કૃષ્ણ સાથે કીટલી પર… ( જન્માષ્ટમીની પાર્ટી )

‘કેમ સુલતાન આનંદ મંગલ ને…?’ મેં ચાની રકાબી હોઠેથી સહેજ આગી ખસકાવી અને નજર ઊંચી કરી. મારી સામે ઉભેલો માણસ ભદ્દુ હસ્યો. આ જેન્તી રોજ ચા પીવા આવતો અને એ અઠવાડિયે માંડ એક જ વાર ન્હાય છે. મેં ફરી વાર અવાજની દિશામાં નજર દોડાવી. હું જાણતો હતો મેં જે અવાજ સાંભળ્યો એ અવાજ પહેલા પણ ચ્હાની કિટલીએ હું સાંભળી ચુકેલો છું.

‘બહુ નજર ફેરવીશ નહિ. હું તો અહીંયા જ છું.’ અચાનક દુરનો અવાજ ક્યારે સાવ નજીક આવી ગયો, મને ખબર જ ન પડી. મેં નજર બાજુમાં કરી એ કરી એના પછી કેટલીયે મિનિટો માટે મને એના ચહેરામાં ખોવાઈ જવાનું મન થયું. મેં કાંઈ વિચાર્યા વગર સીધું મારી સાથે થોડો ટાઈમ એને બેસવાનું જ કહ્યું.

‘જન્મ દિવસની શુભકામનાઓ…’ મેં કહ્યું.
‘તને પણ સ્વતંત્ર દિવસની શુભેચ્છા દોસ્ત…’
‘તને બહુ યાદ હોય ને…’
‘મરાથી અજાણ તો તારી લાગણીઓ કે ઈચ્છાઓ પણ નથી તો… દિવસ…’

એ ચહેરા પર થોડીક વાર માત્ર નિખાલસ હાસ્ય વહેતુ રહ્યું. અને એટલી જ વારમાં અમે બંને જણા બાજુના ટેબલ પર ગોઠવાયા.

‘તું ગાંડા અને મૂર્ખ લોકો સાથે વાત પણ કરે છે…?’ એ ચહેરા પર હાસ્ય હજુય એટલી જ સહજતા પૂર્ણ સ્થિતિમાં હતું.

‘જો કાના આજે મજાક ન કર. વારંવાર તારી છેતરવાની તરકીબો હવે હું જાણી ગયો છું. સાચું કહું તો એ દિવસે રસ્તાની કિનારીએ તું મને મળ્યો, ત્યારે ખરેખર મેં તને મૂર્ખ માણસ જ સમજ્યો હતો. પણ…’ મેં કહ્યું. અને ફરી બોલ્યો ‘છોડ એ વાત, સામાન્ય રીતે તને ચ્હાનું પૂછવું મૂર્ખાઈ તો છે જ છતાં પૂછ્યા વગર હું રહી પણ નહીં શકું.’

‘તો મંગાવ ને…’ એણે કહ્યું.
એણે કહ્યા પછી મેં ચા મંગાવી. હોટેલ પોતાની જ છે એટલે ખાસ પૂછપરછ કર્યા વગર અમારા ટેબલ માટે ચા તૈયાર થવા લાગી.

‘તને ખબર છે..? મારી છેતરવાની તરકીબ સમજાઈ એમ ન કહીશ. એમ બોલ કે મારું સ્વરૂપ તને હવે સમજાઈ ગયું છે.’ એણે અચાનક જ મને કહ્યું.

‘હા… તને બહુ વાંચ્યો છે મેં, ક્યારેક તો લાગે છે તને ચાહ્યો છે મેં..?’
‘મૂર્ખ છે તું…’
‘તને કેમ એવું લાગે છે…?’!
‘સ્વીકાર અને પ્રેમ મારુ સ્વરૂપ અને તું પ્રેમની લાલચ પણ મને જ આપે છે…?’
‘આ લાલચ કયા છે…? આ તો તારો સંપૂર્ણ સ્વીકાર છે.’

‘મારો સ્વીકાર…?’
‘ના… આ સત્યનો સ્વીકાર છે. આ પ્રેમનો સ્વીકાર છે. પ્રકૃતિ અને ધર્મનો સ્વીકાર છે. આ બધું જ છે ને, એટલે જ કદાચ આ કૃષ્ણ તારી સામે કાનો બનીને બેઠો છે.’

‘હવે કાના તું ધર્મની વાત તો કરીશ જ નહીં.’
‘કેમ..?’
‘શુ આજની સ્થિતિમાં ધર્મની વ્યાખ્યા શુ રહી ગઈ છે. તું નથી જાણતો…?’
‘તો શું…? તે પણ ગીતામાં ધર્મની વ્યાખ્યા નથી વાંચી.’
‘પણ ગીતા તો હિન્દૂ મનાય છે એનું શુ…? કાના, તારી ગીતા પણ અહીં ધર્મના નામે બંધાઈ ગઈ છે.’

‘આઝાદીના આટલા વર્ષો પછી પણ તારા દેશને બંધનો માંથી આઝાદી નથી મળી એમાં મારો શુ વાંક..’
‘પણ તું સમજાવી શકે ને…?’
‘મેં તો સમજાવી જ હતી ને..? જે સમજવા ઈચ્છે તો એને જ સમજાય, દરેકને સમજાઈ જશે તો પછી દુનિયા કળિયુગમાંથી સતયુગમાં નહિ આવી જાય.’

‘તો ભલે ને આવે…?’
‘તો મેં ક્યાં રોકી છે.’
‘તારી ગીતા બહુ અઘરી છે, કાના… ગણાય લોકોને એમા સંસ્કૃત શ્લોકો અને ભાષાંતર સિવાય કંઈ સમજાયું જ નથી.’

‘જેવી જેની ઈચ્છા. સન્યાસ, વૈરાગ્ય, ધ્યાન, યોગ, ભોગ, રોગ, બધું જ માણસના હાથમાં છે. કળિયુગમાં માણસ ઈશ્વર કરતા વધુ બળવાન છે. એણે માત્ર પોતાના મન પર કાબુ કરીને ગીતાના આદર્શોને સ્વીકારવાના છે.’

‘હા…’
‘આજે પણ આવી વાતો કરવા યાદ કર્યો મને…?’

‘તો શું કહું…? સામાન્ય રીતે જન્મદિવસના દિવસે અમે પાર્ટી સિવાય કંઈ નથી માંગતા.’

‘તો મારે શું પાર્ટી આપવાની.’
‘તમે છો, એનાથી મોટી પાર્ટી શુ હોય.’
‘અને મારી ગિફ્ટ..?’
‘મારા વિચારોથી લઈને વાણી સુધી બધું જ તમારું છે. મારી પાસે એવું છે જ શુ કે જે તમને આપી શકાય…?’

‘છે…. સૃષ્ટિમાં દરેક પાસે છે.’
‘એ શું…?’
‘શ્રદ્ધા અને પ્રેમ સાથે થતો સ્વીકાર.’
‘શ્રદ્ધા અંધશ્રદ્ધામાં બંધાયેલી છે. અને પ્રેમ માયાના આવરણોમાં જકડાયેલો છે.’

‘હું જાણું છું યાર. પણ જે લોકો તારી જેમ અંધશ્રદ્ધાથી શ્રદ્ધા તરફ અને માયાના આવરણ તરફના પ્રેમના પંથને સમજવા પ્રયત્નશીલ છે. એમના માટે તો મારો માર્ગ સદાય સામો પડ્યો છે.’

‘અને મને મંઝિલ ક્યારે મળશે…?’
‘પામવાની કામના છોડીને ચાલ્યા કર ને, તને ચાલવામાં તકલીફ પડે ત્યારે તારો આ કાનો બેઠો તો છે…’

થોડીક વાર સુધી હું કઈ જ બોલ્યો નહીં. એના એ શબ્દો મારા કાનમાં ગુંજી રહ્યા હતા. એ દિવ્ય પ્રકાશ મારી આંખોમાં પ્રવેશીને દિલના કોઈ ખૂણે અસ્ત થઈ રહ્યો હતો. થોડીક વાર હું દ્રષ્ટિભ્રમના આવરણમાં અટવાયેલો રહ્યો અને જ્યારે દૃષ્ટિભ્રમ તૂટ્યો ત્યારે સામે કોઈ ન હતું. હોટેલ પર આવેલા બે-ત્રણ કસ્ટમર બાદ કરતાં સંપૂર્ણ શાંતિ હતી. એ આજે ફરી અચાનક જ ગાયબ થઈ ગયો. એ દિવસના જેમ આજે મેં એને શોધવા માટે પ્રયત્ન પકન ન કર્યો અને વિચારોમાં વલોવ્યો પણ નહીં. એ દિવસે એ અજાણ હતો પણ હવે એના જન્મદિવસે એ મારા દિલમાં ઘર કરી ગયો હતો.

એ પોતે જ તો પ્રકૃતિ હતો, પ્રેમ હતો, સાક્ષાત્કાર હતો, સન્યાસ હતો, મોહ હતો, વિશ્વાસ હતો અને પ્રેમનો વાસ્તવિક પ્રકાશપુંજ પણ હતો. એને સમજવા મનડા કરતા દિલડાની જરૂર હતી. મોડું સમજાયું સત્ય હતું એની આંખો અને એના અહેસાસમાં… એ કૃષ્ણ હતો… આઠમનો નાથ… આજનો જન્મ અને આજનો ઉત્સવ…

સ્વતંત્રતા દિવસમાં મળેલી… મનની આઝાદી…

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧૦:૪૮ am, ૧૫ ઓગસ્ટ ૨૦૧૭ )

આ સાથે દરેકને સ્વતંત્રયતા દિવસ અને કૃષ્ણ આઠમની શુભકામનાઓ…

ટીપ્પણી