કયા દેવી – દેવતાઓ શેની ઉપર આરૂઢ થઈને આવે છે આપણી રક્ષા કરવા, જાણવું રસપ્રદ છે…

ધાર્મિક શાસ્ત્રોમાં આપણાં દેવ – દેવીઓના વાહનનું પણ હોય છે અનોખું મહત્વ, જાણો કયા દેવી દેવતાઓ કોની કરે છે અસવારી અને શું છે તેની પાછળનું રહસ્ય… કયા દેવી – દેવતાઓ શેની ઉપર આરૂઢ થઈને આવે છે આપણી રક્ષા કરવા, જાણવું રસપ્રદ છે… દરેક દૈવીય શક્તિ પાસે છે પોતાનું વાહન, તેની પાછળ શું છૂપો સંદેશો છે તે જાણવા જેવું છે.

આપણે મહાકાય ભગવાન ગણેશને નાનકડા ઊંદર પર બેઠેલા જોયા છે અને મા અંબાને ઠાઠથી વાગ ઉપર બેઠેલાં જોયાં છે. કેટલીય વાર વાંચ્યું હોય છે કે શ્રી ગણેશના મોટા ભાઈ કારતિકેયનું વાહન મોર છે અને ભગવાન શ્રી શંકર પોઠીયા પર બેસીને આવતા નજરે પડતા હોય છે. આપણાં ધાર્મિક શાસ્ત્રોમાં અને પૌરાણિક ગ્રંથોમાં અનેક દેવી – દેવતાઓનું ચરિત્ર અને તેમનું મહત્વ આલેખવામાં આવ્યું છે. તે બધા જ દેવી – દેવતાઓ તેમના ખાસ વાહન પર સવાર થયેલા હોય તેવી આપણે તસ્વીરો જોઈ હોય છે અને વર્ણનો સાંભળ્યાં કે વાંચ્યાં હોય છે.

આ વાહનો તેમની પ્રકૃતિ, આચરણ અને વ્યવહાર મુજબના નિશ્ચિત કરાયેલા હોય છે. તેમનું આગવું આધ્યાત્મક કારણ પણ હોય છે કે કયા દેવી – દેવતાઓ કયું પ્રાણીને વાહનના સ્વરૂપમાં લે છે. તેની પાછળ અનોખું તારણ છે જે જાણવું ખરેખર રસપ્રદ છે. તેમના વાહનો એક છૂપો સંદેશ છે, આપણાં માટે આવો જાણીએ, કયા દેવી – દેવતાઓ શેના પર આરૂઢ થઈને આપણી રક્ષા કરવા આવે છે.

ગણેશજીની સવારી છે મૂશક

ભગવાન ગણેશની સવારી મૂશક એટલે ઉંદર છે. ઉંદરનો સ્વભાવ છે કે તે દરેક વસ્તુનો ભલે તે કામની હોય કે નકામી હોય તેને કોતરી નાખે છે. આપણાં જીવનમાં પણ આપણને એવા અનેક લોકો મળે છે જે કારણ વગર દરેક વસ્તુઓને કોતરી મૂકે છે. તેનો બગાડ કરી દે છે અથવા નાશ કરી દે છે. ભગવાન ગણેશ ઉંદરને વાહન બનાવીને તેની ઉપર બીરાજમાન થઈ ગયા છે. આપણે એવી શીખ આપે છે કે જેમને દરેક વસ્તુઓને કોતરી નાખવાની ટેવ હોય તેવા લોકોને પોતાનાની નીચે જ રાખવા જોઈએ એટલે કે તેને મહત્વ ન આપીને નીચું સ્થાન રાખવું જોઈએ.

મહાવદેવનું વાહન છે બળદ

શિવ પુરાણમાં ભગવાન શિવ શંકરનું વાહન આલેખાયું છે વૃક્ષભ રાજ નંદી બળદ. આ બળદનો સ્વભાવ છે કે તે ખૂબ જ શક્તિશાળી હોવા છતાં પણ એકદમ શાંત અને સરળ રીતે રહી શકે છે. સામાન્ય રીતે સાવ મૂક રહીને ચાલનાર બળદનું ચરિત્ર એકદમ ઉત્તમ રીતે સમર્પણ ભાવનાવાળું છે. બળદ એટલો તો શક્તિશાળી પ્રાણી હોય છે કે જો તેને છંછેડવામાં આવે કે ગુસ્સે ભરાય તો તે ભયંકર સિંહની સામે પણ યુદ્ધ કરી શકે એમ છે. જો બળદ જેવું બળ અને શક્તિના પ્રતીક સમાન પ્રાણી મોહ – માયાની કામના કર્યા વિના માત્ર પોતાની ભક્તિ અને કર્તવ્ય પારાયણતા ઉપર નિર્ભર રહી શકતો હોય તો આપણાં જેવા સામાન્ય લોકોએ તેની પાસેથી પ્રેરણા લેવી જોઈએ અને નિષ્કામ પ્રભુ ભક્તિ કરવી જોઈએ.

સિંહની સવારી છે મા દૂર્ગાની

દેવી ભાગવતમાં આલેખાયેલ કથનો અનુસાર મા દૂર્ગાનું વાહન સિંહ છે. સિંહ એ જંગલનું સૌથી શક્તિશાળી પ્રાણી છે પરંતુ સિંહ એ કુટુંબ કબિલાની સાથે રહેતું પારિવારિક પ્રાણી પણ છે. સિંહ ભલે ગમે તેટલો પ્રબળ કેમ ન હોય તે કારણ વગર પોતાની શક્તિને ખર્ચ નથી કરી લેતો. આપણને સિંહ પાસેથી એ શીખવા મળે છે કે પોતાના પરિવારની સાથે રહીને કઈ રીતે સૌનું સંરક્ષણ કરવું એ સમજવું જોઈએ તથા પોતાની શક્તિ બીનજરૂરી બાબતોમાં વ્યય ન કરીને ઊર્જાને જરૂર પડે ત્યારે જ ઉપયોગમાં લેવી નહીં તો સંચિત કરી રાખવી જોઈએ.

લક્ષ્મીજીનું વાહન છે ઘુવડ

ઘુવડ એક સતતપણે ક્રિયાશીલ પ્રાણી છે. તે પોતાનું ભોજન પ્રાપ્ત કરવા માટે દિવસ રાત કાર્યશીલ અને પ્રયત્નશીલ રહે છે. માતા લક્ષ્મીનું વાહન ઘુવડ છે. તે એવો સંદેશો આપે છે કે પોતાની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે જે કોઈપણ હંમેશા કાર્યશીલ રહેશે, મહેનત કરશે માતા લક્ષ્મીની તેમની પર કૃપા રહેશે અને તેમના પર કદી પણ ધની ઉપણ નહીં રહે. આળસુ પ્રકૃતિના લોકો ચેતી જજો, મા લક્ષ્મી માત્ર ઉદ્યમી લોકો પર જ પ્રસન્ન થાય છે અને મહેનતી લોકોના ઘરમાં જ નિવાસ સ્થાન કરે છે.

ગરૂડ પર સવાર છે ભગવાન શ્રી વિષ્ણુ

ગરુડ એવું પ્રાણી છે કે જે ખૂબ ઉચાઈ સુધી આકાશમાં ઊડી શકે છે પરંતુ જમીન પર ચાલતાં ઝીણાંમાં ઝીણા જીવ પર તેની નજર રહી શકે છે. વળી, તે સાપને ખાઈ લઈ શકે છે. એટલે કે વીષનો નાશ કરનારા છે. આતંકી અને અનિષ્ઠને દૂર કરનાર છે. એજ રીતે ભગવાન વિષ્ણુ સૌના પાલનહાર છે અને સૌનું સંરક્ષણ કરનાર છે તેમની નજર પ્રત્યેક જીવ માત્ર પર રહેલી હોય છે. વિષ્ણુજીના વાહન ગરૂડ પાસેથી આપણને શીખવા મળે છે કે સતત જાગૃત રહીને સૌ પર ક્ષેમ નજર રાખવી જોઈએ જેથી કરીને આપણને કદી પણ દુશ્મનોથી નુક્સાન ન થાય.

મા સરસ્વતીનું વાહન છે, હંસ

હંસ જીવનપર્યંત તેની હંસની સાથે જ રહે છે, તેનો સ્વભાવ ખૂબ પવિત્ર, જિજ્ઞાસુ, સાલસ છે. તેને એક સમજદાર પક્ષી માનવામાં આવે છે. હંસ પાસેથી પરિવાર પારાયણતાનો ગુણ શીખવા જેવો છે. હંસનો એક ગુણ એવો પણ છે કે જો તેની સામે પાણી મીલાવેલું દૂધ આપશો તો તે પાણીને અલગ તારવી લઈને માત્ર દૂધ જ પીશે. તે માત્ર સાચું મોતી શોધીને ખાય છે. તેનો આ ગુણ આપણે શીખ આપે છે કે અનેક અનિષ્ટો વચ્ચે પણ સર્વશ્રેષ્ટ વસ્તુને અલગ તારવીને તેનો ઉપયોગ કરવો જોઈએ. ઉત્તમ બાબતો ગ્રહણ કરવાનો મા સરસ્વતી અપણને સંદેશ આપે છે.

પીશાચનું આસન ધારણ કરે છે હનુમાનજી

પવન પુત્ર હનુમાનજી મહારાજ મહા પરાક્રમી અને મહા બળવીર છે. તેઓ પીશાચનું આસન બનાવીને બેસે છે તેવી માન્યતા છે. તેમજ તેનું વાહન પણ એજ હોય છે. ભૂત – પ્રેત ઉપર તેઓનું અપાર નિયંત્રણ રહેતું હોય છે. આપણે એવી શીખ આપે છે કે જે કષ્ટદાયક છે, ભયજનક છે તેને આપણાં ઉપર હાવી થવા ન દેવું જોઈએ. કોઈપણ ખરાબ બાબત કે ભય ઉપર નિયંત્રણ મેળવવાનો સંદેશ આપણને હનુમાનજી આ રીતે પીશાચનું આસન અને વાહન બનાવીને આપી જાય છે.

સાત ઘોડાના રથ પર સવાર છે સૂર્યનારાયણ

જેમને આપણે સાક્ષાત દેવતાના સ્વરૂપે પૂજીએ છીએ એવા ભગવાન સૂર્યનારાયણ સાત સાત સફેદ અશ્વનો રથ લઈને આવે છે એવું આપણાં પૂરાણોમાં લખાયું છે. આ ઘોડાનું પ્રતીક આપણને એવું સૂચવે છે કે પ્રચંડ શક્તિ અને ગતિ સાથે જીવનમાં સતત આગળ વધતાં રહેવું જોઈએ.

મગર પર બેસે છે મા ગંગા

શાસ્ત્રોમાં ગંગા માતાના વાહન તરીકે મગરમચ્છનો ઉલ્લેખ થયેલો છે. આનાથી આપણને એવો સંદેશ મળે છે કે કદી પણ જળચર પ્રાણીઓને મારવા ન જોઈએ કે તેમને કોઈપણ પ્રકારનું નુક્સાન ન પહોંચાડવું જોઈએ. મગર પાણીમાં રહેનારા દરેક જળચર વચ્ચે સંતુલન જાળવી રાખવાનું કામ કરે છે. કોઈપણ જીવને નુકસાન પહોંચાડવું એ અતિ અનિષ્ટ કાર્ય છે, તેવું મા ગંગાના વાહન થકી આપણને સંદેશો મળે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ