લાંઘણ લેંબળો – લગ્નના આઠમા મહિને જ બાળકનો જન્મ થઇ જતા તેનો પતિ શંકા કરતો અને મારપીટ પણ…

💐💐 લાંઘણ લેંબળો 💐💐

હા. એ વૃક્ષનું નામ લાંઘણ લેંબળો. બોલવામાંય જીભને તકલીફ પડે એવું વિચિત્ર નામ કોણે આપ્યું એતો કોઈ કહી શકતું નથી પણ આ તાલુકા મથકના નાના શહરમાં અને તાલુકાનાં ગામડાઓમાં એ ‘ લાંઘણ લેંબળા’ તરીકે ઓળખાય છે. સુધારેલી ભાષામાં કોઈ એને ‘લાંઘણ લીમડો’ પણ કહે.

ખાસતો નવાબી વખતથી અસ્તિત્વ ધરાવતી એની બાજુમાં આવેલી સરકારી કચેરીઓના કારણે એ લીમડાનું નામ ખૂબ જાણીતું બની ગયું . દૃર દૂરનાં ગામડાંઓથી સરકારી કામે આવતા ગામડાના અભણ માણસોને , એ સરકારી કચેરીના સાહેબો જ્યારે એમ કહે કે ” બેસો , થોડી , વાર લાગશે” ત્યારે લોકો એના છાંયામાં આવી ને ધડકતા દિલે તેમનો વારો આવવાની રાહ જુએ .

કાંઈ કેટલીયે કોયલડીઓ એની ડાળી પર આવીને તેમનો કામણગારો ટહૂકો મૂકી ગઈ, હજારો કાગડાને હોલાઓની હગાર એનામાં કોમળ લાગણીઓ ભરી ગઈ ! વર્ષોથી કાંઈ કેટલાય લોકો ભુખ્યા પેટે એના છાંયામાં બેઠાં બેઠાં પોતાનો વારો આવવાની રાહ જોતાં હોવાને કારણે એનું આવું વિચિત્ર નામ પડ્યું હોય તેમ જણાય છે.

ક્યારેક કોઈ વિધવા સહાય લેવા આવી હોય તો ક્યારેક કિલ્લોલ કરતા નિશાળીયા આવકનો દાખલો લેવા આવે ત્યારે આ લીંબડાનો પરિવાર આપણને હાર્યો ભર્યો લાગે. કોઈ જમીનના ઝગડા, મિલકતની વહેંચણીના ઝગડા, છૂટાછેડાના કેશ તો કોઈ ભરણપોષણના દાવાના કેસ એવા હજારો કેશનો એ મુક સાક્ષી બની ચુક્યો છે. પણ સૌથી અનોખો એક કેશ ! એક ભરણ પોષણનો કેસ ! એની તોતિંગ ડાળીયોના અગોચર ખૂણે વરસોથી ધરબાયેલો પડ્યો છે !

* * * * * * *

જેનબ એનું નામ . છેલ્લા લગભગ બે થી ત્રણ વર્ષથી તેનો ભરણ પોષણનો દાવો ચાલે. કોઈ કેટલીય મુદતો પડી પણ તેના કેશનો કોઈ અનિયારો આવતો નથી. તેનો વકીલ એક ચબરખીમાં વાર તારીખ લખી આપે એટલે જેનબ તાલુકે આવવા ભાડાનો વેંત ના હોય તોય ઉછી ઉધાર કરીનેય મુદતે હાજર રહે. આવીને, બસ આ તોતિંગ લાંઘણ લેંબળાના છાંયા નીચે બેસે, અને એના વકીલની રાહ જુએ.

એનો ભૂતપૂર્વ ઘરવાળો પણ મુદતે આવે ત્યારે , એના બીલાલને પણ ક્યારેક સાથે લાવે, જેનબ એના આ બિલાલને જોવા ખાસતો મુદતે મુદતે હાજર રહેતી. એનો ઘરવાળો ઓફિસની આજુબાજુ બીજે બેઠો હોય , પણ બીલ્લુમિયાં તેની અમ્મીને શોધતો લાંઘણ લેંબળા નીચે દોડતો આવીને ખોળામાં લપાઇ જાય. આમ આ નિર્દોષ બાળક બીલ્લુમિયાં અને તેની અમ્મી જેનબના હૈયાની વાતનો સાક્ષી એટલે આપણો આ લાંઘણ લેંબળો.

* * * * *

એહમદ ગામની શેરીના એક મોકાના સ્થળે પાનનો થડો સાંભળતો હતો. પાનનો એ થડો ધમધોકાર ચાલતો. આમ એ મહેનત કરી સારામાં સારું કમાઈ લેતો. ઉંમર લાયક થતાં એહમદને તેનાજ ગામની અને તેની જાણીતી યુવતી સકીના સાથે સંબંધ કરવો હતો.પરંતુ તેના અબ્બાને છોકરીના કુટુંબવાળા સાથે મનમેળ ના હતો આથી એ વાત આગળ વધી નહીં. તેથી અનિઇચ્છાએ પણ એહમદની સાદી બાજુના ગામની જેનબ જોડે ગોઠવાઈ. અધૂરામાં પૂરું જેનબ પરણીને સાસરે આવી તેના આઠમા મહીનેજ બિલાલનો જન્મ થયો.

એકતો મનમેળ વગરનાં લગ્ન અને અધૂરા મહિને બિલાલનો જન્મ , લોકોને તો વાતો જોડી કાઢવાનો સારો એવો મસાલો મળી ગયો. ક્યારેક ભાઈબંધો તો કયારેક મહોલ્લાની સ્ત્રીઓ તરફથી એહમદને મેણાટોણા સાંભળવા મળતાં. ટૂંકમાં જેનબ ચારિત્ર્યહીન છે , એવું એહમદના મનમાં ઠસાવવા લોકો તેને ટોણો મારતાં.

” લે અહેમદ તારેતો ફાયદો જ છે, ઉપર વાળો તારા પર ફિદા લાગે છે, જોને વગર મહેનતે તને તો તારો વારસદાસર મળી ગયો. લોકો પથ્થર એટલા દેવ કરીને પૂજે છે, તોય ઘણાને ઘરમાં બળોતિયાં જોવા મળતાં નથીને તનેતો રેડીમેડ, બળોતિયાં મળી ગયા ભારે નસીબદાર ભઈ તુતો. ” ” હશે એતો કોઈ એના પિયરનો, તે હરામના હામેલ આ એમદની કોટે વરગાડવા બાપે ઝટઝટ લગ્ન કરી ધકેલી દીધી.” મેલ્લાની નવરી બજારમાં આવી વાતો થવા લાગી.

આમેય , એહમદ એને ગમાડતો હતો નહીં ને સાસુ સાથેના ઝગડા વધતા ચાલ્યા. ક્યારેક શાકમાં મિઠું વધારે છે કે રોટલી બળી ગઈ એવી નજીવી બાબતમાં સાસુ-વહુ વચ્ચે ટકર થવા લાગી. બિલાલનું અધૂરા મહિને જન્મવું , અને ઘરના વધતા જતા ટંટા-ફિસાદ થી વાજ આવી ગયેલ. એહમદે મારઝૂડ ચાલુ કરેલી. પછીતો રોજનું થઈ પડ્યું. મારઝૂડ જેનબે સહન ઘણી કરી , પરંતુ તેના પર હરામના હામેલનો આરોપ એહમદે લગાડ્યો તે તેનાથી સહન ના થયું .

એહમદના મગજમાં એક કીડો ભરાઈ ગયો હતો તે વારંવાર સળવળાટ કર્યા કરતો હતો. શું બીલાલ મારો છોકરો છે ? તેના મનમાં આ પ્રશ્ન અનેક વાર ઊભો થતો. લોકોનો કટાક્ષ તેને કોરી ખાતો હતો. તેના મનનું સમાધાન થતું ના હતું. જે આજે એકા એક બહાર આવ્યું. ” તેં અને તારા બાપે અમને દગો દીધો છે , કોનું પાપ લઈને આવી છે બોલ ?” તમાસાને તેંડુ ના હોય, આખો મહેલ્લો ભેગો થયેલો. જેનબે ઘણું સહન કર્યું હતું. આથી વધુ સહન થઈ શકે તેમ ના હતું.

બિલાલ દોઢ બે વરસનો હતો , તેને છોડીને તે માના ઘેર ચાલી ગઈ . બાપાતો આ ફાની દુનિયા છોડીને વરસ પહેલાં ચાલી ગયા હતા. ઘેર બેઠાં લોકોનાં કપડાં સિવવાનો ધંધો ચાલુ કરી તે માને મદદરૂપ થવા લાગી. ક્યારેક બીલાલ સાંભળી આવતો ત્યારે આંખના ખૂણા ભીના થઈ જાતા પણ કરે શું !

એક સામાજીક કાર્યકર ને એક મહિલામંડળની મદદથી પછી તેણે ભરણપોષણનો કોર્ટમાં દાવો કર્યો હતો. આજે ફેંસલો આવી જવાનો હતો. તેના વકીલના જણાવ્યા મુજબ ઘણા વર્ષોથી દાવો ચાલતો હોઇ, આજે કોર્ટનું જજમેન્ટ આવવાનું હતું. નવ વાગ્યાની બસમાં એ તાલુકે જવા નીકળ્યો. પહેલાંની જેમ માના કહેવાથી તેણે બિલાલને પણ સાથે લીધો હતો.

બસમાં એક આધેડ ઉંમરની સ્ત્રી તેની બાજુમાં બેઠી હતી. ” તું ઉમરકાકાનો એહમદ તો નઈ?” એ સ્ત્રીએ પૂછ્યું. “હા, આપ કોણ ? મેં આપને જોયેલાં તો છે, પણ યાદ નથી આવતું ” એહમદે પૂછ્યું. ” તારી મોટી બૂંન મરિયમ મારી બેનપણી હતી, એ વખતે તું એની સાથે આમારે ઘેર આવતો, નરભેરામ ઠક્કરને તેં જોયેલા ? “

” હા…હા…ઓળખયાં તમે ચકરીબુ ?” અહેમદ ખુશી વ્યક્ત કરતાં બોલ્યો. એણે ઉમેર્યું ” તમે ને મરીયમબુ આખો દિવસ ભેગાં ને ભેગાં હોતાં , ક્યારેક આમારા ઘરે કે ક્યારેક નરભેરામ કાકાને ઘેર. એ વખતે હું સાવ નાનો હતો. હું મારી બુ ભેગો તમારે ઘેર આવતો મોટીબુ , મને યાદ આવ્યું. મોટીબુ , તમે મને ઓળખી લીધો, મોટીબુ, પણ હું ના ઓળખી શક્યો.” ચકરીબેનનો હાથ ચુંમતાં ચુંમતાં તે બોલ્યો. ” પેલો બારી પાસે બેઠો એ તારો બાબો છે ?” આંગળી ચીંધતાં ચકરીબેને પૂછ્યું. ” હા તમે શી રીતે જાણ્યું ચકરીબુ ? ” એહમદને આશ્ચર્ય થયું.

” કેમ , તે , મને બરાબર યાદ છે તું નાનો હતો ને ત્યારે આવો જ દેખાતો, બિલકુલ એની આંખો ને નાક-નકશો તારા જેવોજ છે ” ચકરીબહેન બીલાલને નજીક આવવાનો ઈસરો કરતાં બોલ્યાં. એહમદને પહેલી વખત આવું સાંભળવા મળ્યું એતો હેરત પામી ગયો , મનમાં પ્રશ્ન થયો ‘ શું બિલાલનો ચહેરો મારા ચહેરાને મળતો આવે છે ? ‘ ‘ બીલાલની રગોમાં મારું લોહી વહેતુ નથી ‘ એ બધું હમબગ ? ‘

“શું વિચારમાં પડ્યો અહેમદ ? તારી બુ મજામાં ? અને હા અત્યારે તો તું દાઢી રાખે છે, તું એક વખત અમારા ઘરે આવેલો ને દર્પણમાં તારી હડપચી નીચેનું કાળું લાખું તૂ જોઈ ગયેલો, પછી તો તેં એ કાળો ડાઘો કાઢી આપવા એવી હઠ લીધેલી કે તને માંડ માંડ સમજાવીને તારી હઠ અમે છીડાવેલી. ” બિલાલના માથે હાથ ફેરવતાં ચકરીબહેન બોલ્યાં.

ચકરીબેને બિલાલને ખોળામાં બેસાડ્યો ને વ્હાલ કરવા લાગ્યાં. ” અહેમદ શું નામ આનું ? મને તો અદલ તારી કોપી જ લાગે છે .” હડપચી ઊંચી કરતાં વળી બોલ્યાં ” ભઇ એહમદ જો તો ખરો, તારે છે એવુંજ આ લાખું, ધારીને ના જુઓ તો એના હોવાની ખબરજ ના પડે , એવી જગ્યાએ લપાઈને બેસી ગયું છે. ”

એની નજર એ કાળા રંગના ગોળ ગોળ લાખા પર ચોંટી ગઈ. બીલાલ આજકાલ કરતાં પાંચ વર્ષનો થવા આવ્યો. એના પર ક્યારેય એણે લાગણી ભરી નજર નાખીજ ના હતી, પછી આ ચાઠું ક્યાંથી દેખાય ! અને આ વરસો પહેલાની પડોશણ, ચકરીબુની પહેલીજ નજરમાં એ સમાઈ ગયું. તુ તો બેનાં ! ઓ બેનાં !! મારી મરીયમબુ કરતાંય આગળ નીકળી ગઈ ચકરીબુ …..! અલ્લાહ ! તને સો વરસની કરે બેનાં !! તેં મારી આંખો ખોલી નાખી મારી બેનાં ! મારાથી એક અન્યાય થતો રહી ગયો ! આવું ઘણું ઘણું એને બોલવું હતું પણ ગળામાં ડુમો ભરાઈ ગયો હતો એ ના બોલી શક્યો.

એહમદ ચકરાવે ચડી ગયો. થોડીવાર સુનમૂંન બેસી રહ્યો. બિલાલને તેને પોતાના ખોળામાં લઈ લીધો. નાનકડા બિલાલને પણ નવાઈ લાગી , કે કયારેય તેના સામે નજર ના નાખનારા અબ્બા કેમ એકાએક એના પર મહેરબાન થઈ ગયા.

ઉતરવાનું સ્ટેશન આવ્યું તોય એને તો ભાન ના રહ્યું. ચકરીબહેને યાદ અપાવ્યું ત્યારે ” હેં બુ ! ચકરીબુ ! બોલતાં બોલતાં એણેતો ચકરિબેનના ખભે માથું ઢાળી દીધું , રડી પડ્યો. ચકરીબેન ને તો કાંઈ સમજાયું નહીં . કોઈ વાતને એ જાણતાં ન હતાં પણ એહમદના માથે હાથ ફેરવ્યો, પછી એ બસમાંથી ઉતર્યો.

આજે તો બીલ્લુમિયાંને લેર પડી ગઈ . બસમાંથી ઉતરતાંજ કુલ્ફી ખાવા મળી, સિંગ-સાકરીયાથી ખિસ્સું ભરાઈ ગયું. અને હાથમાં લાલ રંગની મોટર. તેની સામે હતો લાંઘણ લેંબળો એની શીતળ છાંયામાં ઝુકેલી આંખે બેઠી હતી . જેનબ. કેટલી કૃસ થઈ ગઈ હતી . એ ચહેરા પરથી યુવાનીનું નૂર લુપ્ત થઈ જવાની અણી પર હતું. કેમ શરૂઆત કરવી ?, શું કહેવું ? આવા કેટલાય પ્રશ્નો એહમદના મનમાં ડોકાયા. એની પાસે જતાં લાચારી આવી રહી હતી.

એ ધીમે ધીમે આગળ વધે છે. જેનબ તેને જોઈને ઊભી થઈ જાય છે. જેનબનો હાથ પોતાના હાથમાં લઈ ચૂમે છે, બોર બોર આંસુથી જેનબનો હાથ ભીંજાય છે, બિલાલ અમ્મી અમ્મી બોલતો એની મમ્મીને વીંટળાઈ જાય છે. લોકોનું ટોળું કુતુહલવસ આ ભાવવાહી દ્રશ્ય જોઈ રહે છે. લાંઘણ લીમડો જાણે ગેલમાં આવી ગયો છે, તેની ડાળીઓ હવામાં ઝૂમવા લાગે છે, ઠંડી હવાની લહેરખી વીંઝાય છે. જેનબ-એહમદ પર લીમડાના ફૂલની વર્ષા થાય છે.

અને એવામાં ” શ્રીમતી જેનબ અને વકીલશ્રી કાંતિલાલ હાજર હો… ” કોર્ટના દરવાજેથી પોકાર પડે છે.

લેખક : સરદારખાન મલેક

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ