“આત્મહત્યા” – પિતાના મૃત્યુથી અને પરિસ્થિતિના કારણે આત્મહત્યા કરવા જઈ રહેલો યુવાન..

ક્યાં લખે છે કલમ અમારી નામના મેળવવા કુંજ ?
અમારે તો પહોંચવું છે માત્ર મિત્રોના મન સુધી…!
નથી સાહેબોનો શણગાર જે ટકે બસ જતન સુધી
દોસ્તી છે દસ્તાવેજ દિલનો સાથ આપે કફન સુધી…!
– ઉપેક્ષિત

સવારનો સમય હતો, શિયાળાની સિઝન હોવાથી કાતિલ ઠંડી લાગી રહી હતી, ધુમ્મસ એટલું હતું કે ૨ ફુટ આગળનું કશું દેખાતું ન હતું, ઠંડી કહે મારું નામ તોય હિરાધસું લોકો તો બાઈકની ઝડપે ચાલીને સ્ટેશન જઈ રહ્યાં હતાં, ન્યુઝપેપર નાંખવા વાળા સાઈકલ સાઈડ ઉપર મૂકી પેપરોમાં ઍડવર્ટાઈઝ નાં કાગળો મૂકી સરખા કરી રહ્યાં હતાં, સિનિયર સિટિઝન ગૃપ આટલી કાતિલ ઠંડીમાં પણ મોર્નિંગ વૉક કરી રહ્યાં હતાં. ચાની લારી ઉપરથી કપ-રકાબી ધોવાનો અવાજ આવી રહ્યો હતો, રેડિયા ઉપર આકાશવાણી નાં સમાચાર Live ચાલતાં હતાં.

“વિકાસકાકા, 1 ચાહ આપો ફટાફટ” અંકિતે ચાનો ઓર્ડર આપતાં કહ્યું.
“અરે, હા. આપું છું અંકિતભાઈ, એમ કહી 1 ગ્લાસમાં કટીંગ ચા રેડી ધ્રુજતાં ધ્રુજતાં અંકિતભાઈ ને ચા આપી.

આ અંકિત એટલે ચંદ્રકાન્ત બક્ષીજી એકનો એક દિકરો, ચંદ્રકાન્ત બક્ષીજીનાં શહેરમાં ૪ હિરાનાં કારખાનાં, ૨ મોટી હોટલ. ખુબ જ ધનાઢ્ય પરિવાર, અંકિત હાલ, કૉલેજનાં બીજા વર્ષ માં હતો. દરરોજ સવારે મોનિંગ વૉક કરવાં આવતો અને વિકાસભાઈ નાં હાથની જ ચા પીતો. કારણ કે વિકાસભાઈનાં હાથમાં ચા બનાવવાની જબરી કારીગીરી હતી.
વિકાસભાઈનો દિકરો ધ્રુવ અને અંકિત એક જ ક્લાસમાં ભણતાં હતાં.
ધ્રુવ ખૂબ જ સારું વ્યક્તિત્વ ધરાવતો અને ખુબ જ ખુશ કહેતો. ‘બોમ્બે ચૉલ’ નાં તમામ વ્યક્તિ સારી બાબત માટ હંમેશાં ધ્રુવ નું ઉદાહરણ આપતાં. ભણવામાં હોશિયાર હતો, વિકાસભાઈ એ તેને ખુબ જ આગળ ભણાવવું હતું, તોય ધ્રુવ સવારમાં વહેલો ઉઠી પિતાની લારી એ જતો અને મદદ કરતો, કૉલેજ જતો છોકરો હોવાં છતાં ય કપ-રકાબી ધોવામાં પણ એને શરમ ન આવતી. એ પણ “સંજય રાવલ” સર નાં કહેવામાં માનતો હતો “જે કરો એ બૅસ્ટ કરો”…

પહેલાં અંકિતને ખબર ન હતી કે આ વિકાસભાઈ ધ્રુવના પિતા છે, ખબર પડતાં જ અંકિત અને ધ્રુૃવ સાથે રહેવા લાગ્યાં, અંકિતને ધ્રુવની મિત્રતા પસંદ હતી, બંન્ને ની દોસ્તી દિવસે દિવસે ગાઢ બનવાં લાગી, બંન્ને વચ્ચે એક એવાં મૈત્રી સબંધો બની ગયાં કે એકમેક વગર ક્યાંય જવાંનું ય નામ ન લેતાં. કૉલેજ જતા પણ સાથે અને આવતાં પણ સાથે. રવિવારે વિકાસકાકા પાસે રજા લઈને ફરવા પણ નિકળી પડતાં. અંકિત ને ખબર હતી ધ્રુવની પરિસ્થિતિ છતાં કોઈ દિવસ એણે બંન્ને ની તુલના કરી ન હતી.
દરરોજ અંકિત મૉર્નિંગ વૉક કરે અને આવીને વિકાસભાઈ ના હાથની ચા પીવે, ક્યારેક ધ્રુવ અને અંકિત સાથે મળીને બનાવીને પણ પી નાંખે…
સમય જતો ગયો… દોસ્તી એક મિશાલ બનતી ગઈ…

એક દિવસ અંકિત મોનિંગ વૉક કરીને આવ્યો અને ચા પીવા માટે વિકાસભાઈની લારી પાસે ગયો તો જોયું “આ શું! વિકાસભાઈની લારી હતી જ નહીં, ત્યાં ગયો અને જોયું તો ધ્રુવ અને એનાં પિતા વિકાસભાઈ બંન્ને માથે હાથ દઈને બેઠા હતાં.
“અરે! ધ્રુવ શું થયું અને તમારી લારી ક્યાં છે, તમૈ બંન્ને રડો છો શા માટે?” અંકિતે પૂછ્યું.

ધ્રુવે આંસું લૂછતાં લૂછતાં બોલ્યો, “યાર, આ નગરપાલિકા ની જગ્યા છે, દરરોજ ભાડું ચૂકવતાં હોવા છતાં આજે આવી ને કહેવાં લાગ્યાં કે “આ અમારી જગ્યા છે અને રસ્તાને નડતરૂપ હોવાથી આ લારી આજથી બંધ કરવી પડશે” આટલું બૉલી ફરી એની આંખો વહેવાં લાગી.
“દિકરાં, અમેં બંન્ને બાપ-દિકરાંની રોજીરોટી સમાન આજ એક લારી હતી, એને બચાવવાં મેં ધણાં પ્રયત્નો કર્યા છતાં એ લોકો ન માન્યાં અને મારી લારી ઉંચકી ગયાં, ધરની એક જ મીણબત્તી હતી એનેય આ કોર્પરેટ ગુંડાઓએ બુઝાવી નાંખી.” આંસું સતત વહેતાં રહ્યાં અને વિકાસભાઈ સમજાવતા રહ્યાં.

“અરે, તમે શા માટે ગભરાવ છો, મારા પિતાની સારી ઓળખાણ છે, હું મારી મિત્રતા નિભાવીશ, જરુર તમારી મદદ કરીશ, રડવાનું છોડી દો, અને શાંતિથી તમે ધરે જાવ, મારે બે દિવસ ધરની બહાર જવાનું છે, બે જ દિવસની રાહ જોવ હું કંઈક કરું છું” અંકિતે આશ્વાસન આપી બંન્ને બાપ-દિકરાંને ધરે રવાના કરી દીધાં.

બંન્ને બાપ-દિકરાં વિચારવાં લાગ્યાં કે હવે, કરવું શું, ધરની પરિસ્થિતિ એટલી સારી ન હતી કે 2-3 દિવસ પણ ધર ચાલી શકે, કારણ કે એક જ ધરની આવક હતી એનેય છીનવી લીધી. અને શહેર પણ એટલું ગીચ હતું કે બીજે ધંધો કરી શકાય એમ ન હતો. બંન્ને એ રાત્રે સવારનું જે બચ્યું હતું એ જ જમીને સુઈ ગયાં. સવારે ધ્રુવ ઉઠ્યો તો જોયું કે એના પિતા હજી સુતા હતાં. ધ્રુવે વિચાર્યું કે “પિતા આખી રાત સુતા ન હશે એટલે થોડી વાર સુવા દઉં” એમ વિચારી ધરનું કામ કરવાં લાગ્યો.

લગભગ ૧૦ વાગી ગયાં હતાં, છતાં વિકાસભાઈ હજી ઉઠ્યાં ન હતાં, ધ્રુવને શંકા ગઈ કે હજી ન ઉઠ્યાં પિતાજી, એટલે તેમની પાસે ગયો અને પપ્પાને ઉઠાડવાં લાગ્યો, છતાં પિતા ઉઠતાં ન હતાં. ધ્રુવ હાથ લગાવીને ઉઠાડવાંનો પ્રયત્ન કર્યો તોય ન ઉઠ્યાં. એકાએક ધ્રુવ ને ખબર પડી એની નીચેથી ધરતી સરકી ગઈ એના પિતાનાં શ્વાસ બંધ હતાં. ખુબ જ જોરથી રડવાં લાગ્યો અને બૂમો પાડી તમામને ભેગા કર્યાં. ડૉક્ટરને બોલાવવામાં આવ્યાં ડૉક્ટરે આવી ને તપાસ કરી અને કહ્યું કે “વિકાસભાઈ હવે, આ દુનિયામાં નથી રહ્યાં, પ્રાથમિક તારણ એવું કહ્યું કે “કોઈ મોટા દુઃખ નાં આધાતનાં લીધે એમને “હાર્ટએટેક” આવ્યો હશે”

ધ્રુવની હાલત કાપો તો લોહીનાં નિકળે એવી થઈ ગઈ. ડધાઈ ગયો , થોડી ક્ષણો પૂરતું દિલ ધબકાર લેવાનું ચુકી ગયું, ખુબ જ આક્રંદથી રડવાં લાગ્યો, લોકોનાં ધણાં પ્રયત્નો છતાં એની આંખો નાં આંસું પ્રવાહ બંધ કરે એમ ન હતી.થાય પણ કેમ કારણકે એક જ વ્યક્તિ હતી દુનિયામાં એ જ એને નિરાધાર કરીને જતાં રહ્યાં. જીવનમાં પહેલીવાર આટલું રડતો હતો, શહેરમાં પોતાનું કોઈ હતું નહીં એટલે બૉમ્બે ચૉલનાં તમામ લોકો સાથે ક્રિયાક્રમ પતાવ્યો. આગ આપતી વખતે તો લોકો નો સહારો લેવો પડ્યો હતો એ તો ઉભી રહી શકે એ પરિસ્થિતિમાં પણ ન હતો.
લગભગ કેટલાંય કલાક થઈ ગયાં હોવાં છતાં મોં માંથી એક પણ શબ્દ બોલવાં વગર બસ આંખો જ વહેતી રહી, ખુબ જ રડતો રહ્યો.

૪-૫ દિવસ થઈ ગયાં હોવાં છતાં અન્નનો દાણો મોંમાં ન મૂક્યો, બસ, પિતાનાં જ વિચારોમાં આંસું સાર્યે જતો. તદ્દન પડી ભાંગ્યો હતો, તમામ હિંમત હારી ગયો, વિચાર કરતાં કરતાં એણે નક્કિ કર્યું કે બસ, હવે એક જ રસ્તો છે “આત્મહત્યા”, બસ આ દુનિયામાં રહી ને કરવું જ શું છે? બસ, આત્મહત્યા કરવાનું વિચારી, હાથમાં કાગળ અને પેન લીધી અને “સ્યુસાઈડ નોટ” લખી. એ પણ ફક્ત એટલી જ કે “પિતા, હું આવું છું…” આટલું લખી ધરનાં ખૂણામાં રાખેલ દોરડું લીધું અને તૂટેલી ટેબલ અને દોરડું બાંધ્યું છત નાં પંખા ઉપર અને ગાળીયો ગળામાં નાંખતો જ હતો….

“ધ્રુવ ક્યાં છે, ચાલ આપણે આજે જવાનું છે, મેં મસ્ત વ્યવસ્થા કરી છે આપણી ચા ની લારીની” દરવાજો જોરથી ભટકાવતાં જ અંકિત અંદર આવ્યો.

અંદર આવતાં ની સાથે જ ધ્રુવ ને આ હાલતમાં જોતાં જ જલ્દીથી એને નીચે ઉતાર્યો અને ગુસ્સામાં ૧ ઝાપટ આપી દીધી.
“આ શું કરે છે તું પાગલ, શું કરે છે શું??” કાળોપીળો થતાં અંકિતે ગુસ્સામાં પૂછ્યું.
ધ્રુવ બસ આંસું જ હતાં, શબ્દો તો એ ભૂલી જ ગયો હતો.
છતાં દિલને થોડું સારું લાગ્યું પોતાના બિત્રને જોઈને અને થોડી હિંમત ભેગી કરી અંકિતને બધી વાત જણાવી.

અંકિત પણ થોડો ડધાય ગયો, ટપ ટપ કરતાં આંસું વહી પડ્યાં કારણ કે એ પોતે પણ વિકાસભાઈને પિતા સમાન માન આપતો હતો. બંન્ને મિત્રો આજે એકબીજાને ભેટીને ખૂબ જ રડ્યાં. થોડાં સ્વસ્થ થઈ અંકિત ધ્રુવ માટે લાવ્યો હતો એ પોતાના હાથે ખવડાવ્યું.
ધ્રુવને શાંતિથી બેસાડ્યો અને સમજાવતાં કહ્યું :

“પણ, આવું થયું વિકાસકાકા ન રહ્યાં, ખબર છે એમના વિના તારું જીવન ખુબ જ ખરાબ છે, પણ તું આ “આત્મહત્યા” કરવાનું શા માટે વિચાર્યું? દુનિયાથી કે તકલીફોથી ડરી આત્મહત્યા કરનાર “ડરપોક” કહેવાય. કંઈક કરવાની ધગશ રાખ, કંઈક એવું કરવાનું વિચાર કે આગવી ઓળખ ઉભી થાય, મરી જઈશ તો ફક્ત ૧૦ દિવસ લોકો યાદ કરશે.. પણ જો એવું કરશે કે આખી દુનિયા તને યાદ જીવનભર યાદ કરે. જીવનની તકલીફોનો સામનો થાય એટલી તાકાત ભગવાન સૌને આપે જ છે, છતાં આપણે એ શક્તિ ઉપયોગમાં લેતાં જ નથી, માનવ હંમેશા તકલીફોથી ડરે છે, સામનો નથી કરતો આવા વ્યક્તિ આજે દુનિયામાં પાછળ રહી જાય છે, અને હા, કોઈ પણ સમસ્યાનો ઉકેલ આત્મહત્યા છે જ નહીં, મને જણાવ ને તારી તકલીફ હું તારો બૅસ્ટ ફ્રેન્ડ છું ને! મને કહી દે, આમ આત્મહત્યાનું પગલું તે ખુબ જ ખોટું લીધું છે, કોઈ દિવસ કંઈ ખોટું ન કરનાર આજે જીવનમાં આટલી મોટી ભૂલ કરવા જઈ રહ્યો હતો, ભગવાનની કૃપા અને દયાથી સમયસર હું આવી ગયો નહીં તો…. ન થવા નું થઈ જાત…. માનવ જીવન મળ્યું છે તો એનો સદ્દઉપયોગ કરતાં શીખવું જોઈયે, આ નાના અમથા જીવનને વ્યર્થ ન કરતાં હંમેશા સારા કામ માં લગાવી દેવાનું હોય…

આપણી તકલીફ કંઈ છે જ નહીં ભગવાન રામ રાજકુમાર હોવાં છતાં વનવાસ જવું પડ્યું હતું, ગાંધીજી ને કેટકેટલી તકલીફો વેઠી આપણાં દેશ ને આઝાદ કરાવ્યો હતો. એ લોકો ડરી ને આત્મહત્યા ન કરી ઊલ્ટું તકલીફો નો મન મક્કમ રાખી સામનો કર્યો. નાની-મોટી તકલીફ જીવનમાં આવતી જતી રહે છે, એનાથી ડરતો નહીં”

“હા, અંકિત હું નહીં ડરું તકલીફોથી, હંમેશા માટે. આજે તે ખુબ જ સારી મિત્રતા નિભાવી છે, મારું જીવન બક્ષીને , આભાર તારો કે તે તું મારો મિત્ર છે, તારી વાત હંમેશા ધ્યાન રાખીશ, તકલીફનો સામનો કરીશ, સુખ-દુઃખ ને એકસમાન ગણીશ.” આજે ધ્રુવ મક્કમતાથી બોલ્યો.

“અને હા, આજ થી આ બૉમ્બે ચૉલ છોડી મારી સાથે જ રહેવાનું છેે, મારા ધરે, અને પિતાનાં કારખાનાં આપણે જ સંભાળવાના છે” અંકિતે કહ્યું
“ના, આજ મારું ધર છે મિત્ર મારે મારા પોતાના આત્મવિશ્વાસ, લગન અને મહેનત થી પોતાની જાત ઉપર કંઈક કરવું છે, મિત્ર તારો સાથ જોઈશે બસ, આજથી જ લગન અને મહેનત ચાલું કરી દઈશ, અને હા, હું જીવનભર આત્મહત્યા નહીં કરું, અને ન કોઈને કરવાં દઈશ” ધ્રુવની છાતી થોડી ફુલી ગઈ.

“તારા જેવા મિત્ર ભગવાન સૌને આપે અંકિત, તું ન હોત તો મારું શું થાત? એ વિચાર માત્રથી મને કંપારી આવે છે,,, આભાર તારો મિત્ર. ધ્રુવની આંખમાં હવે, ખુશીનાં આંસું હતાં.

આટલી વાત પુરી કરી બંન્ને છુટા પડ્યાં, અને ધ્રુવ વિકાસભાઈ નાં ફોટા ને નમન કરી ભરપુર આત્મવિશ્વાસ સાથે નિકળી પડ્યો દુનિયાની અસંખ્ય ભીડ સાથે લડવાં અને પોતાનું નામ બનાવવા…

“આત્મહત્યા કોઈ સમસ્યાનો ઉકેલ નથી, હિંમત, લગન, અને વિશ્વાસથી તમે દુનિયા જીતી શકો છો”

લેખક : કુંજ જયાબેન પટેલ “સ્વવિચાર”

દરરોજ આવી નાની નાની વાર્તાઓ માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી