કુદરત ની બલિહારી – આપણા કરેલા કર્મોનું ફળ અહિયાં જ મળે છે વાંચો અને શીખો…

“કુદરત ની બલિહારી”

‘ ડેડ, તમે આવું શુ કામ કર્યું ?? આ લોકો ને આમ. ચાગલા ન કરો.. તમને કામવાળા અને ગરીબ લોકો માટે બહુ લાગી આવતું હોય તો … વાર તહેવારે તો ગિફ્ટ આપો છો,.. દિવાળી નું બોનસ, હોળી ધુળેટી વખતે .. અને નવરાત્રી જન્માષ્ટમી અને મકરસંક્રાંતિએ તો ખાસ.. પછી હવે આ બધું વધારે પડતું થાય છે… Dad, I don’t like this.!!..””

આમ કહી ને હેરી અટક્યો અને અનિલભાઈ સામે જોવા લાગ્યો .. કે રખે ને એના લવલી ડેડીને દુઃખ તો નથી લાગ્યું ને ?? વાત જાણે એમ હતી કે અનિલભાઈ નો એમના બાપુજી નો જમાવેલ ચીનાઈ માટી નો વિશાળ કારોબાર હતો.. અને અનિલભાઈ ના બાપુજી તેજાબાપા પછી હવે અનિલભાઈ સંભાળતા અને હવે એમનો વારસો નવયુવાન હેરી એ લેવા નો હતો.


અને એટલે જ ડેડી હેરી ને કશુંક કહેવા માંગતાં હતાં…અનિલભાઈ તો જાણતાં અને સમજતાં હતાં કે માબાપ નો સાચો વારસદાર કોને કહેવાય ?? “જે ફક્ત સ્થાવર મિલ્કત ને વહીવટ જ નહીં પણ, માબાપ નો સંસ્કારિતા નો વારસો સાચવે એ જ ખરો વારસ.. સાચો હકદાર.. જે પોતાના બાપદાદા ની નીતિ અને અધૂરા અરમાન પુરા કરે, સપનાને સાકાર કરે એ સુપુત્ર સાચો. “”

અને એટલે જ તો આજે અનિલભાઈ એ પોતાની પેઢી પર વધારા નો બોજો પડે તો પણ પોતાના કારીગરો, મજુરો કે આડોશી પાડોશી કે સગા સંબંધી કોઈને કાઈ જરૂર પડે તો પોતે મદદ કરવા તૈયાર રહેતા હતાં . આજે પણ એવું બન્યું કે એમણે હેરી ને બોલાવી ને કહ્યું કે “આપણા ડ્રાઈવર કાસમભાઈના દીકરાને એડમીશન અપાવી દેજે અને એ ભણે ત્યાં સુધી આપણી પેઢી માંથી એની ફી જમા થઈ જવી જોઈએ. ”


જયારે ડ્રાઈવર સલામ ભરી ને ચાલ્યો ગયો ત્યારે હેરી એ લાડ ભર્યા સુરે પોતાની કમ્પ્લેન કરી..ત્યારે અનિલભાઈએ તેને કહ્યું ,, “હેરી my son !! Come on,.. અહીં આવ ,બેસ મારી સાથે..!! ” અને ઘણા વખત થી એના ડેડી સાથે આ વાત માટે ચર્ચા કરવા ની ઈચ્છા હતી એટલે એ તરત જ ડેડી ની વાત ને માન આપી બેસી ગયો . અને ફરીથી એજ પ્રશ્ન દોહરાવવા એ કાઈ જ બોલ્યો નહિ પણ એણે એના ડેડી સામે એવી રીતે જોયું કે . .. એમાં સાફ વંચાતું હતું,.. “what’s this daddy ?? ”

અનિલભાઈ પણ જાણે રાહ જ જોતા હતા કે ક્યારે હું આ બધું મારા દીકરા ને કહું ?? જાણે કે ભૂતકાળ ના અગાધ સાગર કિનારે આવ્યા અને એમણે તરત એ લહેરાતાં મોજાં માં જેમ કુશળ તરવૈયો ઝંપલાવે એમ.. પોતાની જાત ને સરકાવી દીધી અને…હેરી ને પોતાના બચપણ માં અને જુવાનીના દિવસો માં હાથ પકડી સાથે જ લઈ હાલ્યા !!!…

તેજા ભાઈ , અનિલ ના પિતા ખાધે પીધે સુખી હતા અને ગામ નું નાક હતાં, લોકો સારે માઠે પ્રસંગે એમની પાસે આવતાં અને પોતાની આબરૂ બચાવવા અંગત વાત નિઃસંકોચ એમને જણાવતા અને તેજા ભાઈ દિલ ના દિલાવર હતાં એમના દરવાજે થી કોઈ ખાલી હાથે ન જાતું .એ જન્મથી જ આ વાતોનો અનિલ સાક્ષી હતો.


હવે એ સમય ની વાત છે જ્યારે અનિલભાઈ એ ધંધા ની જવાબદારી પોતે સંભાળી હતી અને એ વખતે…. ચીનાઈ માટી ના ધંધા માં થોડી મંદી ચાલતી હતી. જો કે જમાવેલા કારોબાર માં હજુ બેએક વર્ષ આવા .. હોય તો પણ એમને બહુ વાંધો નહોતો પણ, ક્યારે મંદી જાય ને.. ફરીથી બજાર ધમધોકાર થાય એ તો કાંઈ કહી શકાય એવું નહોતું..

એ સમયે… ફેક્ટરી ની નજીક જેની જમીન હતી એ ખેડૂત એમની પાસે આવે છે અને વાત કરે છે , “”આતા !! બે વરહ થ્યા કાઈ થયુ નથી ખેતી માં અને દીકરી ના લગન પાસળ પાસળ ઠેલતો’તો, હવે વેવાઈ ઉતાવળા થ્યા સે … કે કા લગન લ્યો ને કા તો વેવિશાળ ફોક કરી નાખો .!!.. હવે દીકરીનો બાપ સુ . વેવિશાળ તોડી ને ય મારે આને ઘરે થોડી રાખી મેલાશે ?? અને ઘરમાં ફૂટી કોડી નથી …ઇ હારું તમારી પાહે આઈવો સુ બાપા ..”” એમ કહી મણ એક નો નિહાહો નાઈખો…

તેજાબાપા સમજી ગયા કે એણે દીકરી ના લગન ના ખરસ માટે જોગવાઈ કરવાની સે !! એ પણ શું કરે ?? નબળા વરસ નો માર તો એમને ય હતો તો ખરા જ !! પણ છતાંય એમણે કહ્યું કે ઘટતા કરતા લઈ જા જે… ‘”


પણ એ ખેડૂત કહે, “” બાપ, ઘટતાં કરતા સુ ને વાત સુ …ઘરમાં ફદિયું ય નથી . બાપ, અને રૂપિયા હું કેદી પાસા આલુ ?? તમી ઇમ કરો ને આ મારું પાસ વિઘા નું કટકું સે , તમારી ફેક્ટરી ની જોડાજોડ ઇ વેસાતું લઈ લ્યો.. અને મને ઇ ખેતર ના બદલા માં રોકડા રૂપિયા ગણી દ્યો ”

હવે.. ઉછીના રૂપિયા આપ્યા હોય તો પાછા આવવાની રાહ હોય પણ આ તો… સીધા રૂપિયા એમને એમ જ આપવાની વાત થાય કેમકે એ ખેડૂત જે ખેતર ની વાત કરતો હતો એ ખેતર ખાલી નામનું જ હતું ,એક વેરાન જમીન હતી કે જેમાં ઘાસનું તણખલું ય નહોતું ઊગતું. અને આવી મંદી ના માહોલ માં એ કોઈ એમ પણ ન ખરીદે . એમ કહો ને કે જે મફત માં ય ન પોષાય એ જમીન !! ત્યારે ગરમ લોહી હતું અનિલ નું તેણે ફટાક દઈ ને કહી દીધું, “અમને શું મૂરખ સમજો છો ?? આ મારા પિતાજી દયાળુ છે અને બધાને પોતાનાથી બની શકે એટલી મદદ કરે છે એ બરાબર પણ … આમ સાવ … સીધા રૂપિયા લઈ લેવાની જ ….!!!!” એને વચ્ચે થી અટકાવી ને તેજા બાપાએ તે ખેડૂત ને કહ્યું, ” શુ ભાવ ગણે છે ઇ તારા કટકા નો ?? ઇ મેં રાઈખું જા…. લે તારા દીકરી ના લગન ને કર તૈયારી…””


ખેડૂત તો એટલો આભારવશ થઈ ગળગળો બની ગયો કે રડી જ પડ્યો … આતા તમે આજે એક દીકરી ના બાપ ની આબરૂ બસાવી સે .. કુદરત આપ ને આનો બદલો આપશે . મારી ને મારી દીકરી ની દુઆ સે … તમેં અમારી આશા પુરી કયરી.. મારી આશાપુરા માવડી તમારી મનોકામના પુરી કરે … મારી મઢ વાળી માવડી તમારી સાત પેઢી સુધી આવી જ દિલાવરી આપે ને સડતી કળા રાખે મારી આશાપુરા માં…ઘણી ખમ્મા બાપા.. ઝાઝી ખમ્મા !! ”

આમ ખેડૂત તો રાજી થઈ હાલ્યો ગયો પણ, તેજા બાપા એ જોયું અનિલ , એના પિતાજી પ્રત્યે ખૂબ જ નારાજ દેખાતો હતો . પણ, બાપદાદા ની કઈ મિલ્કત હતી નહિ જે કંઈ આ બધું ધંધો કારોબાર હતો એ પિતાજી એ એકલે હાથે ઊભું કરેલું હતું. એમની કડી મહેનતનું જ બધુ ફળ હતું. અને તેજાબાપા એકદમ નરમ મગજ ના હતાં પણ પોતે જે નક્કી કર્યું એમાં કોઈની મીનમેખ ન રાખતાં. એમાંય જાણે એમણે સેવા કરવાનો ભેખ ધારણ કર્યો હતો. અને બધાને ખબર હતી કે એમને ત્યાંથી કોઈ ખાલી હાથે કે નિરાશ પાછા ન ફરતું . આજે પણ એમ જ બન્યું . પરંતુ અનિલ ?? એ જાણતો હતો કે આવી નકામી જમીન ખરીદી ને બાપાએ ખોટ નો જ ધંધો કર્યો છે. પિતાજી એ એને પાસે બોલાવ્યો. બરાબર આમ જ ,… ફરી ભૂતકાળ નું એમ જ આબેહૂબ પુનરાવર્તન…


હેરી ને ડેડી..અનિલ ને બાપા.. તેજાબાપા એટલું જ બોલ્યા હતા, ” બેટા , આજે મેં જે કર્યું એ નફો નુકસાન જોઈ ને નથી કર્યું પણ, એક આશા ભરી દીકરીના બાપ ની નિરાશા જ દૂર કરવાનું કામ કરીયું સે.. કુદરત કરેલા કામ નો બદલો વેલા મોળો જરૂર ને જરૂર આપેસે.. અને આપશે જ. ”

“” પણ, આવડો રૂપિયો આ ખેતર માં નાઈખો હવે ઇ ખેતર નું કરશું સુ ?? એમાં ઘાસ નું તણખલું ય ઊગતું નથી… ” આમ કહી અનિલ બોલતો અટકી ગયો. વાત તો એની સાચી જ હતી. પણ, તેજા બાપા ને હૈયે સાવ ધરપત હતી. પૂર્ણ સંતોષ થી એમણે માળા હાથમાં લીધી અને અનિલ ત્યાંથી ઊભો થયો.

બજારભાવ પ્રમાણે જમીન ના રૂપિયા રોકડા ગણી દીધા અને ખેડૂત ની દીકરી ના લગન નિમિતે ઉપરથી વધારાના રૂપિયા ય આપ્યા. અને એ વખતે તેજા બાપાના ચીનાઈ માટી ના ધંધા માં માટી વેસ્ટેજ ખૂબ નીકળતી અને એ વેસ્ટ , નકામી માટી ટ્રક ભરી ભરી ને દૂર દૂર ઠાલવવી પડતી .અને દર વખતે મુશ્કેલી પડતી કે આ વેસ્ટેજ ક્યાં નાખવું … દૂર દૂર આમતેમ નાખવામાં આવતી… એમાં તેજા બાપા એ વિચાર કર્યો કે આપણે ઇ વેસ્ટેજ માટી આ નકામા ખેતર માં ઠાલવી દઈએ જેથી ક્યાં નાખવી નો પ્રશ્ન હલ થઈ જાય અને ટ્રાન્સપોર્ટ નો અને ડીઝલ નો ખરચ બચી જાય. અને અનિલે એ મુજબ જ કર્યું..

સમય તો એવી રીતે સરવા લાગ્યો જાણે કે હાથની મુઠ્ઠી માં પકડેલી રેત… ક્યારે સરી જાય !!! દિવસો મહિના ઓ અને વરસો વીત્યાં… યુવાન અનિલ પાકટ બન્યો અને નાનકડા હેરી નો ડેડી બન્યો… અને તેજા બાપા એ સંતોષથી નિવૃત્તિ લીધી પણ, એ પહેલાં પોતાના વારસદાર અનિલ ને આ સેવાકીય કાર્ય નો વારસો પણ સંભાળી લેતા જોઈ ને બાપા ને અનેરો આનંદ થયો.


હવે જે ખેતર માં પેલી વેસ્ટેજ માટી ઠલવવામાં આવી હતી એનું પ્રમાણ એવડું થયું કે જાણે નાનો એવો ડુંગરો જ જોઈ લો … માટી ના ગંજ ને ગંજ .. ઢગલેઢગલા…. હવે એનું શું કરવું ?? કુદરત નું કરવું કે કોઈના કહેવા મુજબ એ માટી નું લેબોરેટરીમાં પરીક્ષણ કરાવવામાં આવ્યું . અને એમાં ઉત્તમ પ્રકારના તત્વો મળી આવ્યા અને બેસ્ટ કાચ બને એવી સિલિકા એમાં રહેલી હોવાનું જણાયું !!

અનિલભાઈ ને તો બખ્ખમબખ્ખા… ઘૂળ માંથી સોનુ થાય એમ રૂપિયા આવ્યા… બજાર માં જાણ થતાં લાવો લાવો થયું અને માટી માથી કરોડો રૂપિયા બન્યા…આને કહેવાય કુદરત ની બલિહારી !! તેજાબાપા દિલ ના દિલાવર તો હતા જ હવે તો અનિલ પણ આ કુદરત ની મહેરબાની જોઈ ને દ્રઢ વિશ્વાસ આવી ગયો કે જે પરોપકાર ની ભાવના થી કામ કરે છે એને એનો બદલો જરૂર મળે જ છે… અને અનિલભાઈ એ તેજા બાપા જેમ દાન ની સરવાણી વહેડાવતાં હતા એમ એનો વારસો સાંભળી લીધો અને આજે આજ બધું એમણે હેરી ને આપવાનું હતું. જે એમણે આજે નવી પેઢી ને આપ્યું..

આ બધી વાતો સાંભળી હેરી ઊભો થઈ બોલ્યો.. “ok !ડેડી, ડન … આઈ અન્ડરસ્ટેન્ડ.. યુ કેન ડુ એઝ યુ વિશ્… I will also try to follow our family tradition… Ok ?? ડેડી ની આંખ માં આંખ પરોવી ને એક રમતિયાળ સ્માઈલ આપી ને પૉપ સોન્ગ ગાતો ગાતો “….des…pa…cito…””….ને ખભા ઉછાળતો …. હાલ્યો ગયો…

લેખક : દક્ષા રમેશ

ફ્રેન્ડઝ,

આ એક સાચી ઘટના છે મેં પાત્રો ના નામ બદલ્યા છે..શત શત નમસ્કાર આપણા તેજા બાપા જેવા વડીલ ને.. જેમણે કુદરત ની બલિહારી સમજી ને સારા કાર્ય ની સુવાસ ફેલાવી છે. આજે પણ એમને ત્યાંથી હજારો રૂપિયા સતકાર્ય માટે વપરાય છે.

તમે પણ આવી કોઈ વાત કે વાર્તા જાણતા હોવ તો અમને ઈનબોક્સમાં મોકલી શકો છો.

દરરોજ આવી અનેક વાર્તાઓ અને સત્યકહાની વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ