એકદમ નાની પણ સમજવા જેવી વાર્તાઓ વાંચો ને છેલ્લી વાર્તા તો વાંચવાની ચૂકાય નહી હો !!!

ધર્મ

ધૂળની ડમરી ચડી હતી. ચારે બાજુથી ભયાનક અવાજો આવી રહ્યા હતા. મારો-કાપો ની હોડ લાગી હતી. જીવ બચાવવા કઈ બાજુ જવું એ પણ પ્રશ્ન હતો. આવા દિવસની થથરતી નમતી સાંજે એક મેલોઘેલો માણસ શેરીમાં ઉતાવળે પગલે ચાલ્યો જતો હતો.  એકાએક ધર્મના નામે ભડાશ કાઢતા બે ટોળાની વચ્ચે આવી ઊભો… ગળા સુધી આવેલી દયાની ભીખ શબ્દો બને એ પહેલાં શરીરની આરપાર કંઈક ગયું… એ છુરી હતી કે કટાર..? એ અલ્લાહ બોલ્યો કે રામ…? એણે પ્રાર્થના કરવા ચાહી કે ઈબાદત…?   ફૂલ જેવા બાળકોના ચહેરા યાદ કરી એની આંખમાંથી આંસુ સર્યુ. થોડું તરફડીને એ શાંત થઈ ગયો. એ સ્વર્ગે સિધાવ્યો કે પ્યારો થઈ ગયો…??

ટોળું ધર્મ પ્રસાર માટે બીજા કોઈને શોધતું નીકળી ગયું.

આંટો

“નિશા… યાર વરસ થવા આવ્યું..સાસરે ગયા પછી  તું આંટો આવી જ નથી. આ અઠવાડિયે આવ… અને આ વખતે સરખો ટાઈમ લઈને આવજે.” ફોન પર રાધિકા સાથે વાત પૂરી કરી નિશા રોઈ પડી. નિશા પિયર રોકાવા જવાનું ટાળતી… ઘર તો એને ય બહુ યાદ આવતું પણ મા-બાપ વગરનું પોતાનું જ ઘર  હળવે સાદે વાત કરતું સંભળાતું….” જ્યારે આ બલા હોસ્ટેલમાંથી આવે છે ત્યારે મારી કોઈ કીમતી વસ્તુ ખોવાઈ જાય છે.. આ વખતે લાલાની વીંટી નથી મળતી. કહું છું ભણવાનું પૂરું થાય ત્યાં વળાવી દો… નહીંતર બધાનું બોળાવશે….ભાર લગણી”

દર્દ

અછબડાના તાવમાં શેકાતા બાળક ઉપર એ તગડી ફી વસૂલતા ડોક્ટરે એક નજર નાખી. સાતેક વરસનું એ બાળક ત્રણ દિવસમાં સાવ નંખાઈ ગયું હતું. મોઢામાં ય ફોલ્લાં થયા હોઈ એ ખુલ્લુ મોં રાખીને બેઠું હતું. અછબડાની ફોડલીઓ ખંજવાળીને છેક ઢીમચા કરી નાખ્યાં હતાં. તાવને લીધે થતું કળતર એને હંફાવતુ હતું. આખા દિવસની મજૂરીનો થાક એ બાળકના બાપના ચહેરા પર વધુ ઊંડી રેખાઓ દોરી રહ્યો હતો. બીજા લોકો ભૂવા પાસે જતાં પણ એ અહીં આવ્યો હતો અને બાળકની ચિંતામાં જમીન પર ઉભડક બેસી વારેઘડીએ બાળકની પીઠ પસવારતો હતો..

બે-એક દવાઓ લખી, હજારમાંથી બસ્સો રૂપિયા પાછા આપતા ડોક્ટરે કહ્યું – “બે દિવસમાં ન મટે તો દાદાના મંદિરે લઈ જજો..”

લેખક : કોમલ પટેલ

 

 

 

 

 

 

ટીપ્પણી