જલ્સા કરોને જેંતીલાલ

સ્વર્ગ ક્યાં ???.. ઘરમાં જ !!! – લગ્ન પછી દરેક સ્ત્રીના રૂટીન જીવનમાં થોડો ઘણો બદલાવ તો આવે જ છે અને એ બધાએ સ્વીકારવો જ પડે છે…

સ્વર્ગ ક્યાં ???.. ઘરમાં જ !!!

ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો . જુનાગઢથી થી રાજકોટ જતી બસમાં સૌ કોઈ આ મોસમની મજા લૂંટતાં હતા. આ બસમાં અમૃતલાલ ભટ્ટ અને મંજુલાબેન બેઠા હતા. આમ તો ગોરપદુ કરતા એટલે લોકો તેમને ગોરબાપા અને ગોરાણી મા ,કહેતા પરંતુ, બંને પ્રાથમિક શાળાના શિક્ષક હતા. ઘરમાં સુખ સાહ્યબી ખૂબ સારી હતી.તેમને મોટી ઉંમરે સંતાનસુખ પ્રાપ્ત થયું હતું. એક જ દીકરો કુલદીપ , જે હમણાં 21 વર્ષનો થયો હતો. એક નો એક દીકરો હતો અને તે પણ મોટી ઉંમરે !! એટલે સાત ખોટનો હોવાથી તેને ખૂબ લાડકોડથી ઉછેર્યો તેથી કુલદીપ ખાસ ભણવામાં આગળ વધ્યો નહોતો પણ,

અમૃતલાલ સાહેબ દૂરંદેશી વાપરીને ગોરપદામાંથી ઘર ચલાવતા અને પોતાનો તથા મંજુલાબેન નો પગાર જમા કર્યે રાખતા. આમ કરતાં કરતાં સારી એવી મૂડી ભેગી થઈ હતી.વળી, બાપદાદાની મિલકત પણ હોવાથી ત્રણ ચાર મકાનો અને ચાર-પાંચ દુકાનો હતી.જે ભાડે આપેલ , તેની બેઠી આવક પણ આવતી. તેથી કુલદીપ ભણ્યો નહીં તેનું ઝાઝું દુઃખ નહોતું . તેઓએ કુલદીપને ગોરપદૂ કરવા તરફ વાળી દીધો હતો. તેઓ સંતોષ અને આનંદથી જીવતાં હતા… કે આટલું છે તે દીકરો-વહુ સાચવીને જીવન ગુજારશે તોય ખાધેપીધે ખુટશે નહિં.

ગોરબાપા અને ધોરણમાં વિચારતા હતા કે આપણો કુલદીપ તો ઝાઝું ભણ્યો નહિ અને સાદો સીધો છે. હવે, આપણે વહુ એવી ગોતીએ કે , જે વ્યવહારુ હોય, હોશિયાર હોય અને આપણી સેવા કરે, શાંતિથી જીવે,… અને ભવિષ્યનાં સપનાં સેવતા જઈ રહ્યા હતા.


એવામાં એક જોરદાર ઝાપટુ આવ્યું અને બારીમાંથી વાછટ લાગતા મંજુલાબેન થોડાક ભીંજાઈ ગયા. ગોરબાપા જલ્દીથી બારી બંધ કરવા લાગ્યાં પણ, બારી થોડી કડક હોવાથી બંધ થતી નહોતી ! ત્યાં તો પાછળની સીટમાંથી એક રૂપાળો હાથ આવ્યો !! અને બારી બંધ થઇ ગઇ !! ગોરબાપા અને ગોરાણી માએ પાછળ વળીને જોયું તો એક સરસ, યુવાન છોકરી પાછળની સીટમાં એકલી બેઠી હતી. દંપતી સામે હસી પડી!! અને બોલી કે, “” માસી !ભીંજાઈ ગયા ને !! ” તે તો જાણે આ લોકો તેના કોઈ પરિચિત હોય તેમ વાતો કરવા લાગી. વાતોવાતોમાં ખબર પડી કે તે પણ ગોરબાપા ના જ્ઞાતિની જ દીકરી હતી . એનું નામ કાજલ હતું. એણે હમણાં જ કોલેજ પૂરી કરી હતી અને કાજલ એ એટલી બધી ઓળખાણ કાઢી અને તેઓ સાથે ખુબ વાતો કરી કે ગોરબાપા અને ગોરાણીમાંનું દિલ જીતી લીધું !!

રાજકોટ આવી જતાં બસ, એક સ્ટોપ પાસે ઉભી રહી અને કાજલ ઉતરી ગઈ. હવે વરસાદ રહી ગયો હતો. બસ આગળ ચાલી… અને ગોરબાપાએ ગોરાણી માં સામે જોયું … બન્નેની નજરમાં આ છોકરી વસી ગઈ હતી ! કાજલ દેખાવે સુંદર, ભણેલી, બોલચાલમાં છટાદાર !! વળી પોતાની જ જ્ઞાતિની હતી. તેથી કુલદીપ માટે કાજલ બધી રીતે યોગ્ય છે. તેમ માની ઘરે પહોંચતાં જ તેમના એક પિતરાઈ ભાઈ દ્વારા સગપણની વાત ચલાવી. કાજલના ઘરમાં તો તે અને તેના મમ્મી બે જ હતાં. કાજલ ના જન્મ પછી બીજે જ વર્ષે એક્સીડેન્ટમાં તેના પપ્પાનું અવસાન થયું હતું. મમ્મી હતાં અને તેમણે કાજલને ખૂબ લાડકોડથી મોટી કરી હતી.


કાજલની મમ્મીને સગપણ માટે કહેવડાવતાં તેમને પણ ઘર, વર ,બધું સારું લાગ્યું અને બધું જ વ્યવસ્થિત જણાતાં બંને પક્ષેથી હા થઈ અને સગાઈ થઈ ગઈ ત્યાર બાદ ઘડિયા લગન પણ લેવાઈ ગયા…. શિક્ષક દંપતીએ અત્યાર સુધી સંપત્તિ બધી એકઠી જ કરી હતી .કોઈ દિવસ વાપરવાનો વારો આવ્યો જ નહોતો !! તેમણે સરસ થી મન મુકીને પ્રસંગ ઉકેલ્યો… ખૂબ જલસો કર્યો..

“પુત્રના લક્ષણ પારણાંમાં અને વહુનાં લક્ષણ બારણાંમાં ” એ કહેવત મુજબ ગોરાણી માં સમજી ગયા કે કાજલ માત્ર હોશિયાર અને બોલવામાં છટાદાર જ નહીં પણ સ્વભાવમાં ઉછાંછળી છે !!! મંજુલાબેન પોતે જ્યારે પરણીને આવ્યા ત્યારે શિક્ષિકા હોવા છતાં , તે બધું જ ઘરકામ જાતે કરતા. સમય પ્રમાણે માથા પરથી સાડીનો છેડો પણ ઉતારાતો નહીં !! સાસુસસરા ની મર્યાદા મુજબ !! પણ હવે, પોતે મોટું મન રાખીને કાજલને ઘરમાં ડ્રેસ પહેરવાની છૂટ આપી હતી.પરંતુ, કાજલને ડ્રેસ નહીં પણ જીન્સ અને મીડી જ પહેરવા ગમતા. વળી, ઘરના કામમાં તો રસ જ નહોતો . વાસણ સાફ કરવામાં તો એને નાનમ લાગતી. ગોરબાપા અને ગોરાણીમાં પીઢ હતા એમણે જમાનો જોયો હતો. પોતે વહુની પસંદગી કરવામાં થાપ ખાઈ ગયા હતા . તે સમજી ચૂક્યા હતા !! પણ હવે શું ??? વિધાતાને જે ગમ્યું તે ખરૂં !! તેમ માનીને ચૂપચાપ કાજલને સ્વીકારી લીધી હતી. પણ, કાજલને તો ઘરમાં જરા પણ રસ નહોતો ! તેને તો ફૂલફટાક થઈને કુલદીપ છોડે ફરવા જવું જ ગમતું. રસોઈ કરવી તો સાવ ગમે જ નહીં. પોતે બહાર જાય અને બંને જમીને જ ઘરે પાછા આવે!!


હવે ,શિક્ષક દંપતી નોકરીમાંથી રિટાયર્ડ થઈ ગયા હતા .તેમને હવે એમ હતું કે હવે તો શાંતીથી રહીશું,આનંદ કરશું અને વહુના હાથનું જમશું પણ…કાજલને તો ઘરની કાંઈ જ પડી નહોતી..અને તે તો કુલદીપને પણ આંગળી પર નચાવતી … ત્રણે જણા કાજલ ની ઈચ્છા પ્રમાણે રહેવા દેતા છતાં, કાજલ ઘરકામ બધું સાસુ ઉપર જ ઢોળી દેતી. ગોરબાપા ક્યારેક કાજલ ને સમજાવવા માટે પ્રયત્ન કરતા પરંતુ, ગોરાણી મા કહેતા કે “રહેવા દો ! ઘરમાં કંકાસ નથી કરવો”.

પણ, કાજલ જેનું નામ ! એકની એક દીકરી અને નાનપણમાં તેને કોઈએ કંઈ કહ્યું ન હતું !! મોઢે ચડાવેલી અને મોટી થયા પછી પણ એવી ને એવી બિન્દાસ્ત રહી. સાસરે આવ્યા છતાં તે સવારે મોડેથી જ ઊઠતી, સાસુએ બનાવેલ ચા-નાસ્તો કરી, નિરાંતે છાપું વાંચીને નાવા ધોવા જતી. અને…. બપોરની રસોઈ પુરી થવા આવે ત્યારે જ પોતાના રૂમમાંથી બહાર આવતી . કુલદીપ આ જોતો અને કાજલ ને કાંઈ કહેવા જતો તો તેને કાજલ ચૂપ જ કરી દેતી. વળી હજુ હમણાં જ લગ્ન થયાં હોવા છતાં પોતાની પાસે ઘણા બધા કપડાં ઓર્નામેન્ટ્સ બધું જ હોવા છતાં, કઈ ને કઈ ખરીદી કરાવ્યા કરતી..

ગોર બાપા અને ગોરાણી મા નો જીવ કળીએ કળીએ કપાતો. પણ, જો તેઓ કાઇ બોલે તો કાજલ, ઘર આખું માથે લેતી, બે વખત કાજલના મમ્મીને આ બધી વાત કરી ત્યારે તેમણે કાજલને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ કાજલે તેમનેય રોકડું પરખાવી દીધું ,” મને તારે કઈ ન કહેવું ! હું હવે નાની કીકલી નથી !!”


એક વખત એવું બન્યું કે ગોરાણી માની તબિયત સારી નહોતી. અને ગોરબાપાએ કુલદીપને કહ્યું, “કાજલને કહે ને કે હમણાંથી ઘરના કામકાજમાં ધ્યાન આપે !!! “” બસ આટલી જ વાત !! અને કાજલે તો બધા ને ઉધડા લીધા કે મને હરવા ફરવાનો શોખ છે… !! તે તમને બધાને સહન થતું નથી !! હું તો મારે જેમ જીવવું હશે તેમ જ જીવીશ,… નહીંતર હું મારા પિયર જતી રહીશ !!! ” અને સાચે જ તે બેગ ભરીને ચાલી નીકળી…!!

કાજલના મમ્મીએ તેને કહ્યું, “તારું હવે સાચું ઘર એ તારું સાસરૂ જ છે !! અને કાજલે કરેલા વર્તન બદલ ઠપકો આપતા તેને ખૂબ જ લાગી આવ્યું… અને તેણે મમ્મીને કહી દીધું , ” દિકરીને સાસરે મોકલી દીધી એટલે, પિયરમાં શું એનો કોઈ હક નથી ??? તું પણ બીજા બધા જુનવાણી લોકો જેવી જ છે. હું તો મારો રસ્તો મારી રીતે કરી લઈશ. ”

તેના મમ્મી, વધુ કઈ સમજાવે તે પહેલાં જ કાજલ મોઢું મચકોડીને પોતાની બેગ લઈને ત્યાંથી ચાલી નીકળી… ગુસ્સામાં ને ગુસ્સામાં આવી કાજલ ઘરની બહાર નીકળી તો ગઈ પણ, હવે જવું ક્યાં ??? તેણે વિચાર્યું કે ‘ સગાવહાલા, મામા ,માસી, બધાય પોતાને જ સમજાવશે !! તેઓને ત્યાં ક્યાંય જવું નથી!! .. તેને બાળપણની સખી દિશા, યાદ આવી..


બાળપણમાં તેઓ સાથે કાજલ ના ઘરે જ રહી ખૂબ જલસા કર્યા હતા.તે દિશાને ઘણી વખત આર્થિક મદદ પણ કરતી. તે બન્ને પોતાના ગ્રુપમાં સ્કૂલ-કોલેજમાં ક્રાંતિકારી તરીકે ઓળખાતા. તેને થયું કે દિશાને સાસરે સારું છે. વળી, તે નોકરી પણ કરે છે તેથી દિશા જ પોતાને મદદ કરી શકશે. તે દિશાને ગામ આવી. એડ્રેસ મુજબ તેનું ઘર શોધી તેણે બેલ મારી …. દરવાજો ખોલવા દિશા જ આવી તે કાજલને જોઈ હરખાય ને કાજલને ભેટવા નજીક આવી પણ, કાજલ જોઈ રહી દિશાએ સાડી પહેરી હતી …હજુ વાળ.. એમને એમ વાળેલા હતા.. હાથ પણ લોટવાળા હતા… .કદાચ લોટ બાંધતા બાંધતા દરવાજો ખોલવા આવી હતી …

દિશાએ હસીને તેને આવકાર આપ્યો. કાજલે જોયું તો, દિશાનો પતિ નિમેષ બેઠા-બેઠા છાપું વાંચતો હતો અને દિશાના સાસુ-સસરા TV માં આવતી કોઈ આધ્યાત્મિક ચેનલ જોઈ રહ્યા હતા. કાજલને તરત જ વિચાર આવ્યો કે, આ ત્રણે અહીં છે તોય કામ કરતા-કરતા દિશાને દરવાજો ખોલવા આવવું પડે એ કેવું ??

દિશાએ કાજલને પાણી પાયું , બધાં ને ઓળખાણ કરાવી અને તેને ગેસ્ટ રૂમમાં લઈ ગઈ. તેને ફ્રેશ થવા જણાવ્યું અને પોતે કાજલ માટે કોફી બનાવવા ગઈ . કાજલને તો જરા પણ ન ગમ્યું !! છતાં ય કરે શું ???તે હાથ-મોં ધોઈ બેઠી કે તરત દિશા coffee લઈને આવી, અને પૂછ્યું, ” કેમ કાજલ !! ફોન-બોન કઈ નઈ !!! ને આમ અચાનક જ ?? વળી, કુલદીપ જીજા કેમ સાથે નથી આવ્યા ?? ”


” કેમ કુલદીપ સાથે હોય તો જ મારે તારા ઘરે અવાય ?? ” દીસાએ કહ્યું , ” ના ! ના ! એવું નથી!! તું તારે ભલે ને આવી !! ” કાજલ કહે, ” જો તમને વાંધો ન હોય તો, હું હમણાં તારા ઘરે જ રોકાવવાની છૂ !!! ” દિશા કહે , “એમાં મને શું વાંધો હોય ??? તું તો મારી બેન છો. તું તારે તારું મન થાય ત્યાં સુધી રહેજે ને !!! આમ કહી હસીને કોફીનો ખાલી મગ હાથમાં લઇ દિશા કહે,” તું આરામ કર ! હું રસોઈ બનાવું . નિમેષને ઓફિસ જવાનો ટાઈમ થઈ જશે!! પછી મારે ય જવું પડશે !! દિશા ફટાફટ કામે લાગી ગઈ !!

કાજલ થોડીવાર બાદ ડ્રોઇંગરૂમમાં આવી. ત્યાં ત્રણેક વર્ષનો બાબો playhouse થી પાછો આવ્યો હતો. કાજલને ખબર હતી કે આ બાબો દિશાનો તો નહિ જ હોય !! થોડીવારમાં નિમેષે ફટાફટ જમી લીધું. ત્યાંસુધીમાં દિશાએ તેની બેગ, રૂમાલ,સેલફોન,… બધું યાદ કરીને આપ્યું. ત્યાં તો બૂટ-મોજા પહેરતાં પહેરતાં નિમેષે બૂમ પાડી….., “દિશા મારો બેલ્ટ ??? દિશા, રસોડામાંથી બહાર આવી ” હમણાં જ લાવું છું ” કહી તેના રૂમમાંથી લઈને આપ્યો . નિમેષે એ લીધો અને ફટાફટ તૈયાર થઈ ઑફિસે ચાલ્યો ગયો. દિશા કાજલ ને કહેવા લાગી, ” સાવ ભૂલકણા છે !!! બધું તૈયાર કરીને આપ્યું હોય તોય, કંઈ ને કંઈ ભૂલી જાય !! “”

કાજલ એક ઉપહાસ ભરી દ્રષ્ટિથી તેની સામે જોયું, દિશાએ તે અણદેખ્યું કર્યું અને બધી રસોઈ ફટાફટ ટેબલ પર મુકવા લાગી તેનો પણ જવાનો ટાઈમ થવા આવ્યો હતો ત્યાં પેલો બાબો, ” આન્ટી,… આન્ટી, …” કરતો આવ્યો અને કહેવા લાગ્યો, ” આજે તમે મને જમાડશો તો જ જમીશ !! “” દિશા તેને ખોળામાં લઇ, મોમાં કોળીયા દેવા લાગી અને કાજલ ને કહે, ” આ ગોટુ, મારા જેઠનો બાબો છે !! મારા જેઠાણીને આનાથી નાની બેબી છે, આને ત્યાં સરખી રીતે ધ્યાન રાખી શકાય નહીં તેથી, ગોટુને અમે અહીં જ રાખી લીધો છે.”


ગોટુ જમી રહ્યો… ત્યાં.. દિશા પણ, ઝડપથી બે-ચાર કોળિયા જેમતેમ ખાઈને ઉભી થઇ ગઇ અને કાજલ ને કહેવા લાગી, ” તું જમવું હોય તો બેસી જા ! નહીંતર મારા સાસુ-સસરા કલાક પછી જમશે , ત્યારે જમવું હોય તો તેની સાથે જમજે !! “”

કાજલે તેના સાસુ-સસરા સામે જોયું તો તે લોકો તો કાજલની નોંધ પણ લીધી નહીં અને ઉપેક્ષા કરતા હોય તેમ લાગ્યું. કાજલને તો બરાબરની દાઝ ચડી!! પણ કરે શું ?? તેને થયું કે આ લોકોની સાથે તો ન જ ફાવે !! તેણે દિશાને કહ્યું, ” હું જમી જ લવ છું અને હા હું અહી મહેમાન નથી હો ! ” દિશાએ કહ્યું, ” કંઈ વાંધો નહીં ,જો તું મારી બહેન જ છો, તારે જરા પણ સંકોચ રાખ્યા વગર રહેવાનું છે ,સમજી ??” અને ફટાફટ તે રૂમમાં જઈ તૈયાર થઇ અને સ્કૂલે જતી રહી..

કાજલ એ ચૂપચાપ જમી લીધું. અને ગેસ્ટરૂમમાં ચાલી ગઈ.. મેગેઝિનના પાના ઉથલાવતી હતી, ત્યાં દિશાના સાસુ જમીને આવ્યા અને કહે, ” મને વાસણ માંજવામાં મદદ કર !! હું ટેબલ સાફ કરું !! “કાજલ કાળઝાળ થઈ ગઈ !! પણ ,અહીં આ લોકોને કહેવું ય શું ?? તેણે ચિડાઈને વાસણ સાફ કર્યા. દિશાના સાસુ કહે, ” મારાથી તો નીચે બેસાતું જ નથી !!” કાજલ એ પૂછ્યું, ” તો પછી, રોજ વાસણ કોણ સાફ કરે છે ?? ”

દિશાના સાસુ કહે, ” દિશા !, બીજું કોણ ?? આજે, તું આવી તેથી, થોડું મોડું થઇ ગયું , એટલે આ વાસણ બાકી રહી ગયા. નહીંતર બધુ જ કામ પતાવીને જ જાય અને જ્યારે તે આવે ત્યારે તેના હાથની ચા પીએ દિશાના સસરાને તો, ગમે તેટલું મોડું થાય છતાં, દિશાના હાથની જ ચા જોઈએ !!! “””


કાજલને તો કહેવાનું મન થઈ ગયું,” તમારે તો મફતની કામવાળી મળી ગઈ! અને એ વળી કમાતી ધમાતી !! ” વાસણ સાફ કરી લીધા ત્યાં દિશાના સાસુએ કાજલને એક કપડું આપ્યું અને કહ્યું, ” આ વાસણ લૂછી નાખ ! ” કાજલે તો સાંભળ્યું ન સાંભળ્યું કરી ઊભી થઈ !! અને તેના રૂમમાં જ ઘુસી ગઈ અને મનોમન કહેવા લાગી, “” આ તો જો!! શું સમજે છે એના મનમાં ?? હું કંઈ કામ કરવા આવી છું ?? પોતાનાથી આટલુંય ન થાય ?? હું કઈ દિશા નથી !!!”

તેને યાદ આવ્યું કે “દિશા અને પોતે કેવા ધીંગામસ્તી કરતા ! મજા કરતા! અને તેને એમ હતું કે દિશા તો સાસરે ય મજા જ કરતી હશે!! પણ મને લાગે છે કે મારે દિશાને હવે સુધારવી(!) પડશે!!!!!”એમ વિચારી કાજલ સુઈ ગઈ.

કાજલની આંખ ખુલી ત્યારે દિશા અને નિમેષ હજુ હમણાં જ ઘરે આવ્યા હતા. દિશા આવીને તરત રસોડામાં જ ઘૂસી ગઈ. તેણે સસરાની આદુવાળી ચા, નિમેષ માટે એલચીવાળી ચા, ગોટુ માટે bournvita દૂધ અને કાજલ માટે કોફી બધું ફટાફટ કરવા લાગી. કાજલ રસોડામાં પ્લેટફોર્મ પર ચડીને બેઠા બેઠા જોયા જ કરતી હતી તેણે દિશાને પૂછ્યું, “તારા માટે શું બનાવ્યું ?? ” હસીને દિશાએ કહ્યું, ” મારે કઈ સ્પેશ્યલ ની જરૂરત નહીં!! આજે તારી સાથે કોફી પીશ !!”

બધાને અલગઅલગ આપીને પોતે પોતાની ની coffee mug માં રેડી ત્યાં તો, નિમેષ કહે , ”દિશુ, ગરમ ગરમ નાસ્તો બનાવી દે તો મજા આવી જાય !! આજે મારે ઑફિશવર્ક કરવું છે. તેથી હું મોડો જમીશ. દિશાએ કોફી બાજુએ મૂકી અને નિમેષ માટે બટેટાપૌવા બનાવી આપ્યા અને થોડા એના સાસુ-સસરાને પણ આપ્યા.

ત્રણેય ખાતા-ખાતા વખાણ કરતાં હતાં કે બટેટાપૌંઆ તો દિશાના જ !!” દિશાએ હસતાં હસતાં કોફી પીધી. કાજલે જોયું કે દિશાની coffee સાવ ઠંડી થઈ ગઈ હતી. દિશા એ ગટગટાવી ગઈ.કાજલ ને યાદ આવ્યું કે દિશા અને કાજલ જ્યાંરે કોફી કે ચા પીતા દિશા ફટાફટ કપ ઉપાડતી,કાજલ એને ટોકતી, તો દિશા કહેતી, ” ચા-કોફી,તો ગરમ જોઈએ !! ઠંડા થાય તો શરબત બની જાય તેમાં શું ટેસ્ટ આવે ?”


કોફી પીને દિશાએ કપડા પ્રેસ કર્યા અને પછી તરત જ સાંજની રસોઇ શરૂ કરી દીધી. તેણે કાજલને ખૂબ જ ભાવતી કટલેસ બનાવી હતી. તો સાથે તેના સાસુ માટે ડુંગળી વગરની, સસરા માટે ભજીયા બનાવ્યા, ગોટુ માટે મરચુ નાખ્યા વગરની કટલેસ બનાવી. કાજલ આ બધું જોઈ રહી. આ બધુ જોઈને તે ચીડાતી હતી. તેમાંય વળી બધાય જમી લેવા આવ્યા તોય નિમેષ લખતો હતો, તે ઊભો જ ન થયો. તેને માટે રાહ જોઈને દિશા પણ જમી નહીં. જ્યારે તેનું વર્ક થઈ ગયું ત્યારે આવ્યો, દિશાએ તેને ગરમ કટલેસ બનાવી, પીરસીને, પછી પોતે જમી.

કાજલ તો આ બધું જોઈ અકળાઈ ઊઠી, તેણે દિશાને થોડું કામ ઘણું કામ કરાવ્યું અને કહ્યું, “મારી સાથે આવજે, આપણે ઘણી વાતો કરવી છે, દિશાએ હા પાડી અને કહ્યું, ” હું ગોટુને સુવડાવીને પછી આવીશ. કાજલ ટીવી જોવા બેઠી, દિશાએ ગોટુને નવડાવીને નાઈટડ્રેસ પહેરાવ્યો, તેના સસરા ને દવા અને પાણી આપ્યા, સાસુને ડોક દુખતી હોવાથી tube લગાવી હળવે હળવે માલીશ કરી આપ્યુ. ત્યાં ગોટુ એ આંટીને પકડ્યાં, ” ચાલો આજે કઈ વાર્તા કરશો ??? આન્ટી,ચાલો, વાર્તા… વાર્તા…” કાજલને, હમણાં આવું છું કહી દિશા ગોટુને સુવડાવવા ચાલી ગઈ…

કાજલ રૂમમાં આવી આટા મારવા લાગી અને વિચારવા લાગી,” આ દિશુડી ને સીધી કરવી જ પડશે !!! ” દિશા આવીને કાજલના રૂમમાં બેડ ઉપર, “હાશ !!!!….” કરીને સૂતી. કાજલ કહેવા લાગી,” દિશા !! દિશા !!, તને શું થઈ ગયું ?? તું આવી તો જરાય નહોતી !! તારામાં આટલો બધો ફેરફાર કેમ થઈ ગયો ?? દિશાતો બેઠી થઇ ગઇ !! તે કાજલને પૂછવા લાગી, ” હું કેવી થઈ ગઈ ?? મારામાં શું ફેર પડી ગયો ??”


કાજલે તેને સમજાવતા કહ્યું, ” દિશા !, તારા હાલ તો જો!! આટલો બધો ઢસરડો કરાય?? આ બધાએ સારું સારું બોલીને તને ગુલામડી બનાવી દીધી છે !!!

કાજલે તો ઘણું બધું લેક્ચર આપ્યુ… સ્ત્રીસ્વાતંત્ર્યની વાત કરી અને કહે, “તું આ બધું કેમ ચલાવી લે છે ?? આટલું બધું ઘરનું કામ !!, સાસુ-સસરાની જવાબદારી, નીલેશની તાબેદારી, અને… વળી, ઓછું હોય તેમ આ ગોટુ ??? તને તારી પોતાની લાઈફની કાંઈ પડી જ નથી !!! તારી ભલમનસાઈનો આ બધા ફાયદો ઉઠાવે છે !! તું શીખ મારી પાસેથી, કે કેમ રહેવાય ??? હું કેવી મારા મનની માલિક છું ??? મને મનફાવે તે રીતે જ રહી શકું છું !! જો હું તને પણ્ શિખવાડુ કે આ બધામાંથી કેવી રીતે રસ્તો કરાય !!! બધાને સીધાદોર કરી દઉં !! એકવાર હું કહું એમ તું કરવા લાગ … !!” “એક મિનિટ , wait, wait, કાજલ !!, ‘ દિશાએ તેને બોલતાં અટકાવી કહ્યું, “પહેલાં મારી વાત સાંભળી લે….!”

.”…હું જે કંઈ કરું છું તે,વેઠ નથી કે હું કામવાળી પણ નથી, તને ખબર છે ??? ઘરનું કામ કરવું તે દરેક ગૃહિણીની ફરજ છે ! મારા સાસુ સસરાનું હું જે કંઇ કામ કરું છું, તેના બદલામાં મને શું મળે છે, તું જાણે છે ?? તેઓ મને મારા માતા-પિતાને પણ ભુલાવી દે એટલો પ્રેમ આપે છે !! મારી ખુશીનું તેઓ હર પળે ખ્યાલ રાખે છે !!અત્યારે સમય કેટલો ખરાબ છે!! આટલા મોટા ઓફિસર હોવા છતાં નિમેષ ક્યારેય,કોઈ સામે આંખ ઉઠાવીને જોતા નથી, અને કોઈ જાતનું તેમને વ્યસન નથી.અને મારી ઉપર પોતે પોતાની જાત ન્યોછાવર કરે છે !!

જયાં પણ જાય તો મને સાથે લીધા વગર જતા નથી !! તેની ઓફિસની પાર્ટીમાં પણ મને સાથે જ રાખે છે !! બધાની સામે મને એટલું બધું માન આપે છે!!! અને કહે છે કે, ” હું તમારા બધાનો બોસ ભલે હોઉં, પણ મારા બોસ આ મેડમ છે !! … પગારની પાઈએ પાઈ તેઓ મને આપે છે! મને પૂછ્યા વગર કોઈ જ કામ ન કરે !! અને કાજલ !!,, આ મારા સાસુ-સસરા અમારે ઘરે જે કોઈ આવે તેની સામે બસ મારા કેટલા વખાણ કરે રાખે છે !! તેમની આંતરડી ઠરે છે અને મને ખુબ જ ખુશી મળે છે…. ”


.. અને એકવાર હું બીમાર પડી હતી, તો આ ત્રણેય ભૂખ્યા તરસ્યા , એવી તો સેવા કરી મારી કે તેમને દુઃખી થતા જોઈને મારી માંદગી તો ક્યાંય ભાગી ગઇ !! મારા લગ્ન પછી મને કસુવાવડ થઇ ગઇ હતી, ત્યારે, ડોક્ટરે અમને પાંચ વર્ષ બાળક માટે ના પાડી હોવાથી, મારા જેઠ-જેઠાણી જ્યારે મારી તબિયતના ખબર પૂછવા આવ્યા અને મારાથી રડાઈ ગયુ કે,” હજુ પાંચ વર્ષ આ ઘર બાળક વગરનું રહેશે … !!! તો તરત જ તેઓ એમના આ કાળજાના કટકાને, ગોટુને મારી પાસે રાખતાં ગયાં !!! અને તને લાગે છે કે હું ઘરનું કામ કરીને ઘસાઈ ગઈ છું !!

તો, અમારી આજુબાજુ જો ! તો, ખબર પડે કે કેટલીય સ્ત્રીઓ એવી છે કે ફેશનની હોશિયારીમાં ઘરકામ, કચરા-પોતા, વાસણ કરતી નથી અને ખોટું પોતાનું શરીર બગાડે છે !! અને પછી જિમમાં જાય !! વોકિંગ કરવા જાય !!! પાચનની ગોળીઓ ખાય….!!! તોય કાંઈ વળે નહીં….!! ઘરનું બધું કામ કરવાનો મને શોખ છે !! અને મારાથી થઈ શકે છે. તેથી, હું બધું કામ જાતે કરું છું !! અને કામવાળી જે દિવસે ન આવે ત્યારે બધું કામ બગડે !! આખો દિવસ બગડે !!! હું અત્યારે બધે પહોંચી વળું છું !!! તેથી આ કામ કરું છું !!! નહીં પહોંચાય તો કામવાળી રાખવાની મને કોઈ ના કહેતું નથી !!અને મને તો બધા સર્વિસ છોડવાનું પણ કહે છે !! “”

” …. સવારથી મારા ઘરમાં ભગવાનની ભક્તિ અને પૂજાની શરૂઆત થતાં જ બધા મારુ જે રીતે પૂજન કરે છે, ભાવથી, પ્રેમથી, લાડથી, તેની અનુભૂતિ કૈક ઓર જ છે !!! કાજલ !, તને તે કેવી રીતે સમજાય !! તું મારી દયા ખાય છે!!! કાજલ !!!, પણ તારી જાત સામે જો દયાને પાત્ર તો તું છે !! તું અહી આવી, તે પહેલાં જ મને તારા મમ્મીએ સાસરિયામાં તારા વર્તનની વાત કરી ને દુઃખી થતા હતા !! કાલે હું સ્કૂલે ગઈ ત્યારે મારા મોબાઈલમાં તારા મમ્મીનો ફોન આવ્યો હતો !! તેણે મને તારા લગ્ન જીવનની બધી જ વાતો કરી !!!


કાજલ, તું જે રીતે રહે છે તે સ્વતંત્રતા નહિ પણ, સ્વચ્છંદતા છે !! પ્રેમથી પતિ અને સાસુ-સસરા નું કામ કરવું એ વેઠ કે ઢસરડો હરગીઝ નથી !!! આ બધું તો એક સ્ત્રી, એક ગૃહિણી, તરીકેની માત્ર ફરજ નહિ પણ ઘરને મંદિર બનાવવું હોય તો આ બધા કામ એ કોઈ પૂજાથી કંઈ કામ નથી !! અને કાજલ ઘર કેવું રાખવું !! તે સ્ત્રીના હાથની જ વાત છે !! સ્ત્રી જો ધારે તો ઘરમાં જ સ્વર્ગ છે !! અને નરકની યાતના પણ ઘરમાં જ ઊભી કરી શકે !! કાજલ, તું તો જાણે ” ઘર ઘર રમતી” છોકરીઓની જેમ, ઝગડીને, રમતા રમતા ઘર તોડી નાખે,…. તેમ તું પણ તારું ઘર નહીં જેવી વાતમાં રમત-રમતમાં તોડવા બેઠી છો !!!

તું એકવાર તારા ઘરની સાથે મારા ઘરની, અને , તારી સાથે મારી, સરખામણી કરી તો જો !! પછી કહે, કોની સ્થિતિ દયાજનક છે ??? દયાને પાત્ર છે ??? “” કાજલ તો અવાચક થઇ સાંભળી જ રહી !!! તેને પોતાના ઘરના હાલ-હવાલ યાદ આવ્યા !!, કુલદીપ, સાસુ-સસરા બધાનો પ્રેમ યાદ આવ્યો… પોતાના મમ્મી ની શિખામણ ભરી વાતો તેના કાનમાં ગુંજવા લાગી… તેનો જુસ્સો, ગુસ્સો , …ઓગળી રહ્યો હતો અને આંખમાંથી વરસી રહ્યો હતો…

દિશા કાજલની નજીક આવી, તેના આંસુ લુછતા બોલી, ” મારી વ્હાલી બેના, બાળપણની ધીંગામસ્તી અને મોજમજા, નિર્દોષતા ભલે ભરપૂર માણી…, પણ, પરણીને સાસરે આવ્યા પછી આપણી જવાબદારી પૂરે પૂરી સભાનતાથી નિભાવવી એ દરેક સ્ત્રીની પહેલી ફરજ છે !! જેનાથી આપણે ગુલામ નથી થઈ જતા … થોડો પ્રેમ આપી તો જો … જેટલો પ્રેમ આપણે બીજાને આપીએ , તો તેનાથી ઘણો વધારે આપણને સામે પાછો મળે છે !! તેનું સુખ કેવું હોય ?? તે અનુભવ વગર તને નહિ સમજાય !! મને તેનો અનુભવ છે ! હું મારી જાતને ખૂબ સુખી અને નસીબદાર સમજુ છું !!””

કુલદીપ અને તેના માતા-પિતાની ઈચ્છા અરમાનો ની પરવા કર્યા વગર, તું જે વર્તન કરીને તારું ઘર છિન્નભિન્ન કરી રહી છો… તે તારો સંસાર તૂટે, તે પહેલાં સમેટી લે !! કાજલ !! હજી મોડું થયું નથી! પછી સમય જતો રહેશે…? તો તારા હાથમાં કાંઇ જ નહીં રહે!!!””


કાજલ ની આંખો પરથી અજ્ઞાનતા દૂર થઈ, અને તેને બધુ સાફ નજરે દેખાવા લાગ્યું… દિશા તો આટલી બધી વાતો કરીને ઘસઘસાટ સૂઈ ગઈ !! પણ, કાજલ ની આંખો ખુલી ગઈ હતી… અને ઊંઘ તો ક્યાંય દૂર ભાગી ગઈ હતી ….

તેને થયું કે.. સવાર પડે કે તરત જ મારા ઘરે જઈશ અને મારુ તૂટતું ઘર બચાવી લઈશ… પણ, હું ક્યાં મોઢે એ બધાનો સામનો કરી શકીશ ??? મોડી રાત સુધી તેને ઊંઘ ન આવી… તેથી સવારે જ્યારે બેલ વાગી, ત્યારે છેક તેની આંખો ખુલી, તે પથારીમાંથી બેઠી થઇ ગઇ, અને મોઢું ધોઈ ફ્રેશ થવા લાગી, ત્યાં તેના કાને પરિચિત અવાજ આવ્યો !! પણ તેને થયું કે એ પોતાનો ભ્રમ હશે !!! પણ, તે ડ્રોઇંગરૂમમાં આવી અને જોવે છે તો…., કુલદીપ આવ્યો છે અને બધાએ તેને આવકાર્યો છે વળી, તેની સાથે બધા વાતો કરતાં હતાં. તે ઊભી જ રહી ગઈ !!! કુલદીપ જ્યારે, પાછળ વળી કાજલને જોઇ તો તરત જ તે કાજલ પાસે આવ્યો, અને હાથ પકડી કહેવા લાગ્યો , “કાજલ ! ચાલ તને આપણા ઘરે લઇ જવા આવ્યો છું !! ”

કાજલે આંસુભરી આંખે દિશા સામે જોયું… દિશા, કાજલ પાસે આવીને બોલી, ” ગઈ કાલે રાત્રે જ કુલદીપનો ફોન આવ્યો હતો. ત્યારે જ મેં તેને કહ્યું હતું કે તમારી અમાનત, અમારી પાસે છે, સહી સલામત છે, તમે આવીને લઈ જઈ શકો છો..!!” કુલદીપે કાજલ નો હાથ પકડી કહ્યું, ” ચાલ કાજલ !, મમ્મી-પપ્પા પણ તારી ખુબ ચિંતા કરે છે !! આપણું ઘર તારા વગર સુનું છે !! ”

દિશાએ બંનેને ચા-નાસ્તો કરાવ્યા અને કાજલ ફટાફટ તૈયાર થઈને આવી. કુલદીપે તેને કહ્યું, ” આજનો દિવસ આપણે અહીં રહેવું હોય, હરવું ફરવું હોય તો… “” કાજલ એ તેને અટકાવીને કહ્યું, ” ખૂબ હર્યા-ફર્યા !! હવે મારે સ્થિર થવું છે જીવનમાં !! હું બહાર સુખ મેળવવા ફાંફા મારતી હતી!! પણ, હવે ઘરમાં રહીને મારે ઘર ને સ્વર્ગ બનાવવું છે !!!”

લેખક : દક્ષા રમેશ

દરરોજ દક્ષા રમેશની અનોખી વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version