મા – મા આ શબ્દ નથી એક આખું આયખું સમાય જાય એવું પૂર્ણ વાક્ય છે…

મા આ શબ્દ નથી એક આખું આયખું સમાય જાય એવું પૂર્ણ વાક્ય છે.જેને લખ્યાં વગર વાંચી શકાય,જેના પ્રેમની અનુભૂતિ શાશ્વત છે,નિઃસ્વાર્થ પ્રેમનું એ પ્રકાશકિરણ છે,બધા અભાવ ઓગળી નાખો ને જે વધે ,બચે એ ભાવ “મા” છે.મા એ છે જે જગત આખા સામે તમારી માટે લડે છે,મા એ છે જે આપણું ઉપરાણું લે છે.


આપણા શુભ માટે ,સફળતા માટે સતત પ્રાર્થના કરે છેમા એ પરમ અસ્તિત્વનો અદશ્ય ચમકારો ને ચમત્કાર છે.તેની આંખોમાં આપણી માટે બોલાયેલા, ઈચ્છેલા આશીર્વાદ આપણે અનુભવી શકીએ.જગત આખું તમારી માટે ખરાબ ઈચ્છે, કરે પણ એક વ્યક્તિ નો જ કરે એવી શ્રધ્ધા એટલે મા.

આપણે સારા હોયે કે ખરાબ ,સફળ હોયે કે નો હોયે તેમ છતાં એ સ્વીકારે ખુદના એક અંશની જેમ એ મા આપણા જન્મની સાથે તેના બધા સપના ,બધી ઇચ્છા, બધા શોખ પર જે પૂર્ણવિરામ મૂકી દે એ મા. પણ મા શું નાળનો જ સબંધ છે? મા શું એક જાતિ છે?


કદાચ નહીં , કેટલાક લોકો તમારા જીવનમાં, તમારા સુખ દુઃખના એવા સહભાગી હોય છે કે એમ થાય કે આ “મા ” છે. મા એક અભિગમ છે જે પુરુષમાં પણ હોય શકે છે એટલે મા બનવા માટે સ્ત્રી હોવું જરૂરી નથી.


મેં કેટલાંય પુરુષોને મા બની બાળકોને ઉછેરતા ,સંભાળતા, સાચવતા ને સમજાવતા જોયાં છે, બગીચામાં જીદ કરતાં બાળકોને નરમાશથી સાંભળતા જોયા છે. આજના દિવસે એ દરેક પુરુષમાં રહેલ માતુરત્વને વંદન છે.મારા જીવનની કેટલી એવી ક્ષણો છે જેમાં કેટલી વ્યક્તિઓ મા ની જેમ પડખે રહી હૂંફ ને સાથે છું એવો એહસાસ કરાવીયો છે એ દરેક વ્યક્તિને પણ સલામ છે.


અમુક વ્યક્તિત્વ બધાની “મા” જ હોય,જેમાં શ્રી મૃદુલાબેન પારેખ,

જેની દરેક સલાહમાં ” મા” નું ડહાપણ હોય,

જેની દરેક વાતમાં “મા” ની હૂંફ હોય,

જેની દરેક  ભેટમાં “મા” કરિયાવરનો પ્રેમ હોય,

જેના દરેક  શબ્દોમાં “મા” ના  આયખાની ગહનતા હોય,


શ્રી અનિલાબેન પંડ્યા કેટલા અનાથ બાળકોની મા બની જગત અને જીવનને સુંદર બનાવે છે. શરીર થી શરીર છૂટું પાડીને આપણી મા બનતા હોય છે તો અમુક લોકો તમે જગતથી ,બધાથી ,ખુદ જાતથી છુટા પડી જતાં હો છો ત્યારે આધારને ખોળો આપે છે. જે મા નામના અભિગમને ,એ ભાવ ને આ સ્વાર્થી જગત વચ્ચે જીવાડે છે એ પુરુષ પણ હોય શકે ને સ્ત્રી પણ.


હવે ક્યાંક મા નામના અદભુત ઈશ્વરીય સર્જનને કળિયુગનો સ્પર્શ થઈ ગયો છે. આજના દિવસે આ કેહવું જરૂરી નથી પણ માપણા  ને સજીવન રાખવા માટેની અરજ છે. આજે સમાજમાં ક્યાંક જોવ છું કે બે સંતાન માંથી વધુ કમાતા,સફળ દીકરા માટે લગાવ વધુ છે, બે સંતાન માંથી એક  સંતાન વિકલાંગ હોય તો તેના લચબોક્સ માં ફર્ક હોય છે, દીકરો કે દીકરી તેમના માટે ભણવાની કઈ લાઇન લેવી એમાં ક્યાંક ફર્ક છે ( ક્યારેક પિતા એમ કહે છે તેને ગમે એ ભણવા દે ને ત્યારે મા એવું કહે છે કે તે ભણશે તો પારકા ઘરને ફાયદો થશે !)


આ ફર્ક માત્ર આટલો છે? કે ક્યાંક મા પોતાને ભૂલી ગઈ ? જગત તમારી સાથે જે વ્યહાર કરે એવો જ વ્યહવાર તમારી મા તમારી સાથે કરે !? કયા જઈને ઈશ્વરને શોધવાનો ? મારી શાળાના બાળકો મને જીવન,જગત,સબંધ,પ્રેમ,લાગણી બધું જ બહુ શીખવ્યું છે તેમની સાથેના વ્યહવાર જયારે પોતાના લોકોના જોવ છું ત્યારે સવાલ દરેક સબંધ માટે થાય છે પણ મા માટે પહેલો થાય છે કે તું આમ કરીશ?


એવા કપરા સમયે એક બાપને ,એક દાદાને મા બનતા જોવ છું તો શત શત નમન કરું છું,આ દિવસે એ દરેક મા ને હું દસ આંગળીના સલામ કરું છું જેઓ પોતાના આવા બાળકોના અસ્તિત્વ માટે લડે છે. પોતાના નબળા બાળકની ઢાલ બની જીવે છે. એ દરેક સ્ત્રી ,પુરુષ ને વંદન કરું છું જવો પ્રસંગે પ્રસંગે ,દરેક પરિસ્થિતિમાં પોતાના મા તરીકેના ભાવને બહાર લાવી કોઇ અજાણ્યાને આધાર આપે છે.

એ દરેક માને ઈશ્વરે સર્જનશક્તિ આપીને એક વિલક્ષણ વ્યવસ્થાની ભાગીદાર બનાવી છે એક અઘોષિત , અવ્યક્ત વ્યવસ્થાનું જે પાલન દરેક મા કરી રહી છે તેને પણ વંદન છે.


જે આમ સાસુ છે પણ મા બનવાનું ચુકતા નથી એવી ઘણી સ્ત્રીઓ મારી નજર સામે છે જેમાં જય વસાવડા ના મામી ભાવનાબેન પેહલા આવે તેમને પણ યાદ કરું છુ. ને છેલ્લે મારી મા જેને મને જન્મ આપવાની પીડા લીધી  ખૂબ શીખવ્યું , પુરુષ માટેની ,જગતમાટેની સમજ આપી ને એકલા જીવવાની આવડત આપી .

જીવનની કેટલી બધી મુશ્કેલી, દુઃખો ,નિરાશા ,અસહાયતા,એકલાપણુ , ન ગમતી સમજમાં ટકી જવાની સમજ આપતા એવા મા ના પ્રેમની તોલે આવતા , નજીકને ,દૃર રહીને સાથે રહેતા નામ પરમ આદરણીય જેમની નજરમાં માની કરુણા છે એવા પૂજ્ય મોરારીબાપુ , જય વસાવડા જે માની જેમ દરેક સાહસ કરવા માટે સાથે રહે. સુભાષ ભટ્ટ જે માની જેમ દરેક પરિસ્થિતિમાં સાથે જ રહે આવી દરેક ક્ષણોમાં કેટલા બધાની ” સાચી મા” બનવા બદલ આભાર

લેખક – નેહલ ગઢવી

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ