દીકરીઓ ને બનાવજો સમર્થ !

“અને પછી રાજકુમારી મિનારામાં પૂરાયેલી હતિ. તેના દરવાજા પર એક ભયંકર વિશાળકાય ડ્રેગન ચોકીદારી કરી રહ્યો હતો અને આસપાસ ભયંકર મગરોથી ભરાયેલ ગંદુ-ઉંડુ તળાવ હતું.”

મમ્મીએ ગંભીર અને ધીમા આવજે વાર્તા આગળ વધારી, “પછી બિચારી રાજકુમારી તેના રાજકુમાર ની રાહ જોવા લાગી…”

“પણ, રાજકુમારી કેમ રાજકુમારની રાહ જોતી હતી મમ્મી!!”, નાનકડી ખૂશીએ આતુરતાથી પૂછ્યું.

“રાજકુમાર આવે અને એને બચાવે, એટલા માટે પાગલ !!!” મમ્મી એ તેની ઉત્સુકતા શાંત કરતા કહ્યું.

“પણ મમ્મી, એને બચવા માટે રાજકુમારની શું જરુર..?”, નાનકડી ખૂશીએ ફરીથી પૂછ્યું. મમ્મી પાસે જવાબ આપવા શબ્દો ન હતા.

ત્યારે નાનકડી ખૂશીએ ગર્વથી જવાબ આપ્યો,” જો હુ રાજકુમારીની જગ્યાએ હોત, તો તેની જેમ વર્ષો સુધી રાજકુમારની રાહ જોવાને બદલે, ડ્રેગનને મારા કબૂમાં કરી ત્યાંથી ભાગી નિકળવાનો પ્રયત્ન કરત…!!!”

તેણે વાર્તાની ચોપડી બાજુપર મૂકી અને બોલી,” મુર્ખ રાજકુમારી…!”

મમ્મીએ સ્મિત કરી ને વિચાર્યું,” હવે પરી-કથાઓ ફરીથી લખવાનો સમય આવી ગયો છે.”

#MordenFairyTales

ચાલો, આપણી દીકરીઓને એટલી સ્વતંત્ર અને પર્યાપ્ત બનાવીએ કે તેને કોઇ રાજકુમાર કે જાદુની જરૂર ન પડે…

સંકલન – મિલન સોનગ્રા (ઉપલેટા)

ટીપ્પણી