લાલ રૂમાલની ગાંઠ – એવું તેના જીવનમાં શું બન્યું હતું કે તેણે આવો નિર્ણય લેવો પડ્યો, શું આત્મહત્યા જ એક ઉપાય હતો…

” ઓણ સાલ તો કારત્યોકને મેળે તુંએ ના’જી ને હું એ ના’જી હેં દેમાં ! ” હાથનો અંગુઠો બતાવતાં ઝલાં બોલી. ” પણ ઝલાં હું તો ના’જી મારાથી જવાય એવું ન’તું એટલે , પણ તું તો કે’તી કે રત્નાને પાક્કો વાયદો કરીને આવી સે તે જ્યા વગર ચાલશે જ નઈ તોય તું ના જી ? ” દેમાં હાથમાં પકળેલું ડાલું નીચે મૂકતાં બોલી. ” શું વાત કરું બૂંન ! લે હેઠી બેસ તે તારાથી વધુ વાર ઊભું નઈ રેવાય,” એે દેમાંના પેટ તરફ ઈશારો કરતાં મરમાળું હસી.

” જોને આ કારત્યોકની પૂનમે એની સાથે વાત કર્યાને આઠ મહિના જેટલો સમો થઈ ગયો, નક્કીજ હતું, કે મારે તારી હારે કારત્યોકના મેળે જવું.પણ તું તો આ પોપટ પાળીને બેઠી એટલે તું મેળે ક્યાંથી આવે ? આમ હું પણ ના જી” ઝલાંએ નિસાસો નાખ્યો. ” તે રોજ રોજ નિશાસા નાખેશ તો હવેના આણે જાયને એટલે…દેમાં પછી કાંઈક ધીમું ધીમું એના કાનમાં બોલી ને લુચ્ચું, હસવા લાગીને આગળ ઉમેર્યું “જેથી આ સાસરે જવા આવવાના આંટા ફેરા જ મટી જાય ને પછીતો ઘર બાંધી ને તું ને તારો રત્નો એ..યને કરો ઢસકરિયાં ”

એ છેલ્લા વખતાના આણે જઇને આવી ત્યારે રત્નાએ તેને એક લાલ રંગના રૂમાલને છેડે ગાંઠ વાળીને આપેલી ને કહેલું “જો ઝલાં હવે બીજું આણું તું આવતે વર્ષે આવીશ તે પહેલાં તું કારતોકના મેળામાં જરૂર આવજે ત્યારે આ રૂમાલ લેતી આવજે આ ગાંઠ હું છોડીશ , જેમ તારા કમખાના કસની ગાંઠ છોડીને એમજ, બસ આટલું યાદ રાખજે ”

કારત્યોકનો મેળો એટલે ઉત્તર ગુજરાતનું તરણેતર સમજી લો ને. સરસ્વતી નદીના પટમાં મેળો ભરાય એટલે જાણે હૈયાની હાટડીઓની હારમાળા સર્જાય. ત્રણ ત્રણ દિવસ સુધી તળમઝીક વાગે. નદીના પટમાં યૌવનનો પ્રવાહ બેય કાંઠે ભરપૂર ઘૂઘવતો હોય. નકરાજ પ્રેમના સોદાગરો નજરે પડે. હૈયાની આ હાટડીયું માં સૂકા ભેગું લીલુય બળતું હોય પણ કોઈની કોઈને પરવા જ ના હોય.

ગામડાનો રિવાજ એવો કે લગ્ન થાય એટલે યુવતીને કાંઈ તરત કાયમ માટે સાસરે ના ઓરાવી દે. લગ્ન થઈ ગયા પછી બે-ચાર વરસ સાસરા વચ્ચે ને પિયર વચ્ચે આવ-જા કરવી પડે. બે-પાંચ દહાડા સાસરે કાઢે ના કાઢે ત્યાં તો આણું તેડવા આવે ને સીધાંજ બાપાને ઘરે તે ઠેઠ આવતી હોળીયે કે સાતમ-આઠમના તહેવારે સાસરે આવવનું ત્યારે પટો રીન્યુ થાય. આવું થોડાં વર્ષ ચાલે ને પછી ઘર બંધાય ત્યારે સાસરે કાયમી થવાય. આવો રિવાજ.

એટલે જ તો કારતોકનો મેળો એટલે લાંબા વિરહમાં ઝુરતાં યુવક- યુવતીઓ માટે છાંનાં છપનાં મળવાનું આશાનું કિરણ. દિવાળીથી માંડી હોળી સુધીનો વિરહ સહેવાય નહીં , એ વિરહનું મારણ એટલે આ કારત્યોક. છાનાં-છપનાં તમારા મન ગમતા પાત્રને મળી લેવાનું બહાનું એટલે આ કારત્યોકનો મેળો. મોટા ભાગે રાતના સમયે આખી રાત મેળો માણવાનો ને શેરડીના મીઠા મધ જેવા સાંઠા ચૂસતાં ચૂસતાં મનના માણીગર સાથે આંખો લડાવવાની.

એ ઉપરાંત આ મેળાનો બીજુ આકર્ષણ એટલે તમારા થનાર સાથીને મળવાનો મોકો. ઉંમર લાયક યુવક-યુવતીની સબંધ થઈ જાય ત્યારે એક બીજાને જોયાં ના હોય. ઓળખતાં પણ ના હોય. ત્યારે તમે આ કારત્યોકને મેળે જાઓ તો અક્કરચક્કરમાંથી તમારું થનાર એ પાત્ર તમને મળી આવે. અલબત્ત તમે એને જોયો., કે જોઈ ના હોય પણ તમારી બહેનપણી કે તમારો ભાઈબંધ તમને ઓળખાવી દે કે ” જો આ ફૂટડીને કે જો આ જુવાનને કે જેની તારી સાથે સગાઈ થઈ છે ” પછી તો એ મોમાં ઓઢણીનો છેડો ચાવતી ચાવતી એના માણસને જોયા કરે, કોઈ મોટા મનની બહેણપણી સાથે આવી હોય ને તો તો પછી ઊંચા ઊંચા ફજળફરકાની ટિકિટ કઢાવવાની, જોડે બેસી ઘડીક ઉપર ઘડીક નીચે થવાની મજા માણવાની ને બસ જોડિયા પાવાના મીઠા મધુરા શૂર રેલાવવાના ! એવો જાદુ આ મેળાનો.


કરમની કાઠી ઝલાં ઓણ સાલ આ કારત્યોકના મેળે જઇ ના શકી. એના ઘરવાળાએ કરેલ વાયદા પ્રમાણે એ ‘ ગાંઠ છોડવાની વેળા’નો વાયદો પાળી ના શકી. એનો ઉભરો એણે બહેનપણી દેમાં સમક્ષ ઠાલવ્યો. હકીકત એમ હતી કે ઝલાંનો સબંધ એના સગા મામાના સાટામાં થયેલો. એની ફૈ સાસુને એના સગા મામા જોડે પરણાવેલી બદલામાં ઝલાંનું સગપણ થયેલું.

વાત એમ બની કે ઝલાંનો મામો અરજણ ભેંસો રાખીને ગાંધીનગર રહે, રાત્રે બંગલાની ચોકી કરે ને દિવસે દૂધ વેચે. ઝલાંની મામી ભેંસોના ઘાસ-ચારાની વ્યવસ્થા કરે ને કચરા-પોતાનું કામ કરવા જાય. એમાં એક સમયે એવું બન્યું કે મામા અરજણનું કોઈ કારણસર ખૂન થઈ ગયું. પછીતો કેતોતો ને કેતિતી માં એવી અફવા ફેલાણી કે અરજણનું ખૂન એની ઘરવાળીએ કરાવી નાખ્યું છે. બસ ત્યારની ઘડીને આજનો દિ. ઝલાંને સાસરે જાવાજ ના દીધી. ઝલાંને ઘરવાળાએ રીસણે બેસાડી દીધી.

કારત્યોકના મેળામાં તો દેમાંએ રત્નાની ઓળખાણ કરાવેલી. એ બન્ને બહેનપણીઓ એક ટેકરી પર ઊભી હતી. સામે માનવમહેરામણ ઉભરાઈને હિલ્લોળા લેતો હતો ” લે જો એ આવે તારું માણહ તું ગોતી કાઢ તો ખરી કહેવાય. ” દેમાંએ આંગળી ચીંધતાં ઝલાંને કિધેલું.

માથે લાલ છોગાળી તીરછી પાઘડી, બગલાની પાંખ જેવું સફેદ કેડિયું,કેડે ફૂલડાં ભરેલો લીલા રંગનો લાંગ વારેલો અઢીવટો ને ઉપર ચાંદીનો કંદોરો,પગે ચાંચવાળી બે આંગળવા ઊંચી એડીવાળી ચૌડ મુકાવેલી દેશી મોજડીને ખભે વારાની ડિઝાઇન પાડેલી મોટી ડાંગ અને છટાદાર ચાલ જોઈને એ પામી ગયેલી કે બસ આજ છે મારા મનમાં કોતરાયેલો જુવાન.

” એ ટોળાની જમણી બાજુ ચમકતી ચાલે હેન્ડયો આવે લાલ પાઘડી વાળો છબીલો છે, એતો નઈ ? ” ઝલાંએ અનુમાન કરેલું ને સાચી નીકળી, દેમાંતો ચક્કર ખાઈ ગયેલી ” બાપ રે ! બાપ ! ઝલાં તેં કેવી રીતે પરાખ્યુ એ ઢાંકયું રતન ” દેમાં ખભા ઉછાળતી બોલેલી.

એજ ઝલાં પછી દેમાં પાસે કાળા પાણીએ રડીને કિધેલું ” દેમાં તું મારા મા- બાપને કહે કે મારે બે ભવ નથી કરવા, એમને રત્ના હાથે ના વળાવવી હોય તો હું પિયરમાં જીનગાની કાઢી નાખીશ પણ મારે બીજું નથી કરવું.” પણ ના બન્યું એવું સાગર ઝલાંનો બાપ બોલેલો ” મારા હગા હાળાના લોહીથી જેના હાથ ખરડાયેલા છે એવાના ઘરે જઈને હું ભાણું માંડું તો તો મારા ધોળામાં ધૂળ પળે દેમાં એ નઈ બને.”

અને ઝલાંની ફારગતી વગર એકને ઊભો મૂકી ઝલાંનું બીજે કરી નાખ્યું. ઝલાંના મોંએ સવા મણનું તાળું, મા-બાપને એ કાંઈ ના કહી શકે. દીકરીને ગાય દોરે ત્યાં જાય. એવો એ સમાજ. સાટા પદ્ધતિની શિકાર બની ગઈ ઝલાં. આજે એનું નાતરું કરવાનુ હતું. એનું જ્યાં બીજી જગ્યાએ કરેલું તે વિધી કરવા ને તેડવા આવવાના હતા. તો રત્નાના ઘરવાળા તરફથી પણ સાચા ખોટા જાસા આવતા હતા.

મ્હેલ્લા પાસે બે જીપો ઊભી હતી. નારણ ક્યારનોય આઘોપાછો થઈ રહ્યો હતો ને એનાં માણસોને ભેગાં કરી રહ્યો હતો. ” મારા હોય એ આવી જાય , આજ ખબર પડી જશે ભાયડાઓની કોણ મારું ને કોણ પારકું. ” લાકડી ખખડાવતાં એણે પડકાર કર્યોં. એ વખતે આખા મ્હેલ્લામાંથી કેટલાંય માણસો બહાર આવી ગયેલાં ને ટોળું જમા થઈ ગયેલું.

” જેને જીવતા રહેવું હોય ઇ ઘરે રે , આ જીપમાં તો મરવું હોય એજ બેસે ” નારણ ટોળા સામે જોઇને બોલ્યો. ટોળામાં સ્તબ્ધતા છવાઈ ગઈ. બધા એકબીજા સામે જોવા લાગ્યા. ” આપણી સાખની છોળી હોયતો આમ બાયલાની જેમ ઊભા ના રહીયે ” એમ બોલીને બે-ચાર જણા ચાલતા થયા. ” હાચી વાત તારી ઇ ગામ વાળા આપણી છોળીનું આણું રોકશે તો શુ આપણે કાંઈ બંગડીઓ પહેરી છે નાયણા ? તો તો પછી ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું સારું. ” ટોળાનો એક ડોહો બોલ્યો. થોડે દુર ઊભેલું સ્ત્રીઓનું ટોળું ગણગણાટ કરવા લાગ્યું.

લાકડી સાથે પાંસઠની ઉંમરનો બીજલ જીપમાં બેસવા જતો હતો તો તેને અટકાવતાં નારણ બોલ્યો, ” એ ડોહા તમે રેવા દ્યો, તમારું કામ નથી, તમારા દાનીયાને સળવા દ્યો. ” ને દાનો હાથમાં લાકડી લઈને ઠેકડો મારીને જીપમાં બેઠો. બીજાય બે ત્રણ જુવાનિયા ચડી ગયા. ” અલ્યા એ મગના, ઇ ધારીયું રેવા દે , જા એને મેલી આ’યાય અને સારું મજબૂત ભાંઠું લેતો આ’ય. ” નારણે એ ધારીયા વાળા મગનને કહ્યું. એક પછી એક , બેય જીપો ભરાઈ ગઈ. ” જો નાયણ જીપને કાંઈ નુકસાન થાશે ઇ તમારે આલવું પડશે, એટલે આ જોખમ લઉં છું. ” જીપવાળાએ ચોખવટ કરી.

એટલામાં ફોનની રિંગ રણકી, ” હાલો, પિંપરીથી બોલો છોને ?” નારણે ફોન ઉપાડ્યો. ” હા…હા.. જુઓ આણાવાળા ગમે તેટલા હોય મારીને પાડીજ દેવાના છે , ચેતવવા હોયને તો ચેતવી દેજો, ત્રણ રસ્તે ખબરદાર રે .” સામે છેડે થી કોઈ બોલતો હતો.

” તારે હાંભળી લ્યો હેમાભઈ તમેય, અમેય બે જીપો ભરીને એ ત્રણ રસ્તે આવીએ સી, તમેય ઓછા ના આવતા, જેની મા એ હવાશેર સૂંઠ ખાધી હોય ને ઇ આણું રોકે . આણું છડે ચોક આવશે. અમારી છોડીનું આણું તમે રોકશો ને તો શું અમે જોઈ બેસી રહેસુ ? હેમાભઈ તો તો પછી આ ખડ ઊગ્યું માનજો ” નારણ પોતાની મૂછોને તાવ દેતાં બોલ્યો, ને ફોન કાપી નાખ્યો.

ને ઝલાંની મરજી ના હતી તોય એને જીપમાં બેસવું પડ્યું. બેસતી વખતે એણે ખૂબ કલ્પાંત કર્યું. જીપ ગામની બહાર નીકળી ત્યાં સુધી એ રડતી રહી ગામનાં ઝાડવાંએ આજ પહેલું રુદન આવું સાંભળ્યું હોય તેમ તેમની ડાળીઓ ઝૂકી ગઈ હતી. સમાજ આગળ ના દેમાંનું ચાલ્યું ના ઝલાંનું. સંજોગોનો શિકાર આજ બિચારો બની ગયો હતો. આગળ નારણની જીપ વચ્ચે આણાવાળાની જીપ ને પછી છેલ્લે પણ નારણે કરેલી જીપ.


બધા સજાગ હતા. ” બધા માથે ફાળીયાં બાંધેલાં રાખજો , પહેલ આપણે કરવાની નથી. ” નારણ ગળું ફાળી ફાળોને બધાને સંભળાવતો હતો. ત્રણ રસ્તા આવ્યા. બધાએ પોપોતાની લાકડીઓ સાંભળી. ત્રણએ જીપો ભયસ્થાન વટાવી ગઈ પણ હજુ કોઈ અઘટિત બનાવ બન્યો નહીં. બધાના જીવ હેઠા બેઠા.

ત્રણ રસ્તા વટાવી ગયા છતાં બધા સાવધાન હતા. વાતો બંધ હતી. ચૂપચાપ જીપો રસ્તો કાપતી આગળ વધી રહી હતી. નદીનો પુલ આવ્યો. ” અલ્યા જીપ રોકો આ કુવારકા (સરસ્વતી)નદીમાં વહુ ટકો પધરાવે પછી આગળ વધીએ.” આણાની જીપમાંથી કોઈ બોલ્યો. એક નાની છોકરી આણાવાળા લાવેલા એની સાથે ઝલાં નદીમાતાને ટકો પધરાવવા ઉતરી. સવા રૂપીઓ ને નાળિયેર નદી પાર કરતાં પહેલાં પધરાવવાનો એક ધાર્મિક રિવાજ પૂરો કરવા એ આગળ વધી.

જીપથી થોડે દુર પુલ ઉપર ગઈ. હાથમાં નળીયેર હતું તે તેને બે હાથે નમન કરીને નદીમાં નાખ્યું પછી પલક વારમાં કોઈ કાંઈ સમજે તે પહેલાં પોતાની જાતને પુલ પરથી નદીમાં ફંગોળી. પાણી વગરની નદીમાં ઝલાં ઊંઘે માથે પટકાણી ને ખોપરીમાંથી લોહીનો ફુવારો ફૂટ્યો. નીચે પડેલો પથ્થરને હાથમાં રહેલો લાલ રૂમાલ લોહીથી લથબથ. આણાવાળા દોડીને પુલ પરથી નીચે નદીમાં ગયા ત્યાં સુધીમાં તો લાલરૂમાલની ગાંઠ પરનું લોહી જામીને ગઠ્ઠો થઈ ગયું હતું.

લેખક : સરદારખાન મલેક

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ