“Love U Trupti Di” : લેખકે લખી એક લાગણી, જેમાં નથી કોઈ માંગણી…વાંચો એવી જ સરસ મજાની સત્યઘટના પર આધારિત વાર્તા……

“Love U Trupti Di”

“કોણ હલાવે લીંબડી, ને કોણ ઝુલાવે પિપડી”
“ભાઈની બેની લાડકી, ને ભાઈલો ઝુલાવે ડાળખી”

કુંજ નાની ઉંમરથી અનાથ હતો. એક રૅલ્વેની દુર્ધટનામાં તેણે પોતાના માતા-પિતા અને નાની બહેનને ખોઈ નાંખ્યાં હતાં.

જ્યારે કુંજ પંદર વર્ષનો હતો, સહપરિવાર દરમહિને બચત કરેલાં પૈસાનો ઉપયોગ કરી પ્રવાસે નિકળ્યાં હતાં, મધ્યમ પરિવાર હોવાને કારણે કારમાં જઈ શકે એમ ન હતા, તેથી ભારતીય રૅલ્વેનો સહારો લીધો હતો, કુંજના પિતાએ રૅલ્વેની ચાર ટિકિટો બૂક કરાવી દીધી હતી, પણ કુદરત આગળ ક્યાં કોઈનું ચાલે છે, એજ રેલ્વેનાં એક ગ્વામખ્વાર અકસ્માતમાં હસતો રમતો કુંજનો પરિવાર અને ધણાં પરિવારો વિખેરાઈ ગયાં હતાં, કુંજનાં માતા-પિતા તેમજ બહેન પણ ધટનાસ્થળે જ મૃત્યું પામી હતી. જ્યારે ભગવાનનો ચમત્કાર કહો કે કુંજનું નસીબ કુંજ બચી ગયો.

સરકારે મૃતકોનાં પરિવારોને વળતર મળશે, એવી જાહેરાત કરી દીધી, પણ સરકારી કામોની તો તમને ખબર હશે!! કેટલાંય વર્ષો સુધી કૅશ ચાલે અને ક્યારે ચૂકાદો આવે એ આપણે સૌ સારી રીતે જાણીયે છીએ.

કુંજ ખરેખર નિરાધાર થઈ ગયો, ખુબ આક્રંદ થી રડ્યો, રડે પણ કેમ નહીં? હજી માત્ર પંદર વર્ષનો હતો, અને એકી સાથે પોતાનો પરિવાર પોતાની આંખ સામે ખોઈ નાંખ્યો, કેટલું દર્દ અનુભવ્યું હશે? આ કુંજને જોતા જ લોકો કંપી ઉઠે, એનું દર્દનાક રુદન હજીય લોકોના માનસપટ પર છવાયેલું હતું…

કુંજના પિતાએ નોકરી અને ઉધારી-કરજ કરી એક નાનું એવું ધર બનાવ્યું હતું, પણ લેણદારો અને કરજદારોએ કુંજ પાસે એ ધર પણ છીનવી લીધું હતું. આ લેણદારો અને કરજદારો ખુબ જ ક્રુર પ્રકારના હોય છે, ક્યારેય કોઈનાં દુઃખ દર્દ નથી સમજી શકતાં, એટલે જ કદાચ કૂતરાંની મોતે મરતાં હોય છે.

બિચારા કુંજનું આ દુનિયામાં કોઈ હતું જ નહીં, પાડોશીઓ એ થોડાં દિવસ તો પોતાના ધરમાં આશય આપ્યો, પણ આ મોંધવારી નાં જમાનામાં કોણ રાખે અને ખવડાવે?? થોડા દિવસ રહ્યો, પણ દરરોજ અપમાનો સહન કરવાંની શક્તિ કુંજ માં ન હતી, હોય પણ ક્યાંથી? હજી પંદર વર્ષનો હતો.એક દિવસ કુંજે નક્કિ કર્યું કે જે થાય એ હવે, આ લોકોનાં ધરમાં અને આ શહેરમાં રેહવું જ નથી, પંદર વર્ષનો હોવાં છતાં ગર્વથી વિચારવાં લાગ્યો. જબરી હિંમ્મત હતી કુંજમાં. લોકો એ ધણો સમજાવ્યો કે અનાથઆશ્રમમાં રહી, ભણી-ગણીને મોટો થઈ જા, પણ કુંજ ક્યાં કદી માને એવો હતો!, એ એક અલગ જ પ્રકારનો છોકરો હતો, એક નો બે ન થયો અને ફક્ત પોતાના પરિવારનો એક ફોટો ખિસ્સાંમાં મૂક્યો અને પોતાનાંથી અજાણ્યાં અને દુનિયાની ભાગદોડ વાળા શહેરમાં પોતાનાં અસંખ્ય સપનઓને પૂરાં કરવાં દોટ મૂકી દીધી… એને ખબર ન હતી કે આ દુનિયાની અસંખ્ય ભીડમાં તેનું શું થશે? પણ એ એક પણ વાતનો ડર કર્યા વિનાં નિકળી પડ્યો…શહેરમાં જઈ સૌ પ્રથમ તો એક હૉટેલમાં ગયો અને નોકરીની માંગણી કરી, હોટલનો માલિક અને ત્યાં રહેલ સૌ હસવાં લાગ્યાં અને કહેવાં લાગ્યાં કે ” દિકરાં તારી ઉંમર રમવાં-કુદવાની છે, જા અહીંથી અમારો સમય ના બગાડ” અને એક બોર્ડ બતાવ્યું, જ્યાં લખેલું હતું “અહીં અઢાર વર્ષથી નીચેંના બાળમજુરોને નોકરી ઉપર રાંખવાંમાં આવતાં નથી”
પરંતું કુંજને ખબર હતી કે આપણાં દેશમાં “બાળમજુરી” ફક્ત કહેવાં પૂરતી જ છે, કારણકે કુંજે ધણાં નાના બાળમજુરોને કામ કરતાં જોયા હતાં, એટલે એ હિંમ્મત ન હાર્યો અને એક, બે, ત્રણ એમ કેટલીય હૉટેલોનાં પગથિયાં ચઢી નોકરીની માંગણી કરી રહ્યો હતો. પણ, તમામ જગ્યા એ ફક્ત નિરાશા સિવાય કશું મળતું ન હતું, કુદરત પણ જાણે એની પરિક્ષા લઈ રહ્યાં હતાં, પણ કુદરતને ક્યાં ખબર હતી કે આ કુંજ ક્યારેય હાર માને એવો ન હતો, કેટલીય હૉટેલોમાં તો માલિકોનાં પગે પડી જતો, ખુબ જ આજીજી કરતો, છેવટે કુદરત હારી ગયાં અને એક હૉટલનાં માલિકે કુંજની હકીકત જાણી એને કહ્યું કે “તારાથી થાય એટલું કામ કરજે, અને ખાવાનું અને સુવાંનું અહીં જ મળી રહેશે, અને હા થોડું વળતર પણ આપીશ”કુંજ ખુશ થઈ ગયો, ખુબ જ મહેનતથી અને લગનથી નોકરી કર્યે જતો હતો, હૉટેલનો માલિક પણ ખુશ થઈ ગયો કુંજનાં વ્યવહાર થી અને કહ્યું “કુંજ તારે ભણવું હોય તો તું ભણી શકે છે, હું તારો ખર્ચ ઉપાડીશ, બોલ તારે ભણવું છે??”

“હા, અંકલ મને ભણવાંનું ગમે છે, પણ મારા પિતાજી એ હંમેશા કહ્યું છે કે કુંજ ક્યારેય કોઈનાં ઉપર બોજ ના બનતો, મહેનતથી જ આગળ જવાશે, અને આ દુનિયામાં ક્યાં તો ખુબ જ ભણવું પડે, ક્યાં તો નહીં ભણવાનું. કારણ કે ઍન્જિનિયરોને પણ મેં બેરોજગાર જોયા છે, અને અભણ ને સારી કમાણી કરતાં જોયાં છે, મારે મારાં સપનાં સાકાર કરવાં છે, અને સપનાં સાકાર કરવાં માટે ભણવું જ અગત્યનું નથી, ડિગ્રી જરુરી નથી…. .. …”

માલિકે વચ્ચેથી જ અટકાવતાં અચરજથી બોલ્યો “આટલો નાનો થઈ ને કેવી મોટી મોટી વાતો કરે છે કુંજ! જાણે ખુબ જ સમજદાર હોય ? અને હા, તારા સપનાં સાકાર કરવાં હું શું કરી શકું? બોલ.. ”

“એક કામ કરો મને મારો પગાર ઓછો આપજો પણ મને થોડાં પુસ્તકો લાવી આપો મને લખવાંનો અને વાંચવાંનો ખુબ જ શોખ છે, હું કામ તો કરીશ જ સાથે સાથે સમય મળ્યે વાંચતો રહીશ, મારે મારાં સપનાં પૂરાં કરવાં માટે ખુબ જ મહેનત કરવી છે” કુંજ આટલું કહી કામ કરવાં લાગી ગયો.

હોટલનાં માલિકે કહ્યું “સારું, તારી મરજી હું તને આજે જ થોડાં પુસ્તકો લાવી આપું, શાંતિથી વાંચ, અને કંઈ જરુર હોય તો મને કહેજે..”હૉટેલનો માલિક કુંજને સારાં સારાં પુસ્તકો લાવી આપ્યાં, કુંજ દરરોજ કામ કરતો અને સમય મળ્યે વાંચતો રહેતો…વાંચવાંનો શોખ એટલો હતો કે દરરોજ એક પુસ્તક પુરું કરી નાંખતો,..

આમ, વર્ષો વિતતાં ગયાં, કુંજ પુસ્તકો વાંચતો ગયો અને હોટેલમાં કામ કરતો ગયો, હવે, એ વીસ વર્ષનો થઈ ગયો હતો, હા, એની પાસે ભણતરની કોઈ ડિગ્રી ન હતી, પણ જ્ઞાનનો ભંડાર હતો, કહેવાય છે ને કે “પુસ્તક અેટલે જ્ઞાનનો ભંડાર” કારણકે કુંજે આજ સુધી ખુબ જ પુસ્તકો વાંચ્યાં હતાં. કુંજ પાસે હાલનો અૅન્ડ્રોઈડ સ્માર્ટફોન પણ હતો, પહેરવાં માટે સારા કપડાં હતા, પણ ન જાણે કેમ હજી ખુશ ન હતો, ક્યારેક માતા-પિતા અને બહેનની યાદ આવી જતી તો ફોટો જોઈ લેતો, અને થોડું રડી લેતો, પણ જાતે જ ચૂપ થઈ જતો, કારણકે કુંજની માતા એ કહ્યું હતું કે “આંસું કાયરની નિશાની છે, ક્યારેય આ કિંમતી આંસું વેડફીશ નહીં”,

કુંજનું સપનું હતું કે એ પોતે એક લેખક બને, કારણકે પોતે ધણાં પુસ્તકો વાંચ્યાં હતાં, અને ધણાં લેખો “કુંજની ડાયરીમાં” લખ્યાં હતાં, ઉપરાંત લોકોનાં દુઃખ અને સમાજમાં ચાલતી ક્રિયાઓને કાગળ ઉપર કલમ વડે કંડારવાની કળામાં કુંજ માહિર થવાં લાગ્યો હતો, અને હવે, તો સોશિયલ મિડિયા ઉપર અવાર-નવાર પોતાની વાર્તા, લેખો, મનનનાં વિચારો, કવિતાઓ લખતો ગયો, સારાં એવાં પ્રતિભાવો મળવાં લાગ્યાં, પોતાની વાર્તા એક વૅબસાઈટ ” jentilal.com ” ને મોકલવાં લાગ્યો, ત્યાંથી પણ સારા પ્રતિભાવો મળવાં લાગ્યાં, લોકો કુંજને કુંજના નામથી ઓળખવાં માંડ્યાં.

એક દિવસ સોશિયલ મિડિયા ઉપર પોતાની જ વાર્તા વાંચી રહ્યો હતો, અને એક રિક્વૅસ્ટ આવી, નામ હતું…
“તૃપ્તિ ત્રિવેદી”, કુંજે ધણી વાર્તાઓ અને લેખો આ લેખિકાનાં વાંચ્યાં હતા, તેથી કુંજે રિક્વેસ્ટ ઍક્સેપ્ટ કરી લીધી, અને મૅસૅજ કરી કહ્યું “થૅક્યું દી”… તરત જ રિપ્લાય આવ્યો…“વૅલકમ કુંજ”

કુંજ ખુશ થઈ ગયો કે જે લેખિકાની ફક્ત વાર્તા જ વાંચી હતી, એ લેખિકા સાથે વાતો કરી રહ્યો હતો, બંન્ને એ વાતો કરી, કુંજે તૃપ્તિબહેનને કહ્યું કે કેવી રીતે પોતે આ સ્વમાની જીવો વચ્ચેથી અને આ અસંખ્ય ભીડોનો સામનો કરી આ લેખકોની દુનિયાનું પહેલું પગથિયું ચડ્યો છે અને જીવનમાં બનેલી તમામ ધટનાઓ કહી દીધી. તૃપ્તિબહેન પણ લાગણીશીલ હતા, કુંજને ખુબ જ આશ્વાશન આપવાં માંડ્યાં અને કુંજ પ્રત્યેની લાગણીઓ દિવસે દિવસે વધવાં લાગી, કુંજને જે એમનામાં આવડત હતી એ મુજબ શિખવવાં લાગ્યાં, કુંજ પણ શિખતો ગયો, તૃપ્તિબહેને પણ કોઈ પણ જાતની અપેક્ષા વિના આ અજાણ્યાં કુંજની મદદ કરવાનું વિચારી લીધું, દરરોજ કંઈક ને કંઈક શિખામણો આપવાં માંડ્યાં, કુંજને પણ જાણે પોતાના સ્વર્ગસ્થ માતા-પિતા અને બહેનનો પ્રેમ મળવાં લાગ્યો, ખુશ હતો કુંજ કારણકે હંમેશા ના મળેલો અપાર પ્રેમ તૃપ્તિબહેન દ્વારા મળી રહ્યો હતો, જાણે પોતાને સમજનાર કોઈ મળી ગયું હતું, સુખદુઃખના સાથી મળી ગયા હતા, બંન્ને વચ્ચે અપાર પ્રેમની લાગણીનો દોરો બંધાવા લાગ્યો, બંન્ને એકબીજાને કોઈપણ જાતની અપેક્ષા વિના એક અપાર લાગણી દર્શાવવા લાગ્યાં, બંન્ને એકબીજાને મળ્યાં ન હતા, પણ હા બંન્ને વચ્ચે એક નિસ્વાર્થ લાગણી હતી, મૈત્રીભાવ હતો, કુંજ પણ તૃપ્તિદી માં પોતાની બહેનને જોઈ રહ્યો હતો. પણ બે મહિનામાં તો જાણે સગાભાઈ બહેન હોય એ રીતે વર્તવા લાગ્યાં,

બંન્ને એ એકબીજાને ફોટાઓ દ્વારા જોયા હતા, પણ ન જાણે કેમ કુંજને વર્ષો જુના સબંધ હોય એવું લાગવાં માંડ્યું, પોતે ધણાં વર્ષોથી પુસ્તકોમાં શોધતો પ્રેમ આજે સાક્ષાત તૃપ્તિબહેન આપી રહ્યાં હતાં, લગભગ બે-ત્રણ મહિના પછી તૃપ્તિબહેને કુંજને કહ્યું ” કુંજ તું અહીં, મારા શહેર અમદાવાદ માં જ આવી જા, અહિયાં તને સરસ જોબ મળી જશે તારી મહેનત અને આવડતથી.

કુંજ ની ખુશી આ સાંભળતા જ બમણી થઈ ગઈ, ક્યારેક આ બાબતે તેણે વિચાર્યું પણ ન હતું કે કોઈ અજાણી વ્યક્તિ તેની મદદ કરશે..

કુંજે સપનાંમાં જ વિચાર્યું હતું કે અમદાવાદ જેવાં મોટા શહેરોમાં જઈ પોતાના સપનાં સાકાર કરશે, પણ કોઈ સાથ આપનાર હતું નહીં, પણ આજે એક અજાણી વ્યક્તિ પોતાને સાથ આપી રહી છે એ વિચારી કુંજનું મન જાણે હિલોળે ચઢી ગયું. ખુશીથી જુમવા લાગ્યો. અને વિચાર્યું કે અમદાવાદ જેવા મોટા શહેરોમાં જઈને સખત મહેનત કરી પોતાની એક આગવી ઓળખ ઉભી કરશે, અને કુંજ એ તૃપ્તિબેનના પ્રસ્તાવને સ્વીકારી અમદાવાદ જવાનું વિચારી લીધું. એક મોટું બેગ પુસ્તકોથી ભર્યું, હોટેલનાં માલિક નાં ચરણ સ્પર્શ કરી પોતાના સપનાં ને પુરા કરવાં અમદાવાદ જતી ટ્રેન પકડી લીધી, ટ્રેનમાં વર્ષો જુની બનેલી દુઃખદ ધટનાંને વાગોળતાં વાગોળતાં કુંજ આખરે અમદાવાદ પહોંચી ગયો, ખુબ જ આતુર હતો કેમ કે આજે પહેલી વખત તૃપ્તિદી ને મળવાંનો હતો, સ્ટેશનની બહાર નિકળતાં જ સામે તૃપ્તિબહેન પોતાની ઍક્ટિવા લઈને કુંજ ને લેવા આવ્યા હતાં, તૃપ્તિબહેનનાં ચહેરાંનાં હાવભાવ ઉપરથી લાગી રહ્યું હતું.  બંન્ને જણાં એટલાં ભાવુક થઈ ગયાં કે ન નિકળતાં આંસું આંખોમાં ન સમાય શક્યાં, આંસુએ પોતાનો રસ્તો બનાવી લીધો, થોડીવારમાં બંન્ને એ એકબીજાનાં આંસું લૂછ્યાં અને ગાડી પર બેસી ધરે જવા માટે નિકળી ગયાં, કુંજ અમદાવાદ પહેલી જ વખત આવ્યો હતો, તૃપ્તિદી કુંજને રસ્તાઓની માહિતી આપતાં આપતાં પોતાના ધરે લઈ ગયાં, તૃપ્તિદી એ પહેલાંથી જ જમવાનું બનાવી દીધું હતું, હાથપગ ધોઈ બંન્ને વાતો કરતાં કરતાં જમી લીધું, બંન્ને ખુબ જ ખુશ હતાં, જાણે જન્મોજનમથી એકમેકને ઓળખતાં હોય એ રીતે વાતો કરતાં કરતાં સુઈ ગયાં.

બીજા દિવસે તૃપ્તિદી કુંજને લઈને એક ન્યુઝપેપર એડિટરની ઑફિસે લઈ ગયાં, અને કુંજને એક લેખકની નોકરી અપાવી દીધી, અને કહ્યું કુંજ આ ન્યુઝપેપરમાં દરરોજની કૉલમમાં તારે એમને લેખ આપવાનાં છે ને કુંજને બદલામાં યોગ્ય વળતર પણ મળશે ….કુંજે આ જોબ સ્વીકારી ખુબ જ સરસ રીતે એ એનું કામ કરવા લાગ્યો…

એક દિવસ એને વાતવાતમાં પૂછી જ લીધું , “તૃપ્તિદી તમે મારાં માટે કંઈક સમજીને જ આ નોકરી શોધી હશે, તમે મારું ખોટું ક્યારેય ન વિચારો મને વિશ્વાસ છે, હા, તમે જે કહો એ મને મંજુર છે” કુંજે કહ્યું.કુંજની ખુશી ખરેખર આજે જોવા જેવી હતી, આજે એનો દિલખોલીને હસતો ચહેરો પહેલીવાર જોવા મળ્યો હતો, અને તૃપ્તિદીને કહ્યું, “દિ આપનો આભાર કઈ રીતે કહું સમજાતું નથી, આપની સહાયનો બદલો કઈ રીતે ચૂકવીશ એ ખબર નથી, પણ હા હું સદાય આપનો આભારી રહીશ…”

“અરે કુંજ, મેં કંઈ જ નથી કર્યું, તું તારી મહેનતથી આગળ આવ્યો છે, જેમ કુદરત બધાને સાથ આપે છે, એમ મેં પણ તને સાથ આપ્યો છે, તારી મહેનત અને કંઈક કરવાનો જુસ્સો જોઈને બસ તને આગળ લાવવાની કોશીશ કરી છે” તૃપ્તિબહેન કુંજનાં માથા ઉપર હાથ ફેરવી સમજાવી રહ્યાં હતાં.

“ના, દીદી આ બધું તમારા પ્રતાપે જ થયું છે, મધદરિયેની હું સહારા વિના તરી રહ્યો હતો, તમે મને નાવ આપી દીધી , ખરેખર આજે હું ખુબ જ ખુશ છું, મારી બહેન છે મારી સાથે” કુંજ ખુબ જ ભાવુક થઈ ગયો.

“અરે, બકા ભલે મેં તને નાવ આપી, પણ હસેલાં તો તારી જાતે માર્યાને, હું તને ફક્ત કહી રહી હતી કે દુનિયાની ભીડમાં કઈ રીતે ચાલવું એ દર્શાવતી હતી, ચાલવાંનું તો તારે જ હતું કુંજ” તૃપ્તિદી વહાલથી કહેવાં લાગ્યાં.

“પણ દી તમે જ ના હોત તો મારું શું થાત? આ સ્વમાની દુનિયામાં બાપ-દિકરાં એકબીજાની મદદ નથી કરતાં, તમે મને ખુબ જ મદદ કરી છે, ડગલે-ને-પગલે બને સાથ આપ્યો છે, જેમ અંધ લાકડીનાં ટેકા વડે ચાલે છે, એમ તમે મારો ટેકો બન્યાં છો, સદાય મારા માટે પ્રેરક બન્યાં છો, તો વધું ભણ્યો નથી કે નથી મારી પાસે કોઈ ડિગ્રી છતાં તમે સતત પ્રેરણા આપી એક લેખક બનાવી દીધો, દિલથી આભાર આપનો” અને કુંજ રડી પડ્યો.

“અરે, પાગલ આમ રોવાંનું ના હોય, આજે ખુશીનો દિવસ છે બકા, બસ, હવે તું દિલ લગાવીને મહેનત કર, કંઈ પણ અવરોધ તારી આડે નહીં આવે, સખત પરિશ્રમ કર, અને હા મેં તને એક સાચો માર્ગ બતાવ્યો હતો, જે માર્ગમાં અસંખ્ય અવરોધો આડાં આવતાં હતાં અને એ રહેશે જ, પણ મને તારા ઉપર વિશ્વાસ છે કે તું હંમેશા અવરોધોનો સામનો કરી સાચા રસ્તે અવશ્ય જશે.” તૃપ્તિબહેનની પાપણો પણ ભીનીં થઈ ગઈ.કુંજે તૃપ્તિદી નાં ગાલો ઉપરનાં આંસું નીચે ન પડવાં દીધાં અને ગળગળા અવાજે ફક્ત એટલું જ બોલ્યો…

“Love You Trupti Di…”

અને મનમાં કહ્યું “આવા દીદી તમામને મળે…”

ન્યુઝ એડિટરની ઑફિસમાં રહેલ રેડિયા ઉપર જાણે કુંજને અનુરુપ ગીત વાગતું હતું “તેરા સાથ હૈ તો મુજે ક્યા કમી હૈ….”

” ‘સફળ’ થવા માટે કોઈ ‘ડિગ્રીની જરુરીયાત નથી’ , બસ ‘મન મક્કમ રાખો’ , ‘મહેનત કરો’ , ‘સખત પરિશ્રમ કરો’ , ‘સફળતા’ અવશ્ય તમારા ચરણ સ્પર્શવાં આવશે”

– કુંજ પટેલ

મારી આ વાર્તા “તૃપ્તિ ત્રિવેદી” અને મને પહેલીવાર એક લેખક તરીકે સ્થાન આપવા માટે ટીમ “જલ્સા કરોંને જેંતિલાલ” પેજ ને અર્પણ...

લેખક : કુંજ જયાબેન પટેલ “સ્વવિચાર”

અર્પણ : તૃપ્તિ ત્રિવેદી “તૃપ્ત”

રોજ આવી લાગણીસભર વાર્તાઓ વાંચવા માટે આજે જ લાઈક કરો અમારું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” 

ટીપ્પણી