કોને કહેવું – બાળપણ ની નિર્દોષ મૈત્રી અને યુવાનીનો અણીશુદ્ધ પ્રેમ… એનો બધાએ કેવો અર્થ કાઢ્યો છે ??

“…..એ કાકી,….કાકી…!!” અવાજ કાને પડ્યો.. પણ, મેં એ દિશામાં જોવાની તસ્દી યે નો લીધી. કેમ કે અહીં મુંબઈમાં બેનની ઘરે આંટો દેવા અને ફરવા આવ્યા હતાં. મને કોણ અહીં ઓળખે ?? હું તો, પાછળ ફરીને જોયા વગર બેનની સાથે ચાલતી થઈ. ત્યાંતો પાછળથી એક હાથ મારા ખભા પર પડ્યો અને શબ્દો કાનમાં..” કાકી, ઓ કાકી, ઓળખતાયે નથી કે બોલવું નથી ??

હવે, અમે ઊભા રહી ગયા. મેં જોયું.. ” અરે નયન તું ?? ઓહો.. આટલા વર્ષે ?? … ” …અને, એ નયન, વાંકો વળી, મુંબઈની ભરબજારે મને પગે પડ્યો. મારાથી એને આશીર્વાદ દેતા બોલાઈ ગયું પણ, પછી.. એ મારી આંખોમાં પોતાની જગ્યા શોધતો વિવશતાથી જોઈ રહ્યો.. હું સખત બની ગઈ, મારી બેનનો હાથ પકડી ચાલવા પગ ઉપાડ્યા.. નયન સમજી ગયો…એ ઝડપથી આગળ આવીને મારી સામે, રસ્તામાં જ ઘૂંટણભેર બેસી, હાથ જોડી દયાની ભીખ માંગતો હોય એમ બોલ્યો,” કાકી,કેટલા વર્ષે આપણે મળ્યા ?? મને તમે સાંભળશો નહિ ??”

” ના !” … એટલું બોલીને મેં મોં ફેરવી લીધું. એ રડી પડ્યો.. મેં ગુસ્સાથી કહી દીધું, ” જે દિવસે તે ગામ છોડ્યું, તે દિવસે આ કાકી ક્યાં મરી ગઈ હતી ?? મને જરાક તો વાત કરવી”તી ??” ..એ નાના બચ્ચાંની જેમ,હક્ક અને લાડથી, મારો હાથ પકડી આજીજી કરવા લાગ્યો, ‘ મારવો હોય તો મારો ને ખિજાવું હોય એટલું ખિજાવ !!! પણ, મારી સાથે ચાલો !!”


મારે કોઈ ખાસ અડચણ ન હતી અને ગયા વગર છુટકોય નહોતો. ગમેતેમ તોય નયન, હવે મને છોડે તેમ નહોતો..!! મારી નરાજગી હજુ દૂર નહોતી થઈ. પણ,એ કાંઈ જોયા વગર.. નયન, પાર્કિંગ એરિયા તરફ દોરી ગયો, અમને પોતાની કારમાં બેસાડી, પોતે ડ્રાઈવ કરવા લાગ્યો. મારી બેને ઘરે કોલ કરી દીધો. હું જોઈ રહી.. નયન ની આંખો હજુયે વરસી રહી હતી. મેં આંખો બંધ કરી. અને.. સિનેમાની જેમ આખું પિક્ચર માનસપટ પર ઉપસી આવ્યું.

કેવું સરસ મજાનું, રળિયામણું ગામ અમારું !! એમાંય વાર, તહેવાર ને ઉત્સવો તો અહીં ઉજવવાની જે મજા તે ક્યાંયે જોવા ન મળે !!અને એક દિવસ સવાર સવારમાં, બઘડાટી બોલતી હતી. જોરદાર ઝગડો થયો. મેઘા પિયર આંટો દેવા આવી હતી ને નયન એને ઉપાડી ગયો !! ગામ આખામાં, હો..હા.. મચી ગઇ. મેઘા અને નયનના કુટુંબ વચ્ચે ધીંગાણું જ થઈ ગયું હતું.


બન્ને પરિવાર એકબીજાના જાની દુશ્મન બન્યા, મારો ..કાપો.. વેતરી નાંખો !! પોલીસ બોલાવી ને સામસામી ફરિયાદો થઈ.. કેવા બન્નેના માબાપ, એકબીજાના જાની દુશ્મન બન્યા..! નયને એક સારા વિસ્તારમાં પોતાની ગાડી ઊભી રાખી, માનભેર અમને એના ફ્લેટમાં અંદર લઈ ગયો… ડોરબેલ વગાડતાં જ, દરવાજો ખુલ્યો .. મેઘા !!! સરસ મજાનું ઘર, હસતો ખેલતો પરિવાર, એક રમતું બાળક અને એક વ્યવસ્થિત ગૃહિણી… મેઘા !! મને જોઈને તરત જ ઓળખી ગઈ..!! “કાકી… કાકી..!!” બોલતાં ભેટી પડી અને રડવા લાગી.

મને, રડવું નહોતું આવતું પણ, બન્ને ઉપર સખત ગુસ્સો જ આવતો હતો.. કે આ બન્ને એ એવું પગલું ભરતાં પહેલા, કેમ કોઈને કશી વાત ન કરી !!
એ ભાગી ગયા ને પાછળ બધા કેટલા હેરાન પરેશાન થયા હતા ?? મેઘા હજુ રડી રહી હતી. એ આંસુ લૂછતાં લૂછતાં બોલી, ” કાકી, તમને થતું હશે કે, અમે બન્ને આવું પગલું શુ કામ ભર્યું અને બન્નેના ઘરના લોકો કેવા હેરાન થયા હશે ??” કેમ, બરાબરને ?? મેં હકારમાં માથું હલાવ્યું ..

એ બોલી, ” હું ને નયન એક શેરીમાં જન્મ્યા ને મોટા થયા. કાકી, તમને તો ખબર હતી કે અમે બન્ને , સાથે રમતા, ભણતા, સાથે જ રહેતા,ઝગડતાં ય ખરા ..!! ક્યારે બન્નેને પ્રેમ થઈ ગયો એ ખબર ન રહી… પણ એ કોઈ થી અજાણ નહોતું અને અમારા પરિવારને ય ખબર હતી. નયન બોલ્યો, ” હંમેશા, ઘરમાં બાળકોને એની પસંદગી ના કપડાં, એની ચોઇસના રમકડાં,… બધું આપીને પ્રોત્સાહન આપતા માતાપિતા, એક જ વાતે અટક્યા હતાં કે લોકો શુ કહેશે ???”

અમે બન્નેએ ખૂબ કોશીષ કરી, કે અમારા લગ્ન કરાવી દો ! પણ, પહેલા આનાકાની અને પછી વાત વટે ભરાણી.. બન્ને એ વાતે અટક્યા કે આના કરતાં સારું મળશે !! બધી વાતમાં સ્વાર્થ જોતો આ સમાજ, પ્રેમના નામે, હિરરાંઝ,લૈલામજનૂ… એ મહાન … એ પ્રેમ પૂજ્ય, એ પ્યાર પવિત્ર.. પણ, જો પોતાના દીકરા દીકરી ની વાત આવે તો… એ જ પ્રેમ પાપ લાગવા માંડે !!


અમે બન્નેએ ખૂબ ધમપછાડા કર્યા એક થવા ! પણ, બન્નેના પરિવારે ઈમોશનલ બ્લેકમેલ કર્યા … માબાપે મરી જવાની ધમકી આપી અને કઠણ હૈયે, કાળજે કટારી મૂકીને,… પરિવાર અને માતાપિતાની ઈચ્છાને માન આપી અમે હાર માની !! મેઘાએ એના પિતાજીએ નક્કી કરેલ જગ્યાએ લગ્ન કરી લીધા. અને મેં નક્કી કર્યું કે હું એક દીકરા તરીકે બધી જ ફરજ નિભાવીશ પણ, ઘરમાં એમ કહી દીધું કે નાના ભાઈને પરણાવો, હવે મારુ નામ ન લેશો..

અમે બન્ને એ અમારા જ હાથે અમારા પ્રેમનું ગળું ઘોંટી નાખ્યું !! મેં પૂછ્યું.. “તમે જ જાતે સ્વીકાર્યું હતું તો પછી ?? પાછળથી એવું કેમ કર્યું કે લોકોએ તમારા નામ પર થું.. થું.. કર્યું !! કેવી નાલેશી થઈ ? અને સમાજમાં તમારી બદનામી થઈ !!!” મેઘા બોલી, ” હા, કાકી !! એ જ તો વ્યથા છે કે એવું તે શું બન્યું કે અમે બન્નેએ ભાગી જવાનું, કલંક વ્હોરી લીધું..એ અમારે કોને કહેવું ?? માબાપ કે પોતાના કહી શકાય એવા લોકોય સાંભળવા તૈયાર નહોતા , તો પારકાને કહેવું શુ અને શુ કામે ?? અમારે કહેવું હતું .. પણ કહેવું કોને ???”

નયન બોલ્યો, ” કાકી, આજે કુદરતી રીતે તમે મળ્યા,.. આ બધું હવે તમારે સાંભળવું જ પડશે !!” એ બન્ને રડી પડ્યા… મારી બેને એમને શાંત કર્યા.. મેઘા બોલી, ” કાકી, મેં નયનને, દિલથી પ્રેમ કર્યો હતો પણ, બાપ ના બોલ થી જ્યારે બીજા પુરુષની ચૂંદડી ઓઢી, ત્યારથી જ, મેં નયનને, એક સપનું માની ને હૈયેથી ખંખેરી નાખ્યો.. અને સંપૂર્ણ પણે એક નિષ્ઠાવાન પત્ની બનવાનું નક્કી કર્યું..


પણ, હું સાસરે પગ મુકું અને મારા પતિના દિલમાં સ્થાન પામું એ પહેલાં, કોઈએ મારા અને નયનના પ્રેમની વાત ત્યાં પહોંચાડી દીધી હતી.સમાજની રૂએ પત્ની બનાવનાર પતિની અંદરથી પશુતા રૂપી અમાનવીય રૂપ પ્રગટ થયું… જે મને સમયાંતરે, પોતાના શરીરની ભૂખ મિટાવવા છતાં, પત્નીનું સન્માન ન આપી શક્યો. તેને પોતાનો અહંકાર ઘવાતો લાગ્યો…અને “એક નબળો પુરુષ , બૈરી પર શુરો ..!! ” એ ન્યાયે દિવસે ઘરની કામવાળી અને રાતે ઇચ્છાપૂર્તિનું સાધન અને છતાં ય હું ચરિત્રહીન ! કલંકીની !!

આવું કહી કહી ને, મને મારતો !! નસીબ મારુ !! એમ, માની ને… મેં ઉફફ.. ન કર્યું ! ઘરમાં બધાને ખબર પડી ગઈ હતી કે સાસરે મારી શુ હાલત છે . છતાં, કોઈને કાઈ ફરક ન પડ્યો ..! નસીબ એનું બીજું શું ?? એમ માની જમાઈને સ્વીકારી લીધો અને તેથી એના અત્યાચાર અને હિમ્મત વધી ગયા.

નયન બોલ્યો, ” મને મેઘાની હાલત ખબર પડતાં, મારુ દિલ દ્રવી ઊઠ્યું, મેં એના પતિને સમજાવવાનું નક્કી કર્યું, કે અમારો સબન્ધ પ્રેમ કરતા વધારે એક લાગણી નો હતો, શારીરિક સબન્ધ તો ઠીક અમે ક્યારેય ખોટું વિચાર્યું પણ નહોતું અને મેઘા અણીશુદ્ધ પવિત્ર છે. પણ, એમ કરવા જતાં એનો પતિ વધુ ત્રાસ કરવા લાગ્યો, એમ કહીને કે, તારા સગલા ને તું અહીં તારા માટે બોલાવે છે ! મારી પીઠ પાછળ? ત્યારે મેઘાને એવી ધોકાવી કે એની નણંદ વચ્ચે ન પડી હોત, તો મેઘા મરણ ને શરણ પામી હોત !!


હવે, મેઘાના લગ્ન પછી, હું એક વ્યવસ્થિત, દીકરો થવાની કોશિષ તો કરતો જ હતો.. પણ, મેઘાની આ હાલત ની જેમ જેમ મને જાણ થતી ગઈ, તેમ તેમ , હું, વિચલિત થઈ ગયો.. કઈ કરી નહોતો શક્યો અને મેઘાના પ્રત્યેક દર્દનો જવાબદાર હું મારી જાતને માનવા લાગ્યો. ઘરના લોકો મને નકામો ગણવા લાગ્યા. મારુ જીવન મને બોજ તો ત્યારે લાગવા માંડ્યું કે અમે બન્ને એ આટલો મોટી ત્યાગ કર્યો છતાં મને એમ કહીને નવાજવામાં આવ્યો, કે આના કરતાં પેટે પથરો પાક્યો હોત તોય સારું થાત ???

અને બીજી બાજુ, મેઘા … વગર વાંકે એ નરક જેવી જિંદગી જીવતી હતી. છેલ્લે જ્યારે એ પિયર આવી, એના ઘરના લોકોએ મેઘાના શરીર પર માર ના ઘા, ચોખ્ખાં જોયા, પણ કોઈને એની વેદના ન દેખાણી.. જે મને એની આંખોમાંથી છલકતી દેખાણી. અને.. મેં નક્કી કરી જ નાખ્યું, મેઘા આ માટે કદાપિ રાજી નહોતી. પણ, મેં એને મનાવી,..


કે, જે માટે આપણે બન્ને એ આપણા પ્રેમનું બલિદાન આપ્યું.. તે સમાજ, તે પરિવાર કે કુટુંબ કે માબાપ.. !! એમણે આપણા માટે શું વિચાર્યું ?? બાળપણ ની નિર્દોષ મૈત્રી અને યુવાનીનો અણીશુદ્ધ પ્રેમ … એનો બધાએ કેવો અર્થ કાઢ્યો છે ?? અને એ બધું છોડવા છતાં હું કે તું , કોઈના બે મીઠા બોલ માટે તરસ્યા છીએ, કોઈ અમને સારું કહેવું તો દૂર રહ્યું પણ, અમને કોશવામાં કાઈ કસર નથી રાખતાં. છતાં, કાકી મેઘા માની જ નહોતી.

પણ, એક દિવસ, અમારે ઘરે મહેમાન આવ્યા હતાં. ઘરે બધા લોકો હસીમજાક અને જમણવારમાં મશગુલ હતાં. હું ઘરે મોડો પહોંચ્યો તો, મારા માટે, કોઈએ રાહ તો ન જોઈ પણ, જમવાનું જુદું કાઢતા જ ભૂલી ગયા. જ્યારે મેં કહ્યું કે હું કમાઈ લાવું છું એ જ કેમ યાદ રહે છે?? અને એમાંથી વાત વધી ગઈ , ન બોલવાનું બોલ્યા અને ન સાંભળવાનું મારે સાંભળવું પડ્યું.. એમાંથી મારા પર મારા પિતાજીએ હાથ ઉપાડ્યો..


અને હું ભૂખ્યો, દુઃખયો અને પ્રેમનો તરસ્યો.. ઘરની બહાર નીકળી પડયો ને એ જ વખતે મેઘા રસ્તામાં મળી ગઇ . કાઈ જ ન પૂછતાં, કોણજાણે, ક્યાં જનમનો સબન્ધ હશે ?? એ મને જોઈ ને જ મારી હાલત સમજી ગઈ અને મેં પણ કહ્યું, ચાલ મેઘા, દુનિયા આપણને નહિ સમજે, પણ તું જ તો સમજ !! આપણે બન્ને એકબીજાને છોડીને ય શુ પામ્યા ?? એકબીજાને ભૂલીને ય પોતાને, ખુદ ને ભૂલી ગયા અને પરિવાર કે સમાજ, કુટુંબ..આપણને શું આપ્યુ ??” અને ઉપરથી તને કલંકીની અને મને નકામો, પથ્થરો,..

એવી જ ઉપમા આપવામાં આવી.. આપણને કોઈ ન સમજે તો કાઈ નહિ, એકબીજાને તો સમજીએ. કોના માટે આ ત્યાગ કર્યો ?? શા માટે ??
મને તો, જીવવું જ અકારું લાગે છે. હવે, તો તું જો મળે, તો જ.. હું.. જીવીશ,નહીતો … હવે, આ દુનિયા મારા માટે ઝેર છે.. અને બીજે દિવસે વહેલી સવારે કોઈને ય કઈ કહ્યા વગર, એકબીજાનો સાથ દઈ, બન્ને એ એકબીજાને નવી જિંદગી આપવા, હાથ પકડી ગામ છોડીને ભાગી નીકળ્યા !!” નયન અને મેઘાએ પોતાની વાત પૂરી કરતા જણાવ્યું, ” કાકી, અમને જીવવાનો હક્ક નથી શુ ?? અમે અમારા જીવવાનો રાહ, જાતે બનાવીએ તો એમાં ખોટું શું છે ??


હવે,અમે બન્ને સાથે રહીને સુવ્યવસ્થિત જીવન જીવીએ છીએ એમાં આ જમાનાનો શુ ગરાસ અમે લૂંટી લીધો .. કે આખું ગામ અમારા પર થું થું કરે, નારાજ રહે…!! હરવખતે, આ યુવાન પેઢી જ ખોટી નથી હોતી. જૂની પેઢી ક્યાંક ને ક્યાંક પાછી પડી છે અત્યારની જનરેશનને સમજાવવામાં અને સમજવામાં પણ !!… અમને દુઃખ એ નહોતું કે અમને અમારા કુટુંબો સમજી ન શક્યા. પણ, પ્રશ્ન એ હતો કે આ બધું કહેવું છે,તમેં સમજો નહિ તો કઈ નહિ,પણ અમને સાંભળો તો ખરા !! આ કોણ સમજે, કોને કહેવું ????”

લેખક : દક્ષા રમેશ ” લાગણી”

નયન અને મેઘાએ મને ય વિચારમાં મૂકી દીધી. દર વખતે નવી પેઢી નો જ વાંક નથી હોતો !! શુ કહો છો ફ્રેન્ડઝ.. ??