::: બદલો ::: – હોરર વાર્તા વાંચવી ગમે છે તો અત્યારે જ વાંચો..

રાત્રી ના આશરે ૨ વાગયાંનો સમય થયો હશે, ધોર અંધારું હતું, અમાસ હોવાથી ચંદ્રમાં પણ આજે રજા પર હતાં. નિર્જન રસ્તો, સાવ સૂમસામ,અમુક નિશાચર પ્રાણીઓનો ડરાંમણો અવાજ આવી રહ્યો હતો. એક વૃક્ષ ઉપર ધુવડની આંખો નું તેજ સાફસાફ નજર આવી રહ્યું હતું, તમામ પક્ષીઓનું ધર સમાન એક વડનાં વૃક્ષ ઉપર ચામાચિડિયાં ઉંધા લટકી સુઈ ગયાં હતાં, ગામડું હજી ૫ કિ.મી દુર હતું છતાં હિંમત કરી હનુમાન ચાલીસા નું રટણ કરતો કરતો સંજય પોતાની સાઈકલ અને નાની અમથી ટોર્ચ લઈને ખાડાં-ટેકરાં વાળા રસ્તા હોવાં છતાં ઝડપથી આગળ વધી રહ્યો હતો. ઠંડી એટલી હતી કે સંજયે ૨ સ્વેટર પહેરેલાં હોવાં છતાં ધ્રુજી રહ્યો હતો. મન મક્કમ હતું કે જલ્દીથી ધરે પહોંચી જઈશ.

વાત 2005 ની છે, ટેકનૉલોજી વિકસી તો હતી પરંતું એ ખાલી શહેરો માં જ, ગામડાંઓમાં તો લાઈટનાં ય ઠેકાણાં હતાં નહીં, અને રસ્તાં તો હજી એવાં હતાં કે ન પૂછો વાત, રસ્તા ની બંન્ને બાજું એ ખાડા અને વચ્ચે ટેકરો, કારણ કે આ જ રસ્તેથી કાયમ બળદગાડા અવરજવર કરતાં હતાં.

૧૫ દિવસ પછી સંજયનાં લગ્ન ત્રણ ગામ દુર રેવજીભાઈ ની દિકરી સંજના સાથે થવાંનાં હતાં, એટલે ધણી તૈયારી બાકી હોય, ધરનાં તમામ કામે વળગી ગયાં હતાં, ગામડાંના લોકો પોતાનાં લગ્નમાં પણ જાતે કામે વળગી પડે એવાં હોય.

વાહનો મળતાં ખરાં પણ ખુબજ ઓછા પ્રમાણમાં એટલે જ સંજય પોતાની સાઈકલ લઈને શહેરમાં લગ્નમાં જરુરી માલસામાનની નોંધણી કરાવવાં ગયો હતો. જલ્દીથી ધરે પહોંચવાની લાય માં સંજય નાં પગ ઝડપભેંર પેંડલ ઉપર પડી રહ્યાં હતાં…

ઉકાભાઈ નાં ખેતર પાસેથી સાઈકલ પસાર થઈ, કુવો હતો ત્યાં સંજયને લાગ્યું કે કોઈ કુવા પાસે બેઠું છે પણ ગામડાં માં આવી વાતો સહું કોઈ કરતાં એટલે પોતાના મનનો વહેમ હોવાનું સમજી સંજય આગળ વધતો રહ્યો, ૫ મિનિટ પછી એને લાગયું કે એની સાઈકલ પાછળ કોઈ વ્યક્તિ બેઠું છે, હવે, તો સંજયનાં મનમાં થોડો ડર વધી ગયો હતો, હનુમાન ચાલીસા હજી જોરથી ગાવાં માંડ્યો, પછી તો સાઈકલ થોડી દબાઈ ગઈ, વજન વધી ગયો, જોતજોતામાં સાઈકલની ઝડપ થોડી ધટવાં લાગી…

છતાં સંજય પોતાની સંપૂર્ણ તાકાત લગાવી સાઈકલ હંકાર્યે જતો હતો, નસીબ સારું ન હતું સંજયનું, એવામાંજ એની સાઈકલની ચેઈન ઉતરી ગઈ, ન છુટકે થોડી હિંમત રાખી સંજયે સાઈકલ થોભાવી, પાછળ જોયું તો કોઈ નજર ન આવ્યું, એટલે થોડો હાશકારો અનુભવ્યો, સાઈકલની ચેઈન ચઢાવી સંજયે ખીસ્સામાંથી સિગરેટ કાઢી લાઈટરથી સિગરેટ સળગાવી કસ મારતો ગયો, અને વિચારવાં લાગ્યો “નાહક નો ડરી રહ્યો હતો, આ લોકો ની વાતો સાંભળી વહેમ થઈ ગયો, બાકી હવે, ભૂત-બૂત કંઈ નથી ખાલી મનનો વહેમ છે, મારી સાથે મારા બજરંગબલી છે, નાહક નો બીતો હતો, આમ વિચારતો વિચારતો સિગરેટનો છેલ્લો દમ પૂરો કરી, સાઈકલ લઈને ઉપડ્યો.

થોડે જ દુર ગયો અને ફરી સાઈકલ ધીમી પડી અને પાછળ કોઈ બેસેલું હોય એવો આભાસ થવાં લાગ્યો, હવે તો સંજય હેરાન થઈ ગયો અને ડર વધી ગયો અને મનમાં વિચારવાં લાગ્યો કે “ના, હવે તો કોઈ છે જ સાઈકલ પર, આટલી ઠંડીમાં પણ પરસેવે રેબઝેબ થઈ ગયો. ભાન ભૂલી ગયો કે શું કરવું શું ન કરવું છતાં હિમ્મતભેર નીચે ઉતર્યો. ફરીવાર કોઈ ન દેખાયું આ વખતે સંજય થોડો અસમંજસમાં હતો, વિચારતો હતો કે આવું બીજીવાર બન્યું વહેમ તો ન જ હોય, એટલે એ સાઈકલ છોડી ભાગવાં લાગયો, હજી બે જ ડગલાં ભર્યા હશે ને એક ૨૨ વર્ષ ની એક છોકરી એની સામે ઉભી દેખાઈ. બીક લાગે એવાં છુટ્ટા વાળ, ચહેરો વાળનાં લીધે ઢંકાઈ ગયો હતો, કપડાં લોહીથી તરબોળ હોય એવાં હાથ-પગમાં કોઈ એ હમણાં જ ધા કર્યો હોય એવાં લાલ લાલ લોહી વહી રહ્યું હતું,

ગાંમડાંમાં આટલાં વાગ્યે એક પણ છોકરી દેખાય એ શક્ય જ ન હતું અને આ તો આવી હાલતમાં કોઈ છોકરી જોઈ એટલે થોડાં બીતાં બીતાં અને ગભરાટ સ્વરમાં પૂછ્યું “તમે કોણ છો? અને આટલી રાતે આ તમારા હાલત કેવી છે? શું થયું તમને? આટલું લોહી વહે છે? ચાલો હું તમને દવાખાને પહોંચાડી દઉં લગભગ આ બધું સંજય એક જ શ્વાસમાં બોલી ગયો.
સામે છેડે થી કોઈ જવાબ ન આવતાં, સંજય હિંમત કરી આગળ ગયો અને ફરી પૂછવાં લાગયો. છતાં એણે જવાબ ન આપ્યો. એક તો સંજયથી એની હાલત જોવાય એવી હતી જ નહીં એટલે સંજયે એને પકડીને બાજું માં બેસાડવાં માટે એ છોકરી ને પકડવાની કોશિશ કરી, પણ આ શું! સંજય એ છોકરી ને પકડી શકતો ન હતો. ફરી ૩/૪ વાર કોશિશ કરી પણ દરેક વખતે નિષ્ફળતાં.

હવે, તો સંજયને લાગ્યું કે આ કોઈ છોકરી નથી, નક્કી આ કોઈ ચૂડેલ છે! હવે, બચવાનાં કોઈ રસ્તા નથી મનોમન હનુમાન ચાલીસા ગાવાં માંડ્યો.
અને ધ્રુજતાં ધ્રુજતા કહેવાં લાગ્યો કે “મહેરબાની કરી મને કંઈ કરશો નહીં, ૧૫ દિવસમાં મારા લગ્ન છે, તમારે જે જોઈયે એ હું આપવા તૈયાર છું, એમ કહી રીતસરનો કરગરવાં લાગ્યો.

આ વખતે પેલી છોકરી એ જવાબ આપ્યો અને કહ્યું “હું તમને કંઈ જ નુકશાન નહીં પહોંચાડું, બસ મારું એક કામ કરશો એવી આશા છે, તમે નેક દિલનાં માણસ લાગ્યાં એટલે હું તમારી પાછળ આવી છું”
આટલું સાંભણતાં સંજયનો ડર થોડો ઓછો થયો. પણ હજી બીક તો મનમાં હતી જ…
“હા, કહોને શું મદદ કરી શકું હું તમારી? જે કહો એ કરીશ પણ મને કંઈ નાં કરશો, અને તમને શું થયું છે એ તો કહો? આ લોહીયાળ શરીર તમારું! પીડા નથી થતી તમને? સંજયે કહ્યું.

“ના, પ્રેતઆત્મા ને પીડાં કેવી? મારું શરીર તો દફનાવી દીધું છે, આ તમને જે દેખાય છે એ મારી આત્મા છે.” વિસ્તારમાં કહું તમને બેસો નીચે.”
“મારું નામ અર્પિતા છે, ૩ દિવસ પહેલાંની વાત છે, સાંજનાં લગભગ ૭ વાગ્યા હશે, તમને તો ખબર છે આપણે ગામડાંનાં રહેવાસી આપણે કુદરતી ક્રિયાક્રમ માટે ખેતરોમાં જ જવું પડે! સરકારે ફક્ત શહેરો જ વિકસાવ્યાં છે, ગામડાં નહીં!!! એટલે હું રસ્તા ઉપર ચાલીને જતી હતી, રસ્તામાં માણેકલાલ શેઠ નો દારુડિયો છોકરો અને તેનાં ત્રણ મિત્રો સાથે ભેટો થયો, એ લોકોની ચાલવાનાં ઠેકાણાં ન હતાં, ખૂબ જ નશામાં હતાં, અને મને ગંદી નજરથી જોવાં લાગ્યાં, હું થોડી હિંમત રાખી એ લોકો ને બોલવાં મંડી, પણ એ ચાર જણાં સાથે હું એકલી કેમ કેમ લડું? એ નરાધમો મને મારવાં લાગ્યાં પકડી ને નીચે પાડી નાંખી, ઓઢણી ખેંચી એ રાક્ષસ મારાં ઉપર તૂટી પડ્યાં મેં એમનો સામનો કરી જ રહી હતી કે પાછળથી એક વ્યક્તિ એ મારા માથા ઉપર ફટકો માર્યો હું ત્યાં જ ઢળી પડી, છતાં એ રાક્ષસોને ચેન ન વળ્યું એટલે એ નરપિશાચીઓએ મારી સાથે ન કરવાનું કર્યુંં.

છતાં હજી મારા શ્વાસ ચાલું હતાં. દેખાતું કશું ન હતું પણ, હું એ બધું અનુભવતી હતી. એ ચારેય વ્યક્તિઓ એ મને એક પ્લાસ્ટિકની કોથળીમાં બાંધી દીધી. હું આ બધું રોકવાં માટે સક્ષમ ન હતી, ત્યારબાદ મને એ લોકો એ જીવતી જ દાટી દીધી.
આટલું બોલી એ ચોધાર આંસું એ રડવાં લાગી.

સંજય મનમાં વિચારવાં લાગ્યો કે આ બધું શું થઈ રહ્યું છે. એના મનમાં હજી એક સવાલ રમતો હતો કે શું પ્રેતાત્મા પણ રડતી હશે. સંજયે ધણી વખત સાંભળ્યું હતું કે જે લોકો ના કોઈ કામ કે કંઈ અધુરી ઈચ્છા બાકી રહી ગઈ હોય એમની આત્મા ને મોક્ષ નથી મળતો. અને આજે તો સંજયે સાક્ષાત એ અનુભવી લીધું..
“હું શું મદદ કરી શકું બોલો”?? સંજયે કહ્યું.

“જે લોકો ની ઈચ્છા અધુરી રહી જાય એવાં વ્યક્તિ ની મદદ માટે ભગવાન એક નેક દિલ વ્યક્તિ મોકલે જ છે, બસ, તમે એજ વ્યક્તિ છો, મારી ઈચ્છા બસ, એક બદલો લેવાંની છે, મારામાં બદલાંની ભાવના નથી પરંતું હું નથી ઈચ્છતી કે જે મારી સાથે થયું, એ કોઈ બીજી છોકરી સાથે ન થાય એટલે મારી એક જ ઈચ્છા છે, એ રાક્ષસો ને સજા આપવી છે, અને એ કામ તમે જ કરી શકો છો.” અર્પિતા એ વિગતવાર સમજાવ્યું.
થોડી આનાકાની સાથે સંજયે કહ્યું “હા, હું કરીશ તમારી મદદ, આવા રાક્ષસો સમાજ માં ખુલ્લેઆમ ફરે એ સારી બાબત નથી. બોલો હું શું કરું.?

“શહેર નાં કોઈ એક પોલીસ સ્ટેશને જાવ અને આ સધળી હકીકત એમને જણાવો. અને આ આપણાં નજીકનાં પોલીસ સ્ટેશને ના જશો, એ લોકો તમારી મદદ નહીં કરે, અને હા, આજના આ ટેક્નૉલોજીનાં જમાનામાં તમારી વાતો ઉપર વિશ્વાસ કોઈ નહીં કરે, એટલે તમે એ લોકોને અહીં લઈ આવજો અને કુવા ની પાછળનાં ભાગે જ મારી લાશ ને દફન કરી છે એ ખોદાવી નાંખજો, અને હા, મારી લાશ પાસે જ માણેકલાલ શેઠ નાં દિકરાં નું પર્સ મળશે એ જ આ હત્યાંની સાબિતી છે.” આટલું કહી અર્પિતા એ સંજયને એ કુવા પાસે લઈ ગઈ અને જગ્યા બતાવી.

“હા, હું કરીશ તમારી મદદ આવતીકાલે હું શહેર જઈ સધળી હકીકત જણાવી માણેકલાલ શેઠ અને તેના મિત્રોને સજા અપાવીશ” સંજયે થોડી હિંમત દાખવતાં કહ્યું.

આટલી વાત પૂરી કરી સંજય અને અર્પિતા છૂટા પડ્યાં, સંજય અર્પિતા ને ફરી ફરી જોતો રહ્યો અને અર્પિતાની આત્મા કુવામાં સમર્પિત થઈ ગઈ.
સંજય ને વિશ્વાસ ન થતો હતો કે થોડાં સમય પહેલાં એણે કોઈ આત્મા સાથે મુલાકાત લીધી હોય. કાડાં ધડિયાળ ઉપર નજર નાંખી તો 3 વાગી ગયાં હતાં. સંજયની સાઈકલ ચાલવાં લાગી, ધરે પહોંચી સુઈ ગયો, હજીય એની આંખ સામેથી અર્પિતા નું દ્રશ્ય હટતું ન હતું, રાહ, જોઈ રહ્યો હતો કે ક્યારે સવાર થાય અનેે ક્યારે શહેર જાય અને પેલાં રાક્ષસોને સજા અપાવે…

વિચારતાં વિચારતાં સવાર થઈ ગઈ, સંજયે નાહીધોઈને ફટાફટ પોતાની સાઈકલ કાઢી કોઈને કહેવાં વગર જ શહેર જવાં નિકળી ગયો. અને રસ્તામાં અર્પિતા વિશે જ વિચારતો હતો, કે “આઝાદીનાં આટલાં વર્ષો પછી પણ અને ટેકનૉલોજી હોવાં છતાં આપણાં ગામો પ્રાથમિક જરુરીયાતની સુવિધાથી પણ વંચિત છે, હજી આવાં નાના નાના ગામડાંઓમાં “ટોઈલેટ” ની પણ સુવિધા નથી. અને આવી સુવિધાઓ ન હોવાથી “અર્પિતા” જેવી છોકરીઓ આવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે, શું ભૂલ હતી એની? આવાં રાક્ષસો નાં શિકાર બની ગઈ, હું નહીં છોડું આવાં રાક્ષસોને સજા અપાવીશ જ” આટલું વિચારી સંજયે ગુસ્સામાં જોરથી પેંડલ મારવાં લાગ્યો.

થોડી જ વાર માં શહેર પહોંચી ગયો, ત્યાં પોલીસ સ્ટેશનમાં જઈને સધળી હકીકત જણાવી તો સહું કોઈ હસવાં માંડ્યાં… અને કહેવાં લાગ્યાં “ભાઈ, એટલો નશો નહીં કરવાનો કે આવી બધી વાત કરવી પડે”
સંજયે કહ્યું “સાહેબ, હું નશો નથી કરતો, અને હા, તમે તમારી આંખે જોઈ લો તો જ તમને વિશ્વાસ આવશે, હું જુઠ્ઠું નથી બોલી રહ્યો, મારી વાત નો વિશ્વાસ કરો.”

થોડી વાર કરગરીને સાહેબને મનાવી લીધા,
પોલીસની આખી ટીમ આવી પહોંચી ઉકાભાઈ નાં ખેતર પાસે અને ઉકાભાઈ સહીત ગામનાં સરપંચ સામે કૂવા પાછળ ખોદકામ ચાલું કર્યું, થોડી જ વાર માં દુર્ગંધ આવવા લાગી તમામ ની આંખો પહોળી થઈ ગઈ, જ્યારે પ્લાસ્ટિકની એક મોટી થેલીમાંથી અર્પિતાની લાશ મળી. સાથે સાથે માણેકલાલ શેઠનાં દિકરાંનું પર્સ મળ્યું. ઈન્સેક્ટર સાહેબે લાશ ને પોસમોર્ટન માટે મોકલી આપી અને માણેકલાલ શેઠ નાં દિકરાંની કડક પૂછપરછ કરતાં એણે ગુનો કબુલી લીધો. એને અને એના મિત્રો ને આજીવદ કેદની સજા થઈ.

આ તરફ સંજય ખૂબ જ ખુશ હતો કંઈક સારું કર્યાં નો આનંદ હતો. કૂવા પાસે એને અર્પિતા દેખાઈ. અર્પિતા ખુશ હતી, થોડી જ વારમાં અર્પિતાની આત્મા અવકાશ તરફ અદ્રશ્ય થઈ ગઈ…

“ગુનેગારનો ગુનો કોઈ દિવસ છુપો રહેતો નથી કુદરત દરેકનાં ગુનાં નિહાળે છે અને એની સજા કોઈપણ રીતે આપે છે”

લેખક : કુંજ જયાબેન પટેલ “સ્વવિચાર”

દરરોજ અલગ અલગ વિષયની વાર્તા વાંચવા માટે લાઇક કરો અમારું પેજ. – જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી