આઇ લવ યુ – સાવ સામાન્ય અને સરળ લાગતા આ શબ્દો પ્રિયજનને પહેલીવાર બોલવા માટે કેટલી મૂંઝવણ થાય…

“એક તેરી હી ખ્વીશ હૈ હમે,

સારી દુનિયા કિસને માંગી હૈ….”

પહેલેથી નકકી કર્યા મુજબ બઘા જ મિત્રો ઘીમે ઘીમે સરકી ગયા. કોલેજીયન જૂથમાંથી છોકરા-છોકરીઓ ઘીમે ઘીમે બહાનું કરીને કેન્ટીનની બહાર નીકળી ગયા. બાકી રહી ગયા બે જ.. મોગરાની કળી જેવી નાજૂક અને મધમધતી લહેર અને તેની સુગંધ પાછળ પાગલ એવો પ્રેમલ.. બસ… એ ક્ષણ આવી ગઇ જેના માટે પ્રેમલ તરસતો હતો. કેટલાય સમયથી હિંમત ભેગી કરતો હતો. બસ એ ત્રણ શબ્દનું એક વાકય..

દુનિયામાં સૌથી વધુ વખત બોલાતું વાકય.. સૌથી વધુ વખત સંભળાતુ વાકય… આખી દુનિયા જે એક વાકય કહેવા – સાંભળવા તરસે છે તે વાકય.. ત્રણ જાદુઇ શબ્દો.. છતાં તે કહેતા કહેતે કેટલી હિંમત ભેગી કરવી પડે. પ્રેમલ પણ ઘણા સમયથી એ ત્રણ શબ્દ લહેરને કહેવા તડપતો હતો. મિત્રો હિંમત આપતા, તેને તૈયાર કરતા, વાતાવરણ ઉભુ કરતા, પણ પ્રેમલ દર વખતે નિષ્ફળ જતો.. આજે પણ મિત્રો સરકી ગયા. કોફીના ઘુંટ પીતા પીતા પ્રેમલ લહેર સામે જોતો હતો. લહેરે જ શરૂઆત કરી…”શું જોવે છે..? કંઇ કહેવું છે..?”

image source

પ્રેમલે સરી જતી હિંમત ભેગી કરીને કહ્યું.. “લહેર.. લહેર.. આઇ.. આઇ.. ” “પણ આગળ તો બોલ..” લહેરના મોટા અવાજે પ્રેમલની હિંમત ભાંગી નાખી. અને ‘આઇ લવ યુ’ને બદલે બોલી ઉઠયો, ‘આઇ લાઇક યોર ડ્રેસ.. લહેર તને યલો કલર સરસ લાગે છે’ અને પછી પંદર મિનિટ રંગોની ચર્ચા ચાલી. મેઘધનુષના તમામ રંગો પર વાતો ચાલી… બસ એક દિલના રંગની જ વાત ન થઇ.

અને તે સાંજે બઘા મિત્રો પ્રેમલ પર તૂટી પડયા. દરેક વખતે કંઇ ને કંઇ બાફીને જ આવે છે.. દિલની વાત કયારે કહીશ.? “ના… દોસ્તો.. મારાથી આ નહી બોલી શકાય.. તમે મદદ કરો..” પ્રેમલનો અવાજ રડમસ થઇ ગયો. મિત્રોએ માથા હલાવ્યા.. ના એવું ના બને.. મિત્રો છીએ એ સાચું, પણ લહેરને તારી વાત અમે પહોંચાડીએ એ કેમ બને ?? આ તો તું લહેરને ચાહે છે એટલે.. બાકી અમને પણ તે ગમે જ છે..

મિત્રોની વાત સાચી હતી. લહેર હતી જ એટલી સુંદર.. પણ પ્રેમલના મિત્રો સાચી દોસ્તી નિભાવતા. લહેરમાં ભાવી ભાભી જ જોતા. એટલે તેના માટે ખોટો વિચાર મનમાં ન લાવતા. બઘા મિત્રો પ્રેમલને સાથ આપતા રહ્યા, હિંમત આપતા રહ્યા, સંજોગો ઊભા કરતા રહ્યા. કોલેજના વાર્ષિક મહોત્સવમાં પ્રેમલ અને લહેરને લઇને મિત્રોએ નાટક કરવાનું નકકી કર્યુ. નાટકમાં સંવાદ જ એવા રાખ્યા કે જેમાં પ્રેમલ દિલની વાત કહી શકે. પણ પ્રેમલ પ્રથમ રિહર્સલમાં જ ફસકી પડયો. લહેરનો હાથ પકડીને આંખમાં આંખ નાખીને બસ જોતો રહ્યો. કંઇ બોલી ન શકયો. નાટક બંધ રહ્યું.. મિત્રોએ ફટકાર્યો એ વઘારામાં…

image source

એક પ્રસંગ તો લહેરે જ ઊભો કર્યો. તેના દસમા ધોરણમાં ભણતા નાના ભાઇને ગણિતમાં મદદ કરવા પ્રેમલને પુછયું. પ્રેમલની તો હા જ હોય ને… રોજ રોજ લહેરના ઘરે જતો પણ ગણિતના પ્રશ્ર્નો સિવાય બીજું કંઇ સોલ્વ ન કરી શકયો. એક મહિનો લહેરના ભાઇને ભણાવ્યો…. છતાં પોતાનો પ્રશ્ર્ન તો ઊભો જ રહ્યો.

પિકનિકનું આયોજન થયું, છતાં પ્રેમલ હતો ત્યાં જ… એકલો એકલો લહેરને માટે હજારો વાકયો બોલતો પ્રેમલ લહેર સામે આવતા જ ત્રણ શબ્દ ન બોલી શકતો. એવું ન હતું કે લહેર સાથે કંઇ વાત ન થતી.. દોસ્તોના ગ્રુપમાં હોય તેવી બઘી જ વાતચીત થતી. નાની મોટી મસ્તી, તોફાન પણ થતા, પણ બસ… ‘આઇ લવ યુ’ ન કહી શકતો.

image source

આમને આમ કોલેજની છેલ્લી ટર્મ આવી. બે મહિના પછી પરિક્ષા અને પછી બઘા છૂટા.. મિત્રોએ પ્રેમલને બરાબરનો ભણાવ્યો.. મિત્રોએ પિકચર જોવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો. બઘા સાથે જાય તો લહેર સાથે એકાંતમાં વાત કરવાનો ટાઇમ ન મળે, અને બે એકલા જાય તો લહેર હા ન પાડે.. એટલે મિત્રોના ગ્રુપમાંથી બે જણાએ સાથે જવાનું નકકી કર્યુ. લહેરની બે સહેલીને પણ તૈયાર કરી.. મિત્રોએ કહ્યું, “પ્રેમલ.. આ છેલ્લી તક છે.. રોમેન્ટિક પિકચર છે… પિકચર જોતા જોતા તારા મનની વાત કહી દેજે. પિકચર પૂરૂ થયા પછી અમે બહાનું કરીને તારાથી છૂટા પડી જઇશું અને તું લહેરને તારી બાઇક પર ઘરે મુકવા જજે.. આ છેલ્લી તક… મનની વાત કહી દેજે… ”

પણ ત્યારે પણ હું લહેરને ન કહી શકું તો ? પ્રેમલ અત્યારથી જ હિંમત હારી ગયો. “તો લહેરને ભૂલી જજે.. મોગરાની કળી જેવી લહેર બીજાની જિંદગી સુગંધીત કરવા ચાલી જશે.. અને તું બેસી રહેજે તેની ખુશ્બુ યાદ કરતો..” મિત્રો ચિડાઇ ગયા. બઘું પ્લાન મુજબ થયું. બઘા પિકચર જોવા ગયા. લહેર અને પ્રેમલ સાથે બેઠા… પિકચર સ્ક્રિન પર ચાલતું રહ્યું. લહેર પિકચર જોવામાં વ્યસ્ત અને પ્રેમલ લહેરને જોવામાં… આમને આમ પિકચર પતવા આવ્યું. વચ્ચે વચ્ચે લહેર પિકચર વિશે કંઇ કહે તો પ્રેમલ જવાબ આપતો.. ત્રણ કલાકનો મર્યાદિત સમય પૂરો થવા આવ્યો અને પ્રેમલ દરેક ક્ષણ નકામી વેડફતો રહ્યો.

image source

પિકચર પૂરૂ થયું. પ્લાન મુજબ બઘા મિત્રો બહાનું કરીને ચાલ્યા ગયા. લહેરની સહેલી પણ પ્લાન મુજબ સરકી ગઇ. લહેર અને પ્રેમલ બે જ રહ્યા. પ્રેમલે લહેરને ઘરે મુકી જાવું? એવું પૂછયું. અને લહેરે હા પાડી. સાંજના શોમાં પિકચર હતું. ડિસેમ્બરની રાત હતી. ઠંડી વઘી જતા રસ્તા ખાલી હતા. લહેર ધ્રૃજતી હતી પ્રેમલે જ ઓફર મૂકી કે કોફી પીવા જઇએ…. ઠંડી ઊડી જશે… લહેરે હા પાડી.. અને બન્ને કોફી હાઉસમાં ગયા. ઠંડીમાં ધ્રૃજતા બન્ને સાવ અડોઅડ બેઠા હતા પ્રેમલ હજી ‘આઇ લવ યુ’ કહેવાની હિંમત ભેગી કરતો હતો.

ત્યાં અચાનક.. ‘અરે લહેર… કેમ છો ? આટલી મોડી અહીં કેમ ? આ સાથે કોણ છે ? એકલી છો ?’ આવા સવાલોની ભરમાર સાથે મોટી ઉંમરના બે બહેન સામે ઊભા હતા. લહેર ઊભી થઇ ગઇ… અરે કાકી… તમે…? કેમ છો ?? હું પિકચર જોવા ગઇ હતી એટલે મોડું થઇ ગયું..” “પણ આ સાથે કોણ છે ? તારી મમ્મીને ખબર છે કે તું કોઇ છોકરા સાથે પિકચર જોવા ગઇ છો?” લહેરના કાકીએ સીઆઇડીની ફરજ બજાવતા કહ્યું.

image source

“અરે.. હા.. કાકી.. મમ્મીને ખબર જ હોય ને.. બે દિવસ પહેલા જ અમારી સગાઇ નકકી થઇ છે.. આવતા અઠવાડીયે સગાઇ છે… મમ્મી તમને ફોન કરવાનું કહેતી હતી.” લહેરે આત્મવિશ્ર્વાસથી છલકતા અવાજે કહ્યું.. “ઓહો.. હો… એમ વાત છે.. બેસો બેસો બેટા… તમે વાતો કરો… એમ કહીને કાકીએ ચાલતી પકડી. પ્રેમલ હજી બાઘાની જેમ લહેરની સામે જોતો હતો. કાકી ગયા એટલે તેના જીવમાં જીવ આવ્યો. “લહેર… તું હમણાં શું બોલી ગઇ ? તને ખબર છે ??”

image source

“હા.. મારા પાગલ.. બુધ્ધુ… હું સાચું જ બોલી છું.. તું કેટલાય વખતથી બોલવા માટે બહાના ઊભા કરતો હતો, પણ બોલતો ન હતો… અને હું સમય આવે તેની રાહ જોતી હતી.. ચલ હવે કોફી પી લે..” લહેરે પ્રેમભીના અવાજે કહ્યું. પ્રેમલમાં હવે હિંમત આવી. લહેરનો હાથ પકડીને બોલ્યો… “આઇ લાઇક યુ લહેર..” ખડખડાટ હસતા લહેર બોલી…”આઇ લવ યુ બુધ્ધુ..” અને છુટા પડી ગયેલા, પણ પાછળ પાછળ આવતા મિત્રોએ બન્નેને તાળીઓથી વધાવી લીઘા.

લેખક : દિપા સોની “સોનું”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ