લેણદેણ – એને હજી પહેલા લગ્ન સાથે ની લેણદેણ બાકી હતી, જે આમ અચાનક આવી સામે…

ચૈત્ર મહિનાના તડકા પડવા શરુ થઇ ગયા હતા . બપોરના સમયે રસ્તા પણ સુમસામ લાગતા હતા. એકલદોકલ વાહન નીકળતા હતા. એવામાં એક કાર રસ્તે જતાં જતાં અટકી ગઈ. એમાંથી વિપુલભાઈ બહાર નીકળીને જોવા લાગ્યા અને બોલ્યા, ” અરે રે !, આમાં અત્યારે જ પંચર પડવુ હતું ?? ગાડીમાં તેમના બા અને પત્ની રંજનબેન બેઠા હતા. બા કહે, ” રંજન !!,મને પાણીની બોટલ આપ !. રંજનબેન કહે, ” બા !, પાણી તો ખલાસ થઈ ગયું છે !! ” વિપુલભાઈએ વ્હીલ બદલવાની શરૂઆત કરી અને આ સાસુ વહુ પાણી પીવા બહાર નીકળ્યા.

વિપુલભાઈએ કહ્યું , “બા !!,અહીં આજુબાજુમાં, કોઈ હોટેલ કે દુકાન જેવું કાંઇ જ નથી. તડકામાં બીમાર પડી જશો . અંદર બેસી જાઓ ! હમણાં ગાડી ચાલુ થઇ જશે.”” પણ, ગાડીનું વ્હીલ નીકળતું નહોતું રંજનબેન સમજી ગયા કે હજુ ગાડી ચાલુ થતાં વાર લાગશે અને બ નાના છોકરાની જેમ પાણી પાણીની રઢ મૂકશે નહીં … તેમણે નજર બાજુ નજર દોડાવી… થોડેક દૂર એક નવી સોસાયટી બનતી હતી. તેમાં બે-એક ઘર રહેણાંક જેવા લાગતા હતા.

એટલામાં જ તેના સાસુ બોલ્યા, અરે !!, હું તો પાણી વગર મરી જઈશ !!” તે તો બહાર નીકળીને એ પેલા ઘર તરફ ચાલી નીકળ્યા. રંજનબેન પણ પાછળ જવા ચાલતા થયા…. ત્યાં વિપુલભાઈએ ગાડીને જેક મારતા બૂમ મારી , ” રંજન !, પહેલું વ્હીલ આ બાજુ લાવ તો જરા !! રંજનબેન પાછા વળી ગયા અને દૂર રહેલું વ્હીલ, વિપુલભાઈને આપ્યુ.

તે વિપુલભાઈની ખૂબ જ કાળજી લેતા હતા. વિપુલભાઈ પણ જરૂર વગર ક્યારેય રંજનબેનને તકલીફ ન આપતા. તેમનું લગ્ન, બન્નેનું રી-મેરેજ હતું. રંજનબેનના પહેલાં પતિનું અવસાન થયા પછી તેના પપ્પાએ ખૂબ સમજાવટ કરી ને નિઃસંતાન તથા એકલા થઈ ગયેલા રંજનબેનને વિપુલભાઈના બે દીકરા માં વગરના થઈ ગયા હતા તેમની માં બનાવી દીધા. રંજનબેને પણ કશી જ ફરિયાદ કર્યા વગર, તેમની ફરજ અદા કરી હતી.

વિપુલભાઈને રંજનમબેન પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો અને તેમનું માન પણ એટલો જ જાળવતા. બંને વચ્ચે સંવાદિતા ( Harmony) જળવાઈ રહેલી.બેય દીકરાઓને પરણાવી દીધા હતા. નોકરી-ધંધામાં સેટ થઈ જુદા-જુદા શહેરમાં ગોઠવાઈ ગયા હતા. વાર-તહેવારે તેઓ મમ્મી-પપ્પાની મુલાકાત લઇ લેતા.ખૂબ સુખી હતાં. છતાંય, રહી રહીને વિપુલભાઈ તથા રંજનબેનની એક અફસોસ જરૂર હતો કે આપણે એક દીકરી પણ હોત તો કેવું સારું !!

વિપુલભાઈએ કારનું વ્હીલ બદલી નાખ્યું ….પછી પૂછવા લાગ્યા, રંજન !!, બા ક્યાં ?? રંજનબેને જે દિશામાં બા ગયા હતા તે તરફ જોયું તો એક ઘરનો દરવાજો ખુલ્લો દેખાતો હતો. રંજનબેન ઝડપથી ચાલીને તે તરફ ગયા અને ત્યાં જઈને જોયું તો વરંડામાં એક ખાટલો ઢાળેલો હતો અને બા ત્યાં જ લાંબા થઇને સૂતાં હતાં. રંજનબેન તો તેમને આરામથી સૂતેલા જઈ કહેવા લાગ્યા.., ” ચાલો !, ચાલો !, બા !!, કોઈ અજાણ્યાને ઘર આમ સુઈ જવાય ??”

એટલામાં તો અંદરથી એક યુવતી બહાર આવી …. અને તેની તથા રંજનબેન ની નજર એક થઈ… અને તે… ” નાની મમ્મી !! … નાની મમ્મી !! ” કરતી રંજનબેનને ભેટી પડી. બંનેની આંખો વરસી પડી. તેના સેથામાં સિંદુર જોઈને રંજનબેન કહેવા લાગ્યા , ” મારી ‘ મોટી’ ના લગ્ન ય થઈ ગયા ??? ”

તો તે યુવતી બોલી, ” હા, નાની મમ્મી !!, એક વર્ષ પહેલા મારા લગ્ન થઈ ગયા.” બા તો બેઠા થઈને જોઈ જ રહ્યા.. તેમને એ તો ખબર હતી કે રંજનબેનને પહેલા પતિથી કોઈ સંતાન ન હતું અને વિપુલભાઈ ના બે દીકરા, પહેલી પત્નીથી હતા તેથી રંજનબેને અહીં આ ઘરે આવ્યા પછી થી સંતાન થવા ન દીધા તો પછી આ દીકરી ??? એ પણ વળી મોટી ??? તો પછી નાની ??? ”

રંજનબેન નો હાથ પકડી ને મોટી એ તેમને બેસાડ્યા. રંજનબેન પૂછવા લાગ્યા, ” ‘મોટી’ મારી ‘છોટી’ શું કરે છે???” તેમણે બાને બધી વાત જણાવતા કહ્યું કે આ દીકરી મારા પહેલા સાસરે મારા જેઠ-જેઠાણી ની દીકરી છે તેમને બે દીકરી હતી પણ બંનેને મારી ખૂબ જ માયા હતી. મારાથી જરાય અળગી ન રહેતી. તેમાંય છોટી તો ??? જે જુએ એ એમ જ કહેતા કે ભલે જન્મદેનાર તેની માતા હોય પણ આ ‘છોટી’તો રંજનની જ છે !!! બન્નેના ખોળિયા જુદા પણ પ્રાણ એક જ … ”

ત્યાં મોટી બોલી, ” યાદ છે ને મમ્મી !, ‘છોટી’ને તારા ઉપર કેટલો પ્રેમ હતો કે જ્યારે સ્કૂલે બેસાડી હતી ત્યારે તારાથી છૂટી પડતી નહોતી !!અને કેટલી રડી હતી ??? તું પણ વળી તે દિવસે જમી જ નહોતી !! અને તેને ધરારથી સ્કૂલે મૂકી આવ્યા.. તો તું પણ રડ્યા કરી હતી..”

” હા , મને એ બધું જ યાદ આવે છે.. પણ,.. અચાનક જ આપણા લેણદેણ પૂરા થયા…. અને તે ઘર સાથે મારો નાતો તૂટ્યો !!! હા, પણ મારી ‘છોટી’ પણ હવે ઘણી મોટી થઈ ગઈ હશે ને ?? તે ક્યાં છે ?? શું કરે છે ??? કેમ છે મોટાભાઈ ભાભી, એટલે તારા મમ્મી-પપ્પા તો મજામાં છે ને ?? “”

…..ત્યાં તો છાની રહેલી ‘મોટી’ ફરીથી રડવા લાગી… અને કહેવા લાગી, ” નાની મમ્મી !! તારા ગયા પછી તો ‘છોટી’ કેમેય કરીને તને ભૂલતી જ ન હતી !!!. તે ઘણા સમય સુધી તો બીમાર રહી હતી. ઘણા વખતે તે તારો વિયોગ સહન કરવા સક્ષમ બની… પણ, કમનસીબી કેવી !! ગયા વર્ષે જ મારા લગ્ન થયા પછી એકવાર, મારા ઘરેથી પાછા ફરતા બસ નો એક્સિડન્ટ થયો અને તેમાં જઇ રહેલા મમ્મી-પપ્પા બન્ને નું અવસાન થયું અને… ‘છોટી’ ફરીવાર અનાથ બની ગઈ. તેને ઘણો આઘાત લાગ્યો. તે કેટલોક સમય કોમાં માં રહી, ભાનમાં આવ્યા બાદ, હજુ હમણાં … થોડા સમય પહેલા જ તેને, હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે !” રંજનબેન તો રડતા રડતા પૂછવા લાગ્યા, ” અરે રે !!, આટલુ બધુ બની ગયું ?? તો મારી ‘છોટી’ અત્યારે ક્યાં છે ?? માં વગરની મારી દીકરી ક્યાં જાય ?? અને ક્યાં રહે ???”

” હા, નાની મમ્મી !!, તને ખબર છે ને કે ઘરની આર્થિક સ્થિતિ તો પહેલેથી જ સાધારણ કહી શકાય તેવી હતી. એમાં વળી મારા કાકા નું મૃત્યુ …! , છોટીની બીમારી … પછી મારા લગ્નના ખર્ચા.. અને એમાંય વળી રહી સહી મૂડી મિલકત, આ ‘છોટી’ને બચાવવામાં વપરાઇ ગઇ અને કુટુંબમાં હવે કોણ હતું કે, ‘ છોટી’ ને સાચવે ?? વળી, મારે અહીં સાસરીમાં સંયુક્ત કુટુંબનો જમેલો !! તેમાં તો ‘છોટી’ નો શ્વાસ રુંધાય … અને અમારે તો મોસાળમાં મામી યે એવી છે કે બે દિવસ પણ ભાણેજડા ન સાચવે.. તો પછી આ તો આધાર વગરની ! એકલી !! ‘મોટી’એ પોતાની આંખો લૂછતાં લૂછતાં બધી વાત જણાવી..

..”. તો પછી, ‘છોટી’ છે ક્યાં ??? ” રંજનબેનના આંસુ રોકાતા નહોતા.. તે આ શહેરમાં જ છે. પણ, તે વર્કિંગ વુમન હોસ્ટેલ માં રહે છે અને એક પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવા જાય છે અને પોતાનો ખર્ચો કાઢી લે છે.

“અરે રે !!!, મારી ફૂલ-સી દીકરી ઉપર આટલું બધું વીતી ગયુ !! ને મને તો ખબર જ ન હતી !! મારી ‘છોટી’ બિચારી …. !! ” એમ કરતા રંજનબેન છુટ્ટા મોંએ રડી પડ્યા..

આ સાસુ-વહુને બોલાવવા આવેલા વિપુલભાઈએ આ બધી વાતો સાંભળી અને તે બધું જ સમજી ગયા હતા.તેમણે રંજનબેનને શાંત પાડવા માટે, તેમના ખભા પર હાથ મૂક્યો ત્યાં તો ..રંજનબેન તરત જ આંસુ લૂછી ચૂપ થઈ ગયા.. અને કહેવા લાગ્યા, ” તમે !!, તમે !!, ક્યારે આવ્યા ?? આ તો…! આ તો…! “” ત્યારે વિપુલભાઈ કંઈ પૂછે તે પહેલા રંજનબેન ઊભા થઈ ગયા… અને તેમણે મોટી ની વિદાય લઇ લીધી.

રંજનબેન ચૂપ થઈ, સાવધ થઈ ગયા… તે વિચારતાં હતાં કે, મારું પહેલું ઘર…તે પતિ… તેમના સગા.. આ ‘છોટી-મોટી’ !!.. બધું જ મારા માટે હવે પરાયું છે !! મારી આ લોકો પ્રત્યેની ફરજમાં જરાય ઓટ ન આવે તે જોવું, ખૂબ જ જરૂરી છે !! પહેલા ઘર પ્રત્યે મારા લાગણીના તંતુઓ મેં છોડી નાખ્યા હતા , તે હવે , મારાથી કેમ જોડાય ?? તે બાનો હાથ પકડીને કાર સુધી લઈ આવ્યા.. તેમને બેસાડીને પોતે પણ બેઠા.. અને વિપુલભાઈ એ ગાડી સ્ટાર્ટ કરી.

રંજનબેને આંખો બંધ કરી સીટ પર માથું ઢાળી દીધું. તેમની બંધ આંખોમાં ‘છોટી’ ફરીથી આવી.. અને … “નાની મમ્મી !!, …નાની.. મમ્મી..!!, .. મમ્મી.. .. મમ્મી.. !!” કરતો માસુમ ચહેરો તેની નજર સમક્ષ તરવા લાગ્યો.. રંજનબેન વિવશ હતા.. શું કરે ?? તેમણે આંખો ખોલી નાંખી જેથી… !

ત્યાં તો તેમણે જોયુ કે આ રસ્તો તો શહેરમાં જાય છે. તેમણે વિપુલભાઈને પૂછ્યું, “આપણે તો હજુ આગળ જવું છે.. તો આમ ક્યાં ?? શું વ્હીલનું પંકચર રીપેર કરાવવું છે ??? વિપુલભાઈએ એક બિલ્ડીંગ પાસે ગાડી ઉભી રાખી.. અને રંજનબેનને નીચે ઉતારતા કહ્યું, ” વ્હીલનું પંચર રિપેર કરાવતા પહેલા, એક ભૂલાયેલા સગપણમાં પંકચર પડી ગયું છે !! તેને રિપેર કરી લઈએ !!”

રંજનબેન ને કઈ સમજાયું નહિ બિલ્ડીંગ ની પાસે એક બોર્ડ હતું ‘વર્કિંગ વુમન હોસ્ટેલ’ તેમણે વિપુલભાઈ ની સામે જોયું.. વિપુલભાઈએ માથું હલાવતા કહ્યું, ચાલ રંજન !!, તારી ‘છોટી’ને આપણી ‘છોટી’ બનાવવા… !” બા, બધું જ સમજી ગયા હતા.. તેમને તો ‘મોટી’ ને ત્યાં જે બધી વાતો થઈ હતી, તે પણ , ગમ્યું ન હતું અને વિપુલભાઈની આ વર્તણૂક જોઈને તે બોલ્યા વગર ન રહ્યા , ” વિપુલ !!, તું શું કરે છે તેનું ભાન છે તને ?? આપણે શા માટે તે છોકરી ની જવાબદારી લેવી જોઈએ ?? ચાલો !!, આમ આવો.. બેસી જાવ ગાડીમાં.. !”

રંજનબેન ગાડીમાં બેસવા જતાં હતાં, તેમને ખબર હતી કે બા, એમનું ધાર્યું જ કરે તેવા છે. બાની ઘરમાં ખૂબ જ ધાક !! વળી, વિપુલભાઈ પણ બાની મર્યાદામાન ખૂબ જાળવતા… લગભગ ક્યારેય તેમનું વેણ ઉથાપતા નહિ !! તેથી ગાડીનો દરવાજો પકડી રંજનબેન અંદર બેસવા જતા હતા.. ત્યાં વિપુલ ભાઈ બોલ્યા, ” ઉભી રહે રંજન !! ”

બા તરફ ફરીને એ કહેવા લાગ્યા, ” બા !!, તમે આજે કશું જ ન બોલતાં, રંજનને આપણા ઘરે આવ્યે કેટલો સમય થઈ ગયો !! તેણે તેની ફરજ બજાવવામાં ક્યારેય કસર છોડી છે ?? મારા નમાયા દીકરાઓને મા ની ખોટ ક્યારેય સાલવા લીધી છે ?? તે જો મારા દીકરાઓને પોતાના કરી શકે છે !! તો તેની માનેલી દીકરીને, આપણે પોતાની ન કરી શકીએ ??” બા પણ સમજી ગયા હતા, ” હંમેશાં મારો પડ્યો બોલ ઝીલતા વિપુલનો બોલ, આજે મારે ઝીલવો પડશે !! ” તે ચૂપ થઈ ગયા…

રંજનબેનની આંખમાં આસું આવી ગયા… તેમના આંસુ લૂછતાં લૂછતાં વિપુલભાઈ બોલ્યા, ” રંજન !!, તારા આંસુ લૂછી લે !!, ચાલ, આપણી ‘છોટી’ને આપણે લઈ આવીએ !!. હોસ્ટેલની અંદર આવીને, રિસેપ્શનિસ્ટ પાસે નામ-સરનામું જણાવીને માહિતી પૂછતાં માલૂમ પડ્યું કે તે જે સ્કૂલમાં સર્વિસ કરે છે ત્યાં ગઈ છે અને હવે ‘છોટી’ના આવવાનો સમય થઈ ગયો છે !! તેથી વિપુલભાઈ અને રંજનબેન ત્યાં સામે જ બેઠા. એટલામાં જ… એક માસૂમ શી, ફૂલ સરીખી, એક છોકરી, બહારથી આવી અને રિસેપ્શનિસ્ટે તેને ઉભી રાખી કહ્યું, ” તને કોઇ મળવા આવ્યું છે !!”

‘છોટી’એ વિપુલભાઈ સામે જોયું… તે ઊભા થઈ ગયા.. ‘છોટી’ને કઈ ઓળખાણ ન પડી !! વિપુલભાઈ, રંજનબેનના આડેથી આઘા ખસી ગયા.. અને રંજનબેન પર નજર પડતાં જ … એ છોકરી , “નાની મમ્મી…!! નાની મમ્મી !!…” કહીને એ દીકરી રંજનબેનની પાસે દોડી આવી.. અને રંજનબેને .. “મારી ‘છોટી’ !!!..” કહેતા તેના બે હાથ પહોળા કરીને તેને પોતાનામાં સમાવી લીધી.. તે હિબકે ચડી.. રંજનબેન પણ રડી પડ્યા…!

આંસુ લૂછતાં વિપુલભાઈએ થોડીવાર બંનેને રડવા દઈને બાજુના વોટર ફિલ્ટર માંથી બે ગ્લાસ લઇ આવી, બંનેને પાણી આપ્યું .. પાણી પીને થોડા સ્વસ્થ થઇ.. રંજનબેને ‘છોટી’ સામે જોયું તો… ‘છોટી’ વિપુલભાઈ સામે જોઈ રહી હતી .. તે બોલી , “નાની મમ્મી !!, આ ??.. ”
રંજનબેને ‘છોટી’ને કહ્યું, ” તારે હવે મને ‘ નાની મમ્મી’ નથી કહેવાનું .પણ… હવેથી મમ્મી જ કહેવાનું છે.. અને આ તારા પપ્પા છે… !! ” વિપુલભાઈએ નજીક આવીને ‘ છોટી ‘ને માથે હાથ મૂક્યો… ‘છોટી’ ફરીથી રડવા લાગી… રંજનબેનના આંસુ તો રોકાતા જ ન હતા… વિપુલભાઈ ‘ છોટી’ ને છાની રાખતા પૂછવા લાગ્યા, ” શું તમારે મા-દીકરીને રડવાનો કોઈ કોન્ટ્રાક્ટ છે !!!” ‘છોટી’ અને રંજનબેન હસી પડ્યા..₹

હોસ્ટેલના હોલમાં રહેલા લોકો અને રિસેપ્શનિસ્ટ, બધા… આ જોઈ રહ્યા હતા .. તે લોકો પણ આ સાંભળીને આંખો લૂછતાં હસી પડ્યાં !!.. “વર્કિંગ વુમન હોસ્ટેલ” માંથી ‘છોટી’ નો સામાન લઇ લીધો ! જરૂરી કાર્યવાહી પતાવી ! ત્યાંથી ‘છોટી’ને લઈને ઘરે આવ્યા… ‘છોટી’ ઘરે આવતાં જ સુનું ઘર કિલ્લોલ કરતું થયું હોય … તેમ હર્યુભર્યું બની ગયું … અને પછી તો, ‘છોટી’ને પ્રેમથી બા એ પણ સ્વીકારી લીધી !! વિપુલભાઈએ ‘છોટી’ને એટલો બધો પ્રેમ આપ્યો કે તે ‘નાની મમ્મી’ને બદલે આ પપ્પાની લાડકી બની ગઈ..

પછી તો… ‘ છોટી’માટે સારું ઘર જોઇને એમનું કન્યાદાન કરીને વિપુલભાઈને પણ ખૂબ સંતોષ થયો. રંજનબેને પોતાના પતિને કહ્યું, “છોટી’ને અપનાવીને તમે કેવડું મોટું કામ કર્યું છે ?? ”

ત્યારે વિપુલભાઈએ કહ્યું ” ખરેખર તો તે મારા પર એક ઉપકાર કર્યો છે !!” રંજનબેને પૂછ્યું કે ઉપકાર કેવી રીતે ?? વિપુલભાઈએ કહ્યું , ” રંજન !!” ‘છોટી’ને આપણે ઘરે લઈ આવીને પછી મને એક દીકરીના બાપ હોવાનો અનુભવ કરાવી ને તો તે મારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે ખરેખર દિકરી “વ્હાલ નો દરિયો” છે !! તે તો તેનો અનુભવ થાય તેને જ સમજાય..!!” રંજનબેન વિચારવા લાગ્યા કે આ દુનિયામાં કોના , ક્યારે.., અને ક્યાં ..! લેણદેણ પુરા થઈ જાય છે.. ! અને ત્યાં કોના લેણદેણ ક્યાં ચાલુ થાય છે તેનો પાર પામવો મુશ્કેલ છે !!

લેખક : દક્ષા રમેશ

વાહ ખુબ અનોખી રીતે મિલન થયું માતા અને દિકરીનું, આપના અભિપ્રાય કોમેન્ટમાં જરુર આપજો, દરરોજ દક્ષા રમેશની અલગ અલગ વાર્તા વાંચો ફક્ત અમારા પેજ પર.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ