મા હું તારો પડછાયો – દિકરીને ભલે પપ્પા સૌથી વ્હાલા હોય પણ લગ્ન પછી જ તેને તેની મમ્મી બહુ યાદ આવે…

મારી વ્હાલી મમ્મી,

હું અંશિકા, પત્ર જોઈને તને થયું હશે કે આ મારી મસ્તીખોર ઢીંગલી એ પત્ર શા માટે લખ્યો કોઈ શરારત તો નથીને…બરાબરને…પણ મમ્મી હવે તારી આ ઉછળતી કુદતી મસ્તીખોર ઝરણાની જેમ વહેતી ઢીંગલી શાંત સ્થિર સરિતા બની ચુકી છે… તારું આંગણું છોડ્યાને આજે ત્રણ મહિના થઈ ગયા.. હા તારુજ ઘર,.. મારું તો હવે પિયર થયુંને… અરે જો જે કાગળ પલળે નહી હા…પહેલા તારા પાલવના છેડા થી તારી ઉભરી આવેલી આંખો લુછી નાંખ જેમ તું મારી લુછતી હતી ને એમ… તારા આંસુઓથી કાગળ પર સહી ફેલાઈ જશે…અને અક્ષરો વિખેરાઈ જશે ..આ કાગળમાં ઘણું એવું છે જે મેં ક્યારેય તને કહ્યું નથી..અને આજે કહેવું છે…


મારા ઘરમાં મારા પગલા પડ્યા એને આજે ત્રણ મહિના થયા…. વિદાઈ વખતે છેલ્લી વાર મારા ઘરને જોયેલું એ વાતને ત્રણ મહિના થઈ ગયા… તારા ખોળામાં માથું રાખી સુવા ને ત્રણ મહિના થઈ ગયા… ઘરમાં આવતાંજ દુપ્પટો સોફા પર ફેંક્યાને ત્રણ મહિના થઈ ગયા…. સવારમાં તૈયાર થતી વખતે સ્પીકર પર મોટા આવજે ગીતો સાંભળ્યાંને ત્રણ મહિના થઈ ગયા… પગની ઠેસમારીને ફાસ્ટ હિંચકા ખાધા ને આજે ત્રણ મહિના થઈ ગયા… અંશુ નામ સાંભળ્યાને આજે ત્રણ મહિના થઈ ગયા… રડવું આવ્યુંને …મને પણ …

મમ્મી જો જે તારા અતિશય લાગણીશીલ સ્વભાવવશ એવું બિલકુલ વિચારતી નહી કે હું અહિયા ખુશ નથી કે મને કોઈ વાતની તકલીફ છે.. અહીંયા બધાજ બહુ સારા છે…મારું ધ્યાન પણ ખુબજ રાખે છે. અને આ તો હવે મારુજ ઘર છે પોતાના ઘરમાં વળી દુ:ખ શાનું હોય..પણ આતો યાદ આવી ગયું એટલે કહ્યું… મમ્મી તું જયારે મામાના ઘરે રહેવા જવાનું કહેતી ત્યારે હું ના પાડતી “કે આમ રજાઓ પડે એટલે મામાના ઘરે શું રહેવા જવાનું? મારે નથી આવવું તું જા..” અને મને મુકીને તું ક્યારેય જ્તી જ નહી થોડીવાર તારો ચહેરો નિરાશ દેખાતો પણ પાછી તું રોજની જેમ બધા કામોમાં લાગી જતી..તારી એ નિરાશા નું કારણ આજે મને સમજાય છે…


મને રસોઈ અને ઘરકામ શીખવાડવા તું મને કેટલીયે વાર ટોક્યા કરતી અને હું ચિડાઈ જતી તારી પર કે હવે હું તને ગમતી જ નથી તને તો ભાઈ જ ગમે છે છોકરી છું ને એટલે ,,, ક્યારેક તો પપ્પા ને તારી ફરિયાદ કરતા કહી પણ દેતી … કે મારે હવે રહેવું જ નથી આ ઘરમાં… તારી આ નાની મોટી રોકટોક પાછળ રહેતી મારી માટેની ગાઢ ચિંતાને મેં આજે ઓળખી છે.

મને ઘર બહારની દુનિયાનો પરિચય પપ્પાએ કરાવેલો અને એની માટે પપ્પાએ મને ઘડી છે… મને પગભર બનાવી એ વિચારીને હું તને કદાચ અવગણતી જ રહી … તું કંઈ પૂછે તો પણ હું કહી દેતીને કે “તને કંઈ ખબર ના પડે.. આ તારા ઘરનું કામ નથી” હું બહુજ ખોટી હતી મમ્મી ખરેખર ખબર તો મને નોહતી પડતી એ વખતે કે પગભર બનવા માટે મારી નાની નાની પગલીઓમાં મોટા વિશ્વાસના પગલા તારા હતા.. તે મારી માટે નોકરી નહોતી કરી કે મારો સારી રીતે ઉછેર કરી શકે અને મને સ્વનિર્ભર બનાવી શકે.. મને હજીયે યાદ છે, તૈયાર થઈને મને ઓફીસ જતા તું જોતી ત્યારે મારા કરતા તારી આંખોમાં આત્મવિશ્વાસ વધારે ઝલકતો હતો.. મારો પહેલો પગાર મેં પપ્પાના હાથમાં આપેલો ત્યારે તું રોઈ પડેલી એ આંસુમાં તારા પુરા થયેલા સપનાનો હર્ષ વરસતો હતો..


જ્યારથી મારી સગાઈ થઈ તું મને સાવ બદલાયેલી લાગતી… રોજ જોરથી બુમો પાડીને ઊઠાડતી મમ્મી હવે આવીને મને ધીરેથી બ્લેન્કેટ ઓઢાડી દેતી.. મારી ઊંઘ ના બગડે એટલે ઘરમાં કુકરની સીટી પણ મોડી વાગતી… તારી રોકટોક પણ બંધ થઈ ગયેલી.. જેમ જેમ લગ્નના દિવસો નજીક આવતા તું મને વધુ ને વધુ બદલાયેલી દેખાતી.. રોજ રાત્રે મારા માથે હાથ ફેરવીને સુવાડતી… મને ફ્રેન્ડ્સ સાથે બહાર પણ ના જવા દેતી જાણે તારી નજર સામેજ રાખવા માંગતી હોય … અરે લગ્ન પહેલાના એક મહિનામાં તે મને ભાવતી બધીજ વસ્તુઓ બનાવીને ખવડાવેલી…અને પપ્પા પણ રોજ મને ભાવતા નાસ્તો લઇ આવતા…જાણે હું કાયમ માટે જવાની ના હોય…અરે સોરી ..

આવું ના બોલાય એમજ ને …અરે હું સાસરે જવાની વાત કરું છું.. મારી ખરીદેલી વસ્તુ જોઈને “તું તો લગને લગને કુંવારી” એવું બોલતી મારી મમ્મીએ નાનીમાં નાની વસ્તુ યાદ કરીને મારા કરીયાવર માટે ખરીદેલી.. અને એને સુટકેસમાં ભરતી વખતે તારી આંખો પણ ભરાઈ આવતી… લગ્નમંડપમાં તમે મારો હાથ એક બીજા હાથમાં આપી હસ્તમેળાપ કરાવ્યો અને અમારા છેડાછેડી બાંધ્યા તે વખતે જાણે આપણા સંબંધના છેડા છૂટી રહેયા હોય એવું મને લાગ્યું.. મારી ઓઢણીનો છેડો તે છેડાછેડીમાં બાંધ્યો ત્યારે તારા મમતાનો પાલવ મારા હાથમાંથી છૂટી ગયો..


તને હમેશા ચિંતા રહેતી ને કે હું શું કરીશ મારા સાસરે? કેમ કરીને સાચવીશ ઘર… મેં તો ક્યારેય કંઈ કર્યું જ નથી ક્યાંક અટવાઈ તો નહી જાઉં ને … પણ મમ્મી તને ખબર છે હવે મને ઊઠવા માટે એલાર્મની જરૂર પણ નથી પડતી..ઘરનાને સમયસર ચાહ- નાસ્તો કરાવવાની જ્વાબ્દરીજ મને વહેલા ઉઠાડી ડે છે… ઉઠીને સીધી હું રસોડામાં પહોંચી જાઉં છું …સવાર પૂજાપાઠ થી માંડીને ટિફિન તૈયાર કરવાનું, દરેક માટે અલગ અલગ શાક બનવાનું અને કોઈને ચાહ તો કોઈની કોફી, અડધા કપડા મશીનમાં ધોવાના તો કોઈ હાથથી, કાચના વાસણ જુદા રાખવાના..

દરેક કબાટના ખાના ગોઠવવાના.. ઘરમાં ખૂટતી વસ્તુઓનું ધ્યાન રાખવાનું, કપડા ઈસ્ત્રી કરવાના, રસોઈમાં કેટલો મશાલો ક્યાં અને કેમ વાપરવાનો, ઘર ચોખ્ખું રાખવાનું, ઘરના દરેકનું ધ્યાન રાખવાનું સાથે દરેક નો અલગ અલગ સમય સાચવવાનો, અને આ બધાની સાથે મોંઢા પર સ્મિત તો રાખવાનુંજ.. બાપરે..

મેં ક્યારેય ભલે કંઈ કર્યું નહોતું પણ તને આ કરતા જોઈ હતી હવે જયારે હું પણ કરું છું ત્યારે તું મને સમજાય છે. મમ્મી તું કેટલું બધું કરતી હતી એકલી એકલી.. આટલું કામ કર્યા બાદ મનેતો રાત્રે પથારીમાં પડતા વેંત ઊંઘ આવી જાય છે… મારા એક્ઝામ સમયે હું રાત્રે મોડા સુધી વાંચતી હોય ત્યારે મારી સાથે રૂમમાં આવીને તું મેગેઝીન વાંચતી અને થોડી થોડી વારે કહેતી હું કોફી પીવા જાઉં છું તું પીશ?… ત્યારે મને થતું કે એવી તે કેવી મેગેઝીન હશે કે મમ્મી આમ ઉજાગરા કરીને વાંચે છે .. આજે મને સમજાય છે મમ્મી કે દિવસ ભર આટલું કામ કર્યા બાદ થાકેલું કોઈ પણ માણસ રાત્રે મેગેઝીન વાંચવા ના જાગે..અને સાથે સાથે અફસોસ પણ થયા છે કે હું તારી માટે કંઈજ ના કરી શકી..


માં એક બાળકને ઉછેરે એમ ઘરની સ્ત્રી આખા પરિવારને ઉછેરતી હોય છે.. સ્નેહ,લાગણી મમતા સમર્પણ કાળજી અને પોતાનું આખું જીવન આપીને તે પોતાના પરિવારને સીંચે છે.. એની આંખોમાં ઉછરતા સપના ક્યારેય એના પોતાના નથી હોતા.. મમ્મી આજે જીવનમાં ડગલે ને પગલે તું મને સમજાય છે.. તારી લાગણી, તારી ચિંતા, તારું સમર્પણ, અને મારા ત્રેવીસ વર્ષ માટે તે વાપરેલા તારા જીવનના ત્રેવીસ વર્ષ આજે મને સમજાય છે. અને તારામાંથી જ પ્રેરણા લઇ મેં મારી આંખોમાં સપનું ઉગાડ્યું છે તારી જેમ મારા પરિવારને ઉછેરવાનું, તારા ઘર જેવું ઘર બનાવવાનું..

લગ્ન વખતે મને રડવું આવ્યું ત્યારે સૌથી વધારે દુ:ખ પપ્પાને છોડીને જવાનું હતું પણ લગ્ન પછીના દરેક દિવસે મને તુંજ વધારે યાદ આવી છે … યાદ છે હું નાની હતી ત્યારે કોઈ કહેતું કે હું તારા જેવી છું તો હું કહી દેતી કે ના હું મારા પપ્પા જેવી જ છું… અને તું હસ્તી પણ ખરી મારી સામે જોઈને … પણ મમ્મી આજે લગ્ન પછી ખબર પડી કે હું દુનિયાદારીની તમામ બાબતમાં ભલે પપ્પા જેવી હોઉં પણ જ્યારે મારા ઘરમાં પરિવાર સાથે હોઉં ત્યારે જાણે અદ્લ તારો પડછાયો જ જોઈ લે..

લી. તારા જીગર નો ટુકડો

અંશિકા

લેખક : સ્વાતી સીલ્હર

દરરોજ આવી અનેક લાગણીસભર પોસ્ટ માટે લાઇક કરો અમારું પેજ.