લત્તાજીનો ખરેખર પ્રેમસંબંધ હતો? વાંચો અને શેર કરો તમારા મિત્રો સાથે…

‘પ્રભુકૂંજ’ પાસેથી પસાર થવું અને છેલ્લાં કેટલાંય વખતથી દિમાગમાં ચાલી રહેલા પ્લાનિંગને આખરે કાગળ પર ઉતારવાનું શક્ય બનવું એટલે આ લત્તાદીદીના જીવનની કેટલીક રસપ્રદ યાદોને વાગોળતી એક શોર્ટ સિરીઝ. ગઈકાલે પહેલો હપ્તો આપની સમક્ષ મૂક્યો હતો આજે બીજો હપ્તો લખી રહ્યો છું. પ્રયત્ન કરીશ કે ત્રણથી ચાર હપ્તામાં મારું આ લખાણ પૂર્ણ કરી લઉં.

હા તો ગઈકાલે આખરમાં આપણે વાત કરી હતી કે હૈદર સાહેબના કહેવાથી શશધર મુખરજીએ લત્તા મંગેશકરને સાંભળ્યા ખરાં પરંતુ, તેમને લત્તા દીદીનો અવાજ એક પાર્શ્વ ગાયિકા તરીકે પસંદ આવ્યો નહીં અને કરિઅરની શરૂઆતમાં જ લત્તાજીએ રિજેક્શનના શબ્દો સાંભળવા પડ્યા. પણ સંગીતના સંસ્કારો પોતાના જ વડીલો પાસે મેળવી મોટા થયેલાં લત્તા મંગેશકરે પોતાની ઓળખ બોલીને નહીં પણ ગાયને, પોતાના કામથી બનાવવાની હતી. લત્તાજીને તેની સંગીતની સફરનો સૌથી મોટો બ્રેક હવે પછી જ મળવાનો હતો અને તે એક ગીત દ્વારા લત્તાજી સિલ્વર સ્ક્રીન પર એક પાર્શ્વ ગાયિકા તરીકે છવાઈ જવાના હતા. અને તેમને આ ચાન્સ આપ્યો ગુલામ હૈદર સાહેબે જ, ફિલ્મ હતી ૧૯૪૮ની ‘મજબૂર’ અને ગીત હતું, ‘દિલ મેરા તોડા’.

તે સમયે લત્તાજીના અવાજને અને તેમની ગાવાની સ્ટાઈલને લોકો નૂરજહાં સાથે સરખાવવા માંડ્યા હતા. આ એ સમય હતો જ્યારે હિન્દી સિનેમા જગતમાં શમશાદ બેગમનું એકહથ્થું સાશન હતું. અને શમશાદ બેગમના અવાજની સામે લત્તાજીના અવાજને લોકો એમ કહી નકારી રહ્યા હતા કે, ‘તેમનો અવાજ ખૂબ પાતળો છે. તે ફિલ્મોમાં નહીં ચાલે’. પણ પાછળથી આ નવી ગાયિકા લત્તા, લત્તા મંગેશકર તરીકેની પોતાની આગવી ઓળખ જમાવવા માંડી. આ એ સમય હતો જ્યારે ગીતકારો ગીતના શબ્દોમાં ઉર્દૂનો ખાસ્સો એવો ઉપયોગ કરતા હતા. દિલીપ કુમારે એક વખત લત્તાજીના મહારાષ્ટ્રિયન લહેકા પર કમેન્ટ પણ કરી હતી. પણ આવી કમેન્ટને પણ લત્તાજીએ સકારાત્મક રીતે જ લીધી અને તેમણે શાફી પાસે ઉર્દૂ બોલ અને લહેકો શીખવા માંડ્યા. ત્યારબાદ એ ગીત આવ્યુ જે ગીત લત્તાજીના અવાજને કારણે હિટ થઈ ગયું કે લત્તાજી તે ગીતને કારણે હિટ સાબિત થયા તે કહેવું મુશ્કેલ છે. ફિલ્મ ૧૯૪૯ની ‘મહલ’ અને ગીતના બોલ એ જ જે આજે પણ આપણા હોંઠ પર રમતા રહે છે. ‘આયેગા આનેવાલા…’

લત્તાજીની ગાડી હવે બરાબર પાટે ચઢી ગઈ હતી. તે સમયના લગભગ દરેક મશહૂર ગીતકારના બોલ લત્તાજીના અવાજે ગવાવા માંડ્યા હતા, તો વળી તે જ રીતે દરેક સંગીતકાર પણ લત્તાજી પાસે પોતાનું ગીત રિકોર્ડ કરાવવા માટે લાઈનમાં આવવા માંડ્યા હતા. અનિલ બિશ્વાસથી લઈને શંકર જયકિશન, નૌશાદ અલી, એસ.ડી. બર્મન, ખય્યામ કેટલા નામ ગણાવીએ, યાદી ખૂબ લાંબી છે આથી એટલું જ કહેવું પડે કે લિસ્ટમાં કોઈ સંગીતકાર બાકી નહીં રહે બસ. એટલું જ નહીં ગાયક પણ લગભગ બધા જ ગણી લેવા પડે જેમની સાથે લત્તાજીએ અનેક ગીતો ગાયા છે.

દીદાર અને બૈજૂ બાવરા જેવી ફિલ્મોથી માંડીને મોગલે આઝમ જેવી ફિલ્મોમાં લત્તાજીએ શાસ્ત્રીય ગીતો પણ ગાયા તો વળી આંધી, સિલસીલા અને દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે જેવી અનેક ફિલ્મોમાં રોમેન્ટીક ગીતો પણ ગાયા, કેબ્રેથી લઈને ભજન સુધીની તમામ રેંજના ગીતો આ કોકિલ કંઠીના ગળેથી બખુબી ગવાયા છે. મહદઅંશે આપણે સૌ લત્તાદીદીને એક ગાયક તરીકે જ ઓળખીએ છીએ પણ એક હકીકત કેટલાં લોકો જાણે છે? કે, લત્તાજીએ લગભગ દસ જેટલી ફિલ્મોમાં એક્ટીંગ પણ કરી છે, એટલું જ નહીં તેમણે કેટલાંક મરાઠી અને બંગાળી ગીતો કમ્પોઝ પણ કર્યા છે. તો વળી લત્તાજીએ મરાઠી ફિલ્મો પ્રોડ્યુસ પણ કરી છે. લિસ્ટ હજીય અહીંથી અટકતું નથી લત્તાજીએ હિન્દી ટી.વી. સિરીયલ પણ પ્રોડ્યુસ કરી છે અને તે સિરીયલનું નામ હતું ‘કુછ ખોયા કુછ પાયા’

લત્તાજીના જીવન વિશે વાત કરવા બેસીએ તો પાનાઓ ના પાનાઓ ભરાઈ જાય. તબક્કાવાર તેમના જીવનના કેટલાંક અંશોને અહીં આપણે માત્ર અડકીને છોડી દેવા પડે તો પણ કદાચ ચાર પાંચ હપ્તા થઈ જાય. આથી પહેલાં થોડા અંગત જીવનના પાસાંઓની ચર્ચા કરી ત્યારબાદ તેમની પ્રોફેશ્‍નલ લાઈફને વાગોળી લેવાનો પ્રયત્ન કરશું તો કદચ થોડાઘણાં અંશે આ લિજેન્ડરી ગાયકના બોલના એકાદ શબ્દને અડકી શક્યાનો સંતોષ થાય. કેટલાંક મુદ્દાઓ અહીં ચર્ચવાની લાલચ મારાથી છોડી શકાય તેમ નથી. સમય હતો ૧૯૬૨નો જ્યારે ભારત ચાઈના સાથેનું યુધ્ધ હારી ગયું હતુ. લત્તાજીએ એક ગીત ગાયું, ‘ઐ મેરે વતન કે લોગો, જરા આંખ મેં ભરલો પાની…’ અને આ ગીત લોકોના દિલને એવું અડ્યુ કે આજે પણ તેમનું આ ગીત એક માઈલસ્ટોન સમાન છે. આ ગીત સાંભળી તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી જવાહરલાલ નહેરૂએ પણ લત્તાજીને સંદેશો મોકલ્યો હતો કે, ‘આ ગીત સાંભળી મારી આંખમાં આંસૂ આવી ગયા.’

લત્તાજી પહેલા એવા ભારતીય કલાકાર છે જેમણે ૧૯૭૪માં લંડનના રોયલ આલ્બર્ટ હૉલમાં પર્ફોમ કર્યુ હતું. ભારતનો સૌથી ઉચ્ચ દરજ્જાનો સિવીલિયન એવોર્ડ ભારતરત્ન લત્તાજીને મળ્યો છે. આ ભારતરત્ન લત્તાજીના નામથી જ ૧૯૯૯માં એક પર્ફ્યુમની બ્રાન્ડ પણ લોન્ચ કરવામાં આવી હતી. એટલું જ નહીં એક ડાયમંડ કંપનીએ લત્તાજીના નામથી જ એક હિરાની બ્રાન્ડ પણ લોન્ચ કરી જેનું નામ રાખવામાં આવ્યુ હતુ ‘સ્વારંજલી’.

બાળપણમાં લત્તાજી જ્યારે તેમના પિતા પાસે સંગીતની તાલીમ મેળવી રહ્યા હતા ત્યારે તેમણે વિચાર્યુ નહોતું કે તે સંગીતમાં જ પોતાની કરિઅર બનાવશે પણ પિતાનું અણધાર્યુ મોત અને ઘરમાં સૌથી મોટી દીકરી હોવાને કારણે આવી પડેલી ઘરની જવાબદારીને કારણે તેમણે કંઈક તો કામ કરવું જ પડે જેથી દિવસને છેડે પરીવારને આવક થાય.

લત્તાજી તેમના સહગાયકો સાથેની સફરને વાગોળતા એક કિસ્સો કહેતા મન મૂકીને હસી પડે છે. કિસ્સો કંઈક એવો છે કે, એક દિવસ લત્તાજી ઘોડાગાડીમાં બેસી રિકોર્ડિંગ માટે સ્ટુડિયો તરફ જઈ રહ્યા હતા. તે જ સમયે લત્તાજી એ જોયું કે એક છોકરો તેમને ધારી ધારીને જોઈ રહ્યો છે. લત્તાજીને શરૂઆતમાં થોડું અજૂંગતુ લાગ્યું પણ પાછળથી તેમણે તેની તરફ ધ્યાન આપવાનું માંડી વાળવાનો વિચાર કર્યો. સ્ટુડિયો આવી ગયો અને લત્તાજી ઉતરી ગયા પણ પેલો છોકરો હજીય તેમની પાછળ પાછળ જ આવી રહ્યો હતો. લત્તાજીની પાછળ-પાછળ તે સ્ટુડિયોમાં અંદર સુધી આવી ગયો. લત્તાજીને હવે ખરેખર તેના પર ગુસ્સો આવી રહ્યો હતો પણ ત્યાં જ સંગીતકારે કહ્યું, ‘લત્તાજી યે લડકે સે મિલીએ, ઈસકા નામ કિશોર હૈ, આ જ આપકે ગાને કા રિકોર્ડિંગ ઈનકે સાથ હી હૈ.’ પાછળથી લત્તાજી ને ખબર પડી કે આ કિશોર બીજો કોઈ નહીં પણ અશોક કુમારના નાના ભાઈ છે. આ કિસ્સાને યાદ કરી આજે પણ લત્તાદીદી ખુલ્લા મને હસી પડે છે. આવી ભોળી મજાક પર હસતા લત્તા મંગેશકર માટે કેટલીક એવી પણ વાતો છે જે અંગે તેઓ ચૂપ રહેવાનું જ પસંદ કરે છે.

કલાકાર ગમે તેટલો ઉચ્ચ દરજ્જાનો હોય, તેની ગમે તેટલી ખ્યાતિ હોય. હિન્દી સિનેમા જગત એટલું વિશાળ છતાં એટલું નાનું છે કે કામ કરતા દરેક કલાકાર કે શ્રેષ્ઠી માટે કોઈને કોઈ સાચી ખોટી વાતો સમયાંતરે ઉડતી જ રહેતી હોય છે. અને સિનેમા જગતની આ જૂની ફિતરતથી લત્તાજી પણ બાકાત નથી રહ્યા. આજીવન કૂટુંબ અને સંગીતને સમર્પણ કરી દેનારા લત્તાજી ભલે કુંવારા જ રહ્યા હોય પણ તેમના વિશે પણ લોકોએ એક બીજા સાથે કાનાફૂસી કરી જ છે. કહેવાય છે કે લોકસંગીતના ખૂબ જાણીતા ગાયક એવા ભૂપેન હજારિકા સાથે લત્તાદીદીને પ્રેમ સંબંધ હતો. બંને વચ્ચે ઉત્કટ લાગણીઓ હતી. વાતમાં કેટલું વજૂદ છે અને કેટલી અફવા છે કે કેટલી હકીકત તેના ખુલાસા ક્યારેય લત્તાદીદીએ આપવા જરૂરી નથી સમજ્યા. જોકે કદાચ આટલા ઉચ્ચ દરજ્જાએ પહોંચી ચૂકેલી એ સ્વર સામ્રાજ્ઞી માટે આવી બધી વાતો મહત્વની હોય જ નહીં એવું પણ બને. એક બીજો કિસ્સો પણ તેમની અંગત જિંદગીને સ્પર્શે છે. કહેવાય છે કે, લત્તા મંગેશકર અને જાણિતા ક્રિકેટર રાજ સિંહ ડુંગરપુર વચ્ચે પ્રેમ સંબંધ હતો. પણ રાજસિંહએ પોતાના પરીવારને વચન આપ્યું હતુ, જેથી આ પ્રેમ કહાની તેના અંજામ સુધી નહોતી પહોંચી શકી અને પરીણામ સ્વરૂપ રાજ સિંહ અને લત્તાજી બંને એ આજીવન કુંવારા જ રહેવાનું પસંદ કર્યુ. વાત કંઈક એવી છે કે, ડુંગરપુર ક્રિકેટ રમતા હતા અને ૧૯૫૯માં તેઓ મુંબઈ આવ્યા ત્યારે લત્તાજીના ભાઈ સાથે તેમના વાલકેશ્વરના ઘરે ક્રિકેટ રમવા આવતા હતા. ડુંગરપુર ક્રિકેટમાં પોતાને ચાન્સ મળે તે માટે તે સમયે પ્રયત્ન કરી રહ્યા હતા. અને આ સમયગાળા દરમિયાન તેઓ લત્તાજીને મળ્યા. લત્તાજીને મળતાની સાથે જ તેઓ તેમના પ્રેમમાં પડી ગયા. પણ ‘૬૦નો એ સમય હાલના સમય કરતા અલગ હતો. અને સંજોગોવસાત તેમનો આ સંબંધ તેની મંઝીલે નહીં પહોંચી શક્યો.

કોકિલકંઠી લત્તા મંગેશકરની તેમની બહેનો સાથેની કેટલીક રસપ્રદ વાતો, તેમના ફિલ્મી કરિઅરની કેટલીક યાદગાર સફર અને અંગત જીવનના કેટલાંક પાસાઓની ચર્ચા આવતીકાલે આગળ વધારશું.

લાસ્ટ કટ ; લત્તા મંગેશકરને તેમના પ્રદાન બદલ રાજ્યસભામાં પણ સ્થાન આપવામાં આવ્યું હતુ પણ નાદુરસ્ત તબિયતને કારણે તેઓ પાર્લામેન્ટ સેશન નોહોતા એટેન્ડ કરી શક્યા અને લત્તાજી એ કલાકાર છે જેમણે તેમના રાજ્યસભાના મહેનતાણાનો એક પૈસો પણ લીધો નહોતો.

લેખક : આશુતોષ દેસાઈ

કેવી લાગી માહિતી મિત્રો અમને જણાવશો, અને શેર કરજો આ માહિતી તમારા લતા દીદીના ફેન હોય એવા મિત્રોને.

ટીપ્પણી