કોરું કંકુ – દરેક પતિ પત્નીએ વાંચવા જેવી આ લગ્નજીવનના ઉતાર ચઢાવવાળી લાગણીસભર વાર્તા…

ઓરડા આખામાં ઠેરઠેર કોરું કંકુ વિખરાયેલું હતું.. આંખના પલકારામાં તો એ કંકુની ડબ્બીને ઉછાળીને ચાલ્યો ગયેલો. અને નિહા પલંગ પર ખોડાઈ રહી.

પલંગની બિલકુલ સામે જ અરીસો હતો. નિહા તેમાં પોતાના ચહેરાને ધારી-ધારીને જોવા લાગી. નિગમે ફેંકેલા એ કંકુના છાંટા તેના ચહેરા પર પણ ઉડ્યા હતાં. બસ જ્યાં હોવા જોઈએ ત્યાં જ નહોતાં.. બે કલાક પહેલા તો હજુ બધું બરાબર હતું. નિગમ તેના વાળમાં હંમેશાની જેમ વેણી નાખી રહ્યો હતો. નિહા તેને ગમતી ગુલાબી સાડીમાં તૈયાર થઈને બેઠી હતી. આજે કેટલા દિવસો બાદ બંને પતિ-પત્ની બહાર જઈ રહ્યા હતા. છેલ્લા અમુક સમયના બનાવોથી બંનેના જીવનમાં જે વંટોળ ફૂંકાયો હતો આજ તે જરા શાંત પડ્યો હતો. નિગમે સામેથી જ નિહાને ફોન કરેલો ને તેની મનપસંદ રેસ્ટોરંટમાં જમવા જવાનો પ્લાન બનાવેલો.

‘લે ચલ.. સેંથો પૂરી દે..’

નિહાએ નિગમની સામે જોઇને મારકણી અદામાં કહ્યું. નિગમ પણ એ નજરને જોઇને ગુસ્સો, ઝગડા બધું જ ભૂલી ગયો.

‘અહીં આવ નજીક.’

નિહા આ સાંભળતા જ તેની નજીક આવી.. નિગમે એને પોતાની તરફ ખેંચી અને એની આંખોમાં જોયું પછી કપાળ પર ચુંબન કરીને કંકુની ડબ્બી ખોલી. નિહાને લાગ્યું નિગમ બહુ સારા મુડમાં છે.. તેણે ધીમે રહીને પૂછ્યું,

‘નિગમ, તમે પછી કંઈ તપાસ કરી હતી? ક્યાય મેળ પડે એવું છે.. નાનું-મોટું કંઈ પણ..’

નિગમને અણગમતો પ્રશ્ન છે એ જાણતા હોવા છતાંય નિહાએ તેને એ પ્રશ્ન પૂછ્યો.. આ સાંભળતા જ કંકુની ડબ્બી અધખુલ્લી રહી ગઈ અને સેંથો ભરવા ઉંચો થયેલો નિગમનો હાથ અટકી ગયો.. તેની સામે જોઇને લાલઘુમ આંખો સાથે નિગમે જવાબ આપ્યો,

‘નિહા આજની સાંજ પણ તારે બગાડવી છે?’

‘પણ નિગમ.. બંને છોકરાઓની ફીઝ, આપણે લીધેલી જાતજાતની લોનના ઇન્સ્ટોલમેન્ટસ બધું જ બાકી છે..’

‘તો? તું કમાઈ તો છે.. તારા માં-બાપને આપવાને બદલે તારું પોતાનું ઘર ચલાવ ને.. જરૂર જેને પહેલા હોય તેને મદદ કરાય.. તારી ફરજ પહેલા તારા વર અને બાળકો પ્રત્યે છે પછી તારા મા-બાપ પ્રત્યે..’

ને નિહાનો પીતો છટક્યો..

‘તારે નકામું બનીને ઘરમાં બેસી રહેવું છે.. અને હું મારા મા-બાપને મદદ કરું એ પોસાતું નથી.. નિગમ આપણા લગ્ન થયા ત્યારે મેં તને ચોખ્ખું કહેલું કે હું જે પણ કમાઈશ.. જેટલું પણ કમાઈશ.. એ બધું જ એમને આપી દઈશ.. એ લોકોએ મને કેવી રીતે મોટી કરી છે. ભણાવી છે એ તું જાણે છે ને? ઉપરથી હું એમની એકની એક દીકરી છું.. હું નહીં મદદ કરું તો કોણ કરશે?’

‘લગન જ ના કરાય તો પછી.. જો આવા શ્રવણ કુમારી બનવાના ઓરતા હોય ને તો.. સાલા પોતાના ઘરનાં ઠેકાણા નથી ને હાલી નીકળ્યા છે મા-બાપને મહિને પચીસ હજાર રૂપિયા આપવા.. એમને આટલા રૂપિયાની શું જરૂર હોય? અને એકલી દીકરી એકલી દીકરી.. લગ્ન થયા ત્યારથી સાંભળતો આવ્યો છું એકલી દીકરી.. બહુ એવું હતું તો તારા બાપને કહેવાય એક સપુત પેદા કરી લે..’

ને સટાક.. નિહાએ નિગમને થપ્પડ લગાવી દીધી.. ને બસ ત્યારે જ ગુસ્સામાં ધૂંધવાતો ધૂંધવાતો નિગમ એ કંકુની ડબ્બીને ફેંકીને બહાર ચાલ્યો ગયો અને તે કંકુના છાંટા આખા ઓરડામાં ઉડ્યા.. અમુક નિહાના કપાળ પર પણ ઉડ્યા.. બસ સેંથામાં નહોતું કંકુ..!!

નિગમ અને નિહા કોલેજમાં સાથે જ ભણતા.. થઇ ગયો બંનેને પ્રેમ. નિગમના માં-બાપ એ પંદર વર્ષનો હતો ત્યારે જ એક અકસ્માતમાં મૃત્યુ પામેલા. એ પછી ત્રણ વર્ષ એના કાકા જોડે રહીને તેણે બારમું પૂરું કર્યું અને કોલેજમાં આવ્યો ત્યારે આ શહેરમાં આવી ગયો.. અહીં તે જાતે કમાતો.. સવારે કોલેજ જાય અને રાત્રે કોલ સેન્ટરમાં જોબ કરે.. એમાંથી તેની ફીઝ અને મહિનાનો ખર્ચો નીકળે.. એ ઉપરાંત તેના નવાબી શોખ પણ પુરા થાય.. કોલ સેન્ટરનો પગાર ઘણો વધારે..! નિહા સાથે પરિચય થયા પછી એ પ્રેમમાં પરિવર્તિત થયો અને અંતે પરિણયમાં. નિહાના મમી-પપ્પાને નિગમનું ઘરનું ઘર જોઇને સંતોષ થઇ ગયેલો.. એ ઉપરાંત દીકરી ખુશ છે એ જાણીને તેમણે નિગમ વિશે વધુ તપાસ નહોતી કરી. લગ્ન પણ બંનેના સાદાઈથી જ થયેલા. નિહાના પિતાજીને મોબાઈલ રીપેરીંગની નાનકડી દુકાન હતી. બાવીસ વર્ષની નિહાએ કોલેજ પૂરી થઇ એ સાથે જ એક લોકલ કંપનીમાં પંદર હજારના પગારે નોકરી લઇ લીધી હતી.. ને તરત જ છ મહિનામાં નિગમ સાથે લગ્ન પણ કરી લીધેલા. લગ્ન વખતે નિહાએ શરત કરેલી કે એ પોતાનો બધો જ પગાર તેના માં-બાપને આપી દેશે.. એ સમયે કોલ સેન્ટરમાંથી મહિનાના લાખ રૂપિયા કમાતા નિગમને એ વાતનો કંઈ જ વાંધો નહોતો.

આજે લગ્નના બાર વર્ષ બાદ એ બંને બે બાળકોના માતા-પિતા બની ચુક્યા હતા. છેલ્લા એક વર્ષથી નિગમ ઘરે જ બેઠો હતો.. તેની કોલ સેન્ટર કંપનીમાં રેઇડ પડ્યા બાદ તેને નોકરીથી હાથ ધોવા પડેલા.. એ બાદ નિહાએ તેને સાથ અને સહકાર આપ્યો હતો.. તેના પડખામાં લપાઈને પતિને હુંફ અને સધિયારો આપવા સાથે વિશ્વાસ પણ અપાવ્યો હતો.. પરંતુ નિગમ આ બધું બહુ લાઈટલી લઇ રહ્યો હતો.. તેને હવે નોકરી વગર રખડવાની અને નિહાના પૈસે જીવવાની આદત પડી ગયેલી..

ત્રણ મહિના પહેલાના એ રવિવારે બંને પતિ-પત્ની અને બાળકો નાસ્તો કરવા બેઠા હતા…

‘અરે પપ્પા.. આવો ને.. અચાનક આવી ગયા? મને કહેવાય તો ખરા.. હું નિગમને કહેત ને.. એ તમને લેવા આવી જાત..’

‘અરે બેટા.. આ તો અમસ્તા જ.. કેટલા દિવસથી મળ્યા નહોતા તો અમે વિચાર્યું કે જઈ આવીએ..’

‘સારું કર્યું.. ચાલો હવે જમીને જ જજો.. બેસો..’

નિહાએ તેમને બેસવાનું કહ્યું અને રસોડામાં ચાલી ગઈ..

‘અરે જરા અહીં આવજો ને..’

નિગમને રસોડામાં બોલાવતા તેણે કહ્યું..

‘હા બોલ.. શું થયું?’

‘અરે જરા બાસુંદી ને ખમણ લઇ આવો ને.. મમી-પપ્પા આવ્યા છે ને છોકરાઓ પણ ઘણા ટાઈમથી કહેતા હતા..’

‘સારું.. લાવ, પૈસા ક્યાં છે?’’

નિગમનો સવાલ સાંભળી નિહા ઘડીભર તેને તાકી રહી.. કોલેજના સમયે જે નિગમ તેને પર્સમાં હાથ પણ ના નાખવા દેતો આજે તે બિન્દાસ ૨૦૦-૩૦૦ રૂપિયાની વસ્તુઓ લાવવા માટે તેની પાસે પૈસા માગી રહ્યો હતો..

‘નિગમ.. બે દિવસ પહેલા જ તો તમે પર્સમાંથી બે હજાર લીધા હતા ને?’

શાંતિથી મગજ ગુમાવ્યા વગર નિહાએ પૂછ્યું.. આ ઉલટતપાસથી અચાનક નિગમનું સ્વમાન ઘવાયું..

‘કેમ હે?? મારી પાસે હિસાબ માંગે છે? શરમ નથી આવતી.. હું કમાતો નથી એવો અહેસાસ કરાવવાનું બંધ કર નિહા..’

‘નિગમ, ધીરે બોલો.. હું એવું કંઈ જ નથી કરતી.. બસ પુછુ છું કે બે દિવસમાં તમે બે હજાર ક્યાં વાપરી નાખ્યા? તમે જાણો છો ને અત્યારે કેટલી ખેંચ છે? છોકરાઓની ફી ભરવાની બાકી છે.. મેં પ્રિન્સીપાલ પાસેથી બે-ત્રણ મહિનાનું એક્સટેનશન લઇ લીધું છે.. પણ તોય આપણે સમયસર એ માંગે એ પહેલા ભરી દેવી જોઈએ..’

‘મને નહીં શીખવાડ મારે શું કરવું બરાબર??  અમે બધા ફ્રેન્ડસ પરમદિવસે જમવા ગયેલા હોટલમાં.. તો ત્યાં ખર્ચો થઇ ગયેલો.. બે દિવસ પછી એક ફ્રેન્ડની પાર્ટી છે.. એમાં જવાનું છે એટલે ઝેડ બ્લુંમાથી શર્ટ લઇ આવ્યો.. એમાં વપરાઈ ગયા.. બોલ હજુ શું જાણવું છે?’

નિગમે નિહાને જવાબ આપતા કહ્યું..

‘નિગમ છોકરાઓને નવાં કપડાં લેવા છે છેલ્લા છ મહિનાથી.. હું નથી લઇ દેતી.. ને તમે આમ વગર કારણે.. જાત પર શરમ નથી આવતી?’

‘તને નથી આવતી શરમ.. મહિનાના ચાલીસ હજાર રૂપિયા કમાય છે છતાય તારા છોકરાઓની ફીઝ નથી ભરી શકતી.. એમને નવાં કપડાં લઇ દેવાની જગ્યાએ તારા મા-બાપને એ ચાલીસમાથી પચીસ હજાર રૂપિયા આપી દે છે દર મહીને..’

ને નિહાનો મગજ ગયો.. ઉંચો અવાજ કરીને તે બોલવા લાગી..

‘બહુ થયું નિગમ.. મને એમ કે તમને તમારી જવાબદારી સમજાશે.. આજ નહીં તો કાલ.. પણ એમ કરતા કરતા નવ મહિના થઇ ગયા તમે નોકરી છોડ્યાને.. બેકાર છો તમે.. અને તમને આ બેકારી ગમવા લાગી છે.. મેં જે નિગમને ચાહ્યો હતો એ તો મારી કમાણી કે મારા પર્સ તરફ તરફ નજર સુદ્ધા નહોતો કરતો…

હું જાવ છું.. છોકરાઓને લઈને.. તને સમજાય ત્યારે આવજે..’

નિગમે પણ આ સાંભળતા જ ગુસ્સામાં મોં ફેરવી લીધું.. નિહાના મા-બાપ મુક બનીને બધું સાંભળી રહ્યા..

‘ચાલો પપ્પા.. મમી.. ચાલો એને સમજાય તો ભલે બાકી જરુરુ નથી અમારે એની.’

અડધી કલાકમાં કપડાની બેગ ભરીને બંને છોકરાઓ સાથે તૈયાર ઉભેલી નિહાએ તેના માં-બાપને કહ્યું..

‘દીકરી આ રીતે તારું ઘર ના છોડાય.. તકલીફ તો દરેક લગ્નમાં હોય.. અને આમાં તો અમારા લીધે જ તને તકલીફ પડી છે.. મને તો ડૂબી મારવાની ઈચ્છા થાય છે.. પ્લીઝ દીકરી મારે ખાતર અહીં રહી જા…’

રડતા રડતા નિહાના મમી બોલ્યા.. એનો જવાબ આપતા તેણે કહ્યું,

‘શું કરવા મમી? મારી જવાબદારી તમારા પ્રત્યે પણ છે.. આ વાત એને સમજાતી નથી તો છો ના સમજાય.. તું બહુ વિચાર ના કર.. ચલ અહીંથી.. મારે અપમાનના ઘૂંટડા ભરવા અહીં નથી રહેવું..’

ને નિહા આગળ થઈને ઘરની બહાર નીકળી ગઈ.. નિહાના પપ્પાએ નિગમને સમજાવવાનો પ્રયત્ન કર્યો.. પણ એ ના જ માન્યો…

એ દિવસ બાદ આજે ત્રણ મહીને તે બંને ફરી મળ્યા હતા.. ને આ મુલાકાત પણ કટુતાભરી બનીને રહી ગઈ..

પોતાના ઓરડાની બારીમાંથી બહાર જોઈ રહેલી નિહાના ચહેરા પર વિષાદ છવાયેલો હતો.. તેના મોં પર ઉડેલા એ કંકુના છાંટા તેણે સાફ નહોતા કર્યા.. ઘડી ઘડી એ કંકુની ડબ્બીને તે તાકી રહેતી.. તેને લગ્ન પછીનો બીજો દિવસ યાદ આવી ગયો..

‘એય, ઉઠ હવે ચલ.. આમ તો જો સાવ કપડા વગરનો સુતો છે..’

સવારના આઠ વાગ્યે તૈયાર થયેલી નિહા નિગમને જગાડવાના વ્યર્થ પ્રયત્નો કરતી હતી.. પણ તે કેમેય કરીને જાગતો નહોતો..

‘હા સારું જા તો ના જાગતો.. હવે હું મારી જાતે જ સિંદુર કરી લઈશ.. ને એ પણ આ લિપસ્ટિકથી..’

ને આ સાંભળતા જ અચાનક શું થયું કે નિગમ સફાળો બેઠો થઇ ગયો..

‘એય.. ઉભી રહેજે હોં.. ખબરદાર જો એવા લિપસ્ટિક બીપ્સ્ટિકથી સિંદુર કર્યું છે.. આપણે વાત થઇ હતી ને જાન? તને રોજ સવારે સેંથો હું ને ફક્ત હું જ પૂરી દઈશ.. ગમે તે થાય..’

‘તો તું ઉભો નહોતો થતો.. હું શું કરું.. મારે પછી દર્શન કરવા જવું છે.. મમીએ કહ્યું છે દર્શન કરવા જવાનું..’

‘ઓહો.. મારી શોર્ટ્સ પહેરતી સેક્સી ગર્લફ્રેન્ડ હવે મારી ડેડીકેટેડ દર્શન કરવા જનારી બૈરી બની ગઈ છે… યેય..’

ને પછી અચાનક જ નિહાની નજીક જઈ નિગમે તેને ખેંચીને આલિંગનમાં લઇ લીધી.. સવારની સુગંધ તેમના પ્રેમભર્યા સંબંધમાં ભળીને હવામાં તરબત્તર થઇ રહી હતી..

ને એ જ દિવસથી નિયમ બની ગયો.. નિહાનો સેંથો ફક્ત ને ફક્ત નિગમ જ ભરતો.. એ પણ કોરા લાલચટ્ટક કંકુથી..

આજે એ દિવસને યાદ કરીને નિહા રડી રહી હતી..

‘દીકરી.. બસ હવે રડ નહીં.. ચાલ જમી લે..’

તેના મમી આવ્યા અને કહ્યું.. નિહાએ એમની સામે જોઇને કહ્યું..

‘મા.. મારો સંબંધ પણ કોરો રહી ગયો.. મારા સેંથાની જેમ.. મને એમ કે આ કોરું કંકુ અમારા પ્રેમની, લગ્નજીવનના સુમધુર સહવાસની અને સાથની નિશાની બનશે.. આ તો મને કડવી વાસ્તવિકતા સમજાવી ગયું.. આજ દસ વર્ષ બાદ મારો સેંથો પણ કોરો રહી ગયો અને આ સંબંધ પણ.’

ને નિહા ચુપ થઇ ગઈ.. તેના મમ્મી તેની પીઠ પસવારતા રહ્યા.. થોડીક ક્ષણના મૌન પછી તે ફરી બોલી..

‘મા.. પપ્પાને કે વકીલને મળી લે.. મારે ડિવોર્સ ફાઈલ કરવા છે..’

ને તેના મમી ચોંકી ગયા..

‘નિહા.. ખોટા ઉતાવળિયા નિર્ણય નહીં લે દીકરા..’

‘મા.. પ્લીઝ..’

ને એટલું કહીને નિહા ત્યાંથી ચાલી ગઈ..

બે દિવસ પછી નિગમને ડિવોર્સના પેપર્સ મળી ગયા હતા..

છ મહિના સુધી એમની ડિવોર્સની પ્રોસેસ ચાલી..

એ દિવસે છેલ્લું હિયરીંગ હતું..

બંને એકસાથે જ કોર્ટના ચોગાનમાં ભેગા થઇ ગયા.

ગુલાબી અને સફેદ પંજાબીમાં સજ્જ નિહાને જોઇને નિગમ બે ઘડી જોતો જ રહ્યો..

‘નિહા.. સરસ લાગે છે..’

‘હમમ..’

અચાનક નિગમની નજર નિહાના કપાળ તરફ ગઈ..

‘કેમ આજે સેંથો પૂરીને આવી છે? એ પણ આવો લિપસ્ટિક જેવો?’

‘હા.. તને ગમે એવું કરવું જરૂરી નથી હવે મારા માટે..’

ને અચાનક શું થયું કે નિગમ નિહાને વળગી પડ્યો.. ને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.. નિહા તેની પીઠ પર હાથ ફેરવતી રહી.. કેમ જાણે સધિયારો આપતી હોય..

‘સોરી નિહા.. મને માફ કરી દે.. પ્લીઝ આઈ એમ સોરી.. તારા વગર હું કશું જ નથી.. મેં તને બહુ હેરાન કરી છે. પણ હવે નહીં.. પ્લીઝ આ છેલ્લી વાર તક આપ મને.. આ કોરા સંબંધને હું હવે ભીતરથી ભીનો કરીશ… પ્રેમના સિંચન વડે એને રોજ સહેલાવીશ.. ને તારા સેંથામાં કોરું કંકુ ભરીશ.. પણ હા એમાં મારી લાગણીની ભીનાશ અને મીઠાશ ભળેલી હશે જ..!!

અને હા.. મમી-પપ્પા હવે આપણી સાથે રહેશે.. હંમેશા !’

ને નિહાની આંખમાં આ સાંભળતા જ આંસુ આવી ગયા.. હર્ષના આંસુ.. એ નિગમને પ્રેમભરી નજરે જોઈ રહી… જાણે તેની આંખોમાં સમાવી લેવા ઈચ્છતી હોય એ ક્ષણને કેદ કરવા ઈચ્છતી હોય તેમ જ..!!!!

લેખિકા : આયુષી સેલાણી