આજની પોઝિટિવ સ્ટોરી: જ્યારે લેખક-પત્રકાર-વક્તા કિશોર મકવાણાએ ઘરેથી નીકળીને એક વૃદ્ધ માટે દવા લાવી આપી

જ્યારે લેખક-પત્રકાર-વક્તા કિશોર મકવાણાએ ઘરેથી નીકળીને એક વૃદ્ધ માટે દવા લાવી આપી… લોકડાઉનમાં માનવતા ડાઉન નહીં, પણ ઉજાગર થતી હોય તેવા અનેક કિસ્સા રોજેરોજ બને છે.

આજે પણ એક આવો જ કિસ્સો બન્યો.

મારે એક પુસ્તક અંગે કામ હતું એટલે મેં મિત્ર કિશોર મકવાણાને ફોન કર્યો. લોકડાઉનમાં બધા ઘરે જ હોય, આમ છતાં મેં મજાક કરવાના હેતુથી પૂછ્યું કે ઘરમાં છો કે બહાર ?

કિશોરભાઈએ કહ્યું કે બહાર છું. મને નવાઈ લાગી. મેં કારણ પૂછ્યું તો તેમણે જે જવાબ આપ્યો તે નવાઈ લાગે તેવો હતો.

આજે સવારે કિશોરભાઈ પર કોઈ અજાણ્યા વડીલનો ફોન આવ્યો. તેમણે કિશોરભાઈને કહ્યું કે હું ઘરમાં એકલો જ છું અને મારે દવાની જરૂર છે. મને દવા લાવી આપે તેવું કોઈ નથી. આપ કોઈ સગવડ કરાવી આપો તો સારું.

કિશોરભાઈએ જવાબ આપ્યો કે મારે જ દવા લેવા જવું પડશે. તમે મને વોટેસ એપ દવાની વિગત મોકલી આપો હું તમને આશ્રમ રોડ પર આવેલા સીજીએસએચમાંથી દવા લાવી આપીશ. વડીલે વિગત મોકલી.

image source

કિશોરભાઈ તરત કાર લઈને નીકળ્યા. આશ્રમ રોડ પહોંચ્યા. દવા લેનારે પૂછ્યું કે આપ જેના માટે દવા લેવા આવ્યો છો તે આપના કોણ થાય છે ? કિશોરભાઈએ વિગત કહી કે મને તેમણે ફોન કર્યો તેથી હું દવા લેવા આવ્યો છું. દવા આપનારાની આંખોમાં ચમક આવી.

image source

કિશોરભાઈ દવા લઈને વડીલના ઘરે પહોંચ્યા. તેઓ નહેરૂપાર્ક- વસ્ત્રાપુર રહે છે. મોટા ભાગની દવા મળી હતી. કેટલીક નહોતી મળી.

એ વડીલ સાથે મેં ફોન પર વાત કરી. તેમનું નામ વિજય રતન શર્મા છે. 67 વર્ષની ઉંમર છે. તેમનો પરિવાર નોઈડામાં ફસાઈ ગયો છે. અત્યારે એકલા જ છે. કિશોરભાઈનો નંબર તેમણે ઈન્ટરનેટ પરથી શોધ્યો. તેમણે મને કહ્યું કે મેં જુદી જુદી સરકારી એજન્સીઓનો સંપર્ક કર્યો પણ મને સહકાર ના મળ્યો.

image source

આ સાંભળીને દુઃખ થયું કારણ કે કોઈ એકલા રહેતા વડીલને દવા ના મળે તે યોગ્ય ના કહેવાય, જોખમી કહેવાય. વિજય શર્માને ડાયાબિટિસ, હાઈબીપી, કોલોસ્ટોલ, લીવર સહિત ઘણી બિમારી છે. તેમને ઘણી દવા લેવી પડે છે.

કિશોરભાઈએ તેમને ત્રણ મહિનાની દવા લાવી આપી છે. વિજયભાઈએ કહ્યું કે કિશોરભાઈનો જેટલો માનું તેટલો આભાર ઓછો છે. કિશોરભાઈ કહે છે કે આ તો સહજ વાત છે. આવા સમયે સહયોગ કરવો જ જોઈએ. એક સંવેદનશીલ-માનવીય કાર્ય કરવા માટે કિશોરભાઈને અભિનંદન અને વિજયભાઈને નિરામય આયુષ્ય માટે શુભકામનાઓ.

આલેખનઃ રમેશ તન્ના

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ