મેનો-પોઝ – અ કોઈ રોગ નથી અને તેનાથી ડરશો નહિ, વાંચો શું ધ્યાન રાખશો…

મેનો-પોઝ

મેનોપોઝ એ જીવનનો એક નાનકડો કાળ છે તે કોઈ રોગ નથી. તેમાં કોઈ જ જાતની માંદગી આવતી નથી અને ત્યાં જીવન અટકી જતું નથી પરંતુ મેટાબોલીઝમ ધીમુ પડી જાય છે. વજન ઝડપથી વધવા લાગે છે. મસલટોન ઓછો થાય છે એટલે પેટ પર ચરબીનો વધારો થવા માંડે છે. આ સમયે હેલ્ધી ખોરાક અને નિયમીત કસરત કરવાથી આ કાળને તમે સારી રીતે પાર કરી શકો છો. આટલી વસ્તુઓનું વધુ ધ્યાન રાખોઃ

1. કેલ્શિયમઃ-શરીરમાં આવતા પરિવર્તનોના કારણે શરીરમાં કેલ્શિયમ ઝડપથી ઓછું થવા લાગે છે. માટે જ દરેક સ્ત્રીઓએ 40 વર્ષ પછી ખાસ વધુ કેલ્શિયમ વાળો ખોરાક લેવો જરૂરી છે. ખાસ તો ડિલીવરી દરમિયાન પણ જો કેલ્શિયમનું ધ્યાન રાખ્યું હશે તો મેનોપોઝ દરમિયાન તકલીફ ઓછી પડશે. દિવસ દરમિયાન ઓછામાં ઓછું 1 ગ્લાસ મલાઈ વગરનું દૂધ પીવાનું રાખો. ઉપરાંત એક કેળુ અવશ્ય લો જ. રોજીંદા ખોરાકમાં રાગીનો લોટ લેવાનું શરૂ કરી દો. રાગીના લોટની રોટલી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અથવા તો રાગીના લોટનું ખીચુ બનાવી દરરોજ નાસ્તાં વાપરો.

2. ફાયબર્સઃ-આખુ અનાજ, વધુ શાકભાજી અને માપસરના ડ્રાયફ્રુટ્સ લેવાનું રાખો જ. આમ કરવાથી કબજીયાત ઓછું રહેશે ઉપરાંત મેનોપોઝ સમયે આવતા કોલેસ્ટ્રોલ અને બ્લડશુગરના પ્રોબ્લેમને દૂર રાખી શકાશે. મેનોપોઝ દરમિયાન હાર્ટના રોગો થવાની સંભાવના વધી જતી હોય છે તે પણ ફાઇબર્સથી કન્ટ્રોલ રહેશે.

3. પાણી (પ્રવાહી)નું પ્રમાણ વધારોઃમેનોપોઝ દરમિયાન વાળ, ચહેરાની ત્વચા વિગેરે ઝાંખા પડતા લાગે છે. ચામડી પણ પહેલાના પ્રમાણમાં સૂકી થાય છે. આ સમયે પ્રવાહી વધુ લેવાનું રાખો. જેથી ચામડીના સેલ્સ વધુ હાઇડ્રેટ થશે અને શરીરમાંના ટોક્સીન્સ કીડની વાટે બહાર નીકળી જશે.

4. તેલનો પ્રકાર અને પ્રમાણ ચકાસોઃ-વધુ પડતી ચરબીવાળા ખોરાક લેવાથી વજન વધે છે તે આપણે સૌ જાણીએ છીએ. પરંતુ ‘ફેટ’ના લેવાથી શરીરમાં હોર્મોન્સનું ઇમ્બેલેન્સ થતું હોય છે. ઉપરાંત અમુક વિટામીન જેમ કે વિટામીન એ, ઇ, કે વિગેરે શરીરમાં પચવા માટે ફેટની જરૂર પડતી હોય છે. માટે થોડા પ્રમાણમાં ફેટ લેવી જરૂરી છે. તેલનો પ્રકાર ચકાસીને વાપરો. વધુ પડતાં ઘી અને માખણથી દૂર રહીને ઓલીવ ઓઇલ, કનોલા ઓઇલ, સનફ્લાવર ઓઇલ અથવા કરડીનું તેલ વાપરો

5. સોયાબીનનો વપરાશ કરોસોયાબીનમાં ફાયટો ઇસ્ટ્રોજન આવેલાં છે. જે મેનોપોઝ દરમિયાન મદદરૂપ થઈ શકે છે. ઉપરાંત મેનોપોઝ દરમિયાન ખૂબ ગરમી લાગવી, ખૂબ પરસેવો થવો વિગેરે લક્ષણોને સોયબીન કાબુમાં રાખવામાં મદદરૂપ થાય છે. સોયાબીનમાંથી બનેલું પનીર ‘ટોફુ’ કેલ્શિયમ ખૂબ જ ધરાવે છે. બને ત્યાં સુધી સોયાબીનના લોટની રોટલી બનાવીને અથવા ટોફુનું શાક બનાવી શકાય છે. ઉપરાંત, સોયાબીન બાફીને પણ ખાઈ શકાય છે. મુખવાસની જેમ બજારમાં મળતા સોયાબીન વધુ પડતાં ખાઈ જશો નહીં. તેના મસાલામાં મીઠાનું પ્રમાણ વધુ હોય છે ઉપરાંત તેમાં તેલ પણ ઘણુ રહેલું હોય છે.

6. તાજા ફળ અને શાકભાજીનો ઉપયોગ વધારોઃ-જુદા જુદા રંગના ફળોમાં જુદા જુદા વિટામીન આવેલા છે. તેમાં મીનરલ્સ, એન્ટીઓક્સીડન્ટ અને ફાયબર્સ ભરેલાં છે. મેનોપોઝમાં જ્યારે વારંવાર ગળ્યુ ખાવાનું મન થતું હોય ત્યારે ફળ ખાઈને સ્વાદ સંતોષવાથી વજન વધતું નથી અને મન સચવાઈ જાય છે.

શાકભાજી અને ફળમાં આવેલાં ફાયબર્સ લોહીમાં શર્કરાનું પ્રમાણ સંતુલિત રાખે છે અને આર્ટરીઝને બ્લોક થતી અટકાવે છે.

7. કસરતઃ

મેનોપોઝ દરમિયાન યોગા મદદરૂપ થાય છે. ઉપરાંત ધ્યાન એટલે કે મેડીટેશન કરવાથી મન શાંત રહે છે. વારંવાર રડવાનું બંધ થઈ જાય છે. દરરોજ 20 મીનીટનું ધ્યાન કરવાથી ડિપ્રેશનથી દૂર રહેવાય છે.

લેખક : લીઝા શાહ (ડાયેટીશયન), 

ફોન નંબર :  +91-9173706065

વેબસાઈટ :  www.anganahospital.com

દરરોજ આવી રસપ્રદ અને ઉપયોગી માહિતી માટે લાઇક કરો અમારું પેજ

આપ અહિયાં આ જે માહિતી વાંચી રહ્યા છો એ હેલ્થ અને ડાયટએક્સપર્ટલીઝા શાહ દ્વારા બતાવવામાં આપેલ છે, તેઓ એક ખુબ અનુભવી એક્સપર્ટ છે, વધુ માહિતી માટે તમને તેમને કોન્ટેક્ટ કરી શકો છો…

ટીપ્પણી