લીલા વટાણાની ટિક્કી – હવે ભૂલી જાવ બટેકાની ટીક્કી બનાવો આ ટેસ્ટી અને હેલ્ધી ટીક્કી…

“સવારનો નાસ્તો હોય કે સાંજ નું ડિનર બનાવો લીલા વટાણાની હેલ્ધી અને ટેસ્ટી ટિક્કી ” : મિત્રો, આજે હું આપણી સાથે એવી રેસિપી શેર કરવા જઈ રહી છું, જેમાં મેઈન ઇન્ગ્રેડિયન્ટ્સ છે લીલા વટાણા. જે વસંત ઋતુનું સૌનું ફેવરિટ વેજિટેબલ છે જેનો સ્વીટ ટેસ્ટ અને સ્ટાર્ચી ટેક્ચરના કારણે સૌ કોઈ પસંદ કરે છે. લીલા વટાણા વિટામિન્સ, મિનરલ્સ, પ્રોટીન અને ફાઇબર્સ ભરપુર માત્રામાં સમાવે છે. માટે આજે હું લીલા વટાણાની ટિક્કીની રેસિપી શેર કરવા જઈ રહી છું. લીલા વટાણાની ટિક્કી ટેસ્ટી, હેલ્ધી અને ટેમ્પટિંગ ડીશ છે જે સવારે નાસ્તામાં પણ બનાવી શકાય અને બાળકોને ટિફિન બોક્સમાં પણ આપી શકાય છે.
સામગ્રી :


1 કપ લીલા વટાણા

1/2 કપ લીલા અથવા સૂકા બારીક કાપેલા કાંદા

1/2 કપ કરકરો ઘઉંનો લોટ

2 ટેબલ સ્પૂન ટોસ્ટનો પાવડર

1/2 ટેબલ સ્પૂન બારીક સમારેલ લસણ

1/2 ઇંચ આદુ

1 ટેબલ સ્પૂન બારીક કાપેલું લાલ મરચું

2 ટેબલ સ્પૂન બારીક સમારેલ કોથમીર

2 ટેબલ સ્પૂન બારીક સમારેલ પાલક

1/2 ટેબલ સ્પૂન તલ

4 ટેબલ સ્પૂન તેલ

ચપટી રાઈ અને જીરું

મીઠું સ્વાદપ્રમાણે

વઘાર માટે મીઠો લીમડો ,સૂકું લાલ મરચું, તમાલ પત્ર અને તજ

રીત :


સૌ પ્રથમ મિક્સર જારમાં વટાણા સાથે આદુ અને લસણ લઇ હાફ ક્રશ કરી લો. ત્યરબાદ તેને એક મોટા બાઉલમાં લઇ તેમાં ટોસ્ટ પાવડર, કરકરો ઘઉંનો લોટ, કાંદા, પાલક, કોથમીર, લાલ મરચું અને મીઠું ઉમેરો. તેમાં એક ટેબલ સ્પૂન તેલ નાખી બરાબર મિક્સ કરો. ટિક્કી વળી શકાય તેવું મિશ્રણ તૈયાર કરવાનું છે. લીલા શાકભાજીમાં પાણીનો ભાગ હોય છે, તો જરૂર મુજબ કરકરો લોટ નાંખી શકાય. તેમાંથી મનપસંદ આકારની ટિક્કીઓ બનાવો, ટિક્કીઓ બનાવવા માટે મોલ્ડ અથવા નાનું ઢાંકણ પણ વાપરી શકાય. વરાળથી ટિક્કીઓ બાફી લો, મીડીયમ આંચ પર 15 મિનિટ્સ સુધી બાફવી. એક તવામાં 2 ટેબલ સ્પૂન તેલ નાખી ટિક્કિયા શેલો ફ્રાય કરો. ગોલ્ડન બ્રાઉનિશ થાય ત્યાંસુધી બંને સાઈડ સાંતળો. એક પ્લૅટમાં કાઢી લો. ફરી તવામાં 1 ટેબલ સ્પૂન ઓઇલ નાખી, તેમાં રાઈ-જીરું , સૂકું લાલ મરચું, તજ , તમાલ પત્ર, લીમડો અને તલ નાખીને વઘાર કરો પછી તેને ટિક્કી પાર સ્પ્રેડ કરો. તૈયાર છે લીલા વટાણાની ટિક્કીઓ તેને સોસ અથવા ચટણી સાથે સર્વ કરો.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા