કોણ છે આ નાનકડી ઢીંગલી પહેલી વાર જ તો મળી રહ્યો છું તો પણ…

નવલગઢ ગામમાં એક રાજેશ નામનો છોકરો રહે. એ વ્યવસાયે સારામાં સારો ચિત્રકાર હતો. એને નવા નવા ને આહલાદક ચિત્રો દોરવાનો જબરો શોખ. એના ગામથી સો માઈલ દૂર પણ એના અને એની ચિત્રકારને જબરો શોખ. જ્યારે કંટાળો આવે ત્યારે પહોંચી જાય દરિયા કિનારે. ત્યાં કલાકોનાં કલાકો સુધી બેસીને કુદરતની સુંદરતાને નિહાળે….દરિયાના મોજાની ન ગણી શકાય તેટલી કલ્પનાઓ કર્યા કરે. ને પછી દરિયાકિનારેથી કલર કલરના ચીપ વીણશે. નાના મોટા શંખ અને છીપલાં વીણી વીણીને ભેગાં કરશે. ને એમાથી જ નવી નવી વસ્તુઓ બનાવી એનું ઘર સજાવશે.


એના ઘરમાં તો ન ઘણી શકાય એટલી હોડીના ને દરિયાના એણે દોરેલા ચિત્રો ને ઘણી બધી નવી નવી ઘર સજાવતાની વસ્તુઓ જે છીપમાંથી બનાવી હતી તેણે…એની આ આવડત જોઈ ક્યારેક લોકો પણ વિચારતા કે આને આટલી સુંદર આવડત કોણે આપી હશે ? લોકો લાખો રૂપિયા આપવા તૈયાર થતાં એના ચિત્રો જોઈને. ત્યારે એ એક જ શબ્દમાં જવાબ આપે, “ કારીગર એની કલા વેચે ?”

હવે એકવાર બન્યું એવું કે, આ ચિત્રકારને એક દિવસ કોઈ દૂરના સંબંધીને ત્યાં જવાનું થાય છે. જે સંબંધીના ઘરે જવાનું હતું એ સંબંધીને નથી ક્યારેય જોયા એણે કે નથી જોયો એમણે ક્યારેય આ ચિત્રકારને. આ ચિત્રકાર પોતે અલગારી. જ્યાં જાય ત્યાં એક પેટી લઈને જ જાય. એમાં થોડા કાગળ ને બે ત્રણ ચિત્ર દોરવા માટે કલરફૂલ પેન્સિલ. બસ …ને એક જોડી કપડાં એ પણ સફેદ જ કલરનાં જ.


એ સંબંધીનું ઘર એક્દમ અલગ બધા લોકોના ઘર કરતાં. રોજ સવારે નીત્ય પૂજા પાઠ ને ચોખ્ખાઈની તો વાત જ અલગ…ઘરમાં એક્દમ શાંતિ..પણ મીઠી લાગે એવી શાંતિ. ઘરના સૌ સભ્યો પ્રત્યે પ્રેમને આદર સત્કાર, એકબીજા સભ્યોને માન આપીને જ બોલાવવાના. પછી ભલે એ નાના હોય કે મોટા. ઘરમાં એન્ટર થતાં જ એક મોટી ઓસરી..ને પાંચ રૂમ..ઓસરીમાં પાંચ થાંભલીઓ સાગનાં લાકડાની. ને એમાં હાથી મોર ને ધોડાની અલગ અલગ ભાત કોતરેલી. હીચકો તો મોરના પીંછાથી સજાવેલો ને એના પર ઢેલ, પોપટની ભાતથી ભરેલી રૂની મખમલ જેવી ગાદી બેસવાની. ઘરનું વાતાવરણ ને ઘરની ચોખ્ખાઈ મદિર જેવી લગતી હતી. એવું લાગે કે આ ઘરમાં સાક્ષાત ભગવાનનો વાસ હશે.


ચિત્રકાર હજી ઘરનું જ અવલોકન કરી રહ્યો હતો. ત્યાં જ એક નાનકડી છોકરી દોડતા દોડતા હસ્તી હસતી એક થાંભળીને અડી એના ફરતી ગોળ ગોળ ફરીને ખુલ્લા વાળને ઉડાવતી ને મલકાતી ઓસરીમાં રમવા લાગી. સોનેરી વાળ, ગુલાબી ગાલ, ને ગુલાબની કળી જેવા નાજુક નાજુક હોઠ. આવું સ્વરૂપ ને આટલો નમણો ને રૂપાળો વાન… નક્કી આ ઘરમાં કોઈ દેવીના આશીર્વાદ લાગે છે. તો અને તો જ આટલી સુંદર ને આકર્ષિત બાળકી આ ઘરના આંગણે હોય.

મને તો એમ કે કોઈ પડોશીની આ દીકરી હશે ને અહિયાં રમવા આવી હશે. પણ આ તો એ મહાશયના દીકરાની જ દીકરી નીકળી. ચિત્રકાર મનમાં વિચારે છે. (આમ તો હું અહિયાં આવવાય રાજી ન હતો. મને એમકે વર્ષો જૂના નાતી છે. શું કામ જવું ને શું કામ તૂટેલા સંબંધોને ફરી જોડાવા જોઈએ. આ તો મારા પિતાજીની અંતિમ ઈચ્છા હતી કે હું આ સંબંધીના ઘરે જાવ ને અમારા પૂર્વજો વિષે થોડું જાણું. એટ્લે આવવું પડ્યું. પણ, આવા નાતી સાથે સંબંધ તોડાય તો નહી જ ..સંસ્કારી, સુશીલ ને ગુણવાન ઘર છે.)


રાત્રે સૂતા સૂતા આવા બધા વિચારો કરતાં કરતાં એ સૂઈ જાય છે. અડધી નીંદર પૂરી થઈ નહી હોય ત્યાં જ પેલી છોકરી એને સ્વપ્નમાં આવે છે. ને ઇનો હાથ પકડી એને દરિયા કિનારે લઈ જાય છે. આ સુંદર નાની એવી છોકરીને કેમ ખબર પડી હશે કે હું મનથી દરિયા છોરું જ છુ?. ચિત્રકાર શાંતિથી દરિયાને અને એના રમણીય સૌંદર્યને માણતો હતો. ત્યાં જ એ છોકરીએ ચિત્રકારનો હાથ પોતાના હાથમાં લઈને પ્રેમથી પોતાની કાલી ધેલી ભાષામાં બોલવા લાગી ,”ભાઈ તું અહિયાં તારી મરજીથી નહી, પણ મારી મરજીથી આવ્યો છે. તું આમ એકલો એકલો ત્યાં દૂર દૂર રહે ખાધા પીધા વગરનો એ હું કેમ સહન કરી શકું ? “


આ ભાઈ શબ્દ સાંભળતા જ ચિત્રકાર ખાટલામાંથી ઊભો થઈ જાય છે. ને જોવે છે તો એને આ સ્વપ્ન જ આવ્યું હોય છે. પણ આ ભાઈ શબ્દ એના કાને વારંવાર અથડાવા લાગે છે. વર્ષો પહેલાનો એ જ ટહુકાર, એ જ અવાજ ને એ જ બોલવાની અદા…આવું કેમ બની શકે ? આ શક્ય જ નથી. એ તો …! એ તો ….શબ્દ પછી ચિત્રકાર આગળ કશું જ બોલી નથી શકતો. એને વર્ષો પહેલા બનેલ એ દુખદ ઘટના એના મન પર હાવી થઈ જાય છે. ને એની આંખો દરિયો બની યાદોનું પૂર લાવે છે.

હા….હજી યાદ છે…એ ગોઝારી ને ન ભૂલી શકાય એવી દુખદ ઘટના. બરોબર બપોરના બાર વાગ્યા હતા. ને બા જમવા માટે મને અને મારી બહેન ખુશીને બોલાવવા આવ્યા. અમે બાને દૂરથી આવતા જોઈને લીમડાનાં ઝાડ નીચે ગાડામાં બેસીને રમતા હતા. એ રમતા રમતા જ બા પાસે જવા દોડ્યા ને એ જ સમયે એક ગાંડો થયેલો આંખલો પણ દોડતો દોડતો આવ્યો ને મારી પાંચ વર્ષની માસૂમ બેનડીને ભરખી ગયો. એ સમય પછી આજ દિવસ સુધી હજી કોઈએ મને ભાઈ નથી કહ્યું. આ કેવા સમય ને સંજોગ ? બીજે દિવસે સવારે ઉઠતાં વેંત જ એને એ પરિ જેવી માસૂમ છોકરીને એની નજર ઘરમાં આમ તેમ ગોતવા લાગી. પણ ક્યાય એ મીઠડી છોકરી નજર ન આવી.


ત્યાં જ ચિત્રકારને ઉઠેલો જોઈને ચા પીવા માટે આવકાર આપ્યો. “એ આવો આવો મે’માન ચા પીવા. “ ચા પીતા પીતા ઘણી બધી વાતો થઈ. કુટુંબીઓની અને પરિવારજનોની ..પછી વાત વાતમાં મે એ દીકરી વિષે પણ પૂછી જ લીધું. “હા…હા…હા..અમારી ગુડ્ડી છે જ એવી. બધાને ગમી જાય. અમારા ઘરમાં એકેય દીકરી ન હતી. એ અમારા બેનબા તો માતાજી પાસેથી માંગીને લીધા છે. કેટલીય બાધાઓ રાખી ત્યારે અમારા આંગણે દીકરી પધારી છે.” , એ દીકરીના દાદીમાં ચા પીતા પીતા બોલ્યા..

“લોકો દીકરાની બાધા રાખે. ને આ ઘરમાં દીકરીની બાધા..વાહ…શું વાત છે આ ઘરની.. “ ચિત્રકારે પણ ચા પીતા પીતા આ ઘરના વખાણ કરી જ નાખ્યા. પણ છે ક્યાં તમારા મીઠુડા દીકરીબા… એ તો મંદિરે …અત્યારે એ સંગીત શીખશે..બપોરે બાર વાગ્યા સુધી..ને ત્યાં જ એક સુંદર મજાનો અવાજ કાનમાં પડ્યો..

“અખિલ બ્રાંહાંડમાં એક તું શ્રી હરી,જૂજવે રૂપે અનંત ભાસે,

દેહમાં દેવતું, શ્રુતિ સ્મૃતિ સાથે દે, અંતે તો હેમનું હેમ……..”


એ જ શબ્દો, એ જ લય ને એ જ શોખ પણ રૂપ અલગ…આ મારી બેનનો જ અવાજ છે. આ મારી વર્ષો પહેલા મારાથી છૂટી ગયેલી બેનડી છે. આવું બબડતો બબડતો એ ચિત્રકાર મંદિર તરફ જવા ડોટ મૂકે છે. ને ઘરના સૌ એની પાછળ.. ઘરના કોઈને આ ચિત્રકારનું આવું બબડવાનું કારણ ન સમજાયું.. આ બાજુ એ ઢીંગલી પણ એના ભાઈને જોઈને ભેટી પડે છે. ને બોલે છે. ભાઈ દેહ ભલે અલગ હોય પણ હું તારી જ બેન છું. મારે હજી તારી પાસે ઘણા લાડ બાકી છે. એટ્લે હું આવી છુ, આ જ કુટુંબમાં પાછી. આ સાંભળી બધા તો આશ્ચર્યચકિત જ થઈ જાય છે. કોઈને કશું સમજાતું નથી. પણ એ ભાઈ- બહેન બધુ સમજી જાય છે.

|| અસ્તુ ||

લેખિકા : તૃપ્તિ ત્રિવેદી

અદ્ભુત વાર્તા, આપ પણ આપના ભાઈ અને બહેનને ટેગ જરૂર કરજો.