો, સૌથી પહેલાં આ છોકરીવાળા પક્ષે કન્યાદાનના નામે કરવો પડતો વાંકડો કે હવે ના સમયમાં વાંકડો નહીં પરંતુ વ્યવહાર અથવા છોકરી પરણાવવાના ઉત્સાહના નામે થતો વ્યવહાર શા માટે હતો અથવા છે? તો હે મારા બુધ્ધિજીવી મિત્રો પહેલાંના સમયમાં આ વ્યવહાર કે વાંકડો લગ્નપ્રસંગમાં દાખલ કરવામાં આવ્યો હતો કારણ કે, પહેલાંના સમયમાં આપણો મોટાભાગનો સમાજ ખેતી પ્રધાન હતો. ખેતી પર જ પોતાનું જીવન અને સંસાર નભતો હતો. અને તે ખેતી પણ મહદઅંશે કુદરતી સંજોગો પર આધારિત હતી. આથી શક્ય છે કેટલાંક વર્ષો તે ખેતી નબળી જાય, વરસાદ નહીં આવે અથવા બીજા પરિણામોને કારણે તેમાં ધારી આવક નહીં થાય તો દીકરીના ઘરવાળાને આર્થિક સંકટ વેઠવો પડે અને સરવાળે પોતાની દીકરીને તથા જમાઈને કે સંતાનોને આર્થિક સંકળામણ વેઠવી પડે. હવે આવું કંઈ નહીં થાય તેથી સંકટ સમયની સાકળ તરીકે આ લગ્ન પ્રસંગે કરવામાં આવેલો વ્યવહાર એટલે કે, નાણાં કે સોનાના ઘરેણાં કામમાં આવે જેને વેચીને અથવા વાપરીને દીકરી પોતાનું ઘર ચલાવી શકે. તેવી શુભભાવના સાથે આવ્યવહાર દાખલ કરવામાં આવ્યો હતો.

હવે એમાં પણ દીકરાના લગ્ન કરતી વખતે દીકરાના બાપની સાથે તેના વડીલો આ વ્યવહારનો આંકડો નક્કી કરતાં હતાં કારણ કે, દરેક કુટુંબની આર્થિક વ્યવસ્થા, ત્રેવડ અલગ-અલગ હોય અને ઘરખર્ચની આદત કે મર્યાદા પણ અલગ અલગ જ હોવાની. તેથી સામાજીક દરજ્જો કે આર્થિક દરજ્જાના હિસાબે છોકરીએ આ સંકળામણના સમયે પણ ઘર ચલાવવું પડે તેથી. છોકરાવાળાના ઘરના હિસાબે આ આંકડો નક્કી થતો. મહદાંશે તે આંકડો એ રીતનો રાખવામાં આવતો કે જેથી એક યા બે વર્ષ આવી કોઈ મુશ્કેલી આવે તો આ વ્યવહારમાંથી ઘર ચાલી શકે.

હવે આજના જમાનામાં નથી એવી ખેતી રહી કે નથી આવી કોઈ અનિસ્ચિત આર્થિક મુશ્કેલીના મોટાં કારણો રહ્યા. હાલનાં સંજોગોમાં મોટાભાગે પરણનારી છોકરી પણ ૨૫-૩૦ હજારની નોકરી કરતી હોય અને પરણનારો છોકરો પણ ૫૦-૬૦ હજારની નોકરી કરતો હોય. (આર્થિક પરિસ્થિતિ પ્રમાણે અફકોર્સ આ આંકડો ઓછો વધતો હોવાનો.) અને સલામ છે એ બાબત પર કે મોટાભાગના છોકરાના મા-બાપ પણ આ બાબતે ઘણાં સુધરી ચૂક્યા છે પરંતુ તેઓ સુધર્યા છે તો હવે છોકરીના મા-બાપનો ઉત્સાહના નામે નવું તૂત શરૂ થયું છે. ‘ના ના તમે ભલે ના કહો પરંતુ અમે પણ અમારી દીકરી પરણાવી રહ્યા છીએ ને, તો અમે તો કરશું જ, તેમાં વળી પાછે તમે ના નહીં કહેતા, પલીઝ!’ આવું આવું કહીને હાથે કરીને ખાંડણીયામાં માથું નાખતા હોય છે.

બીજું, મોસાળીયા પૂજન, હવે આ સંદર્ભે લોજીક કંઈક એ પ્રકારનું હોવું જોઈએ કે, પહેલાંના સમયમાં મોટા ભાગના છોકરા અને છોકરી મોસાળમાં રહીને જ મોટ થતાં હતાં, મામાના ઘરે. તો આ સમય દરમિયાન સ્વાભાવિક રીતે જ મામા-મામીને ઓછો-વધતો ખર્ચ પણ થયો હોય જ. તો આ એક પ્રસંગ છે કે તેમણે પોતાના ભાણેજ પરત્વે બજાવેલી આ ફરજને બિરદાવવામાં આવે અને ફૂલ નહીં તો ફૂલની પાંખડીના હિસાબે પૂર્ણ ખર્ચ નહીં તો કંઈક થોડા આર્થિક વ્યવહાર દ્વારા તેમને તે પરત કરવામાં આવે, સાથે જ માન-મરતબો આપવામાં આવે કે તમે અમારી દીકરી કે દીકરા માટે જે કંઈ કર્યું તે માટે અમે આપના ઋણી છીએ. બીજું એક લોજીક એ હોય શકે કે, દીકરીના મોસાળવાળા હંમેશા તેના સાસરી પક્ષ સામે માથું નીચું રાખીને જ વ્યવહાર કરતા આવ્યા હોય, તેમને માન-મરતબો ખાસ મળ્યા નહીં હોય તો આ એક પ્રસંગને બહાને તેમનું પૂજન કરીને તેમને પણ માનથી આવકારવામાં આવે. તેમની પણ પરોણાગત કરવામાં આવે તો તેમને પણ આ પ્રસંગે આનંદની લાગણી મહેસૂસ થાય. ઘરની વહુ એટલે કે, દીકરીને પણ એવો આનંદ થાય કે મારા મામા-મામીને મેં સુંદર રીતે આ પ્રસંગમાં જવાજ્યા. વળી બીજું એક લોજીક એ પણ ખરું કે, દૂર ગામડેથી દીકરી કે દીકરાના મામા-મામી પોતાનો ખર્ચ ઊઠાવી આપણાં આ પ્રસંગમાં આવ્યા છે તો તેમને આ અંગે કોઈ આર્થિક બોજો નહીં પડે આથી કમ સે કમ આવવા જવાના ખર્ચ જેટલાં નાણાં તો આ વ્યવહારની દ્રષ્ટિએ તેમને કરી લઈએ. (કારણ કે, પહેલાંના સમયમાં જ્યારે વાહનવ્યવહાર સુલભ નહોતો ત્યારે પોતાના ગાડાં જોતરી તેમણે એક ગામથી બીજે ગામ આવવું જવું પડતું હતું જેમાં એક, બે કે ઘણીવાર ત્રણ-ત્રણ દિવસનો સમય લાગી જતો.)

હવે આજે, શું ખરેખર આ બધાં લોજીક એક્ઝિસ્ટ કરે છે ખરાં? હા, તેમને માન આપવાની, તેમના ઋણ સ્વીકારની બાવના સુધી વાત ૧૦૦% એક્સેપ્ટેબલ. અને તે બાબતે તેમનું પૂજન થવું જ જોઈએ. પરંતુ તેમાં આર્થિક વ્યવહાર વચ્ચે લાવવો ખરેખર આવશ્યક રહ્યો છે ખરો?

ત્રીજું અને આજના આ લેખનો વાચકમિત્રોને છેલ્લો ડોઝ, તે પુરી-વડાં લાડવાનો વ્યવહાર. (આગળ કહ્યું તેમ, કોઈ એવું કહેતાં નહીં કે હવે આવું કંઈ રહ્યું નથી. જે ઘરોમાં વડીલો બેઠાં છે ત્યાં હજીય આ વ્યવહાર ઓછા-વધતાં અંશે “શુકનનું થોડું તો કરવું પડે!”ના નામે હજીય આ ચીલો ચાલે જ છે.) આ વ્યવહાર આપણાં પ્રસંગમાં શરૂ કરવા પાછળનું લોજીક એ હતું કે, પહેલાંના સમયમાં જ્યારે વાહનવ્યવહાર સુલભ નહોતો ત્યારે જાનવાળાએ પોતાના ગાડાં જોતરી એક ગામથી બીજે ગામ (લગ્નપ્રસંગ હોય તે સ્થળ સુધીની સફર) આવવું જવું પડતું હતું જેમાં એક, બે કે ઘણીવાર ત્રણ-ત્રણ દિવસનો સમય લાગી જતો. હવે આવા સમયમાં રસ્તામાં ખાવાનાની જરૂર પડે જ, અને તે સમયે ક્યાંય પોતાનું રસોડુ ઊભું કરીને જાનૈયાઓ માટે ખાવાનું બનાવવામાં આવે તેવા સંજોગો નહોતા કે તેવી પડોજણ ઊભી કરવામાં બધાને ખૂબ તકલીફો ઊભી થઈ શકે આથી, દીકરીના મા-બાપ આ પુરી-વડાં, લાડવા સાથે કરી આપતા જેથી દીકરીને અને તેના સાસરાવાળાને અને જાનૈયાઓને રસ્તામાં ખાવાની તકલીફ ઊભી નહીં થાય.

આજના જમાનામાં લગ્નપ્રસંગે હાજરી આપવા કોઈ અમેરિકાથી પણ આવ્યું હોય તો લગ્નપ્રસંગના હોલની બહાર નીકળે ત્યાંથી લઈને અમેરિકાના તેમના ઘર સુધી પહોંચે ત્યાં સુધીમાં જે જોઈએ તે અને જેવું જોઈએ તેવું આસાનીથી મળી રહેતું હોય છે તો નજીકના કે એક ગામથી બીજે ગામ આવેલા સગાંવ્હાલાઓની તો વાત જ ક્યાં કરવી. તો હવે આવા સંજોગોમાં પણ શું શુકનના નામે સવાશેરનો લાડવો બનાવવાની પણ જરૂર ખરી? ઉલ્ટાના હવે તો આપણી શારિરીક કન્ડીશન એવી થઈ ગઈ છે કે કદાચ આ લાડવો કે મેંદાની પુરી ખાઈ લઈએ તો કદાચ બીજા દિવસનો મહત્તમ સમય શૌચાલયમાં ગુજારવો પડે. તો ખરેખર પેલાં “શુકનનું તો કરવું પડે” એમ કહેતા વડીલની વાતને અનુસરવાની જરૂર ખરી?

આ તો મારો મત મેં આપની સાથે વહેંચ્યો. બાકી પ્રસંગ આપનો, ઈચ્છા આપની, પૈસા આપના અને વ્યવહાર પણ આપનો જ. આપણે કેટલાં ટકા!

(નોંધઃ ઉપર ચર્ચેલા તમામ વ્યવહાર પાછળના લોજીક આ લેખકે તેની વિવેકબુધ્ધિ અનુસાર વિચાર્યા છે, શક્ય છે જે-તે વ્યવહાર પાછળનો તર્ક અલગ પણ હોય શકે. મારા વાચકમિત્રો હોંશિયાર છે અને વિવેકશીલ છે પણ છે. આપણને સમજવા અને સ્વીકારવા જેવું લાગે એટલું ગ્રહણ કરવાની કોશિશ કરીએ બાકી તો સ્વચ્છતા અભિયાન ચાલે જ છે, બાજૂમાં દેખાતા ડસ્ટબીનમાં પધરાવી દેવાનું. કોણે રોક્યા છે!)

લેખક :- આશુતોષ ગીતા