જ્યાં સુધી આપણા સમાજમાં આવા લોકો હશે ત્યાં સુધી કેવીરીતે આપણે આઝાદ કહેવાશું, તૃપ્તિ ત્રિવેદીની કલમે…

“આયુષી, આ એક અઠવાડિયામાં તો તારા લગ્ન છે. હવે તું ઘરનું કામ ન કર તો સારું રહેશે બેટા. આમ પણ લગ્ન પછીય તારે કામ જ કરવાનું છે ને તો આ એક અઠવાડિયું તો તું આરામથી જીવી લે તારી જિંદગી.” , પૂજા કરતાં કરતાં દાદી બોલ્યા, “હા , દાદી બસ આ છેલ્લું કામ છે. પછી આજનું બધુ જ કામ પૂરું. પછી નહી કરું કોઈ કામ બસ “, આટલું બોલી આયુષીએ છ્મ્મમ….કરતી દાળ વધારી ને આખા ઘરમાં દાળની સુગંધ પ્રસરી ગઈ.
દાળની સુગંધ જેવી આવી કે તરત જ આયુષીના પપ્પા બોલ્યા, બસ, હવે થોડા જ દિવસ છે મારી વ્હાલી..આ ઘરમાં પછી તો એ બીજાને એના હાથની આવી સ્વાદિષ્ટ રસોઈ ખવડાવશે. મારુ ઘર તો થઈ જશે સૂનું સૂનું ને મારા ઘરનું રસોડુ પણ…,વીણા. તે ખરેખર આપણી દીકરીનો ઉછેર સરસ રીતે કર્યો છે. આટલી હોંશિયાર ને પાછી આટલી આવડત બાકી અત્યારની દીકરીઓમાં ક્યાં જોવા મળે છે. “આખો દિવસ હસતી રમતી ને બધા જ કામ હોંશે હોંશે કરી નાખે ચપટી વગાડતાં…આ તો એની આવડત છે ને એની હોંશિયારી….પણ હું કેમ રહી શકીશ પછી એના વગર, એને સાસરેથી અહીંયા આવવા તો દેશે ને ? હજી બે વર્ષની વાર હતી. એના લગ્ન જેટલી ઉમ્મર પણ ક્યાં છે . તમે ઉતાવળા થઈને અમથે અમથા લગન લઈ લીધા….”. ભાવવિભોર બની આયુષીની મા રડવા લાગે છે. “તારી બધી વાત સાચી. પણ સરકારી નોકરીયાત ને એમાય ગામડે ખેતીવાડીવાળું ઘર આપણાં સમાજમાં ક્યાથી મળે ? તું જ કહે !!”
“પણ…….” “હવે ખોટ્ટી ચિંતા કરવી રહેવાદે. ને તું લગ્નના કામમાં ધ્યાન આપ..ખબર છે માને બધી ચિંતાઓ થાય.”, તમાકુ ચોળતા ચોળતા થોડું તોછડાઈથી બોલીને વાતને જ ઉડાવી દિધી; દીકરીની ચિંતામાં આંખોના ખૂણાની ભીનાશ છુપાવી વીણાબહેન કામે લાગી ગયા. પણ ખ્યાલ નહી કેમ આયુષીના મન પર લગનની જરાય ખુશી દેખાતી જ ન હતી. કાલે તો લગ્ન પણ લખી મોકલવાના હતા. ઘરમાં ધામધૂમથી બધી જ તૈયારીઓ થઇ રહી છે. ને સગા વ્હાલાઓ પણ આવવા લાગ્યા છે. કાકી, કાકા , મામા, મામી, ફઈબા,ફુવા બધાય એમના છોકરાઓ સાથે આવી ગયા. આવે પણ કેમ નહી બધાની લાડલી આયુષીના લગ્ન જો હતા…કાકી તો રોજ લગ્ન ગીતો સમયે એક જ ગીત ગાય…
“નવલા જમાઈની આશા ઘણી,જમાઈ બોલાવે બેનને સીટીમાં ,જમાઈ દેખાય છે બેનને વીંટીમાં.” ને આખું ઘર હસી પડે…પણ આયુષી અંદર ને અંદર મૂંઝાયા કરે ન એ હસે કે ન નવોઢા બનનારની જેમ શરમાય…આ બધુ જ આયુષીની પ્રિય સખી ભવિકા જોઈ રહી હતી. ઘરમાં બધા જ હસીખુશીથી જોરશોરથી લગનની તૈયારીમાં પડ્યા હતા. આયુષીના મનની મૂંઝવણ કોઈને વંચાઈ નહી. અગાસી પર ઉદાસ મને બેઠેલ આયુષી પાસે જઈને ભવિકા બોલી, કેમ તું આ લગ્નથી ખુશ નથી !! શૂન્યમનસ્ક આયુષી એક શબ્દ ન બોલી કે ન ચાલી ફક્ત આંખોમાંથી ધાર ધાર આસુઓની ધાર વહેવા લાગી.“બોલને મારી જાન, તને ખ્યાલ છે ને કે હું રડું તો આંસુ તારી આંખમાથી વહે ને તું મૂંઝાય તો મૂંઝવણ મને થાય છે. બસ, હું ગૂંગળાઈ રહી છુ બે દિવસથી..નથી હું શ્વાસ લઈ શકતી કે નથી હું સરખું બોલી શકતી..યાર મને તો કહે બધુ..હું તારી હેલ્પ કરીશ..” આ સાંભળતા જ આયુષી ભવિકાના ખભ્ભે માથું મૂકીને રડવા લાગી. ને પછી બધુ કહેવા લાગી. “હું જેની સાથે લગ્ન કરું છુ એને મારી કોઈ જ પરવા નથી. આ વાંચ એના મેસેજ એને મને કરિયાવરનું લિસ્ટ આપ્યું છે મેસેજમાં. દસ તોલા સોનું, ચાંદીને તમામ ઘરની ઘરવખરી ઉપરાંત મોંઘા મોંઘા ફર્નિચર તો ખરા જ. ને એ ઉપરાંત એક એ.સી અત્યારે ગરમી પડે છે તો…ને પાછું લગ્નમાં જે હાર એકબીજાને પહેરવાના છે તે પણ…
માત્ર બસો રૂપિયાના ફૂલહાર પણ મારે જ લાવવાના…આ હાર તો દીકરીવાળા ક્યાથી લાવે ? અને કહે, અમારે ત્યાં વ્યવહાર છે. એક ટ્રક ભરીને કરિયાવર આવનાર વહુ લાવે…જો તું આ બધુ લાવીશ તો જ મમ્મી તને અમારા ઘરમાં રહેવા દેશે. નહીતર મમ્મીનો સ્વભાવ સારો નથી. એ તને ખૂબ હેરાન કરશે ને તારે સહન કરવું પડશે. મે કહ્યું , “ આટલો બધો કરિયાવર મારા પપ્પા કેમ આપે ? હું તો કરિયાવરની વિરોધી છુ. હું પોતે જ અમારા કુટુંબમાં કોઈ છોકરીને કરિયાવર લઈ જવાની ના પાડું છું. તો પછી હું જ કેમ લાવું ?” “આ બધો તારો પ્રોબ્લમ છે. મારો નહી. તારા પપ્પા ન લઈ આપે તો તું લઈ લે ..આમ પણ તું તો સ્કૂલમાં નોકરી કરે જ છે ને ? તો તારી પાસે તો હશે જ થોડી બચત..”
અને હા, ફૂલોના હાર, મીઠાઇ આ બધુ જે અમારે લાવવાનું છે એ અમે ઉપાડીને અહિયાથી નહી લાવીએ. પ્લીઝ તું આટલું તો મેનેજ કરી જ દેજે ભૂલ્યા વગર …” આ ચેટ વાંચતાં વાંચતાં તો ભવિકાને આંખે અંધારા આવવા લાગ્યા…આ વ્યક્તિ સાથે મેરેજ ન કરાય આયુષી સાચ્ચે આ સ્વાર્થી ને લાલચુ છે. ભલે સરકારી નોકરી કરતો ને ભલે હોય આટલો સારો પગાર પણ આવી વ્યક્તિ સાથે તો ન જ રહેવાય… હા, હું પણ લગ્ન આ વ્યક્તિ સાથે કરવા નથી માંગતી. પણ ઘરમાં શું કહું ? લગ્નને આડે માત્ર બે જ દિવસ તો બાકી રહ્યા છે.” “હું કશુંક વિચારું છું.” “તારા કાકી ખૂબ હોંશિયાર છે. આપણે એમને આ વાતમાં વચ્ચે લઈએ” ને બંને બહેનપનીઓ કાકીને આખી વાત કરે છે. કાકી એકદમ શાંતિથી બધું જ સાંભળે છે. ને વિચારે છે.પછી કાકીને વિચાર આવ્યો. જો બેટા અત્યારે સગાઈ તોડશું તો આ સમાજ તને જીવવા નહી દે !! હું આ સમાજને ઓળખું છું. તું હજી આ સમાજથી અજાણ છે. લોકો તારો જ વાંક કાઢશે. આપણે આવા લોકોને સમાજમાં બહાર પાડવા જોઈએ. માટે હું એક રસ્તો બતાવું. તું અત્યારે ચૂપચાપ મેરેજની તૈયારી કર !! ઘરમાં કોઈને કશું કહીશ નહી. આવવાદે જાન ..થોડો ખર્ચ થશે જાન તેડાવીએ છીએ એટ્લે પણ એ થવા દે. તું લગ્ન મંડપમાં પણ જજે. પણ જ્યારે આગળ વીધી શરૂ થાય ત્યારે તારે બધાની વચ્ચે જ ઘટસ્કોટ કરવાનો ને એ લાલચું લોકોને બહાર પાડવાના સમાજ સામે. “ના કાકી હું આવું બધું ન કરી શકું , આયુષી ડરતાં ડરતાં બોલી. “ તું મારી જ દીકરી છે. જો મારી સગી દીકરીને આ પ્રશ્ન થયો હોત તો હું આ જ કરેત … ચલ આવવા દે જાન…. તું જોયે રાખ તારા કાકીની કાકીલીલાં…”
કહી બધાં છૂટટા પડ્યાં ને પ્લાન મૂજબ બધાં લગ્નની તૈયારી હોંશે હોંશે કરવાં લાગ્યાં. જાન આવી જાય છે. કન્યા પધરાવો સાવધાન મારાજ બોલ્યાં કેઇ કન્યા પણ લગ્નમંડપમાં હાજર થઈ જાય છે. ધીરેથી જમાઈએ કહ્યું, મે લીસ્ટ આપ્યું એ મુજબ કરિયાવર…” જવાબમાં ઘુંઘટમાં બેઠેલી કન્યા ખાલી માથું જ હલાવી જવાબ અપાય છે. પછી જેવો હસ્તમેળાપનો સમય થાય છે. ત્યારે કન્યા હાથ જ નથી આપતી હસ્તમેળાપ માટે. મારાજ ને સૌ જાનૈયાઓ ને માંડવાવાળા લોકો તો નવાઈ જ પામે છે. પછી પછી અચાનક હાથ આપવાની જગ્યાએ દુલ્હન બની બેઠેલાં કાકી ઘુંઘટ હટાવી જમાઈ સામું જોઈને બોલ્યાં , “ હું સ્વાર્થી, દંભી ને લાલચું વ્યક્તિનાં હાથમાં મારી દિકરીનો હાથ કેમ આપું ?”
આયુષીના મમ્મી, પપ્પા તો આયુષીના કાકી પર ગુસ્સે જ થઈ ગ્યાં, “આ શું નાટક છે. આપણે જાન તેડાવી ત્યારે આવ્યાં છે. આવા અપમાન ન કરો ,…” આ બાજું વરની મા તો ઊભી થઈ હાલવા જ લાગી ..અમારે આ ઘરની દીકરી જોઈએ જ નહી , મારા દીકરાને સરકારી નોકરી છે. હજારો દીકરીઓ મળશે. તમારી દીકરીમાં એવું છે શું કે હવે અમે લઈ જઈએ..આ સાંભળતા જ ભાવિકાનો મગજ ગયો. ને એને પેલી ઊભી થયેલી દોશીને હાથ પકડી મંડપ વચ્ચે લાવી ને ખાલી એટલું જ બોલી, “ અમારી દીકરી ગાય છે…સમજ્યા અમારે અમારી દીકરીને કસાઈવાડે નથી આપવી. ને પછી આવેલાં સૌ મહેમાનોને જમાઈના બધા જ મેસેજો વંચાવ્યા.
આ મેસેજો વાંચતાં જ જમાઈ તો ઊભો થઈ ભાગ્યો ને ત્યાં આવેલાં સૌ લોકોએ આયુષીને અને એનાં કાકીને શાબાસી આપી. કે આપણાં સમાજમાં હવે આવા લાલચું લોકોને કોઈ દીકરી નહી આપે. આયુષીની મમ્મી તો આયુષીના માથે હાથ મૂકી રડવા લાગ્યાં ને રડતાં રડતાં એનાં કાકી સામે બીઇ હાથ જોડી એટલું જ બોલ્યાં જેઇ તે મારી દીકરીને આવા કહેવામાત્રના સંબંધમાંથી આઝાદી અપાવી. ને અત્યારે આયુષી પણ સાચ્ચે એક ગુલામીમાંથી મુક્ત થઈ હોય એવી આઝાદી મહેસૂસ કરવાં લાગી.

લેખક : તૃપ્તિ ત્રિવેદી

ખરેખર આને જ સાચી આઝાદી કહી શકીશું.