કોમલે આંખનું દાન કરીને પ્રજ્ઞાચક્ષુ પ્રેમી આનંદના જીવનમાં રોશની ફેલાવી…

સુર્યોદય થાય તે પહેલા બગીચામાં લોકો યોગ, પ્રાણાયામ કરવા માટે આવી રહ્યા છે. કેટલાક લોકો બગીચામાં ચાલવા માટે પણ આવે છે. સાથે નાના બાળકો પણ આવે છે અને થોડી હળવી કસરતની સાથે મસ્તી કરી રહ્યા છે. પક્ષીઓના મધુર અવાજ તથા બાળકોના મીઠા સ્વર સંભળાવાના કારણે સવારનું વાતાવરણ પણ વધુ અહલાદક લાગી રહ્યુ છે. બધા જ સામાન્ય માનવીઓની વચ્ચે એક અસામાન્ય યુવક પોતાની મસ્તીમાં યોગ, પ્રાણાયામ કરી રહ્યો છે. ભગવાને આ યુવકની બન્ને આંખો છીનવી લીધી છે પરંતુ આનંદ નામના યુવક બગીચામાં આવતા તમામ લોકોને ખરેખર આનંદ કરાવી રહ્યો છે.


નામ પ્રમાણે આનંદના આનંદી સ્વભાવના કારણે યોગ કરવા માટે આવતી કોમલ નામની યુવતી ખાસ્સી પ્રભાવીત થાય છે અને તે બીજા યુવક યુવતીઓને આનંદ પાસેથી પ્રેરણા લેવા માટે કહી રહી છે. પ્રજ્ઞાચક્ષુ આનંદ લાકડીના ટેકે ટેકે ઘરેથી ચાલતો નિયમીત રીતે બગીચામાં આવીને યોગ, પ્રાણાયામ કરે છે. યોગ પ્રાણાયામ પુર્ણ કર્યા પછી આનંદ લાકડીના ટેકે બગીચાની બહાર નિકળે છે અને રસ્તાની બાજુ પર ચાલવા લાગે છે. થોડા ડગલાઓ ચાલ્યા પછી આનંદને સામેની બાજુ એ જવાનું હોવાથી રસ્તો ઓળંગવા માટે જાય છે અને વળાંકવાળા રસ્તા પર પુર ઝડપે એક ટ્રક આવી રહ્યો હોય છે તે આનંદ પર ચડી જ જાત અને સૌને સદાય હસાવતો આનંદ સૌને રડાવીને ચાલ્યો જાત.


પરંતુ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર દૌડ લગાવીને કોમલ આનંદને ધક્કો મારીને રસ્તા પરથી દુર કરે છે અને આનંદનો જીવ બચાવે છે. આજ સમયે ટ્રક ચાલક પણ બ્રેક લગાવે છે અને ટ્રકના પૈડાઓ થંભાવી દે છે. આ અકસ્માતમાં આનંદ તો હેમખેમ બચી જાય છે પરંતુ કોમલને ટ્રક થોડી ટક્કર લાગવાના કારણે ઘાયલ થઇ જાય છે. ટ્રક ચાલક ટ્રકમાંથી તરત જ નીચે ઉતરે છે અને આનંદ તથા કોમલના ખબર અંતર પુછે છે. આસપાસમાં લોકો તરત જ ભેગા થઇ જાય છે અને એમ્બ્યુલન્સ બોલાવીને કોમલને નજીકના દવાખાનામાં લઇ જાય છે.

આનંદ સતત કોમલની સાથે રહે છે અને તેની ચિંતા કર્યા કરે છે. દવાખાનમાં તબીબ કોમલને તપાસીને કહે છે કે બહુ ચિંતા કરવાની કોઇ જરૂરી નથી. કોઇ ફ્રેક્ચર નથી થયુ, માત્ર પગના ભાગમાં થોડી ચામડી ઉખડી ગઇ છે તે થોડા દિવસોમાં સારી થઇ જશે. દવાખાનામાંથી કોમલ તથા આનંદ છુટા પડે છે.


અકસ્માત થયાના બીજા દિવસે વહેલી સવારે આનંદ બગીચામાં પહોચી જાય છે ત્યા તેને કોમલનો અવાજ સંભળાય છે. હજુ કોમલ તથા આનંદ સિવાય કોઇ યોગ, પ્રાણાયામ કરવા માટે આવ્યુ ન હોવાથી બન્ને પાસે બેસીને વાતો કરવાનું શરૂ કરે છે. આનંદે કીધુ કે કોમલ કાલે તે મારી જીંદગી બચાવી છે. કદાચ તું સમયસર ન આવી હોત તો હું આજે અહિ ના હોત. કોમલ અધવચ્ચેથી અટકાવીને કહે છે કે આનંદ અત્યારમાં આવુ ન બોલ, શુભ શુભ બોલ. જીંદગી અને મૃત્યુ તો ઇશ્વરના હાથની વાત છે. મે માત્ર તારી જ નહી મારી જીંદગી બચાવી છે. આનંદે કીધુ કે હું કાંઇ સમજ્યો નહી ત્યારે કોમલે કહ્યુ કે આનંદ હું તને ચાહુ છુ અને તું જ મારી જીંદગી છે.


આ સાંભળીને આનંદ અચંબીત થઇ જાય છે. તેની પાસે બોલવા માટે કોઇ શબ્દો નથી. એટલામાં જ યોગ કરવા માટે લોકો આવી જાય છે અને સાથે મળીને બધા યોગ પ્રાણાયામ કરીને છુટા પડે છે. બપોરના સમયે કોમલ શહેરના ખ્યાતનામ આંખના તબીબની પાસે આનંદને લઇને જાય છે. તબીબે આનંદની આંખોની તપાસ કરીને કોમલને કહ્યુ કે માત્ર દવાથી આનંદની આંખો સારી થાય તેવી કોઇ શક્યતાઓ નથી. પરંતુ જો કોઇ વ્યક્તિની આંખો મળી જાય તો ચોક્કસ આનંદ પોતાની આંખોથી દુનિયા જોઇ શકે તેમ છે. આનંદને આંખો મળે તો તે દુનિયા જોઇ શકે તેમ છે તે સાંભળીને કોમલ ખુબ જ ખુશ થઇ જાય છે.


કોમલ એ જ ક્ષણથી આનંદ માટે આંખો મેળવવા માટે શોધખોળ શરૂ કરી દે છે. કોમલ શહેરમાં આવેલા તમામ મોટા હોસ્પિટલોમાં આનંદને સાથે લઇને જાય છે અને આનંદ માટે દાતા પાસેથી આંખ મેળવવાના પ્રયત્નો કરે છે. પરંતુ ક્યાંયથી પણ કોમલને દાતા પાસેથી આંખ મળતી નથી. કોમલ થોડી નિરાશ જરૂર થાય છે પરંતુ તે હિમ્મત હારતી નથી. કોમલ રાત્રીના સમયે ઘરે એકલી બેઠી હોય છે ત્યારે ફોન આવે છે કે માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું નિધન થયુ છે તો તેની આંખો ઉપયોગમાં લઇ શકાય તેમ છે. આ સાંભળતા જ કોમલ દૌડતી દવાખાનામાં પહોચે છે. રાત્રીના સમયે પણ કોમલ પોસ્ટ મોર્ટમ રૂમ પાસે પહોચીને મુત્યુ પામેલ વ્યકિતના પરીવારજનોને સાંત્વના આપે છે અને સમજાવે છે કે મૃત્યુ પામેલ વ્યક્તિ ક્યારેય પાછી આવી શકતી નથી પરંતુ તમે જો તેની આંખોનું દાન કરશો તો તે વ્યક્તિની આંખો જીવંત રહેશે.


તેની આંખો પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિના જીવનમાં રોશની લાવી શકે છે. કોમલે અનેક વખત પરીવારને સમજાવવાના પ્રયત્નો કર્યા પરંતુ તેની આંખો દાનમાં મેળવવામાં સફળતા મળતી નથી. આખરે ચારેબાજુથી નિરાશ થઇને કોમલ મોડી રાત્રે ઘરે પહોચે છે અને રાત્રે સતત ચિંતન કર્યા કરે છે. વહેલી સવારમાં કોમલ નક્કી કરે છે કે આનંદએ મારી જીંદગી છે અને મારી જીંદગી માટે મારી આંખોનું દાન કેમ ન કરી શકુ. કોમલ આનંદને પોતાની સાથે લઇને દવાખાને પહોચે છે અને તબીબને કહે છે કે મે આનંદ માટે અનેક જગ્યાએ આંખો મેળવવા માટે પ્રયત્નો કર્યા છે પરંતુ દરેક જગ્યાએથી માત્રને માત્ર નિરાશાઓ જ હાથ લાગી છે. હવે હું એક ક્ષણની પણ રાહ જોવા નથી માંગતી અને મારી બન્ને આંખોનું દાન કરવા માગુ છું.


પ્રેમ માટે આવુ સમર્પણ જોઇને આંખનો નિષ્ણાંત તબીબ પણ સ્તબ્ધ થઇ જાય છે અને તે કોમલને સમજાવે છે કે બન્ને આંખનું દાન કરી દઇશ તારી જીંદગીમાં અંધકાર છવાઇ જશે. હું તબીબ તરીકે તારી આંખ કાઢીને બીજા વ્યક્તિમાં ન લગાવી શકું. પરંતુ હુ તમારો પ્રેમ જોઇને ખુબ જ પ્રભાવીત થયો છું અને તારી એક આંખ પણ આનંદને રોશની પછી આપી શકે છે. આખરે કોમલ પોતાની એક આંખનું દાન કરવા માટે તૈયાર થાય છે. ડોક્ટર ઓપરેશન કરીને કોમલની એક આંખ કાઢે છે અને આનંદનું પણ આંખનું ઓપરેશન કરીને આંખ લગાવવામાં આવે છે. થોડા દિવસો પછી આનંદની બન્ને આંખે પર લગાવવામાં આવેલ પાટો દુર કરવામાં આવે છે અને આનંદના જીવનમાં રોશની પરત આવે છે અને તે સૌ પ્રથમ વખત કોમલને નિહાળે છે.


આનંદ કોમલની સામે સતત જોયા જ કરે છે અને એક બીજાને ભેટી પડે છે. પરંતુ અહિથી જ આનંદના જીવનમાં નાટ્યાત્મક વળાંક આવે છે. આનંદને આંખની રોશની પરત મળતા તે દુનીયા નિહાળે છે, પોતાના મિત્રો સાથે વિવિધ સ્થાનો પર હરવા ફરવા જાય છે. કોમલ કરતા પણ સુંદર યુવતિ તરફ આનંદ આકર્ષાય છે આ વાત જાણીને કોમલ ખુબ જ રડે છે પરંતુ તે કોઇને પોતાના પ્રેમ વિશે એક પણ શબ્દ કહી શકતી નથી. તેમ છતાં કોમલ પોતાનું સર્વસ્વ અર્પણ કરીને આનંદને નિસ્વાર્થ પ્રેમ કરતી રહી છે. તેને પોતાના પ્રેમ પર પૂરો વિશ્વાસ છે.


તો બીજી બાજુ આનંદ અને સ્વરૂપવાન યુવતી નદી કિનારા પર એકાંતમાં થોડી ધીંગા મસ્તી કરી રહ્યા હોય છે ત્યારે નદીના પાણીમાં પોતાનું પ્રતિબીંબ જોઇને તે સ્તબ્ધ થઇ જાય છે. આનંદને પોતાની ભુલ સમજાય છે અને ખુબ જ પસ્તાવો થાય છે. તે સ્વરૂપવાન યુવતિ પાસેથી દૌડીને સીધે કોમલ પાસે પહોચી જાય છે અને પોતાની ભુલ અંગે ખુબ જ પસ્તાવો વ્યક્ત કરે છે. જે થયુ તે ભુલી જા એમ કહીને કોમલ તથા આનંદ ભેટી પડે છે. આનંદ તથા કોમલની આંખમાં આંસુ આવી જાય છે. થોડા મહિનાઓ પછી આનંદ કોમલ સાથે લગ્ન કરીને દાંપત્ય જીવનનો શુભારંભ કરે છે.

લેખકઃ- નીલકંઠ વાસુકિયા

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ