ચાલવા નીકળતા દરેક વ્યક્તિએ એ સમજવું જોઈએ કે ક્યારે ચાલવું અને કેવી રીતે ?

ખોરાક, ઉંઘ અને ચાલવું એ જીવનના સૌથી અગત્યના પાસા છે. સારું સ્વાસ્થ્ય એ ખોરાક તેમજ પુરતી કસરત પર આધારીત છે. જેમ વાતચીત કરવી એ એક કળા છે તેમ જ કસરત સાચી રીતે કરવી એ પણ એક કળા છે. ચાલવા નીકળતા દરેક વ્યક્તિએ એ સમજવું જોઈએ કે ક્યારે ચાલવું અને કેવી રીતે ?ચાલવા માટેની જગ્યા સૌથી મહત્ત્વની છે. ચાલવા માટેની જગ્યા સ્વચ્છ અને ચોખ્ખી હવાવાળી હોવી જોઈએ. ચાલવાનું એ હળવા પ્રકારની કસરત છે. ચાલવા માટેનો સૌથી સારો સમય સવારનો છે. સવારના સમયે હવા તાજી અને ચોખ્ખી હોય છે. મન અને શરીર રાતના આરામ બાદ તાજા થયેલા હોય છે અને સાથે સાથે સવારના સમયનો કુદરતનો નજારો કંઈક ઓર જ હોય છે. તે ઉપરાંત સવારના સમયે હવામાં પોલ્યુશન પણ ઓછું અનુભવાય છે પણ જો તમને સવારે સમય ન મળતો હોય તો સાંજે ચાલવાની મજા પણ જુદી છે. અને ગમે તે સમયે ચાલવું સૌથી જરૂરી છે. ચાલવાથી ઘણાબધા રોગો દૂર થાય છે. તે શરીર માટે ખુબ જરૂરી છે. ચાલવાથી તમારા સ્નાયુઓ મજબૂત થાય છે. થોડું ઝડપથી ચાલવાથી ફેફસા મજબૂત થાય છે. રીસર્ચમાં જાણવા મળે છે કે ચાલવું એ વધુ જીવવાની જડીબુટ્ટી છે. વધુ સમયના હોય તો ફક્ત 30 મિનિટ અઠવાડિયાના 4-5 દિવસ ચાલવાથી પણ તેનો ઘણો ફાયદો શરીરને થાય છે.

ચાલવાની શરૂઆત કરવાનો વિચાર કરતાં હોઈએ ત્યારે એવું ધ્યાન રાખવું જોઈએ કે તેનાથી શરીરના બીજા કોઈ અવયવને આપણે કોઈ નુકસાન ન પહોંચાડતાં હોઈએ.એવા બૂટ-મોજા પહેરીને ચાલવા નીકળો જે તમને આરામદાયક હોય. બની શકે તો કોટન મોજા પહેરશો. બને ત્યાં સુધી સીન્થેટીક મોજા ન પહેરો. કોટન મોજાથી પરસેવો શોષાઈ જશે.

બને તો ચાલવા જતા થોડા ઢીલા કપડાં પહેરવાનું પસંદ કરો. ગરમીમાં સુતરાઉ કપડા પહેરો. રાત્રે ચાલવા જાવ તો અંધારામાં જલદી નજરે ચડો તેવા રંગ પહેરવાનું પસંદ કરો.તમારા મસલ્સને વાર્મ-અપ કરવાનું ભૂલશો નહીં. પહેલી 5 મિનિટ થોડું ધીમુ ચાલો. મસલ્સને થોડા વાર્મ અપ થવા દો. તેનાથી તમને મસ્ક્યુલર ઇન્જરી થશે નહીં.

તે જ પ્રમાણે તમારા હાર્ટ અને મસલ્સને ઓછો સ્ટ્રેઇન પડે તે માટે તમારા ચાલવાના છેલ્લા ગાળામાં પણ તમે તમારી ચાલને ધીમી પાડી દો.

જો તમે ચાલતાં ચાલતાં તમારી સાથેની વ્યક્તિ સાથે ચાલતા હાંફી જાવ છો તો તમે કદાચ વધુપડતી ઝડપથી ચાલો છો માટે તમારી ઝડપ થોડી ઓછી કરો.

નોર્મલ વ્યક્તિ જ્યારે મોડરેટ સ્પીડમા ચાલે ત્યારે લગભગ 4 કેલેરી 1 મીનીટમાં વપરાય છે. તમે જ્યારે એક કલાકના 5 કિલોમીટરની સ્પીડે ચાલો છો ત્યારે એક મીનીટની 4 કેલેરી વપરાય છે. જો એથી ધીમુ ચાલો જેમ કે 3 કિલોમીટર પ્રતિ કલાક તો એક મીનીટની 3 કેલેરી વપરાય.ચાલવાની કેલેરી તમારા વજન, હાઇટ, અને ચાલવાની સ્પીડ તેમજ સમય અને ડીસ્ટન્સ પર આધારીત છે.
શું દોડવામાં વધુ કેલેરી બળે ?

ખરેખર તો ચાલવાની કે દોડવાની કેલેરી બળવામાં બહુ મોટો તફાવત પડી જતો નથી. જો તમે કલાકના 5થી 6 કિલોમીટર દોડો છો તો દોડવાની અને ચાલવાની કેલેરી બળવામાં લાંબો તફાવત પડી જતો નથી પણ તેના કરતાં વધારે સ્પીડમાં દોડવામાં આવે તો કલાકના વધુ કિલોમીટર દોડવાથી કેલરીનો ફરક પડી શકે છે. પરંતુ જો વધુ પડતું ફાસ્ટ દોડશો અને વ્યવસ્થિત બૂટ નહીં પહેરો અથવા જમીન ખાડા ટેકરાવાળી હોય તો તમારા ગોઠણોને અથવા સ્નાયુઓને નુકસાન ચોક્કસ થઈ શકે છે.

ટ્રેડમીલ અને ચાલવામાં – શું ફરક ?

ઘણીવાર બહાર ચાલવા માટેની સમયની અનુકુળતા રહેતી નથી ઉપરાંત જો તમે વધુ પડતા ટ્રાફીકવાળા વિસ્તારમાં રહેતા હોવ અથવા ગાર્ડનમાં ચાલતા હોવ તો સવારનો સમય વધુ અનુકુળ રહે છે. નહીંતર પોલ્યુશન વધી જાય છે. વળી તડકામાં ચાલવાનું પણ હિતાવહ નથી હોતું. આવા સમયે ટ્રેડમીલ પર ચાલી લેવાનું અનુકુળ રહેતું હોય છે. ઉપરાંત સમયનું બંધન નથી પણ કેલેરીના બળવામાં બહાર ચાલવા તેમજ ટ્રેડમીલ પર ચાલવાથી વધારે ફરક પડતો નથી. જો ચાલવાની સ્પીડ વધુ પડતી બદલાય નહીં તો કેલેરી વપરાશ વધુ બદલાતો નથી. ટ્રેડમીલ કરતાં તેના હાથા પકડીને ચાલવા કરતાં આપણને ફાવે તે સ્પીડે હાથા પકડ્યા વગર ચાલવું વધુ હિતાવહ છે. હાથા પકડીને ચાલવાથી ઓછી કેલેરી વપરાય છે. આ ઉપરાંત ટ્રેડમીલ વધુ પડતું વાપરવું હિતાવહ હોતું નથી. તેમાં કેલેરી વપરાશ થોડો વધુ ચોક્કસ થાય છે પરંતુ તેમાં જો ધ્યાન રાખવામાં ન આવે તો તમારા ઘુંટણના સાંધાને નુકસાન થઈ શકે છે.

ટુંકમાં સમય ગમે તે લો, સાધન ગમે તે વાપરો પરંતુ ચાલવું એ સૌથી સહેલી અને ફાયદાકારક કસરત છે માટે તમારે તમારા રોજિંદા જીવનમાં ચાલવાનો સમાવેશ કરવો જ જોઈએ.

લેખક : લીઝા શાહ (ડાયેટીશયન), 

ફોન નંબર :  +91-9173706065

વેબસાઈટ :  www.anganahospital.com

દરરોજ આવી રસપ્રદ અને ઉપયોગી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

 

ટીપ્પણી