લાભ પાંચમ – જાણો શું છે મહત્વ આજના દિવસનું અને કયું મુહર્ત રહેશે પૂજા માટે શુભ…

દિવાળીના દિવસો દરમિયાનના દરેક તહેવારોની શૃંખલામાં આવતા બધા જ પર્વોમાં છેલ્લે લાભ પાંચમ આવે છે. દિવાળીનો પર્વ, પ્રતિપદા અને ભાઈ બીજ રંગેચંગે ઉજવ્યા બાદ તહેવાર પછીની રજાઓ માણ્યા પછી પાંચમાં દિવસે સૌ પોતપોતાનો વેપાર, ધંધો અને કારોબાર કરતા લોકો કામે ચડે છે. દુકાનો ખોલીને વકરો કરવાની શરૂઆતનું મુહૂર્ત કરે છે. લાભ પાંચમ સાથે જોડાયેલ મહત્વ અને કયાં છે શુભ મુહૂર્ત જાણીએ…

image source

લાભ પાંચમ એટલે શુભ કાર્યો કરવાની શરૂઆત કરવાનો દિવસ…

લાભ થવો એટલે કોઈ પણ સારું ફળ મળવું કે પછી કોઈ ફાયદો થવો અથવા તો વેપારની ભાષામાં કહીએ તો નફો થવો. લાભ પાંચમના દિવસે વેપારી વર્ગ પૈકી જો કોઈએ દિવાળીના દિવસે ચોપડા પૂજન કે શારદા પૂજન ન કર્યું હોય તો તેમણે આ દિવસે પણ લક્ષ્મી પૂજન કે ચોપડા પૂજન કરવું જોઈએ.

image source

આ દિવસે ગણેશ ભગવાનની પૂજાનું પણ ખૂબ જ મહત્વ છે. કારણ કે ગણેશજી વિઘ્ન હરતા તો કહેવાય જ છે સાથે કોઈપણ શુભ કાર્યો કરવા પહેલાં એમની વંદના કરવી જોઈએ તેથી નવા વરસની શરૂઆત સાથે રજાઓ ગાળ્યા બાદ કામકાજ શરૂ કરવા પહેલાં ગણેશજીની આરાધના કરવાનું પણ એટલું જ મહત્વનું હોય છે. લોકો આ દિવસે સત્કર્મો કરવાના અને સારા લાભ થાય એવા સંકલ્પો કરે છે. તેથી લોકો સકારાત્મક વિચારો કરવા માટે પ્રેરાય છે. જેથી આ દિવસનું મહત્વ અનેકગણું વધી જાય છે.

લાભ પાંચમના દિવશે કરે છે સૌ મંગળકામના…

image source

વિક્રમ સંવત વર્ષ શરૂ થયાના પાંચમા દિવસે, સૌ પોતાના કાર્યો શરૂ કરે છે. પરિવાર અને વ્યવસાયમાં સમૃદ્ધિ, સુખ અને શાંતિ આવે એવી પ્રાર્થના કરાય છે. માતા લક્ષ્મી અને ગણેશજી પાસે સૌ પોતાનો ધન ભંડાર અખૂટ રહે અને અક્ષય સુખાકારી બની રહે એવી મંગળકામના કરીને આ દિવસે ખાસ પૂજા – પાઠ અને પ્રાર્થના કરવામાં આવે છે.

જાણો, આ વર્ષે શું છે લાભ પાંચમની પૂજા કરવાના શુભ મુહૂર્તો…

લાભ પાંચમ વિક્રમ સંવત ૨૦૭૬નું વર્ષ શરૂ થયા બાદ લાભાર્થે કરવામાં આવતી પૂજાનું શુભ મુહૂર્ત છે તારીખ ૧ નવેમ્બર શુક્રવાર સવારે ૧૦:૦૧થી શરૂ થાય છે. પૂજાનું ઉથાપન કરવાનું મુહૂર્ત બીજે દિવસે વહેલી સવારથી બપોરના ૧૨:૫૧ સુધીનું રહે છે.

image source

લાભ પાંચમની પૂજા કરવા પહેલાં તમારા કાર્ય સ્થળ, ઓફિસ કે ઘરના દરવાજે ડાબી બાજુએ શુભ અને જમણી બાજુએ કંકુથી લાભ લખવું. વચ્ચે સાથિયાનું શુભ ચિન્હ કરવું જોઈએ. આ શુભ – લાભ અને સાથિયાના નિશાન મા લક્ષ્મીને નોતરે છે અને વૈભવ, સુખ – સમૃદ્ધિ, તેમજ ધન – ઐશ્વર્ય આપણાં જીવનમાં સ્થાયી રૂપથી નિવાસ કરે એ માટે કરવામાં આવે છે.

લાભ પાંચમના દિવસે કરો આ ઉપાય થશે અનહદ લાભ…

લાભ પાંચમા દિવસે જો આમાંથી કોઈ એક ઉપાય પણ તમે કરશો તો તમને જરૂર લાભ થશે. ધન લાભની સાથે આપની પ્રગતિ અને વૈભવમાં પણ વધારો થશે. આવો જાણીએ શું છે શિગ્ર ફળદાયી અને અનહદ લાભદાયક ઉપાયો અને કેવી રીતે કરાય છે તેની વિધિ…

image source

લાભ પાંચમના સાંજે સ્નાન કરીને સફેદ વસ્ત્ર ધારણ કરીને આસન ઉપર પૂર્વ દિશાએ બેસવું. લાકડાંનો પાટલો કે બાજોઠ લ્યો અને તેના ઉપર સફેદ કાપડ પાથરવું. તેના ઉપર ચોખા ઉપર આંકડાના ફૂલના ગણેશજી બનાવવાના રહે છે તેની સ્થાપના કરો.

image source

ગણપતિની સ્થાપના બાદ, કંકુ, ચોખા, વસ્ત્ર અને પુષ્પનું અર્પણ કર્યા બાદ તેની પૂજા કરીને ધૂપ – દીપ કરવા. ગણેશ જીને સિંદૂર ખાસ ચડાવવું જોઈએ. ત્યાર પછી મુંગાની માળા લેવી અને આ મુજબ મંત્ર જાપ કરો. મંત્ર છે, “ૐ નમઃ વિઘ્ન હરાયે, ગં ગણપયે નમઃ” આ મંત્રની પાંચ માળા કરવી. માળ્યા કર્યા બાદ જે આંકડાના શ્વેત રંગના ગણપતિનું સ્થાપન કર્યું હતું અને મુંગાની માળા હતી તેને તે પાઠલા પરના લાલ કપડાંમાં એકઠ્ઠું કરીને બાંધી લેવું. આ પૂજા કરેલ સામગ્રીને ગણપતિના મંદિરે જઈને તેમના ચરણોમાં મૂકી આવો. વ્યવસાય – ધંધામાં આમ કરવાથી ખૂબ જ લાભ થશે અને આવનાર આખું વર્ષ લાભ થશે.

image source

ગણેશજીને લાભ પાંચમના દિવસે પ્રસન્ન કરવા માટેનો વધુ એક ઉપાય જાણીએ. ઘરમાં કે ઓફિસમાં સ્થાપન કરેલ ગણેશજીને લાલ કંકુ અને સિંદૂરથી તિલક લગાવવું. ગણેશજીને દૂર્વા કે દર્ભ અતિ પ્રિય હોય છે. માત્ર લાભ પાંચમના દિવસે જ નહીં પણ દરરોજ ચડાવશો તો પણ તે ખૂબ લાભદાયી રહેશે. દુર્વા, એક, ત્રણ સાત કે એકવીસ જેવી સંખ્યામાં ચડાવવામાં આવે છે. ધ્યાન રાખવું કે દુર્વા ગણેશજીના મસ્તક ઉપર જ ચડાવવા જોઈએ. ચરણોમાં ન પડે એનું ખાસ ધ્યાન રાખવું. એવું માનવામાં આવે છે કે જે દૂર્વાથી પૂજા કરે છે તે વ્યક્તિ ધન કુબેરના કોષાધ્યક્ષની ક્રુપા પામે છે.

image source

ગણેશજીને ઘી પણ ખૂબ જ પ્રિય હોય છે. ઘી પુષ્ટી વર્ધક અને રોગ નાશક પણ કહેવાય છે. પંચામૃતમાં પાંચ વસ્તુઓમાંથી એક ઘી પણ છે તેથી કહી શકાય કે તે અતિ મહત્વનું દ્રવ્ય છે. ઘીનો દીવો કરીને ઘૂપ – અગરબત્તી કરવાથી પણ ગણેશજી પ્રસન્ન થાય છે. ઘી પૌષ્ટિકતા અને સમૃદ્ધિનું પ્રતીક છે. તેથી દરરોજ તેમની ઘીથી પૂજા ખાસ કરવી જોઈએ.

image source

લાભ પાંચમના દિવસે ઘીથી પૂજા કરવાથી જાતકને જ્ઞાન અને બુદ્ધિનું વરદાન મળે છે. વળી, ગણેશ જી ઉપર ચોખા એટલે કે અક્ષત પણ ચડાવવા જોઈએ. યાદ રહે આ અક્ષત કોરા ન ચડાવતાં તેને ગંગાજળ કે સાદા પાણીથી સહેજ ભીના કરીને ચડાવાવા જોઈએ. આમ કરવાથી વ્યક્તિના જીવનમાં ઘન – ધાન્યની કદી ઓછપ રહેતી નથી.

image source

હકીકતે લાભ પાંચમના દિવસે કોઈ શુભ મુહૂર્ત જોવાનું પણ નથી હોતું. તેને વણજોયું મુરતનો દિવસ પણ કહેવાય છે. તેથી જે કોઈ આ દિવસે પોતાનું કાર્ય કરવાનું શરૂ કરે છે તેમાં જરૂર સફળતા મળે છે. આ દિવસે પૂજા – પાઠ કરવાથી અક્ષય પૂણ્ય મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ