“મારી દીકરી”, એક આદર્શ પિતાનો દીકરીને પત્ર !

કેમ છે ? બેટા,

આશા છે કે તું હોસ્ટેલમાં ખુશ હશે. આજે આ પત્ર લખવાનું મન થયું ! આ પત્ર લખવાનું કોઇ વિશિષ્ટ કારણ નથી, પણ કેટલીક વાતો હું તને આ પત્રથી કહેવા માગું છું, જે કદાચ તારી સામે મેં ન કહી હોય.

આજનો સમય ખૂબ જ આધુનિક અને ઝડપી છે, અને આ સમય યુવા માટે મહત્વનો છે. તું મારી દીકરી છે અને કોઇ પણ પિતાને પોતાની દીકરી પ્રત્યે કંઇક વિશિષ્ટ સ્નેહ હોય છે. આજ કાલના વિદ્યાર્થીઓ ઝડપથી પ્રગતિ કરી રહ્યા છે, એ જાણીને ખૂબ જ આનંદ થાય છે, પણ આજના વિદ્યાર્થીઓ ચારિત્ર્ય નિર્માણ બાબતે સાવ બેદરકાર છે એવું મને લાગ્યું ! કૉલેજના સમયમાં કોઇ સાથે વિજાતીય આકર્ષણ થાય એ સામાન્ય વાત છે, પણ આ આકર્ષણ કારણે ઘણાં વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી નિર્માણનો અમૂલ્ય સમય વેડફી નાખે છે. એક ન્યૂઝ પેપરમાં લેખ વાંચ્યો હતો કે આજની નારી સ્વતંત્ર થવા ઈચ્છે છે ! હું આ બાબતે કંઈ વિશેષ નહિ કહું પણ એટલું જ કહેવા માંગીશ કે તને બધી જ સમજણ પડે છે, એટલે કે તું મેચ્યોર છે, આથી હું તને કોઈ બંધનમાં નહિં રાખું પણ તું જે જગ્યાએ ખોટી હોઇશ એ જગ્યાએ એક પિતા તરીકે ટકોર કરીશ ! મેં તને જે સંસ્કાર આપ્યા છે એના પર તો મને એટલો તો વિશ્વાસ છે જ. જીવનમાં માન સન્માન તો મળી જશે, પરંતુ એ માટે આપણે આપણી જિંદગીનું સન્માન કરવું પડશે અને એ માત્ર ને માત્ર સદ્દગુણોથી જ શક્ય છે. એક પિતા પોતાની દીકરી પ્રત્યે શું ઈચ્છે ? તો હું તો એટલું જ ઈચ્છું છું કે મારી દીકરી હંમેશ ખુશ રહે !

આજના યુવાઓના શોખ પણ અનોખા હોય છે. એટલે કે તારો જે શોખ હોય એ તું કરી શકે છે અને એના માટે તું સ્વતંત્ર છે, પણ તું જે કરે એમાં વિવેક અને સમજણ રાખજે. જીવનમાં મનગમતો કોઈક શોખ રાખવો જોઈએ અને મહાપુરુષોના જીવનચરિત્ર એટલે કે બાયોગ્રાફી વાંચનનો પણ એક શોખ હોવો જ જોઈએ. વાંચન હંમેશ આપણને શુભ માર્ગે લઈ જાય છે. એક કહેવત છે કે “જેવી સંગત એવી રંગત”, એટલે કે જીવનમાં સંગ સારા વ્યક્તિત્વનો કરવો જોઇએ. વિદ્વાન માણસોના જીવન ચરિત્રનો અભ્યાસ કરવામાં આવે તો તેઓની પાસે એક સારી સંગત હતી, જેમાં પુસ્તકો પણ આવી જાય છે. મિત્રતા કેળવવી એ માનવનો ગુણધર્મ હોય છે, ત્યારે આપણે મિત્રો પણ સારા પસંદ કરવા જોઇએ. જીવનમાં સારા મિત્રો હશે તો આપણા વિચારો વ્યવહારમાં દેખાશે અને એક પ્રભાવશાળી વ્યક્તિત્વનું નિર્માણ થશે.

મારે જે કહેવું હતું એ મેં કહી દીધું, હવે તું આ વાતો પર અમલ કરે છે કે નહિં એ તારી સમજણ પર આધારિત છે. તારી સાથે પત્ર વ્યવહાર કરીને ખૂબ જ આનંદ થયો. મને જવાબમાં તું પત્ર લખીશ તો આનંદ થશે. મમ્મી તને યાદ કરે છે અને ભાઈ દરરોજ તારા રૂમમાં જ સુવે છે.

આવજે…..મારી લાડકી…..

તારો શુભ ચિંતક
તારા પપ્પા..

લેખક : પ્રદિપ પ્રજાપતિ

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

ટીપ્પણી