જલ્સા કરોને જેંતીલાલ

લાલબાગચા રાજાને મળેલી મોંઘેરી ભેટોની હરાજી થઈ રહી છે ! સોનાની થાળીના ઉપજ્યા 40 લાખ રૂપિયા !

દર વર્ષની જેમ આ વર્ષે પણ લાલબાગચા રાજાને મળેલી ભેટોની હરાજી ! પહેલાં જ દિવસે ડોઢ કરોડની કમાણી

ભારત એક અત્યંત ધાર્મિક દેશ છે અને લોકો પુણ્ય કમાવા હેતુ નિયમિત પોતાને જે ભગવાનમાં શ્રદ્ધા હોય તેમના દર્શન કરતાં હોય છે. આપણે બધા જાણીએ છીએ કે દેશના મુખ્ય મંદીરો જેવા કે, તિરુપતિ બાલાજી, શિરડીનું સાઈબાબાનું મંદીર, મુંબઈના સિદ્ધિવિનાયક દાદાનું મંદીર વિગેરે મંદીરોમાં દર વર્ષે ભક્તો કરોડોના દાન કરે છે જેમાંથી મંદીરો પોતાના ટ્રસ્ટો ચલાવે છે. તેવી જ રીતે ગણેશોત્સવમાં પણ ભક્તો મન ખોલીને દાન કરે છે અને નાના-મોટા પંડાળો મળીને કરોડોનું દાન મેળવે છે.

ગણેશોત્સવ પુર્ણ થયાને અઠવાડિયાનો સમય થઈ ગયો છે પણ તેના પડઘા હજુપણ પડ્યા કરે છે. સમગ્ર દેશમાં જે ગણેશ મંડળનો ડંકો છે તેવા લાલબાગચા રાજાને આ વર્ષે કરોડોનું દાન આવ્યું છે જેમાં રોકડ ઉપરાંત કીંમતી ભેટોનો પણ સમાવેશ થાય છે.

અને આ ભેટોની ગત સોમવારે હરાજી બોલાવવાની શરુ કરવામાં આવી છે. જેમાંથી પણ લાખો રૂપિયાની ઉપજ થઈ છે. જેમ ભક્તો દીલ ખોલીને ભેટો આપે છે તેવી જ રીતે ભક્તો દીલ ખોલીને હરાજી બોલાવીને ભગવાનને ચડેલી ભેટો ખરીદીને પોતાને ધન્ય અનુભવે છે. લાખોની કીંમતની વસ્તુઓને હરાજીમાં મુકવામાં આવશે. જેમાં 3.7 કીલોગ્રામ સોનું તેમજ 56 કીલો ચાંદીનો સમાવેશ થાય છે.

આ હરાજીમાં સૌથી મોંઘી જો કોઈ વસ્તુ વેચાઈ હોય તો તે હતી દાનમાં આવેલી સોનાની થાળીનો સેટ. જેમાં એક મોટી થાળી એક ગ્લાસ, બે વાટકા અને બે ચમચીનો સમાવેશ થાય છે. આ સોનાની થાળીના સેટનું કુલ વજન 1.237 કિલોગ્રામ છે. જેને એક ભક્તે 40 લાખની હરાજી બોલાવીને ખરીદી હતી. જે તેની મુળ કીંમત કરતાં વધારે રૂપિયામાં વેચાઈ હતી.

તમને જણાવી દઈએ કે લાલબાગચાના રાજામાં સામાન્ય ભક્તથી લઈને અમીર ભક્તો પોતાની શક્તિ પ્રમાણે મન ખોલીને દાન કર્યું છે. બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ ગણપતિ દાદાને 21 ગ્રામ સોનાનો હાર ચડાવ્યો હતો. જેની પણ હરાજી બોલાવવામાં આવી હતી અને તેમાંથી 1.11 લાખ મળ્યા છે. શિલ્પા શેટ્ટીએ પોતાના પ્રિય ગણપતિ દાદાને આ હાર ચડાવ્યો હતો તો તેના જ એક ફેને તે ખરીદ્યો છે.

શું શું છે આ વખતની હરાજીમાં

આ વખતની હરાજીમાં ચાંદીનો મૂષક, સોનાની થાળીનો સેટ, ગદા, મુગટ, સોનાની લગડી, સોનાનો મોદક, શાલ, ચાંદીનું શ્રીફળ, સોનાની વીંટી, સોનાની ચેન, સોનાનું ઘર, ચાંદીનો વિશાળ મોદક વિગેરે વસ્તુઓએ છે.

આ હરાજીની જાહેરાત લાલબાગચા રાજાના ટ્વીટર અકાઉન્ટ પર કરવામાં આવી હતી. સાંજે પાંચ વાગ્યાથી આ હરાજી ચાલુ થઈ હતી જે રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ હતી. આ હરાજી હજુ પણ બે દિવસ સુધી ચાલવાની છે. લાલબાગચા રાજાને કરોડો રૂપિયાની રોકડ ભેટ કરાઈ છે પણ તેનો ચોક્કસ આંકડો હજુ જાણવા મળ્યો નથી તેની હાલ ગણતરી ચાલી રહી છે.

એક ભક્તે ગણપતિબાપાને ચડાવવામાં આવેલી 5.8 કીલોગ્રામની ચાંદીની ગદા ખરીદી છે. જેની કીંમત 2.25 લાખ રૂપિયા છે. આ ભક્તનું નામ છે નાના વેદક, તેઓ એક જ્વેલર છે અને તેમને આ ગદાની ડિઝાઈન ખુબ ગમી ગઈ હતી.

તો વળી એક ભક્તે ગણપતિને ચડાવવામાં આવેલો મોદક રૂપિયા 16000માં ખરીદ્યો હતો. તે ભક્તનું નામ છે ખુશ્બુ કારિયા તેણી આ મોદકને ગણપતિ માનીને પોતાના ઘરે લઈ ગઈ હતી.

આ ઉપરાંત એક કીલોનો ગોલ્ડ બાર પણ હરાજીમાં મુકવામાં આવ્યો હતો જેને પણ હરાજી બોલાવીને 39.51 લાખમાં વેચી દેવામાં આવ્યો હતો. ઉપરાંત ગણપતિજીને ચાંદીના બે પગલાં સોનાનો ઢોળ ચડાવીને ભેટરૂપે આપવામાં આવ્યા હતા જેનું વજન 500 ગ્રામ હતું. તેને પણ એકર ભક્તે 66000 રૂપિયામાં ખરીદી લીધા હતા.

આ ઉપરાંત ચાંદીનો એક વિશાળ હાર અને સોનાની ચેઈન બન્ને થઈને રૂપિયા અઢિ લાખમાં વેચાયા હતા. તો વળી એક ભક્તે સોનાની વિશાળ વીંટી 94000 રૂપિયામાં ખરીદી હતી.

ગયા વર્ષે પણ આ જ રીતે હરાજી બોલાવવામાં આવી હતી પણ તે હરાજી એક જ દિવસમાં પતી ગઈ હતી. તે વખતે મંડળની કુલ આવક 9 કરોડ રૂપિયા હતી. તે વખતે હરાજીમાંથી લગભગ એક કરોડ રૂપિયા ઉપજ્યા હતાં. તે વખતે હરાજીનું મુખ્ય આકર્ષણ ગણપતિ દાદાની સોનાની મુર્તી હતી જેનું વજન 1.2 કી.ગ્રામ હતું. જે 35.75 લાખ રૂપિયામાં વેચાયું હતું. અને તે વખતે પણ એક કી.ગ્રામ સોનાનો બાટ ચડાવવામાં આવ્યો હતો જેને એક ભક્તે 31.25 લાખમાં ખરીદ્યો હતો. પણ આ બધામાં સૌથી અનોખી ભેટ હતી એક રોલેક્ષ વોચ જેને હરાજીમાં ચાર લાખમાં વેચવામાં આવી હતી.

જો કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે લાલબાગચા રાજાની કમાણીમાં ઘણો ઘટાડે નોંધાયો છે. બની શકે કે ભક્તોને મોંઘવારી અને મંદી નડી ગઈ હોય. 2018માં ભક્તોએ દીલ ખોલીને દાન કર્યું હતું. જે માટે મંડળ મંદી તેમજ ભારે વરસાદને જવાબદાર ગણે છે. જો કે તેમનું એવું પણ કહેવું છે કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ભક્તો વધારે આવ્યા હતા.

તેમજ ગયા વર્ષે તેમણે 1.62 લાખ લાડુ વેચ્યા હતા જ્યારે ગયા વર્ષે 1.86 લાખ લાડુ વેચ્યા હતા. આમ જોવા જઈએ તો મંદી અને મોંઘવારી માત્ર સામાન્ય માણસને જ નહીં પણ ભગવાનને પણ નડી ગયા છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ સામાન્ય માણસ ઉપરાંત દેશની જાણીતી હસ્તીઓ જેમાં રાજકારણીઓ અને અભિનેતા-અભિનેત્રીઓ તેમજ બિઝનેસ જગતની જાણીતી હસ્તીઓએ લાલબાગચા રાજાના ગણપતિના દર્શન કર્યા હતાં. અમિતાભ બચ્ચન પોતાના દીકરા અને મુકેશ અંબાણીના કુટુંબ સાથે દર્શને આવ્યા હતાં. તો વળી દેશના ગૃહ મંત્રી અમિત શાહ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે પણ બાપ્પાના આશિર્વાદ લીધા હતા તો વળી ફિલ્મિ જગતની અભિનેત્રીઓ પણ દર્શન કરવામાં પાછળ નહોતી રહી. શિલ્પા શેટ્ટી તેમજ દીપીકા પદુકોણે પણ ભક્તિભાવથી બાપ્પાના આશિર્વાદ લીધા હતા.

દીપીકા પદુકોણે તો એમ પણ પોતાની દરેક ફિલ્મની રીલીઝ પહેલાં મુંબઈના સિદ્ધિવિનાયકના દર્શન કરવાનું પણ ચુકતી નથી. અને રણવીર અને દીપીકા વિદેશમાં લગ્ન કરીને જ્યારે ભારત પાછા આવ્યા ત્યારે બન્નેએ સજોડે સિદ્ધિવિનાયકના દર્શન કર્યા હતા. આમ લાલબાગચા રાજા ભલે વર્ષમાં માત્ર દસ જ દિવસ દર્શન કરતાં હોય પણ આખા વર્ષ માટે ભક્તોની જોળી આશિર્વાદથી ભરી દે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version