પ્રેમિકા પોતાની સાથે થયેલા રેપ વિશે તેના બોયફ્રેન્ડને આ પત્રમાં જણાવે છે… વાંચો અને શેર કરો..

ડિયર પ્રેમ,

તારી સાથે વિતાવેલ છેલ્લા ત્રણ વર્ષના પ્રેમની એક એક ક્ષણોને દિલમાં હંમેશા રાખીશ. હવે તું વિચારતો હોઇશ કે હું આમ શા માટે કહી રહી છું? કારણ કે હું આ દુનિયાને અલવિદા કહેવા જઇ રહી છું. જ્યારે આ પત્ર તારી પાસે હશે, ત્યારે હું આ દુનિયામાં નહિ હોઉં. તું હંમેશા તારું ધ્યાન રાખજે. તું યાર બહુ કેરલેસ માણસ છે. હું જ હંમેશા તારી દરેક વાતનું ધ્યાન રાખતી આવી છું, પણ હવે હું નથી ને યાર. હવે હું દરરોજ સવારે કોલ કરીને તને નહિ ઉઠાડી શકું, એટલે એલાર્મ મુકવાની ટેવ પાડી દેજે. તારા માટે કપડા પણ પસન્દ નહિ કરી શકું. એ પણ કામ તારે જ કરવું પડશે. ફિલોસોફીવાળા પુસ્તકો વસાવી લેજે, કેમ કે જ્યારે તું દુઃખી હશે, ત્યારે હું તને નહિ મનાવી શકું. મારો ખભો તારી પાસે નહિ હોય, જ્યા તું માથું મૂકીને તારા મનનો બોજ હળવો કરી શકે. મારી આ આંગળીઓ તે સમયે તારા આંસુ નહિ લૂછી શકે, એ વાતનો દુઃખ છે મને. કોઈ સારી છોકરી પસન્દ કરજે અને લગ્ન કરી લેજે. મારા વિના દેવદાસ ન બની જતો. તારી દરેક ચોઇસ એકદમ બકવાસ હોય છે, એટલે છોકરી પસંદ કરવાનું કામ આંટીને જ કરવા દેજે. અત્યાર સુધી જિંદગીમાં તું એક જ સારી ચોઇસ કરી શક્યો. અફકોર્સ હું યાર! મારી આ બધી વાતો વાંચીને તને દુઃખ થતું હશે અને નવાઈ પણ લાગતી હશે, એટલે મુખ્ય મુદ્દા પર આવું છું.

મારી સાથે રેપ થયો છે. હા તે સાચું જ વાંચ્યું. મારી સાથે રેપ થયો છે. ઓહ! કેટલી દુઃખદાયક, પીડાદાયક હતી એ રાત. એના પછીની પણ અત્યાર સુધીની દરેક રાતો મારા માટે એટલી જ પીડાદાયી રહી છે. રેપ ભલે એ રાતે થયો હતો, પણ એના પછીની દરેક રાતો પણ એટલી જ કષ્ટદાયી રહી છે. તું જાણે છે ને કે અઠવાડિયા પહેલા હું મારા ફઈને અહીં રહેવા ગઈ હતી. તેઓ બીમાર હતા એટલે તેમની દેખરેખ રાખવા માટે પપ્પાએ મને મોકલી. મને શું ખબર હતી કે ત્યાં ગયા બાદ હું મારું સર્વસ્વ ગુમાવી બેસીસ.

રાતે ૯ વાગ્યે ફઇ ઊંઘની ગોળી લઈને સુઈ જતા. હું પણ તારી સાથે ફોન પર વાત કરીને, થોડીવાર ટીવી જોઈને ઊંઘી જતી. ત્રણેક દિવસ બાદ રાતે અગિયાર વાગ્યે કોઈએ દરવાજો ખખડાવ્યો. મેં ખોલ્યો તો સામે ફુઆ ઉભા હતા. મોઢામાંથી શરાબની બદબુ આવતી હતી. તેઓ અજીબ રીતે મારા શરીરને નીરખી રહ્યા હતા. તેમણે મારા સ્તનો પર અચાનક હાથ મૂકીને જોરથી દબાવ્યા. હું ડરી ગઈ, સહેમી ગઈ. હું દોડીને ફઇના રૂમમાં ગઈ અને જોરથી અવાજ લગાવીને ઉઠાડવાની કોશિષ કરી. પણ નાકામયાબ રહી. ફુઆ ફરી આવ્યા અને મને જબરદસ્તી ખેંચીને મારા રૂમમાં લઈ ગયા. હું રડવા લાગી, હાથ પણ જોડયા. એ પણ કહ્યું કે હું એમની દીકરી છું, પણ તેઓ ના માન્યા. વાસના તેમની આંખોમાં એવી રીતે સળવળી રહી હતી કે સંબંધો પણ ભૂલી ગયા હતા. મને ધક્કો મારીને બેડ પર પાડી દીધી. હું સંપૂર્ણપણે એમના નીચે દબાઈ ગઈ હતી. મારા મોટા ભાગના વસ્ત્રો તેઓએ ફાડી નાખ્યા. લગભગ અડધા કલાક સુધી મારા શરીર ઉપર ભારે કાયાના ધક્કાઓ વાગતા રહ્યા. ન બનવાનું બની ગયું. હું રડતી રહી, દર્દથી કણસતી રહી. ત્યાં કોઈ મને બચાવવા ના આવ્યું. મારા શરીરને એવા ઝખ્મો અપાઈ રહયા હતા કે તે જીવનમાં ક્યારેય નહીં ભરાય, એવા નાસુર ઝખ્મો. મેં એ સમયે પપ્પાને, તને ખૂબ યાદ કર્યા હતા.

મારા ફુઆ તો જતા રહ્યા, પણ નજાણે કેટલીય વાર સુધી ગહેરા સદમામાં હું નિર્વસ્ત્ર પલંગ ઉપર પડી રહી. અખબારોમાં ક્યારેય હું રેપ થયા હોય એવા ખબર વાંચતી તો આંખોના કિનારા ભીના થઈ જતા. જ્યારે અહીં તો મારી સાથે જ આ ઘટના બની હતી. થોડું ભાન સંભાળીને મેં મારા બેગમાંથી બીજા કપડા કાઢીને પહેર્યા. મારા એ ફાટેલા કપડાઓ પણ સાથે લઈ લીધા. જેથી જે હૈવાને મારી સાથે રેપ કર્યો છે એને સજા અપાવી શકું. આ જ પ્રથમ સબૂત હતો મારા માટે. હું રાતે લગભગ એક વાગ્યે એક્ટિવા લઈને ત્યાંથી નીકળી પડી, બે વાગ્યા સુધી તો હું મારા ઘરે પહોંચી ગઈ.

તું તો જાણે છે ને પ્રેમ, હું કેટલી હિંમતવાળી છોકરી છું. મને સમાજની કોઈ પરવાહ નહોતી. મારે બસ એ ગુનેગારને સજા અપાવવી હતી. મારી સાથે થયેલી સંપૂર્ણ ઘટના મમ્મી પપ્પાને કહી. પપ્પા માટે તો એ હૈવાન આખરે એમની બહેનના પતિ હતા ને. જો તે જેલ જાય તો એમની બહેનનું ધ્યાન કોણ રાખે? એમને કેવી રીતે સજા અપાવી શકાય. આથી પપ્પા ન માન્યા. એ હૈવાન પર કોઈ કેસ નહિ કરવામાં આવે તેમ કહી દેવામાં આવ્યું. કોઈને કઈ ન કહેવા માટે મને સોંગધના બંધનોમાં બાંધવા લાગ્યા. મમ્મી પાસે વર્ષો જૂનું એ જ ટિપિકલ કારણ હતું કે બેટા તારી સાથે લગ્ન કોણ કરશે આ બધું જાણીને? ભૂલી જા બેટા…એમ તો તેઓ મને ખૂબ પ્રેમ કરે છે, પણ નજાણે આ વખતે કેમ સાથ ના આપ્યો. જો તે ગુનેગાર તેમનો કઈક લાગે છે તો હું પણ તેમની કઈક લાગુ છું, આ વાત કેમ ભૂલી ગયા એ? આ ઘટના બન્યા બાદ મારી આત્મા ખૂબ રૂબાઈ રહી છે. અંદરથી એક જ અવાજ આવે છે કે ન્યાય જોઈએ. મેં પપ્પાને પણ કહ્યું હતું કે તેમની ઈચ્છા વિરુદ્ધ જઈને પણ કેસ કરીશ, તો મને જ ધમકી આપી કે આવું કરીશ તો તેઓ આત્મહત્યા કરી લેશે.

એ ઘટનાના બીજા દિવસે પપ્પાએ ફોન કરીને એ નરાધમને બહુ ખખડાવ્યો, માફી માંગવા આવ્યા ત્યારે ત્રણ ચાર તમાચાઓ પણ માર્યા. પણ શું આનાથી મારા શરીરને મળેલા ઝખ્મો રૂંજાઇ જશે? મનમાં જે જીવનભર પીડા, જે દર્દ રહેશે, તે ભૂલી શકીશ? જો ન્યાય મળત તો પણ એ કાળરાત્રીને ન ભૂલી શકત, તો અન્યાય વેઠીને કેવી રીતે? આ જ કારણ છે કે હું આત્મહત્યા જેવું પગલું ભરી રહી છું.

બસ ખૂબ જ ઘૂંઘળામણ થઈ રહી છે. નથી જીવું યાર હવે વધુ, એક એવી નીચ દુનિયામાં, એક એવા નિષ્ઠુર પુરુષ સમાજના વર્ગમાં જ્યા સ્ત્રીને માત્ર ઇચ્છા સંતોષવાનું સાધન સમજવામાં આવે. જ્યા એક સ્ત્રી આજે પણ ખુદનો નિર્ણય જાતે ન લઇ શકે. જ્યા એક છોકરી ઘરની બહાર નીકળે, તો કહેવામાં આવે કે બેટા જલ્દી ઘરે આવી જજે, રાતે મોડું ન કરતી. ઘણા લોકો તો જેની સાથે રેપ થયો હોય, તે છોકરીનો જ વાંક કાઢે. છોકરીએ ટૂંકા કપડા ના પહેરાય, છોકરાઓ સાથે બહુ મિત્રતા કરીએ તો આવું જ થવાનું ને. બસ ટૂંકમાં બધો જ વાંક છોકરીનો એમ ને? અરે યાર એ ટૂંકી બુદ્ધિ ધરાવતા પુરુષોને કોઈ કેમ નથી સમજાવતું? સ્ત્રીને માનની સાથે જુઓ. સ્ત્રી પ્રત્યેના ગંદા વિચારો જે એમના મગજમાં ચોવીસે કલાક ફરતા હોય, તે ના રાખો. એમને પણ કોઈ સમજાવો. પણ નહીં, સ્ત્રીએ જ જાણે બધા ગુના કર્યા છે.

કોઈ પણ સ્ત્રીના સ્તનને જોઈને અમુક પુરુષોની હવસ આસમાને પહોંચી જાય. તને ખબર છે પ્રેમ, કુદરતે સ્ત્રીને સ્તન કેમ આપ્યા? કેમ કે એ જ સ્તનથી એ એના બાળકને સ્તનપાન કરાવી શકે, એની મમતા બાળક પર વરસાવી શકે. બસ આ જ કારણ હતું. એ જ બાળક જ્યારે મોટો થાય, તો અન્ય સ્ત્રીના એ જ મમતાભર્યા સ્તનોને હવસની નજરોથી જુએ, ત્યારે કુદરતને પણ કેટલું દુઃખ થતું હશે. ગ્લોબલ વોર્મિગ એમ જ નથી થઈ રહ્યું. કુદરત કઈક કહેવા માંગે છે, પણ આ ભદો સમાજ સમજે તો ને?

જાણે છે પ્રેમ, કુદરતે સેક્સ જેવી વસ્તુ કેમ બનાવી? કેમ કે આ ક્રિયા ધ્વારા એક નવા જીવનું નિર્માણ થઈ શકે. સૃષ્ટિનો જે નિયમ છે, એ જળવાઈ રહે. નવા જીવોની ઉત્પત્તિ થતી રહે. જીવનચક્ર આગળ વધતું રહે. બસ આ જ કારણ હશે કે કુદરતે સેક્સ જેવી વસ્તુ બનાવી. કામ યોગ્ય છે, પણ વાસના ખોટી છે. પતિ-પત્ની કામક્રીડામાં મગ્ન થઈ, આ સંસારને ભૂલી પ્રેમના રંગોમાં એકમેકમાં ખોવાઈ જાય. એ કામ પવિત્ર છે. જો આ ખોટું હોત તો અમસ્તા જ ખજૂરાહોના મંદિરોમા આવી મૂર્તિઓ જ ન હોત. જ્યારે એક પતિ કામની તૃપ્તિ માટે એની પત્ની પાસે જાય, તો એણે એમ વિચારવું જોઇએ કે તે મંદિરમાં જઇ રહ્યો છે. જ્યારે પત્નીએ એમ વિચારવું જોઈએ કે તેના ભગવાન તેની પાસે આવી રહ્યા છે. બોલ સેક્સ આટલું પવિત્ર છે, અને ઘણા લોકો આને અપવિત્ર ગણે છે. બીજી તરફ જો એક પુરુષ વિકૃત બનીને માત્ર હવસ સંતોષવાના કારણોથી સ્ત્રીના અંગોને જોવે, તેના અંગોને મસળીને વિકૃત આનંદ મેળવવા માંગે તો એ વાસના છે.

સાચું કહું પ્રેમ. મને આ આખી દુનિયામાં માત્ર તું જ જેન્ટલમેન લાગ્યો. આપણી વચ્ચે ત્રણ વર્ષ પ્રેમસંબંધ રહ્યો, પણ યાર તું ક્યારેય કિસની આગળ જ ના વધ્યો. ઘણીવાર તો મને પોતાને લાગતું કે ક્યાંય તું ગે તો નથી ને? હા યાર, સાચું કહું છું ખોટું ના લગાડતો હો! અરે યાર એ રાતે હું તારા ફ્લેટ પર તારી સાથે હતી. આપણે બન્નેએ ડાન્સ પણ કર્યો. તારા કિસ કર્યા પછી હું આવેશમાં આવવા લાગી હતી, પણ તે તારી મર્યાદા ન તોડી. મને પ્રેમથી અળગી કરીને શાંત ચિત્તે કહી દીધું, “અત્યારે નહિ! લગ્ન પછી. સંયમ રાખ ખુદ પર.” સાચું કહું તો એ રાતે મને ખોટું લાગ્યું હતું. તું મારી સાથે સેક્સ માણી શક્યો હોત. હું પણ માણવા ઇચ્છતી જ હતી ને યાર. પરંતુ બીજા દિવસે આવેશની લાગણીઓ શમ્યા બાદ મારા દિલમાં તારા માટે પ્રેમ વધી ગયો. હું જાણી ગઈ કે તું મારા શરીરથી નહિ, મારા દિલને, મારી આત્માને ચાહે છે. હું હવામાં ઉડવા લાગી. હું ખુદને સિન્ડ્રેલા સમજવા લાગી અને તું મારો પ્રિન્સ.

મને લાગતું હતું કે તું ઠંડો માણસ છે, લગ્ન બાદ આપણી સુહાગરાત પણ ઠંડી જ હશે એમ લાગતું હતું. પણ એક દિવસ હું તારી ડાયરી વાંચી ગઈ. જેમાં તું મારી સાથે સુહાગરાત કેવી રીતે મનાવીશ, એનો પ્લાન લખ્યો હતો, તારું સપનું એ રાતને લઈને ડાયરીમાં વિચારો ટપકાવ્યા હતા. અરે યાર એ વાંચ્યા પછી ખબર પડી, યાર તું તો પ્રેમ ચોપડાનો પણ ગુરુ છે. બસ તારા વિચારો સેક્સને લઈને પવિત્ર છે એ પણ ખબર પડી.

મારી મમ્મી હંમેશા કહેતી કે જેવા કર્મ કરો તેવું ફળ મળે. હું હવે વિચારું છું કે મેં એવું તો શું કર્યું, મારા જેવી અનેક સ્ત્રીઓએ શુ પાપ કર્યા હશે, કે અમને રેપ જેવી ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડે? શું અમે માત્ર સ્ત્રી છીએ એટલા માટે? ઉપર ગયા બાદ મારે આ જ વસ્તુ ભગવાનને પૂછવી છે. ત્યાં હું બબાલ જ કરવાની છું અને એ પણ જોરદાર. અને હું ઝગડો કરવામાં કેટલી માહેર છું એ તો તું જાણે જ છે ને? સૌથી વધારે તો તારી સાથે જ લડી છું ને યાર. આ પુરુષો મંદિરમાં રહેલા માતાજીના ચરણોમાં મસ્તક નમાવે છે, એ પણ તો એક સ્ત્રી જ છે ને. તો પણ ત્યાં શરીફ બનીને રહે અને ત્યાંથી બહાર નીકળીને શરીફતાનો લિબાસ હટાવીને અન્ય સ્ત્રીઓને ખરાબ નજરે જોવે. હમમ….અરે એમને પણ સારી સાફ નજરે જ જુઓ ને યાર.

યાર પ્રેમ, જો કોઈ ઓચિંતા જ તમારા નાકમાં આંગળી નાખી દે, તો કેવું લાગે? બસ એના કરતા એક હજાર ગણું કે તેથીય વધુ અમને સ્ત્રીઓને ખરાબ લાગે છે, જ્યારે રેપ થાય. કુદરતે એક છ ઇંચની શોર્ટગન પુરુષોને શું આપી દીધી, બસ જાણે કે તેઓને સ્ત્રી ભોગવવાનું લાયસન્સ મળી ગયું. આવા પુરુષો ખુદની જાતને મર્દ ગણે છે, પણ ખરેખર તેઓ બાયલાઓ છે. જયારે કોઈ સ્ત્રી સાથે રેપ થાય તો અલગ અલગ લેબલ લગાવી દેવામાં આવે, પીડિતા, વગેરે…. અરે આ બિચારીની ઈજ્જત લૂંટાઈ ગઈ. હવે સમાજમાં મોઢું કેમ બતાડશે, આનો હાથ કોણ જાલશે? અરે અમે એવું તો શું કર્યું કે અમારી ઈજ્જત લૂંટાઈ ગઈ. અમે આમંત્રણ આપવા ગયા હતા કે આવો અમારો રેપ કરો? નહિ ને? સમાજે હવે સત્ય સ્વીકારવાની જરૂર છે. એવો સમય આવવો જોઈએ કે એ જ સમાજ કોઈ પુરુષને કહે, અરે રે…આની તો ઈજ્જત લૂંટાઈ ગઈ, એક સ્ત્રીનો રેપ કરીને આવ્યો છે. હવે આને છોકરી કોણ આપશે? બાપડો વાંઢો ફરશે હવે…

અદાલતમાં પણ જલ્દી ન્યાય કયા મળે છે? પોલીસ સ્ટેશનમાં પણ એ ઘટના પાછી કહેવાની અને એ બાદ પણ વારે વારે કહી કહીને ઘટના દોહરાયે રાખવાની. જાણે ન્યાયની ભીખ માંગવી પડતી હોય. રેપ માત્ર એક વાર નથી થતો, વારેઘડીએ થયા કરે છે. એ વાત કાયદાના રખેવાળો ક્યાં સમજે છે? પોલીસ, વકીલો, પ્રશ્નો પૂછયા કરે અને જવાબો આપવા પડે. પાછું તારીખ પે તારીખ પડતી જાય. એ સ્ત્રીના લગ્ન પણ થઈ જાય અને ભવિષ્યમાં એના છોકરાને લઈને કોર્ટમાં જાય અને બધું સાંભળીને એ બાળક પણ પૂછે, “મમ્મા, આ રેપ કોને કહેવાય?” કદાચ જીવનની સૌથી કઠિન પરિસ્થિતિ એક મા માટે હશે આ.

ભલે નેતાઓ દેશના વિકાસને લઈને મોટી મોટી હાંકયે રાખતા હોય, પણ જે દેશમાં સ્ત્રી સુરક્ષિત નથી, એમનું માન-સન્માન નથી. એ દેશનો વિકાસ પણ શક્ય નથી. જ્યારે એક મા બેફિકર થઈ એની દીકરીને કહેશે કે જા બેટી જા, આખી રાત ફ્રેન્ડ્સ સાથે પાર્ટી એન્જોય કર. જી લે અપની જિંદગી. તે દિવસે દેશનો સાચો વિકાસ કહેવાશે, જ્યા સ્ત્રી સુરક્ષિત છે. એની ઈચ્છા મુજબ જીવન જીવી શકે છે. એક આંકડા મુજબ દરરોજ ૯૨ જેટલા રેપ સ્ત્રી સાથે થાય છે, પણ આ તો એ છે જેમણે કેસ કર્યા હશે. બાકી જેમણે નહિ કર્યા હોય, એ આંકડો ખૂબ મોટો હશે, એમ મારું માનવું છે અને આ ન નોંધાયેલા આંકડાઓમાં હવે એક નામ વધુ ઉમેરાઈ રહ્યું છે, તારી સ્નેહાનુ.

જાણું છું તું મને એટલી ચાહે છે કે ભલે મારી સાથે રેપ થયો હોય, તું મારી સાથે લગ્ન કરીશ જ. પણ હું સ્વાભિમાન ગુમાવી ચુકી છું, અને આ રીતે હું જીવી નહીં શકું. તને છોડીને દૂર જઇ રહી છું, માફ કરજે. ભગવાનને ઘરે ગયા બાદ જો એ મને વરદાન માંગવાનું કહે તો ખબર છે હું શું માંગીશ? “તમામ પુરુષજાતને નપુંસક બનાવી દો, જેથી હવે ક્યારેય કોઈ સ્ત્રીને રેપ જેવી પીડાદાયી ઘટનાઓમાંથી પસાર ન થવું પડે.”

ઉફ્ફફ…આજે ઘણું બધું બોલી ગઈ, પણ મારા મનનો ઉભરો ઠાલવી દેવો હતો કોઈકને. અને હંમેશા મારી વાતો કોણ સાંભળે છે? તું જ ને . લવ યુ માય ડાર્લિંગ, હની, સ્વીટ હાર્ટ, મારી ધડકન. બધું જ તું ને યાર. જ્યા પણ રહીશ તને પ્રેમ કરતી રહીશ. બહુ બધું…..બહુ….સખત….મિસ કરતી રહીશ તને. અલવિદા પ્રેમ ચોપડા.

તારી જાન,
સ્નેહા

લેખક : રોહિત સુથાર ‘પ્રેમ’

દરરોજ અવનવી વાર્તા અને પોસ્ટ માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી