હોળી – છતાં માતા પિતાએ એ દિકરો રહ્યો અલગ, કઈ ભૂલની એ આવી સજા ભોગવી રહ્યો હતો…

*હોળી*

ચારે બાજુ ઉમંગ અને ઉત્સાહનો માહોલ હતો. લાલ ગુલાબી પીળા લીલા જેવા રંગોની રંગત જામી હતી. ઢોલ પર ઢોલીની થાપને ફાગ સાથે હોળી ગીતોની ધૂમ મચી હતી.

અનુરાગ સવારથી તેના મિત્રોના આગ્રહને માન આપી હોળી ધૂળેટીની મજા લઈ રહ્યો હતો. વારંવાર ઉપર જોઈ વિદ્યાને નીચે આવવા માટે ઈશારા કરતો હતો. કેટલીવાર તેણે મોબાઈલમાં રીંગ મારી.

વિદ્યાઆ બધું જૂએ છે પણ તેને આ માહોલની કોઈ અસર નથી થતી..કે નથી અનુરાગના ઈશારા દેખાતા કે નથી મોબાઈલની રીંગ સંભળાતી..
તેની નજર સમક્ષતો કાલનું હોલીકા દહન..અને ત્યાંથી પાછા ફરતા સાંભળેલી દર્દનાક ચીસો… બચાવો બચાવોના અવાજો પડઘાતા હતા..
શેરીનાછેવાડે આવેલું મહેલનુમાં મકાન કોનું છે તેનો જવાબ તેને આજ સુધી નહોતો મળ્યો..
કાલ હોળીની જવાળા સાથે ઢોલનાઅવાજો વચ્ચે ચીસો ત્યાંથી જ આવતી હતી..

તેણે જોયું કે થોડીવાર આસપાસ ઉભેલાના ચહેરા પર દુઃખ પીડાના ભાવ ઝલકયા બીજી ક્ષણે લાચારી, અવગણના કે નિર્લેપતા દેખાયા..

કાલથી અનુરાગને કેટલી વાર પૂછયું પણ તે જવાબ ટાળતો હોય તેવું લાગતું. એ ચીસોએ અનુરાગના ચહેરા પર દર્દની રેખાઓ ખેંચી હતી તેની આંખ ભીની થઈ ગયેલ. વિદ્યાના સવાલને ટાળી હોળીની ગરમી ને લીધે કહી વિદ્યાને ટાળવાનીકોશિષ કરી હતી.

વિદ્યાની વિચારધારા હજી પણ ચાલુ જ હોત… જો અનુરાગે તેને ઢંઢોળી ના હોત.

વિદ્યા પાછું એકવાર અનુરાગને કાલની વાત વિશે વાત કરવા કોશિષ કરી. અનુરાગ તેના દોસ્તો માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરવાનું કહીને.. તેના દોસ્તો તરફ ફરી ચૂપ રહેવાનો ઈશારો કર્યો..

આ ઈશારો વિદ્યાની ચકોર નજરે પકડી પાડ્યો. તે મનમાં કંઈક વિચાર કરી ચૂપ રહી રસોડામાં દાખલ થઈ.
વિધ્યા ગીત ગણગણતા ચા નાસ્તાની તૈયારી કરવા લાગી.

મનોમન વિચારતી રહી એ ચીસ પાછળનું રહસ્ય હવેતો જાણવું જ પડશે. સામ દામ દંડ ભેદ કોઈપણ રીતે અનુરાગ શું છૂપાવી રહ્યો છે તે જાણીને રહીશ.

વિદ્યા જાણે આખી વાત ભૂલી ગઈ હોય એ રીતે ચા નાસ્તા સાથે બહાર આવી..

અનુરાગ અને તેના દોસ્તો મઝાક મસ્તી કરતા રહ્યાં.. વિદ્યા ધીરેથી તેમની સાથે જોડાઈ ગઈતી..

રંગ, મસ્તી, ઢોલકની થાપ, ભાંગ, ને દોસ્તો સાથે ધુળેટી કયાંય પૂરી થઈ ગઈ.

રાતના અનુરાગના સૂઈ ગયાં પછી વિદ્યાની વિચારયાત્રા ચાલુ થઈ.. વિદ્યાશ્રમમાં સાથે મોટા થયા.. એકબીજાના ખાસ મિત્ર પણ વિદ્યાને હંમેશાં લાગતું કે અનુરાગ કશુંક છુપાવતો…તેને મળવા નિયમિત એક કાકા આવતા.. તેને જોઈ એ જેટલો ખુશ થતો એટલો જ ગયા પછી ઉદાસ થતો.. કયારેક ખૂબ ઉંડા વિચારમાં ગરકાવ થઈ જતો.. આગ જોઈ ખૂબ ડરતો… તેની આંખોમાં દર્દ ઉપસી આવતું… બચપણથી સાથે હતા પણ અનુરાગના મનમાં શું ચાલી રહ્યું હશે તેનો તાગ કયારેય પામી ના શકતી.. તેના પરિવારમાં એ કાકા સિવાય કોણ હશે તેનો જવાબ હવે શોધવો પડશે.

બીજે દિવસે અનુરાગના ગયાં પછી તેણે અનુરાગના કબાટની તપાસ કરતાં, તેને ચોર ખાનામાં પ્રોપ્રર્ટીના દસ્તાવેજ અને 3 આલ્બમ મળ્યાં..

વિદ્યાએ દસ્તાવેજમાં સરનામુંને નામ વાચતા આશ્ચર્ય થયું.. આલ્બમ જોતા તેને હવેલી સાથે ફોટાને અનુરાગનો સંબંધ સમજાઈ ગયો.. પણ આ બધું છુપાવાનું કારણ કયાંય ના મળ્યું..

આલ્બમમાં અનુરાગના તેના માતા પિતાને નાની બહેન સાથેના ફોટાઓ હતા.. વિદ્યા જાત સાથે સંવાદ કરતાં ‘અનુરાગ તેના પરિવારની ને નાની બહેન વિશે વાત કેમ નથી કરી, હવેલીને તેના કુટુંબની હકીકત છુપાવવા પાછળ શું કારણ હશે..? આટલા વર્ષોની મૈત્રી અને પ્રણય પછી પણ અનુરાગે કયારેય તેનો ભૂતકાળ નથી જણાવ્યો…કયા હશે આ લોકો અને અનુરાગ કેમ તેની વાત નથી કરતો..?”

આમ અનેક જાતના વિચાર કરી થાકી ..પછી વિદ્યા મનમાં કંઈક નિશ્ચય કરી બધું હતું તેમ મૂકી કામે વળગી..

બપોરના જયારે આસપાસ નિરવ શાંતિ છવાયેલ ત્યારે હળવેથી હવેલીમાં પ્રવેશી.. હવેલી તેના ભૂતકાળની ભવ્યતાને ઉજાગર કરતી હતી.. વિશાળ હવેલી સૂનકાર લાગતી હતી.. સાથે કયાંય કચરો માટી કે જીણી રજ પણ દેખાતા નથી. તેની સ્વચ્છતા ઉડીને આંખે વળગતી હતી.. હવેલીમાં કયાંય કોઈ ચહલપહલ નથી દેખાતી.. વિદ્યા હવેલીને નિહાળવામા આસપાસથી બેધ્યાન બની.. વિશાળ આંગણું એક બાજુ કુવોને તેની પાછળ નાનકડું શિવમંદિર. સાથે હારબંધ બેઠા ધાટના મકાન. હવેલીની વિશાળ પરસાળ, સુંદર શુશોભન દરવાજે નાનકડો ધંટ. આંગણામાં એકબાજુ નાનો બગીચો ને ધાસની લોન..
“એય, અનુ તું આવી ગઈ..? મા ને ભૂલી કયાં જતી રહી હતી..?”

વિદ્યા આ અવાજથી ચમકી અવાજની દિશામાં ફરી..

સામે એક મધ્યમ ઉમરની સ્ત્રી …અનુરાગ સાથે આલ્બમના ફોટામાં જોયેલ તેજ. તેના સામું જોઈ …

“જી, તમે મને અનુ કહ્યું. પણ હું તો….” તેના શબ્દો અધુરા રહી ગયા..

સામેથી એક રુવાબદાર પુરુષ બહાર આવ્યો..અને તેની સામે કરડાકી ભરી નજર નાખી..,

”માલતી તમે અંદર આવો ચલો, આપણે મહેમાન સાથે અંદર વાતો કરીશું.“

આ સાથે તે સ્ત્રી, ”અનુ ચાલ અંદર હવે હું તને કયાય જવા નહીં દઉ.”

વિદ્યા અવશપણે તેની પાછળ દોરવાઈ..

તેના મગજમાં અનેક પ્રશ્નો જાગ્યા.. “આતો અનુરાગના માતા પિતા લાગ્યાં, અનુ તેની બહેન હોવી જોઈએ?”

ત્યાં પાછો પહેલો પૌરુષ અવાજ ગુંજયો..

” તું વિદ્યા. અનુરાગની પત્ની ને? તને હવેલીમાં આવવાની ના નથી પાડી?”

વિદ્યા કંઈક બોલવા ગઈ પણ બોલી નથી શક્તી. સાથે અનુરાગના પિતાના અવાજમાં વાત્સલ્ય ભળ્યું.

“વિદ્યા તને આ હવેલીને અમારા વિશે વાત ન કરવાનું મેં જ કહ્યું હતું… આજ ૧૭ વર્ષે માલતી એ સામાન્ય રીતે વાત કરી..બાકી તેનો અવાજ સાંભળવા કાન તરસતા રહેતા. આ હવેલી એ હોળીથી હોળી બસ તેની ચીસોને બચાવોની બૂમો જ સાંભળી હતી. પણ આજ….
બેટા, અનુરાગ સાથે રાત્રે આવો.. તમારા સવાલોના જવાબ મળી જશે.”
વિદ્યા પપ્પાને વંદન કરી ચરણસ્પર્શ કરવા ગઈ.. તેને રોકતા “આ સન્માન મને આપવું કે નહીં તે અનુરાગ નક્કી કરશે.. હવે તમે જાવ અહી થી..”

વિદ્યા અનેક સવાલો મનમાં રાખી ઘરે આવી..

રસોઈ બનાવી અનુરાગની રાહ જોવા લાગી. અનુરાગ ઓફિસથી આવી જમીને ટીવી જોવા લાગ્યો… વિદ્યા ત્યાં આવી વાતની શરૂઆતમાં કરતાં.,

“ અનુ, હું આજ હવેલી ગઈતી..”

આટલું સાંભળતા અનુરાગ ક્રોધથી કાંપવા લાગ્યો.. તેનો હાથ વિદ્યાના ગાલ પાસે અટકી ગયો… અને ક્રોધ આચાનક લાચારી, બેબસીમાં ફેરવાઈ ગયો…

”કેમ વિદ્યા કેમ? તું શા માટે ત્યાં ગઈ. તારી બધું જાણી લેવાની વૃત્તિ કયાક ‘મા’નો જીવ ના લઈ લે. ઓહહ વિદ્યા હું તને કેમ સમજાવું..?’’

“અનુ પ્લીઝ મારી વાત સાંભળ.. આજ ‘મા’એ મને ‘અનુ’ કહી વાત કરી.. પપ્પા નારાજ થયા પણ ખુશ છે કે મા કશું બોલ્યાં.. અનુ પપ્પાએ આપણને હવેલી પર મળવા બોલાવ્યાં હતાં..”

“હવેલી પર? પપ્પાએ ..? શું વાત કરે છે? ઓહહ પપ્પા લવ યુ, તમને કેમ વિશ્વાસ કરાવું..?”

આટલું બોલતા અનુરાગની આંખમાં પાણી આવી ગ્યાં..

“ચાલ, વિદ્યા… પપ્પાનો હુકમ તો માનવો જ પડે.”

વિદ્યા ચૂપચાપ તેની સાથે થઈ..
હવેલીમાં ઝાખા પ્રકાશમાં દિવાન સાહેબ બેચેનીથી આંટા મારતા હતાં.. આ બંનેને જોઈ નજીક આવ્યા બે હાથ પ્રસરાવી અનુરાગને ભેટવા આગળ આવ્યાં ત્યાં અનુરાગ તેમના પગમાં પડી આંસુ સારવા લાગ્યો..

દિવાન સાહેબ તેને બાહોમાં લેતા,

“બેટા, મે કયારેય તને દોષી નથી માન્યો.. પણ. તારી માને લીધે તને આટલા વર્ષ દુર રાખ્યો હતો. મને માફ કરજે બેટા.. “

વિદ્યા આસપાસ માને શોધવા લાગી… ત્યાં દિવાન સાહેબ , “માલતીને મળવાનું શક્ય નથી. મે તમને ભૂતકાળ જણાવવા બોલાવ્યા હતા…આવો ..બેસો..”

વિદ્યા ચૂપચાપ ત્યાં આવી બેસી ગઈ…

અનુરાગ સામે જોઈ, “બેટા રાગ તું પણ બેસ.”

“પપ્પા તમે મને રાગ કહ્યું… મતલબ તમે…”

“હા, બેટા મેં તને કયારેય એ અકસ્માત માટે જવાબદાર નથી માન્યો.. તને આટલા વર્ષ દૂર રાખવાનું કારણ તારી મોમની તબિયત. તે તને જોઈ ઉશ્કેરાઈ જતી. કોઈ પણ વ્યક્તિને જોઈ ડરી ચીસો પાડતી.. અને તેની માનસિક હાલાત વધારે બગડતી જતી હતી.

ડોકટરની સલાહથી તને તેની નજરથી દૂર કર્યો.. માલતી મારા સિવાય કોઈની વાત સાંભળતી નોતી, એટલે તને મળવા ના આવી શકયો.. માલતી માટે આઘાત હવે જીવલેણ નીવડી શકે એ સાંભળી તને હવેલીથી દૂર કર્યો. રાગ હું તારો અપરાધી છું એક પતિ બનવામાં પિતાની ફરજ ચૂકી ગયો..”

અનુરાગની આંખમાં આસું આવી ગયા તો દિવાન સાહેબની આંખો પણ કયાં કોરી હતી. આમાં વિદ્યા પિતા-પુત્રના મિલનને જોઈ વાતનો તાળો મેળવવા મથતી રહી…’એવું તો શું બન્યું કે આ જુદાઈ… અને અનુની જગ્યાએ રાગ કેમ કહ્યું.. મા એ તો મને ‘અનુ’ કહી બોલાવી હતી..’

દિવાન સાહેબ વિદ્યાના મનની વાત વાચતા હોય તેમ,
“અનુરાધા અનુરાગની નાની બહેન હતી.. અનુરાગના નામ પરથી જ તેનુ નામ પાડયું હતું અને તેને ‘અનુ’ અને અનુરાગને ‘રાગ’ કહેતા..

સત્તર વર્ષ પહેલાં હોળીના દિવસે હવેલીમાં ઉત્સવનો માહોલ હતો આસપાસના તથા પરિવારના લોકો મળી લગભગ બસો માણસ હવેલીના મહેમાન હતાં. માલતી રસોઈ ઘર અને પ્રતિકાત્મક હોળી પ્રગટાવવાની તૈયારીમાં હતી. પૂરી હવેલીમાં બાળકો દોડાદોડ કરી રમી રહ્યા હતાં..

નાની અનુ રમતમાં રસોઈઘરમાં સંતાઈ ગઈ.. તેને શોધતો રાગ રસોઈ ઘરમાં પહોંચ્યો અનુને શોધી બહાર નીકળવા ગયો ત્યાં જ અનુના ડ્રેશનો ચણીયા ચોળીનું ઓઠણું કશેક ભરાયું રાગ તેને કાઢવા ગયો. પણ ત્યાં સુધીમાં અનુની ઓઢણી આગની લપેટમાં આવી ગઈ. મહારાજ ગેસ પર તેલ મૂકી હોળી દર્શન કરવા ગયા હતાં. રસોઈઘરમાં રાગ એકલો.. સાત વર્ષનો માસુમ બાળ બહેનને બચાવવા શું કરવું તેની અસમજમાં અનુનીચીસો સાથે બચાવો બચાવોની બૂમો પાડતો રહ્યો. બહેનને બચાવાની કોશિષમાં ખૂદ પણ દાઝી ગયો.. બહાર ઢોલના અવાજમાં બાળકોની ચીસ સંભાળાતી ન હતી.
ત્યાં માલતી અચાનક રસોઈમાં કામસર આવી અને તેની આંખો એ જે જોયું તેને કારણે બેભાન થઈ ગઈ. જમીન પર અનુ સળગતી હાલાતમાં તરફડીયા મારતી જીવનની આખરી ઘડી ગણી રહી હતી.

તેને દવાખાને લઈ ગયા પણ બચાવી ના શક્યા… રાગ અનુને બચાવવામાં દાઝી ગયો હતો તેની સારવાર કરાવી. માલતી ભાનમાં આવી રાગને જોઈ ચીસો પાડવા લાગી પણ તેનું માનસિક સમતુલન ખોરવાય ગયું. સાથે આ પરિવારને હોળીની જવાળા એ વેરવિખેર કરી નાખ્યો.. રાગને મુશ્કેલીથી અનુના આઘાતમાંથી બહાર કાઠયો.. અને હવેલીથી દૂર કરી દીધો…”

આટલી વાત પૂરી કરતાં દિવાન સાહેબ થાકી ગયા આંખમાંથી અશ્રું વહેવા લાગ્યાં.. શ્વાસની ધમણ હાંફવા લાગી.. અને તે પરશેવાથી નાહી રહ્યા..

વિદ્યાને અનુરાગ તેમને વળગી ચૂપચાપ અશ્રુઓ વહાવતા રહ્યાં..

દિવાનસાહેબ, “કાલ માલતીએ તને અનુ કહી કેમ બોલાવી.. ના સમજાયું ..પણ ડોકટર તેને સારી નિશાની ગણાવી.. અને વિદ્યા તેની આસપાસ રહે તો કદાચ…” દિવાનસાહેબ આગળ બોલી નથી શક્તા..

આટલા વર્ષે કદાચ ઈશ્વરને આ કુટુંબ પર દયા આવી કે માયા જાગી…
ધીરે ધીરે વિદ્યા ‘માલતી મા’ ને સામાન્ય કરવામાં મદદરૂપ થઈ..

અનુરાગ કે બીજા પરિચિતોને જોઈ માલતી મા નું ઉશ્કેરાવાનું બંધ થઈ ગયું..

એકવાર અચાનક અનુરાગને જોઈ , “ રાગ બેટા… તું કયાં હતો.. આટલો દૂર કેમ ..?”

આ સાંભળી સૌના ચહેરા હર્ષાશ્રુંથી ભીજાઈ ગયાં..

અસ્તું

લેખક : કિરણ પિયુષ શાહ”કાજલ”

વાર્તા વિષે અભિપ્રાય કોમેન્ટમાંજણાવો, દરરોજ આવી અનેક વાર્તાઓવાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી