“પ્રાછત” – રેવામા ગુજરી ગયા.. લાગણીસભર વાર્તા.. વાંચો..

રેવામા ગુજરી ગયાને બે મહિના થઈ ગયા હતાં. મંજુ રેવામાના ખાલી પડેલાં મોટા ખાટલા સામે તાકી રહી હતી. સાડા છ વાગ્યા ની બસ ઘરઘરાટી કરતી નીકળી….હમણાં કલાકમાં તો વાળુ ને આરતી ટાણું થશે…..પણ મંજુને રસોડામાં જવાનું જરાય મન નહોતું. એ પગથિયાં ઉતરી ઓસરીમાં આવી અને થાંભલીના ટેકે બેસી ગઈ. આંખમાંથી ખારાશ ટપકી..હોઠ પસ્તાવાના રુદનથી વંકાયા. રેવામા સાથે કકળાટ કર્યો ન હોય એવો એક પણ દિવસ ગયો નહોતો. પતિ કેશુ ખેતી અને પંચાયતના કામમાંથી નવરો ન પડતો. સસરા ગુજરી ગયાને ગઈ સાતમે વીસ વરસ થયાં. દીકરી ને ચાર વરસ પહેલાં વળાવી દીધેલી…

ઘરમાં મંજુ અને રેવામા સિવાય મંજુનો દીકરો વિશાલ અને વહુ રાધા. મંજુ ને રેવામા જાજુ જીવે એમાં જરાય રસ નહોતો. પણ રેવામા ય પૂરા નવ્વાણું વર્ષ કડેધડે જીવેલા. એ કાયમ ચિડાતી કે આ ડોશીની પગબંધણી ક્યારે પૂરી થશે…ને હું પગ વાળીને બેસવા નવરી થઈશ….ક્યારે આ મોટો ખાટલો ખાલી થશે ને હું મારી વહુ પાસે સેવા કરાવીશ…… અને એવું તો ઘણું ઘણું રેવામાને રોજ રોજ સંભળાવતી. હજુ ત્રણ મહિના ઉપર રેવામા બિમાર પડેલાં ત્યારે પોતે ધરાર શહેરના દવાખાને જવાની ના પાડેલી. કેશુ ખૂબ ગુસ્સે થયેલો અને તાવમાં ને ઠંડીમાં ટૂટિયુ વાળીને સૂતેલા રેવામાને મોડી રાતે ય દવાખાને લઈ ગયેલો. ચાર દિવસ પછી ઘરે આવ્યા ત્યારે મંજુ જાણીજોઇને વાડીએ ચાલી ગયેલી. કેશુ એ સાંજે રેવામા પાસે બેસીને ખૂબ રડેલો. છ વાસણ, બે-ચાર ગાભા, આઠ સંતાનો અને રોજમજૂરી પર માંડ ગબડતુ ગાડું…. એમાંથી આજની સાહ્યબી રેવામાને આભારી હતી. રેવામાના ગયા પછી ક્રિયાકર્મ વખતે મંજુએ પરાણે રડમસ મોં રાખ્યું હતું. જો કે પોતાના પિયરીયાઓ સામે મોટો ખાટલો ખાલી થયાની હાશ કબૂલી હતી..

મહિને દહાડે બધું રાબેતા મુજબ ચાલતું થયું…રાધા વહુ પણ પોતાનાં પિયરથી આવી ગઇ. મંજુને તો ઉંમરમાથી દસ વરસ ઓછા થઈ ગયા હતાં. વહુ પાસે કામ કરાવી આરામ કરવાના સપનાં જાણે સાચાં પડતાં હોય…..
એવામાં એકવાર બપોરે દીકરા-વહુની ધીમાં અવાજની વાત મંજુને કાને પડી….
રાધા: ” હવે શું તકલીફ છે…? મોટાં બા હતાં ત્યાં સુધી ઠીક હતું કે મારી કામ-કાજમા જરૂર પડે… પણ હવે તો મમ્મી કરી શકે ને….!! હવે અહીં રહેવાનો કંઈ મતલબ નથી…”

વિશાલ: “મેં બાપુજીને વાત કરી છે. રાજકોટનું આપણું ઘર જે ભાડે આપ્યું’તું એ ખાલી કરાવી નાખ્યું છે…આવતાં ગુરુવારે સામાન બદલી નાખશુ…પણ મમ્મીને હમણા કાંઈ કહેતી નહીં..એ ખોટાં નાટક કરશે…”
મંજુ સડક થઈ ગઈ…. આ વિશુ બોલે છે…? મારો વિશુ…? આટલાં માટે દીકરો વાંછ્યો’તો…? વરસ દા’ડામા છેક વહુની મંછા ભણવા માંડ્યો…? મને આહીં મૂકીને જતો રહેશે…? મને કહેવાની ના પાડે છે…તે કહેવું જ નહીં હોય…? અને વિશુના બાપુ..? એણે ય મને જાણ ન કરી…? એ ય વહુના કહ્યા કરે છે..?? એ ય વિશુ હારે જતાં રહેશે…?? મંજુને ગભરામણ થવા માંડી….રેવામાના અંતર મન પર પોતે કરેલા પ્રહાર કાનમાં ગુંજવા લાગ્યા.. અને થાંભલીને ટેકે બેસી પડી હતી…આજની જેમ જ….

“મારી બા ને મજા નથી ને…તે હું આંટો જઈ આવું..?? ગુરુવાર પે’લા આવી જઈશ…” વાળુ વખતે રાધાએ પૂછેલું..ને મંજુના હાથમાં જ કોળિયો અટકી ગયેલો…”હમ્મ્મ…” એટલું જ બોલી ને આંખો ભરાઈ આવી હતી..ઝઘડાના અને સામેથી પૂછી જોવાના મનસૂબા તો ખૂબ ઉપડેલા…પણ ફરી ફરી ને વિશુ જાણે રોકી રાખતો…”એ ખોટાં નાટક કરશે..”

બુધવારની સાંજ નમી ચૂકી હતી….કેશુ ભાગરની ખડકી ખોલીને ઘરમાં દાખલ થયો… ઘરમાં અંધારુ જોઈ ડેલીનો બલ્બ ચાલુ કર્યો…ફળિયામાં પીળોચટ્ટ પ્રકાશ પથરાયો…એણે મંજુને ઓસરીમાં બેઠેલી જોઈ.. ખખડાટ સાંભળી ને મંજુની વિચારધારા અટકી….હવે બહુ થયું…મોં ધોયા વિના આંસુ ભર્યા દિદારે ઊભી થઈને ઝટપટ ડેલી માં આવી એણે કેશુને પૂછયું…. ” વિશુ અને વહુ શે’રમાં જાય છે..?” કેશુએ માથું હલાવી હા પાડી…એ મોટા ખાટલામાં ફસડાઈને છૂટા મોંએ રડી પડી…”તમે ય મારા વેરી થ્યા… મને અંધારામાં રાખી… આપણને આહીં ઢસરડા જ ભાગે આવશે…? વિ….વિશુને આપણી હારે રે’વામાં રાજીપો નઈ..?? હીબકાં સાથે મંજુનો સ્વર તરડાવા માડ્યો…..એના રોવા પર કેશુ જરાક હસ્યો ને કહ્યું… “એ તો હવે તેં બા ને રાખ્યા એમ એ આપણને રાખશે ને… એમાં દીવાટાણે મોં વાળવા શું બેઠી…? આ જ ખાટલે બેસીને મારી બા એ ય રોવુ પડ્યું હશે…ઈ જે હોય ઈ… પણ છોકરાંવ જવાના જ છે તો શાંતિથી જવા દેજે… ને રસોડામાં કેમ અંધારું છે…? રસોઈ ત્યાર કર ત્યા હું આરતીમાં જઈ આવું….”દાઝ્યા પર ડામ લઈને મંજુ ઘરમાં આવી….ભગવાનના ગોખલામાં દીવો કરી હાથ જોડ્યા..” કરો એવું ભરો ઈ મને ખબર હતી.. તોય મેં ખોટું કર્યું.. ગલઢા જીવની હાય હાથે ચઢીને લીધી…..” ફરી મંજુ રોઈ પડી…

થોડીવારે ડેલી માં વાતચીત થતી લાગી..સાડલાના છેડાથી મોં લૂછી મંજુ ઉંબરે આવી.. વિશુ નોકરી પરથી આવી ગયો હતો.. એ અને કેશુ ઘરમાં આવ્યા…પાછળ રાધા પણ આવી.. મંજુએ ભારોભાર અણગમાથી ત્રણે સામે જોયું.. ને એ સાથે જ બાપ-દીકરો હસી પડ્યા..રાધા પણ હસી.. કેશુએ ફોડ પાડ્યો…” આમ બાઘલાની જેમ જોઈ શું રઈ છો…?મારી બા હારે વરતી છો એનું પ્રાછત તો મારે તારી પાહે કરાવવું જ પડે ને.. વહુ કે દીકરો મનમોઢુ ન આપે ત્યારે શું વીતે એનું તને ભાન કરાવવાનું બીડું રાધા વહુએ ઉપાડ્યું’તું… મેં તો કહ્યું તુ કે સાચે શે’રમાં વયા જાવ..પણ હવે તો તને ય બાને દુખી કરયા નો ડંખ છે… તો બાકીનું માફ.. હેં ને બટા…?” રાધાએ આગળ આવી મંજુને કહયું…”સોરી મમ્મી… તમને દુખી કર્યાં..પણ આ ઘર છોડીને કોઈ ક્યાંય જવાનું નથી… ક્યારેય નહીં….હું તો નહીં જ…”
“હા મમ્મી…તું જ કહે ને… તારા હાથનો કોળિયો જમ્યા વગર મને અને મારી પર ખિજાયા વગર તને ચાલતું હશે…?” એમ કહી વિશાલ અને રાધા મંજુને ભેટી પડ્યા..હોઠ પર હાસ્ય અને દીકરીથી સવાઈ વહુ મળ્યાંના સંતોષ સાથે મંજુની આંખો ફરી છલકાઈ પડી…એ કંઈ જ ન બોલી શકી…પ્રેમથી બાળકોને ભેટી રહી…

લેખક : કોમલ પટેલ

દરરોજ આવી લાગણીસભર વાર્તા વાંચવા માટે લાઇક કરો અમારું પેજ – જલ્સા કરોને જેંતીલાલ 

ટીપ્પણી