‘મા’ કેવી હોય ..? – સગાઈના થોડાક જ દિવસમાં બને છે એક ઘટના અને બંને થઇ જાય છે અનાથ…

“આંખ ફરતે પાતળું ઝાકળ છવાતું જાય છે.. લે, ફરી આ લાગણીનું ઘર રચાતું જાય છે…”

“સેજલ… અહીં આવ તો દીકરી…” કાકાના શબ્દો સાંભળતા, 20 વર્ષની સેજલ કાકાના પાંચ વર્ષના દીકરા અંશ સાથે પત્તા રમતા રમતા ઊભી થઇ અને ફળિયામાંથી ઘરમાં ગઇ. જોયું તો કાકા-કાકી, મમ્મી-પપ્પા કોઇ શિખર મંત્રણામાં હોય તેવું લાગ્યું. આમ તો બહારગામ રહેતા કાકા-કાકી અચાનક ઘરે આવ્યા ત્યારે જ સેજલને નવાઇ લાગી હતી સેજલના કાકા-કાકી નોકરીના કારણે જ બહારગામ રહેતા હતા. ઘર જ જુદા થયા હતાં, દિલ નહી. મહિને એકવાર તો તે મોટાભાઇના ઘરે આવતા જ.. આમ તો રોજરોજ ફોન પર બન્ને ઘરની બધી જ વાતો બધાને થઇ જતી… સેજલને પણ નાનો ભાઇ અંશ બહુ વહાલો..

image source

અચાનક કાકા-કાકી આવ્યા તો સેજલને લાગ્યુ ખે કોઇ ગંભીર વાત છે સેજલ અંદર રૂમમાં ઊભી રહી. કાકાએ બાજુમાં બેસાડી, વાત શરૂ કરતા પહેલા તેનો હાથ લાગણીથી થપથપાવ્યો. માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, “જો બેટા… હવે તું વીસ વર્ષની થઇ… દીકરીને કયાં સુધી ઘરમાં બેસાડી રાખવી ? દીકરીને તો સમય આવે એટલે સાસરે વળાવવી જ પડે… અમારા માટે તું દીકરી છો એટલે નાની જ છો… પણ દુનિયાની નજરમાં તું મોટી થઇ ગઇ છો.. તારુ રૂપ, તારી સુંદરતા, તારી આવડત આપણી નાતમાં વખાણાય છે… તારા માટે વાત આવી છે એટલે અમે અચાનક અહીં આવ્યા છીએ.”

સેજલ નીચું જોઇ ગઇ. કંઇ ન બોલી… કાકીએ વાત આગળ વધારતા કહ્યું, “દીકરી, તારા મમ્મી-પપ્પા તો તને વળાવવાની વાતથી જ ઢીલા થઇ ગયા છે, તે કંઇ નહી બોલી શકે , તું કંઇક કહે… તારા મનમાં… ” સેજલે ઢળેલી આંખ વધારે ઢાળી દીધી. ઓઢણીનો છેડો આંગળી પર વિંટાળતી રહી… કાકી સમજી ગયા કે જુવાન દીકરીના દિલમાં જરૂર કોઇનું ઘર છે. તે સેજલનો હાથ પકડીને બાજુના રૂમમાં લઇ ગયા. સેજલે કાકીને સંભવની વાત કરી તેમની જ નાતનો સંભવ બધી જ રીતે સારો હતો. ઘર પણ નજીકમાં જ હતું, કાકીએ હરખાઇને સેજલને ગળે લગાડી દીધી.

image source

કાકીએ બધાને વાત કરી અને બીજા દિવસે ચારેય જણા સંભવના માતા-પિતાને મળવા ગયા. સંબંધ પાકો થઇ ગયો. ચાર દિવસ પછી સગાઈ નક્કી કરવામાં આવી. કાકી-કાકી રોકાઇ ગયા ચાર દિવસ આનંદમાં વીતી ગયા, સગાઇ થઇ ગઇ. સગાઇના બીજા દિવસે સેજલના મમ્મી-પપ્પા, કાકા-કાકી કુટુંબના દેવસ્થાને દર્શન કરવા ગયા. કારમાં ચારેય જણ ગયા. સેજલ અને અંશ ઘરે રહ્યા. રસ્તામાં ચારેય જણા લગ્નની ખરીદીની વાતો કરતા હતા. કાકીના મોઢામાં શબ્દ હતા કે…, “લગ્નની ખરીદીની શરૂઆતમાં લાલ રંગની સાડી ખરીદશું..

લાલ રંગ શુભ કહેવાય ને..? ” … અને.. વિધાતાને તો રંગનું જ મહત્વને… લાલ રંગ સાડીનો હોય કે લોહીનો… વાતોમાં ધ્યાન આપતા કાકાથી ગાડીનું બેલેન્સ ન રહ્યું અને ગાડી પલટી ખાઇ ગઇ.. પાછળથી આવતા ટ્રકના તોતિંગ પૈંડા ચારેય પર ફરી વળ્યા… રસ્તો આખો લાલ થઇ ગયો.. મમ્મી અને કાકીની સાડી પણ… દીકરીને વિદાઇ આપવાની હતી ત્યાં ચારેયને વિદાઇ આપવી પડી ચારેય જણા સ્વર્ગની યાત્રાએ નીકળી પડયા…. અને પાછળ રહી ગયા બે જીવ… નર્કની યાતના ભોગવવા… વીસ વર્ષની સેજલ અને પાંચ વર્ષનો અંશ..

image source

થોડા દિવસ શોકમાં વિત્યા… બે મહિના પછી કુટુંબના કોઇ માસી આવ્યા. અને સેજલને સમજાવી કે તારા લગ્નતો જનારા નકકી કરી ગયા છે. તારે લગ્ન કરી લેવા જોઇએ. સેજલે આંસુ સાથે અંશ સામે જોયું…. તો માસી પાસે તેનો જવાબ પણ તૈયાર જ હતો… “અંશને હોસ્ટેલમાં મૂકી દે… ખર્ચો આપી દેજે… કે પછી કોઇ આશ્રમમાં મૂકી દે…” તે રાત્રે અંશ સેજલને વળગીને રડતો રહ્યો. “દીદી… મમ્મી-પપ્પા તો ગયા… તું પણ મને મૂકીને જતી રહીશ…?” અને સેજલે નિર્ણય લઇ લીઘો. બીજા દિવસે સંભવને વાત કરી..

તો તેને તો વિશ્ર્વાસ જ ન આવ્યો…. ચાર વર્ષ જુનો પ્રેમ અને બે મહિના પહેલા સગાઇ… પ્રેમનો છોડ હવે થોડા દિવસો પછી વૃક્ષ બનવાની તૈયારીમાં હતો અને સેજલ તેને ઉખેડી નાખવા આવી હતી. તેણે સેજલને ખભેથી પકડીને હચમચાવી નાખી… “સેજલ સેજલ… તું શું બોલે છે ??? તને મારા પર વિશ્ર્વાસ નથી ?? અંશને આપણી સાથે જ રાખશું..” “ના.. સંભવ… એ ન બને.. અંશ મારી જવાબદારી છે.. હું તેને મૂકી ન શકું.. મને ભૂલી જજે… તને તો બીજી કન્યા મળી જશે… પણ અંશને બીજી દીદી નહી મળે…” અને આંખમાં આંસુ પણ લાવ્યા વગર તે પાછી ફરી ગઇ. દિલમાં વહેતા પ્રેમના ઝરણાનું સ્થાન મમતાએ લઇ લીઘું. સંભવ પર ઢોળવાના પ્રેમને મમતા બનાવી અંશ પર ઠાલવી દીઘો.

image source

પૈસા તો હતાં એટલે આર્થિક ચિંતા ન હતી. બસ “મા” બનીને અંશને ઉછેરતી રહી. પરણેલી દીદી બનવાને બદલે કુંવારી ‘મા’ બનીને રહી ગઇ. અંશની ખુશી, તેની કાળજી, તેનું ભણતર.. બસ એ જ તેનું કામ… સામે અંશ પણ હોશિયાર.. ભણવામાં અવ્વલ… સ્પોર્ટસમાં પણ આગળ… 20-20 વર્ષ નીકળી ગયા… સેજલ મર્યાદાપૂર્ણ જીવતી રહી… શરૂઆતમાં તેના વિશે આડું બોલનારા મોઢામાં આંગળા નાખી ગયા. સંભવે પણ પ્રેમ નિભાવ્યો… કયારેય સેજલને મળવાનો પ્રયત્ન ન કર્યો… સાથે સાથે દિલમાંથી પણ તેને દુર ન કરી… મૂક પ્રેમી બનકને રહ્યો. દસ ઘર જ દૂર રહેતો, પણ કયારેય સેજલની સામે ન આવતો. લગ્ન કર્યા વગર સેજલની યાદ દિલમાં લઇને જીવતો રહ્યો. સેજલને એક જ વાતનું દુ:ખ હતું કે અંશ તેને દીદી જ કહેતો… તેને થતું કે અંશ તેને ‘મા’ કહે.

અંશ મોટો થયો, ભણી રહ્યો.. અને બેંકની પરિક્ષામાં પાસ થયો.. જે દિવસે બેંકનો એપોઈન્ટમેન્ટ લેટર લેવા ગયો તે દિવસે સેજલની ખુશી સમાતી ન હતી. પેંડાનું બોક્ષ લઇને બધે વહેંચવા નીકળી. પાડોશીઓના ઘરે જઇને મોઢું મીઠું કરાવ્યું. દસ ઘર દૂર જ સંભવ બારણું ખોલીને તેની રાહ જોતો ઊભો હતો… સેજલે તેને પણ પેંડો આપ્યો. “સેજલ.. હવે તારી સાધના પૂરી થઇ.. હવે તો મારા જીવનમાં આવી જા…” સંભવે પ્રેમ છલકતી આંખે કહ્યું. “ના… સંભવ… આટલા વર્ષે હવે એવું ન થાય… અંશને કેવું લાગે ..?” “પણ… તે કયાં તને મા માને છે ?? દીદી જ કહે છે ને..? અને સાચું જ છે ને… તું કયાં તેની મા છો ???”

image source

સંભવની વાતનો જવાબ આપતો હોય તેમ અંશ સામેથી દોડતો આવતો હતો.. સેજલને જોઇને એપોઈન્ટમેન્ટ લેટર તેના પગ આગળ મૂકીને ‘મમ્મી’ કહીને વળગી પડયો. સેજલની આંખમાં ખુશીનો સાગર ઉભરાયો. સંભવ સામે જોઇને કહે… “હજી તું એમ જ કહીશ કે હું તેની દીદી છું… ‘મા’ નહી ?? મા આવી ન હોય તો કેવી હોય.. ? ” સંભવે કંઇ બોલ્યા વગર અંશને આશીર્વાદ આપ્યા…

લેખક : દિપા સોની “સોનુ”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ