મુકેશ સોજીત્રા લિખિત અદભૂત નવલિકા “કિશન કન્હૈયા” ભાગ – ૨

સવારે હસમુખરાય ઉઠ્યા, વાતાવરણ તંગ હતું. રસોડામાંથી સાણસી ખખડવાનો અવાજ આવી રહ્યો હતો. હસમુખરાયે ચા પીધી. છાપું વાંચ્યું. નયનેશ ઉઠ્યો નહોતો. કાંતાબેન શેરીમાં શાકભાજીની રેંકડી પર શાકભાજી ખરીદવા ગયાં, અને હસમુખરાયને મોકો મળી ગયો. નયનેશના રૂમમાં ઝટપટ જઈને બોલ્યાં

“તું અને અપૂર્વા દુકાને આવજો આપણે ત્યાં વાતો કરીશું, અને તારી મમ્મી સાથે કશીજ માથાકૂટ ના કરતો. જે બોલે એ સાંભળી લેવાનું.. જેને આપણે વિચારથી સંભાળી ના શકીએ એની વાતો સાંભળી લેવાની બીજું તો શું એ એનાં મન પ્રમાણે વિચાર કરે. આપણે આપણી રીતે વિચારવાનું.” આટલું કહીને એ પાછા આરામ કરવાની ખુરશી પર બેસી ગયાં જાણે કંઇજ ના બન્યું હોય એમ ચુપચાપ!!! કાંતાબેન શાક લઈને આવ્યાંને હસમુખરાયે પૂછ્યું.

“આજે શેનું શાક બનાવવાનાં છો દેવીજી??”
“તમ્બુરાનું , ભાવશે ? કાંતાબેન હજુ પણ રોષમાં જ હતાં.
“તંબુરો જેમાંથી બને એ તુંબડા સ્વાદમાં કડવા હોય પણ અવાજ મીઠો આવે” અને જવાબની અપેક્ષા રાખ્યા વગર જ એ પોતાની દુકાને જવા તૈયાર થયા. બપોરે લગભગ અગિયાર વાગ્યે દુકાનમાં નયનેશ અને અપૂર્વા આવ્યાં. સાદા ગુલાબી ડ્રેસમાં અપૂર્વા શોભતી હતી!! હસમુખરાય પોતાનાં દીકરાની પસંદગી પર ગર્વ અનુભવતાં હતાં. મહેતાજી રસિકભાઈ ને હસમુખરાય કામ સોંપીને તેઓ દુકાન ઉપર આવેલા ટેરેસમાં ગયાં.

“મારે વધારે કશું કહેવું નથી પણ બેટા તમારાં માતા પિતા આ સંબંધથી રાજી તો છેને”? હસમુખરાય બોલ્યાં.

“મારી મમ્મી તો રાજી છે અને પાપા થોડાં રાજી છે પણ વાંધો નહિ આવે, અમને વડીલોના આશીર્વાદ જોઈએ.” અપૂર્વા બોલી નયનેશ સાંભળી રહ્યો હતો.

“ સારું થઇ રહેશે,!! નયનેશના મમ્મી કોઈ કાળે નહિ જ માને” તમે લોકો કોર્ટ મેરેજ કરી લો અને આમેય નયનેશ હવે કમાય છે, બીજું તો હું શું આપું??!! નયનેશ મારો એકનો એક દીકરો છે. જીવનભર ભેગી કરેલી મૂડી મે અલગ કરી રાખેલી છે, આતો ઘરની વાત છે ઘરમાં જ રખાય અને હવે તું અમારા ઘરની સભ્ય ગણાય એટલે તને કહું છું.. બેટા ..!! પહેલાં તો એનાં ત્રણેય મામા ને ધંધે ચડાવવા માટે મારા ઘણાં રૂપિયા ગયાં પણ પછી મેં બંધ કર્યું અને નયનેશ ને માટે મેં ભેગું કર્યું છે. એમાંથી હું નયનેશ ને એક સરસ મકાન લઇ દઈશ. થોડાં રૂપિયા એનાં ખાતામાં નાંખી દઈશ. પછી તો મારે શું જોઈએ?? એક આ દુકાન ને ઘર છે. અત્યારે આ એટલાં માટે આપું છું કે કાલ સવારે હું ના હોવ ને મારી સંપતિમાંથી નયનેશ કદાચ કાઈ ના પણ મળે એટલે આ ત્રણ દિવસમાં હું બધો જ વહીવટ પૂરો કરવા માંગુ છું” હસમુખરાય બોલ્યાં. અપૂર્વા અને નયનેશ સાંભળી રહ્યા. ફરી થી હસમુખરાય બોલ્યાં.

“ બેટા તમે બંને મને એક વચન આપો કે કોઈપણ પરિસ્થિતિમાં તમે એકબીજાનો સાથ છોડશો નહિ..!! જીવન તમારું લાંબુ છે, અને ઉમર નાની છે અને, અમે તો ખર્યું પાન..!! પણ તમે એક બીજાના વિશ્વાસે જીવજો..!! વિશ્વાસ એ વિશ્વનો શ્વાસ છે બેટા, સુખી થાઓ.. ગગન તમારું છે!! આવતી કાલ તમારી છે. અંતરથી મારા આશીર્વાદ છે.” હસમુખરાયને અપૂર્વા અને નયનેશ બંને પગે લાગ્યાં. ટેરેસમાંથી નીચે ઉતર્યા..

ચાર દિવસમાં હસમુખરાયે બોપલમાં એક મકાન લઇ લીધું. મકાનના દસ્તાવેજ અપૂર્વા અને નયનેશના સયુકત નામે કરવામાં આવ્યો. બેયના બેંક એકાઉન્ટમાં થોડી થોડી રકમ નાંખી દીધી. બધીજ ગુપ્તતા જાળવામાં આવી. કાંતાબેન કે સગાસંબંધીને ખબર પણ ના પડી એમ બધું જ ક્લીયર થયું.. અને ચાર દિવસ પછી બનેએ કોર્ટ મેરેજ કરી લીધા. મેરેજ કરતી વખતે અપૂર્વાએ પેલી કિશન ની મૂર્તિ સાથે રાખી. અપૂર્વાના ઘરે તો ખાસ અસર ના થઇ પણ અહી નયનેશના ઘરે ધમાલ થઇ. કાંતાબેને ઘર માથે લીધું. સુરતથી કાંતાબેને એના ભાઈઓને બોલાવ્યા. એ લોકો અપૂર્વાના ઘરે ગયાં. બોલાચાલી થઇ. હસમુખરાય ત્યાં પહોંચ્યા. એમનાં સાળાઓને પાછા કાઢ્યા.!!

અપૂર્વાના મમ્મી પાપાને મળ્યાં. અઠવાડિયું ધમાલ થઇ પછી રાબેતા મુજબ થાળે પડતું ગયું. બોપલના નિવાસ સ્થાને નયનેશ અને અપૂર્વાએ સંસાર માંડ્યો. નયનેશ ઠાકુર ઈમ્પોર્ટસ એન્ડ એક્ષ્પોર્ટસમાં જોબ પર જાય દસ થી છ અને અપૂર્વા ઘરે રહે.. ઘરે બેસીને કંટાળી એટલે એણે ટ્યુશન શરુ કર્યા ટાઈમપાસ માટે..જ!! છ માસમાં જ એ લોકો એ સોસાયટીમાં દુધમાં સાકર ભળે એમ ભળી ગયાં. રવિવારે કે રજાના દિવસે બંને પોતાનાં ઘરે જાય. કાંતાબેન તો શરૂઆતમાં અંદર આવવા ના દે હસમુખભાઈ કહે.

“ઘર મારા બાપનું છે દેવીજી, તમે કરિયાવરમાં નથી લાવ્યાં, એટલે છોકરા તો આવશે જ . હા તમે એની સાથે ના બોલો મોઢા મચકોડો એ બધું કરી શકો પણ આ ઘરમાં તમે એને આવતા રોકી ના શકો.!! અપૂર્વા અને નયનેશ કલાક રોકાય વાતો થાય.. પછી તો એ આવે એટલે કાંતાબેન બીજે જતાં રહે.. પછી ત્યાંથી અપૂર્વા એનાં પાપાને ત્યાં જાય તારાબાઈ સાથે બેસે એકનાથ કઈ બોલે નહિ. અપૂર્વા ત્યાં બગીચાને પાણી પાય. અને પછી તો એક વરસ બાદ એકનાથ રીટાયર થયા અને વતન રત્નાગીરી જતાં રહ્યા..કાળુપુર રેલવે સ્ટેશન પર અપૂર્વા અને નયનેશ તેમને વિદાય આપવાં ગયાં.. ગાડી આવી. બધા ગોઠવાયા અને ગાડી ઉપડી ત્યારે એકનાથે એક કવર આપ્યું અપૂર્વાને.. કવરમાં પચાસ હજાર રૂપિયા હતાં અને એક ચિઠ્ઠી હતી. ચિઠ્ઠીમાં બસ આટલું લખ્યું હતું “બેટા સદા સુખી રહો..

એક દિવસ નયનેશે આવીને કીધું કે કંપનીની નવી શાખા ગાંધીધામમાં ખુલી છે અને અહીંથી અહીંથી સ્ટાફ મોકલવાનો છે.. મને કહેવામાં આવ્યું છે.. કંપની મારા પગારમાં ચાલીશ ટકા વધારો કરી દેશે. ત્યાં કંપની તરફથી રહેવાનું મકાન મળશે અને થોડો ચેન્જ પણ મળશે.. તારી ઈચ્છા હોય તો હું સહમતી પત્ર ભરી દઉં.. અપૂર્વા એ ખુશી વ્યકત કરી. નયનેશ તેનાં મમ્મી પાપાને મળવા ગયો. પાપા મળ્યાં. આજ પાપાની આંખમાં આંસુ હતાં. થોડી વાતો થઇ. ગાંધીધામ નું એડ્રેસ આપ્યું. પાપાને આવવાનો આગ્રહ કર્યો. નયનેશ મમ્મીને મળ્યો કાંતાબેન કશું ના બોલ્યાં. ના તો આશીર્વાદ આપ્યા કે ના તો હસતું મોઢું રાખ્યું. નયનેશ અને અપૂર્વા ગાંધીધામ રવાના થયા. કંપનીની ઓફીસ કંડલા બંદર ના રસ્તે હતી. ગાંધીધામ માં એક મકાન આપવામાં આવ્યું. બાજુમાં બધી કંપનીઓના કર્મચારીઓ રહે. ગાંધીધામનું ખુશનુમા વાતાવરણ ફાવી ગયું. થોડે અંતરે કૃષ્ણ ભગવાનનું મંદિર…!! રોજ સવાર સાંજ અપૂર્વા દર્શન કરવા જાય..!! એકાદ મહિના પછી અમદાવાદથી ફોન આવ્યો..!! રસીક્લાલ મહેતાજીનો ફોન હતો. હસમુખરાય આજે સવારે અવસાન પામ્યાં છે જલદી આવો….!!

પહેરેલે લુગડે નયનેશ અને અપૂર્વા બંને ભાગ્યા. સાંજે લગભગ પહોંચ્યા ઘરે!! હસમુખરાયને અગ્નિદાહ દેવાઈ ગયો હતો. નયનેશની વાટ પણ ના જોવાઈ.. અપૂર્વા અને નયનેશ રડ્યા. થોડાં દુરના સગા સંબંધી અને સુરતવાળા મામાઓ હતાં. એ લોકો હજુ પણ નફરતની નજરથી જોતા હતાં. જાણે આ બંને એ કેમ ભયંકર અપરાધ કર્યો હોય??.. રાતે રસિકલાલ અપૂર્વા અને નયનેશને એમને ઘરે લઇ ગયો. જમવાનું તો ક્યાંથી ભાવે એટલે ચા બનાવી પીધી ઓશરીમાં બેઠા અને રસિકલાલ બોલ્યાં

“તને ક્યાંથી ખબર હોય બેટા કે તારા પપ્પાને કેન્સર હતું.. જે દિવસે તમે બન્ને દુકાને આવ્યાને તેનાં ત્રણ દિવસ પહેલાં અમે વાઘોડિયા પાસે ગોરજ આશ્રમ જઈ આવ્યા હતાં. ફેફસાનું કેન્સર હતું. મટે એમ નહોતું.. એક તારી ચિંતા હતી એને અને એટલે જ તને અને અપૂર્વાને પરણાવી દીધાં. મકાન લઇ દીધું. રકમ આપી દીધી. તારી મમ્મી માટે પણ અલગ રકમ મૂકી દીધી હતી. એને ખબર હતી કે મારા ગયાં પછી કાન્તા અને તેનાં ભાઈઓ બધું જ હડપ કરી લે છે તે રતન પોળની દુકાન અને તારું ઘર બીજું તો શું હતું. એટલે મને સોગંદ આપીને પણ મારા માટે પણ એક દુકાન લઇ લીધી. રીલીફ રોડ પર એક મોકાની દુકાન એણે ખરીદીને મારા નામે કરી અને કીધું કે રસિક તું મારી સાથે સગા ભાઈની જેમ રહ્યો છો તો આટલી વસ્તુ સ્વીકારી લે હું ના હોવને ત્યારે ધંધો કરી ખવાય… તારા પપ્પા એક મહાન માણસ હતાં બેટા!! ડોકટરે તો એમ કીધેલું કે હસમુખ રાય તમે હવે છ જ મહિનાના મહેમાન પણ તારા પાપા કહેતાં તા કે મને હવે બે વરસ તો કાઈ જ ના થાય . મારો દીકરો પરણી ગયો!! દીકરો ખુશ છે તો બાપેય ખુશ છે..

એ પછી એકદમ તણાવ મુક્ત રહેવા લાગ્યાં. દુકાને પણ જે ઘરાક આવે એને સસ્તા ભાવે કે પડતર ભાવે આપી દે અને કહે પત્ની માટે અને બાળકો માટે પુરતું છે હવે વધારે ભેગું કરીને શું કરવું છે?? હવે તો જેટલા દિવસ જીવાય એટલાં દિવસ બસ કોઈની આંતરડી ઠારવી છે મર્યા પછી કાઈ પાછળ કાઈ પહોંચે કે ના પહોંચે પણ જીવતાં કરેલાં કાર્યો તો જરૂર થી પહોંચવાના જ !! એણે મને બીજુય કીધેલું કે મારું અવસાન થાય ને પછી મારો દીકરો અને વહુ આવેને તો એને તું તારે ઘેર લઇ જાજે અને કહેજે કે કોઈ મારી વિધિમાં એ ના રોકાય.. કોઈ એને એ વખતે કડવા વેણ કહે એ મને નહિ ગમે.!!. એ વહુ દીકરો તરત જ નીકળી જાય.. આટલું કહેજે એને હસમુખરાયની આ અંતિમ ઈચ્છા હતી.. બસ આ વાત હતી તને કહેવાની…” રસિકલાલે વાત પૂરી કરી. નયનેશને પોતાના પિતાનું આ નવું સ્વરૂપ જોવા મળ્યું. પોતાના પિતા કેટલા દુરન્દેશી હતાં.. અપૂર્વા અને નયનેશ ખુબ જ રડ્યા!!

સવારમાં બને તેઓ બોપલ ગયાં પોતાનું મકાન એણે ભાડે આપેલું. સોસાયટીના માણસો ભેગા થયાં. એ ઘરે એણે પ્રાર્થના રાખીને બપોર પછી એ ગાંધીધામ નીકળી ગયાં… સમય પસાર થતો ચાલ્યો. અપૂર્વા એ પુત્રીનો જન્મ આપ્યો,,, નામ પાડ્યું વિશ્વા!!! એનાં પાપા એ જ તો કહેલું કે એકબીજાનાં વિશ્વાસે જીવજો વિશ્વાસ એ જ વિશ્વનો શ્વાસ છે એટલે જ નામ પાડ્યું વિશ્વા!! એકદમ ગોરી ગોરી અને ભરાવદાર વિશ્વાના પગલાથી ઘરનું વાતાવરણ ચેતનવંતુ થઇ ઉઠ્યું. નયનેશને પણ હવે પ્રમોશન મળ્યું. ખુશખુશાલ દિવસો જઈ રહ્યા હતાં ક્યારેક રત્નાગીરીથી ફોન આવે તો વિશ્વા એની નાની અને નાના સાથે વાતો કરે.. ક્યારેક રસિકલાલનો ફોન આવી જતો.. જેમ હસમુખરાયે કહેલું એમ જ થયેલું. રતનપોળની દુકાને હવે બંને મામા સંભાળતા હતાં અને રસિકલાલને રજા આપી દીધેલી…!!

વિશ્વા ચાર વરસની થઇ અને એક આફત આવી એક મોડી રાતે નયનેશ બાઈક લઈને આવતો હતો ને અકસ્માત થયો. નાના મગજમાં માં વાગ્યું અને નયનેશ કોમામાં ચાલ્યો ગયો.!! અપૂર્વા માથે તો જાણે આભ તૂટી પડ્યું.. સરકારી હોસ્પીટલમાં નયનેશ ને દાખલ કર્યો.. કંપનીના કર્મચારીઓ ભેગા થયા. રસિકલાલ આવ્યાં. એકનાથ અને તારાબાઈ આવ્યાં. દીકરીને સાંત્વના આપી. પંદર દિવસ સરકારી હોસ્પિટલમાં રાખીને પછી એને ડો.શાહનાં કલીનીકમાં લઇ ગયાં. નયનેશ ની પાછળ પાણીની જેમ પૈસો ખર્ચાર્યો. એકાદ મહિના પછી નયનેશ ભાનમાં આવ્યો. અપૂર્વાએ પેલી મૂર્તિ કાઢીને આંખોને અડાડી. નયનેશ ભાનમાં તો આવ્યો પણ શરીરને ડાબી સાઈડ પેરેલીસીસ ની અસર હતી. વળી કોમાને કારણે એની યાદદાસ્ત ને પણ અસર થઇ હતી. અને સહુથી ભયાનક બાબત એ હતીકે એની વાચા જતી રહી હતી. એ બોલી શકતો નહોતો.. આશરે દોઢ મહિના પછી એને ડો. શાહે બોલાવી અને કહ્યું.

“ જો અપૂર્વા આવા કેસમાં દર્દી ને સાવ સારું થતાં લગભગ બે થી ત્રણ વરસ વીતી જતાં હોય છે એટલે અહી હોસ્પિટલના ખર્ચમાંથી બચવા બહેતર એ છે કે તમે એને ઘરે રાખો, દવા શરુ રાખો, સારવાર કરો તો દર્દીને વધારે રીકવરી થશે.. આ તો મને સહાનુભુતિ છે એટલે કહું છું બાકી આવા દર્દી મારી પાસે હોય તો અમારી કમાણી વધે.. પણ તમારાં પતિની ખ્યાતી અને નામના સાંભળીને હું બરાબર જ કહું છું કે અહી ના રાખો લાગણી અને પ્રેમથી તમે ઘરે સારવાર કરો તો તમારા પતિ જલદી સારા થઇ જશે.. એકનાથે કહ્યું ચાલ દીકરી આવતી રહે ત્યાં કોઈજ તકલીફ નહિ પડે પણ અપૂર્વા બોલી …

“ ના પાપા હું મારી રીતે સંભાળી લઈશ.. તમે ચિંતા ના કરો મારો કિશન મારી સાથે છે… કંપનીના કામદારો ભેગા થયાં મેનેજમેન્ટને રજૂઆત કરી કે અપૂર્વાને સહાય મળવી જોઈએ. છેવટે એ નક્કી થયું કે નયનેશ ની જગ્યાએ અપૂર્વા જોબ કરે અને જે પગાર નયનેશને મળે એ જ પગાર અપૂર્વાને મળશે.. એકનાથ અને તારાબાઈ જતાં રહ્યા. પડખેની સોસાયટીમાં એક મેર જ્ઞાતિનાં શાંતુમાને અપૂર્વાએ કામે રાખી લીધાં. માડીનું કામ વિશ્વાને સંભાળવાનું અને નયનેશને પાણી પીવડાવવું. અને ધ્યાન રાખવું. શાંતુમાં સવારે નવ વાગે આવે અને સાંજે પાંચ વાગે જતાં રહે અપૂર્વા આવ્યા પછી!! અપૂર્વા સવારે વહેલી ઉઠે.. પૂજા કરે પતિને નવરાવે પોતે નાહી લે સવારનો નાસ્તો અને બપોરની રસોઈ સાથે બનાવી નાંખે ઘરનું કામ આટોપીને દસ વાગ્યે ઓફિસે જાય અને સાંજે પાછી આવે અને રાંધે ,પતિને જમાડે, વિશ્વા સાથે રમે ને ક્યારેક પતિ પાસે બેસે.ક્યારેક સાથે વિશ્વા પણ હોય ધીમે ધીમે નયનેશમા સુધારો દેખાવા લાગ્યો. ક્યારેક એ સહેજ હસે, ક્યારેક એ બોલવાનો પ્રયત્ન .. ડોકટર ત્રણ દિવસે આવેઅને તપાસ કરે દવા તો શરુ જ હતી. મસાજ પણ શરુ થયો. ખર્ચ વધતો ચાલ્યો.

જે કમાણી હતી એ બધી ખર્ચાઈ ગયેલી વળી રસિકલાલે પણ રકમ મોકલેલી એ પણ વપરાઈ ગયેલી હવે તો પગાર આવે ને પગાર જાય. વળી વારેવારે પણ કોની પાસે માંગવા..?? પણ નયનેશની તબિયત સુધરતી હતી એ હકીકત હતી. એવામાં કંપનીમાં જનરલ મેનેજર બદલાયો. જુના મેનેજર પ્રજાપતિ ખુબ જ સારા હતાં અને આ જેવો આવ્યો એવો જ લખણ ઝળકાવવા માંડ્યો . એકદમ કાળી ચૌદશની પેદાશ જ જોઈ લો!! કંપનીના માલિક શેઠ નાં મોટા પુત્રનો દુરનો સાળો હતો. અપૂર્વાને જોઇને દાઢ ગળકી તે દાણા નાંખવાનું શરુ કર્યું. પણ અપૂર્વા સલામત અંતર રાખતી જ.. પેલો એને ઓફિસમાં વારંવાર બોલાવે.. પણ અપૂર્વા ચહેરા પર કરડાકી અને ગંભીરતા રાખે.. ઓફિસમાં અપૂર્વા કામ કરે ત્યારે શરૂઆતમાં કિશનની મૂર્તિ કાઢે અને આંખો પર અડાડે અને પછી જ કામ શરુ કરે એ આ જોઈ ગયેલો.. તે પોતાની ઓફિસમાંથી બહાર આવે ત્યારે ગાતો ગાતો નીકળે કે

“” કિશન બીના હૈ જીવન અધૂરા છોડ નહિ જાના રાધા છોડ નહિ જાના” અથવા તો આ ગીત ગાય ને અપૂર્વાને ચીડવતો જાય “શ્યામ તેરી બંસી પુકારે રાધા નામ , મીરાં કા તો શ્યામ વોહી રાધાકા ભી શ્યામ “ સ્ટાફ ગળે આવ્યો પણ શેઠના છોકરાનો સાળો અને બધાને નોકરી વહાલી ફરિયાદ કરે કોણ?? અને પાછો ભક્તિ ગીત ગાય,,!! એનાં ગીત પાછળનો ઈરાદો સહુ સમજે પણ કોઈ મોઢે ચડીને કહે નહિ,,!! આમને આમ એ ખૂટલનાં નખરા વધતાં ચાલ્યા..

એક દિવસ સવારે ડોકટર તપાસવા આવ્યાં અને કીધું કે અપૂર્વા તું નયનેશને અમદાવાદ લઇ જા ત્યાં મારા એક જાણીતા ડોકટર છે એ મસાજ કરશે અને જલદી સારું થશે વળી ત્યાં તારા ઓળખીતા પણ ખરા અને ઘરનું મકાન તું અમદાવાદ મેઈન ઓફિસમાં અરજી કર અને તારી બદલી કરાવી લે અમદાવાદમાં!! અને અપૂર્વા આમેય કંટાળી હતી પેલાં નાલાયકથી!! એ અહીંથી છૂટવા જ માંગતી હતી. એણે અરજી કરી.. કોઈ જવાબ ના આવ્યો. એક વાર સીધો ફોન કર્યો તો જવાબ મળ્યો કે ડાયરેક વાત ના કરવી પ્રોપર ચેનલ મારફતે વાત કરો. તમારો કિસ્સો અમે ત્યાના મેનેજરને સોંપ્યો છે, એ ઈચ્છે તો અહી બદલી કરી શકે અથવા તો તમે રીઝાઈન કરી શકો છો..!! અપૂર્વા આખો ખેલ સમજી ગઈ પેલાં નાલાયકે આબાદ જાળ બિછાવી હતી..!! એક બાજુ પતિનું જીવન અને બીજી બાજુ આ મેલી રમત બેની વચ્ચે એક હરણી સમાન અપૂર્વા ફસાઈ હતી.!! પગાર સારો હતો. પતિની દવા માટે હજુ કોઈની આગળ હાથ ફેલાવો નહોતો પડ્યો. તબિયત સુધરી રહી હતી, હવે કદાચ વરસ ની જ રાહ હતી. બીજી બાજુ અહી નોકરી તો સલામત પણ આબરૂ સલામત નહોતી..!! એક વાર એણે હિમત કરીને ઓફિસમાં પેલાને પૂછ્યું..

“સર મારી બદલીનું પ્રકરણ કેટલે પહોંચ્યું ??“
“બસ અહી જ પહોંચ્યું છે,!! આ ઓર્ડર જ છે બદલીનો!! હું સહી કરું એટલી જ વાર..!! આજ અહી ને કાલ તમે છુટા” તે હસ્યો ખંધો હસ્યો,, રાક્ષસની જેમ હસ્યો જેમ ઝરખ હસે એમ જ !!
“ તો સર બદલી કરી આપોને સહી કરી દોને મારા પતિની હાલત ત્યાં જાવ તો સારી થઇ જાય તાત્કાલિક” અપૂર્વા ગુંગળામણ અનુભવતી બોલી…
“નીલે ગગન કે તલે ધરતીકા પ્યાર પલે..” એણે આ પંક્તિ ગાઈ ને કહ્યું
“ કુછ પાનેકે લીયે કુછ ખોના પડતા હૈ મેડમ અપૂર્વાજી, એક હાથ સે લો એક હાથ સે દો… ગીવ એન્ડ ટેઈક નો જમાનો છે.. અને હું તો સંતોષી માણસ..!! હું તો પ્રેમનો ભૂખ્યો!!લાગણીનો ભૂખ્યો બસ એક જ વાર.. અને પછી બધાં ખુશ!! તમે ખુશ!! તમારા પતિ ખુશ!!

હું પણ ખુશ!! પછી તમારો રસ્તો જુદો અમારો રસ્તો જુદો..!! ટણપો બોલતાય શરમાતો નહોતો.!! અપૂર્વાનું લોહી ધગી ઉઠ્યું ઘડીક તો થયું કે મરી જાવ પણ નયનેશનાં પિતાએ જીવનભર સાથ નિભાવવાનું નક્કી કર્યું હતું.. અહી રહું તો આની માથાકૂટ રોજની થાય અને અમદાવાદ જાઉં તો આ બલાની ઉપાધિ ટળે,,!! પોતાના પતિનાં જીવનને ખાતર એ તૈયાર થઇ કેમ તૈયાર થઇ એ એનેય ખબર નહોતી..!! એનું મગજ બહેર મારી ગયું હતું..!! એને કશું સુજતુ નહોતું !! એ એક વિચારોનાં વમળમાં ફસાઈ ચુકી હતી..!!

“મને મંજુર છે” એ માંડ બોલી શકી એ હાંફતી હતી એની રગોમાં લોહી ઠંડુ પડી રહ્યું હતું..!! એ પરસેવે રેબઝેબ થઇ રહી હતી..!!
“ એમ ના માનું હું!! ખા વિશ્વાના સોગંદ,!! ખા તારા પતિનાં સોગંદ!! અને ખા તારા કિશનનાં સોગંદ!! હું કાચો ખેલાડી તો નથી જ!! એ હસ્યો દાનવની જેમ હસ્યો… અપૂર્વાનું શરીર ધ્રુજી ઉઠયું!! એણે સોગંદ ખાધા.. અને પેલા એ સહી કરી અને કાગળ આપ્યો!! એમની બદલી થઇ ચુકી હતી…!! એ જવા માટે નીકળી ત્યાં પાછો પેલો બોલ્યો.. આખો દિવસ ભરવો જરૂરી નથી..!! અત્યારે ઘરે જા અને બરાબર પાંચ વાગ્યે હોટેલ મોન્સુન રૂમ ન આઠ હું રાહ જોઈ રહ્યો છું!! અપૂર્વા બારણા પાસે પહોંચી પેલો નરાધમ ગીત ગાતો હતો.. “બહારો ફૂલ બરસાઓ મેરા મહેબુબ આયા હૈ..!!

અપૂર્વા કોઈની સામે નજર ના મિલાવી શકી , એ ઓફિસની બહાર નીકળી ઓટો પકડીને ઘરે આવી.. ધડામ દઈને દરવાજો ખોલ્યો… શાન્તુંમાં બોલ્યાં… કેમ દીકરી આજે વહેલી?? તબિયત તો સારી છેને!! !!અપૂર્વા કશું જ ના બોલી… અને અપૂર્વાએ પોતાનાં પર્સમાંથી કિશનની મૂર્તિ કાઢીને સીધો જ ફળિયામાં ઘા કર્યો, ખડિંગ કરતો અવાજ થયો અને કિશન ની એ પંચ ધાતુની મૂર્તિ બહાર આવેલ તુલસી ક્યારા સાથે અથડાઈ.!!! છુટ્ટો ઘા કર્યો મૂર્તિનો છૂટો ઘા !!!

અપૂર્વાએ એ આંખો ખોલી સાડા ચાર થયા હતાં. નયનેશની માથે હાથ ફેરવ્યો પર્સમાંથી બદલીનો ઓર્ડર કાઢ્યો ફાડી નાંખવાનું મન થયું!! પણ પાછા સોગંદ યાદ આવ્યાં. પોતાનું ભવિષ્ય ધૂંધળું લાગ્યું..!! હસમુખરાયના શબ્દો યાદ આવ્યાં.!! આંખમાંથી આંસુ નીકળી આવ્યાં..!! રૂમાલ કાઢ્યો.. આંસુ લૂછ્યા અને ઉભી થઇ બહાર શાન્તુંમાં બેઠા હતાં.. વિશ્વા એનાં ખોળામાં સુતી હતી.. વિશ્વા ની માથે હાથ ફેરવ્યો અને બોલી…

“માડી હું હમણા જ આવું છું તમે આજ મોડા જજો.. અને હા મારે આજે રાત્રે જ અમદાવાદ જવું છે ઘરનો સામાન ભેગો કરી રાખજોને” શાંતુમાને એ તો ખબર હતી કે અપૂર્વાની બદલી થવાની છે પણ બદલી માટે એ કેવો ભોગ આપવાની છે એ ખબર નહોતી..!!

“ભલે દીકરી” એમ કહીને શાન્તુમાએ વિશ્વાને બાજુના પલંગ માં સુવારી અને કામે લાગી ગયાં ત્યાં અપૂર્વા બોલી. “ આ મૂર્તિને કચરામાં નાંખું છું કચરો ભરવા ટ્રેકટર આવે ને તો સાથો સાથ આ મૂર્તિને પણ નાંખી દેજો “ એમ કહીને એણે તુલસી ક્યારા પાસે પડેલી મૂર્તિને નફરત થી જોઈ અને કચરાના ડબ્બામાં નાંખી દીધી.. ફરી એક વાર મૂર્તિનો છૂટો ઘા કર્યો!!!

અપૂર્વા ચાલતી હતી.!! બસ ચાલતી હતી.!! શૂન્યમસક ની જેમ ચાલતી હતી.!! રસ્તામાં કૃષ્ણનું મંદિર આવ્યું એ રોજ અહી આવતી..!! પણ આજ એણે બાજુ નજર જ ના નાખી..!! મન ગ્લાનીથી ભરાઈ ગયું.. પોતે સાચું કરી રહી છે કે ખોટું એનું જ એને ભાન નહોતું..!! બસ નયનેશનો ચહેરો નજર સમક્ષ આવતો હતો.. સામેજ હોટેલ મોન્સુન નું પાટિયું હતું..!! બસ સો ફૂટ છેટે જ હતી હોટેલ…!! ટાવરની ઘડિયાળમાં પાંચ વાગીને પાંચ મિનીટ થઇ હતો હવે હોટેલ ત્રીસ ફૂટ જ દૂર હતી અને અચાનક જ એકસો આઠ આવી હોટેલના ગેટ આગળ ઉભી રહી તરત જ પાછળ પોલીસની જીપ પણ આવી લોકોનું ટોળું વળી રહ્યું હતું.. અપુર્વાએ જોયું તો હોટેલનો વેઈટર પોલીસ ને અને એકસો આઠ વાળાને કહેતો હતો નીચે લાશ પડી હતી.. પેલા ગીધડાની લાશ !!! પોતાનાં મેનેજરની લાશ!! મોઢે ફીણ આવી ગયાં હતાં…!! વેઈટર બોલતો હતો..!!

“ સાહેબ સાડાચારે આવ્યાં ફિલ્મના ગીત ગાતા ગાતા હતાં એણે આ આઠ નંબરનો રૂમ કાયમ બુક કરાવેલો જ રાખતા હોટેલની પાછળ ગીત ગીત ગાતાં આંટા મારતા હતાં હું સાહેબ પાસે જતો જ હતો ત્યાં એક કાળોતરો નાગ આવ્યો ને સાહેબ ને કરડી ગયો એકવાર નહિ બેય પગે બે વાર કરડ્યો બેય પગે મેં સગી આંખે જોયું અને સાહેબનું ગીત અધરું જ રહ્યું સાબ “ આજ ફિર મિલને કા ઈરાદા હૈ એવું ગાતા હતાં અને સાહેબ બોલીજ ના શક્યા સીધા મોઢાંમાંથી ફીણ જ નીકળ્યાં..!! સાહેબ અત્યાર સુધીમાં આવો નાગ અમે જોયો જ નથી.. પછી અમે ૧૦૮ ને ફોન કર્યો.. પોલીસને ફોન કર્યો.. પણ સાહેબ એ નાગ ક્યાં ગયો એ ખબર જ ના રહી..” વેઈટર શ્વાસભેર બોલી ગયો…

અને અપૂર્વા દોડી ઘર તરફ!! રસ્તામાં મદિર આવ્યું !!ત્યાં જઈને ભગવાન કૃષ્ણને પગે લાગી..આંખમાં આંસુ હતાં એક બાળકની જેમ દોડી…!! જોમ જુસ્સાથી દોડી..!! ઘરે ગઈ કચરાટોપલીમાં જોયું તો કચરો કે કિશનની મૂર્તિ કાઈ ના મળે !! કદાચ ટ્રેકટર આવ્યું છે હશે ને ભેગી મૂર્તિ પણ ગઈ હશે તો એ કોરે બેસી પડી.. અને વિશ્વા આવી એનાં હાથમાં પેલી મૂર્તિ હતી..!!અપૂર્વાએ કિશનની મૂર્તિને આંખો એ અડાડી ને વિશ્વાને ભેટી પડી… !!!શાન્તુંમાં બોલ્યાં..

“તું ગઈ કે તરત જ વિશ્વા જાગી ગઈ અને કહે મારે પેલી મૂર્તિ જોતી છે એટલે મેં કચરા ટોપલીમાંથી કાઢી એ મૂર્તિને આપી. મેં તારી છોડીને એ ના કીધું કે તારી માં એ આ મૂર્તિ તો ટ્રેકટરમાં નાંખવાનું કીધેલું.. હે બહેન તમે ભણેલાને તે ઘડીકમાં વિશ્વાસ આવે ને ઘડીકમાં વિશ્વાસ જતો રહે!! બાકી અમે અભણ ખરા તોયે ગમે એમ થાય પણ અમે ભગવાનનો ઘા તો ના જ કરીએ…!! આમ છૂટો ઘા તો અમે ના કરીએ ભલે ગમે એટલી તકલીફ પણ અમે અભણ ભગવાનને સાચવીએ!!અપૂર્વા એકીટસે શાંતુમાં સામે જોઈ રહી!!

પછી તો આઇશરમાં સામાન ભરાયો!! આઈશરના ડ્રાઈવરને સરખેજ ઉભું રહેવાનું કીધું અને અબ્દુલ ચાચાની ટેક્સી આવી.. શાન્તુંમાને ભેટી પડી અપૂર્વા!!! નયનેશ ને પાછળ સુવડાવ્યો..!!! નયનેશનું માથું અપૂર્વાના ખોળામાં હતું..!!આગળ વિશ્વા બેઠી હતી..!! વિશ્વાના હાથમાં પેલી મૂર્તિ હતી..!! હજી હમણાજ મમ્મી એ કહ્યું હતું કે બેટા આજથી આ મૂર્તિ કાયમ તારે જ રાખવાની!!! વિશ્વા ખુશ હતી!!! અબ્દુલ ચાચાના બેય છોકરા કંપનીમાં ટ્રક ચલાવતા હતાં અને ચાચા ટેક્સી ચલાવતા હતાં યુપી સાઈડના હતાં અબ્દુલચાચા…!! અપૂર્વાએ પૂછ્યું કે

“ચાચા કિરાયા કિતના લોગે ?“ અને અબ્દુલચાચા બોલ્યાં..!!
“કમાલ કરતી હો બિટિયા આપ ભી!!!!! કિરાયા તો પરાયો સે લિયા જાતા હૈ, તુમ તો અપનોમે સે હો,, સાહબસે હમારા બહુત યારાના લગતા થા.. ખુદાતાલા ખૈર કરેગા ઔર જબ સાહબ ઠીક હો જાયેંગે તબ હમ સાહબ સે કિરાયા લેને અહમદાબાદ જરૂર આયેંગે!!! અને ટેક્ષી ચાલી…!! ભચાઉ તરફ ટેક્ષી પુરપાટ જતી હતી..!! પાછલી સીટમાં નયનેશ સુતો હતો અપૂર્વાના ખોળામાં માથું રાખીને!! વિશ્વા આગળની સીટમાં બેઠી હતી. એનાં હાથમાં પેલી કિશન કન્હૈયાની મૂર્તિ હતી.!! અને ટેક્ષીમાં પેલું સદાબહાર ગીત વાગતું હતું.!!

“ઝીલમિલ સિતારોંકા આંગન હોગા રીમઝીમ બરસતા સાવન હોગા,
“ઐસા સુંદર સપના અપના જીવન હોગા,,,, ઝીલમીલ સિતારોંકા…………………

લેખક – મુકેશ સોજીત્રા, ૪૨, શિવમ પાર્ક સોસાયટી સ્ટેશન રોડ
મુ.પો ઢસાગામ તા:- ગઢડા જી :- બોટાદ ૩૬૪૭૩૦

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

ટીપ્પણી