“બાબુકાકા” – આ બાબુકાકા વાર્તાના અંત સુધીમાં બિચારા બાબુકાકા બની જશે…

એ ખરેખર તો કોને કાકા થતાં, ભગવાન જાણે.. પણ લગભગ આખું ગામ એમને બાબુકાકા કહીને બોલાવતું. આ વાત બની ત્યારે બાબુકાકાની ઉંમર પીસ્તાલીસની આસપાસ હશે. અમારાં ગામની હાઇસ્કૂલમાં મારાં બાપુજી શિક્ષક અને બાબુકાકા આચાર્ય… કાયમ સુઘડ પહેરવેશમાં જ રહેતા બાબુકાકા આખા ગામને વાત કરવાનું ઠેકાણું હતાં. સ્વભાવનાં પરગજુ..કોઈ પણ નું કામ પોતાના ખર્ચે ય પાર પડાવી દે.. પણ બધાંના કામ કરી આપવામાં બાબુકાકા કોઇવાર ભારે રમૂજી રીતે ભેરવાઇ જતાં. મારાં બાપુજીના પિત્રાઈ ભાઈ થતાં..એટલે ઘણીવાર અમારે ત્યાં આવતાં..”એ રસીલા વહુ…ચા મૂકજો બે રકાબી…” એમ કહેતાંક આંગણામાં આવે..હુ દોડીને બાપુજી પાસે જઇને બેસી જાઉં. બાબુકાકા ની અલકમલકની વાતો મને ત્યાં જ જકડી રાખે.. ક્યારેક હસી હસીને થાકી જવાય તો ક્યારેક વ્યવહારુ વાતની ગંભીરતા હોય.. કાં તો ગામની પ્રગતિના બીજ વવાતા હોય કાં તો રાત્રિશાળા નો હિસાબ થતો હોય.. પણ મને એમની દરેક વાતોમાં બહુ મજા પડતી.

એકવાર બન્યું એવું…કે શિયાળાના એક રવિવારની સવારે મારા મામા અમારે ઘેર આવેલાં. એમને એક માળિયા બાજુના ગામમાં એક પાર્ટી પાસેથી ઉઘરાણી બાકી હતી અને કોઈ વાતેય રૂપિયા પાછાં મળતાં નહોતાં.એટલે મામા મારાં બાપુજીને બહુ આગ્રહ કરતાં હતાં કે “પટેલ તમે હાર્યે હાલો.. મને એકલાં ને વળી વદાડ કરશે..ને…ઉઘરાણું એમનું એમ રે’શે…” બાપુજીને તો હામી ભરવામાં રસ ન્હોતો પણ બા એ ખાસ આગ્રહ કર્યો. બાપુજી કંઈ સરખો જવાબ આપે ત્યાં બાબુકાકા આવી પહોચ્યા. થોડી ઔપચારિક વાતચીત પછી એમને ખબર પડી કે આમ ઉઘરાણી અટકી પડી છે. સ્વભાવ પ્રમાણે એ તરત જ બોલ્યા..” તમને વાંધો ન હોય તો હું ભેળો આવું…” મામાને તો સથવારો જોઇતો હતો.બાપુજીને ય હાશ થઈ…!! બેઉ જમીને તૈયાર થઈ ગયાં. બાપુજીએ તો કહ્યું ય ખરું કે થોડી વાર આડા પડખે થઈ ને પછી જાવ…પણ ત્યાં સુધીમાં તો મામાનું બાઇક ફુલીયા હનુમાનજીની દેરી વટાવી ગયું હતું.

રસ્તા માં મામાએ સમજાવ્યું..”બાબુભાઇ…આમ તો માણસો સારા છે..પણ તમારે ભારે મોઢું રાખીને જરાક બીક આપીને બેએક વાત કરવી એટલે આપણું કામ નીકળી જાય..” મામા સમજાવ્યે જતાં હતાં પણ સાંભળે કોણ…? બાબુકાકા તો ભરપેટ જમેલા અને રસ્તે હૂંફાળો તડકો આવ્યો.. તે ઝોકે ચડી ગયેલા… .હા… હું.. હં… એમ હોંકારો આપે.. એમાં થયું એવું કે મામાની શરતચૂકથી બાઈક પાછળ થી આવતી કાર સાથે ધડાકાભેર અથડાયું. તમ્મર જેવું લાગતાં મામા રોડની સાઈડ પર આંખો બંધ કરીને બેસી ગયા. પણ બાબુકાકા ઉંઘમાંથી ઝબ્કયા.. અને બાઘોલાની જેમ જોઈ રહ્યા. જરાક વારે બધું સમજાતાં બાબુકાકા કાર ડ્રાઇવર ને બરાબર ખીજાયા… એક તો ભૂલ મામાની.. પાછી કારની મોંઘી હેડલાઇટ તૂટી અને ઉપરથી બાબુકાકા ખીજાયા.. એકસાથે કારમાંથી ચાર જણ ઉતર્યા.. ને બાબુકાકા ને સરખાઈનો મેથીપાક મળ્યો. ટોળે વળેલા માણસો વચ્ચે પડ્યા ત્યારે માંડ છૂટકારો થયો. પડ્યા એમાં થોડો મૂઢમાર લાગેલો ને ઉપરથી હાડકાં ખોખરા થયા. કોઈએ બાબુકાકા ને પાણી પાયું અને પૂછ્યું કે કેમ આમ થયુ….? ત્યારે એમને યાદ આવ્યું કે બાઈક તો મહેશપટેલ હલાવતાં હતાં… ઈ ક્યાં ગયા..? વળી કોઈએ કીધું કે આ વાંહે નાલાની પાળીએ કોક બેઠું છે… આગળ બાબુકાકા અને પાછળ ટોળું.. એમ મામા પાસે આવ્યા. એમને ય પાણી પાયું. થોડીવારે બેય સ્વસ્થ થયાં. ટોળું વીખરાયું. કંઈ ભાંગ-તૂટ નહોતી થઈ. બાઈકને ઠીકઠાક નુકસાન થયેલું પણ બે કીક માં ચાલુ થઈ ગયું.

એમને જવાનું હતું એ ગામ સાવ નજીક આવી ગયું હતું એટલે બેઉએ નક્કી કર્યું કે હવે આંઈ સુધી આવ્યા જ છીએ તો પતાવતાં જ જઈએ… માંડ માંડ ઘર સુધી પહોંચ્યા. એની ઓસરીના ત્રણ પગથિયાં ચઢતાં ય બાબુકાકા ચાર પગે થઈ ગયેલા. પણ ઘરમાં જઈને જોયું તો હમણાં જેના હાથની ધોલ પડી’તી….એ ચાર જણ નિરાંતે ચા પી રહ્યા હતા..!!! પછી તો ઔપચારિક વાતો થઈ.. પેલા લોકોએ “સોરી” યે કહ્યું. પણ ધાક એવી બેસી ગઈ હતી કે ઉઘરાણી તો દૂર રહી..ચૂં કે ચાં કર્યા વગર બાબુકાકા બેસી રહ્યા.. અને વળી પાછું એકવાર મામાની ઉઘરાણી અટકી પડી. બાબુકાકા ને સ્કૂલમાં સી. એલ. મૂકી આરામ કરવો પડ્યો.

બાપુજી હસતાં હસતાં વારે તહેવારે આ વાત યાદ કરાવતા કહેતાં… કે-“પછી તો બાબુ કોઈ હારે જતો જ નહીં.. એના દીકરા હાટુ છોકરી જોવા જાવા ય મને ભલામણ કરતો..”

લેખક : કોમલ પટેલ

દરરોજ આવી નાની નાની સમજવા જેવી વાત માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી