જલ્સા કરોને જેંતીલાલ

કુચો – પપ્પા તમે જીવતા જીવત જ બધું પાર પાડી દો તો, તમારી હાજરીમાં બધું ન્યાયયુક્ત વહેંચાય જાય તો પાછળથી. લાગણીસભર વાર્તા.

ધીમે ડગલે ચાલતા ચાલતા એ પોતાના ગમતા સ્થળે પહોંચી ગયા. આખા દિવસ ઘરમાં ચાલતી રહેતી રિકઝિકથી દૂર થોડી ક્ષણ નિરાંતની ગાળવા . કુટુંબના સભ્યોના કર્કશ અવાજો , લાગણીવિહીન ચર્ચાઓ અને અંદરોઅંદર ચાલતું રહેતું યુદ્ધ અહીં કાને પડવા ની કોઈ શક્યતા ન હતી . થોડા સમય માટે મનને શાંતિ અને નિરાંતની ભેટ આપવા દરરોજ સાંજે તેઓ ઘરથી દૂર આ શેરડીના રસની લારી ઉપર આવી પહોંચતા.

image source

આજે પણ શેરડીના રસનું મશીન તાજી તાજી શેરડીને કચડી, એનો તાજો મધુર રસ હોંશે હોંશે બહાર કાઢી રહ્યું હતું . કતારમાં ગોઠવાયેલા કાચના સ્વચ્છ ગ્લાસમાં વારાફરતી રસ સપ્રમાણ રેડાઈ રહ્યું હતું . એક તરફ તાજી શેરડીનો ઢગલો પડ્યો હતો અને બીજી તરફ વપરાઈ ચુકેલી શેરડીનો અઢળક કુચો ભેગો થઇ રહ્યો હતો .

image source

” એક ગ્લાસ , બરફ વિના . ” દરરોજની જેમ જ પોતાના ગ્લાસનો ઓર્ડર આપી એમનું વૃદ્ધ શરીર નજીકના બાંકડા ઉપર ગોઠવાયું . ચાલીને ફૂલેલી શ્વાસોએ જરાક રાહતનો દમ ભર્યો જ કે આંખો આગળ ભેગો થઇ રહેલ શેરડીનો સૂકો કુચો નિહાળી મનમાં વિહ્વળતા વ્યાપી ઉઠી .

image source

એ શેરડીનો નીરસ કુચો હતો કે પોતાના નીરસ જીવનની છબી ? આખું જીવન પસીનો અને લોહી વહાવી ફરજોના મશીનમાં એમનો પણ બધોજ રસ નીકળી ચુક્યો હતો . બાળકો માટે કરેલા ત્યાગ અને બલિદાનો એક પછી એક કતાર બની શેરડીના રસના ગ્લાસની જેમ આંખો આગળ તરી રહ્યા હતા . બે દીકરાઓના ઘરમાં એક વિધુરનું જીવન તદ્દન કસ વિનાના આ નકામા , વ્યર્થ , બિનઉપયોગી શેરડીના કુચા જેવુંજ તો હતું .

” પપ્પા તમે જીવતા જીવત જ બધું પાર પાડી દો તો ….” ” તમારી આંખો મીંચાઈ એ પહેલાજ તમારી હાજરીમાં બધું ન્યાયયુક્ત વહેંચાય જાય તો પાછળથી કોઈ તકલીફ નહીં .”

image source

તકલીફ તો આ બધું સાંભળીને પોતાના હૃદયને થતી . છાતીમાં અસહ્ય પીડા ઉઠતી .છે તો બન્ને પોતાનાજ પડછાયા. જે એમનું એ બધું એ બન્નેનુજ તો વળી . પણ બન્ને વહુઓના વર્તન વ્યવહાર નિહાળતા મનમાં ભયાનક ધ્રાસ્કો પડતો . બધુજ આમ સહેલાય થી આપી રસ્તા ઉપર……. વૃદ્ધાશ્રમમાં .. કેટકેટલા દ્રશ્યો ભવિષ્યને ધ્રુજાવતા મનસ પટ ઉપર ભજવાઈ રહેતા . બન્ને બાળકોના જીવનને સુંદર આકાર આપવા ખર્ચી કાઢેલ મોટી મૂડી પછી થોડી ઘણી બચત કરેલી મૂડી પણ હાથમાંથી જો નીકળી ગઈ તો ….

image source

પરાવલંબનનો ભાવિ અંધકાર આત્મસન્માની અંતરને ફરીથી હલબલાવી રહ્યો . શેરડીનો ઓર્ડર કરેલો ગ્લાસ હાથમાં મળ્યો . હાથમાં આછી કંપારી છૂટી . એ શારીરિક થાક હતો કે પછી કોઈ તાર્કિક ભય ? શેરડીના કુચા ઉપરની દ્રષ્ટિ નિસાસા જોડે પરત થઇ . એકજ ઘૂંટડે બધો રસ ગળા નીચે ઉતરી ગયો .

પૈસા ચૂકવી ઘર ભણી ઉઠેલા હતાશ ડગલાં લારી નજીક આવી થોભેલી એક ટ્રક પાસે આવી અટક્યા . શેરડીનો વ્યર્થ , નકામો , બિનઉપયોગી કુચો થોડીજ ક્ષણોમાં ટ્રક પર લાદી દેવામાં આવ્યો . પડી રહેલા કચરાનો નિકાલ તો થવોજ રહ્યો . ” આ કચરો ક્યાં જઈ ઠાલવશો ? ” વૃદ્ધ મન ની વિડંબણા ઓચિંતો પ્રશ્ન બની ટ્રકના ડરાઇવર આગળ ઠલવાઇ રહી .

image source

” કચરો નહીં સાહેબ, ઇંધણ . ” ” ઇંધણ ? ” ઘરડી આંખોમાં બાળસહજ જીજ્ઞાશા છલકાઈ ઉઠી . ” હા સાહેબ , એક વિશાળ પાવર પ્લાન્ટની અંદર આ બધોજ કુચો ઈંધણનું કામ કરશે . જેના થકી વિજળી ઉત્પન્ન થઇ લાખો ઘરોમાં પહોંચશે . ” વૃદ્ધ આંખો નવાઈથી પહોળી થઇ ઉઠી . ” સાહેબ ,ફેંકી રાખો તો કચરો , ઉપયોગ કરો તો ઈંધણ . ”

image source

સડસડાટ કરતી ટ્રક ઉપયોગી , મૂલ્યવાન , કિંમતી ઇંધણને ભેગું કરી મુખ્ય રસ્તા તરફ ઉપડી . વૃદ્ધ શરીર મનોમન ડરાઇવરના શબ્દો વાગોળી રહ્યું . ‘ ફેંકી રાખો તો કચરો .ઉપયોગ કરો તો ઈંધણ . ‘ કંઈક ઊંડું વિચારી ઘરની દિશા તરફ ઉપડેલા ડગલાં શેરડીના રસની લારી તરફ ધીમેથી પરત થયા . ” આવું રસ કાઢવાનું મશીન ક્યાંથી ખરીદી શકાય ? કેટલી મૂડીનું રોકાણ કરવું પડે ?”

રસપૂર્વક સામે તરફનો ઉત્તર સાંભળી રહેલ ઘરડા શરીરમાં જાણે ઇંધણ સમાન ઉર્જા ઉત્પન્ન થઇ રહી ….

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version