અનોખો પ્રેમ – વહુનો સાસુ પ્રત્યેનો અનોખો પ્રેમ દર્શાવતી લાગણીસભર વાર્તા…

અનોખો પ્રેમ

“દીપા ..દીપા… ” રેવાબાએ પથારીમાંથી બૂમ પાડી.

ત્યાં જ દીપા, “હા! બોલો બા “ કહીને હાજર.

દીપા રેવાબાની મોટી વહુ. રેવાબાને ચાર બાળકો. બે પુત્રને બે પુત્રી એમાં પરેશ મોટો નાનો નિખિલ. લગ્નના થોડા સમય બાદ મોટાભાઈના સ્વભાવને કારણે અલગ થઈ ગયો. નાની બહેનો તેમના સાસરે સુખી હતી. બધા રેવાબાનો આદર કરતાં. રેવાબાએ પરેશના લગ્ન તેમની સહેલીની દીકરી સાથે કરાવી મિત્રતાનું ગૌરવ વધારેલ. ત્યારથી રેવાબા સાથે દીપા વિશિષ્ટ લાગણીથી જોડાઈ ગયેલ.

પરેશ અને દીપાને બે સંતાન એક દીકરો પ્રથમ ને એક દીકરી પલક.

દુનિયાની દ્રષ્ટિએ ખૂબ સુખી પરિવાર. પણ કહ્યું છેને, ‘માયલાં ગુણ મહાદેવજી જાણે.’ પરેશની બેદરકારી અને આવારગીની ખબર બધે ફેલાઈ ગઈ હતી. તેની સામે દીપાના મૌન અને સમજદારીને પૂરો પરિવાર સલામી આપતો.

દીપા ગોરી, ભરાવદાર શરીર, ઉદાસ આંખો, હોઠો પર હંમેશા સ્મિત સાથે મળતાવડા સ્વભાવની હતી. એક ગૃહિણી તરીકે તેને પૂરા માર્ક્સ આપવા પડે. માતા તરીકે બંને સંતાનોનો ખૂબ સરસ ઉછેર કરેલ. પણ ખાટલે મોટી ખોટ પતિ પ્રેમની હતી. પરેશનો રંગીલો સ્વભાવ અને અનેક સ્ત્રી મિત્રો સાથેના સંબંધને કારણે પરિવારની નારાજગી પરેશ સામે હતી. ધંધામાં સફળ પરેશ કોઈની વાત સાંભળતો જ નહીં. દીપા સાથે કામ સિવાયની વાત નહીં બહાર કયાંય પ્રસંગમાં જવાનું હોય ત્યારે પણ તે રેવાબા સાથે જતી. પરેશને મન દીપા એક ઘરની કેરટેકર કે બાળકોની આયા જેટલી કિંમત હતી.

દીપા રેવાબાના પ્રેમને વિશ્વાસ સાથે જિંદગી જીવતી હતી. થોડા સમયથી રેવાબા ઉંમરને લીધે અશક્તિ અનુભવતા હતાં. એમાં મંદિરની સીડી ઉતરતા પગ લપસ્યો અને થાપાનું ફ્રેક્ચર અને ઓપરેશન પછી પથારી પકડી લીધી. દીપા હસતાં હસતાં સાસુની ચાકરીમાં લાગી ગઈ. તેને રેવાબાનું કોઈ કામ ભારરૂપ ના લાગતું.

રેવાબા, “દીપા, આજ મારા કબાટમાંથી મારો દાબડો કાઠી બપોરે શાંતિથી મારી પાસે આવજે.”

“બા, શું કરવું છે તમારે..”

દીપાને અધવચ્ચે અટકાવતા. ”દિકરા, મને મારા કપાતર પરેશનો જરાય વિશ્વાસ નથી.. મને મારી હાથે બધું પાર પાડવા દે.” અને તેમણે બધું દીપાને જ સોંપી દેવાનો નિર્ધાર કર્યો.

રેવાબા એ પોતાના દાગીના લગભગ સો તોલા જેવા હતા તે બધા દીપાને આપી દીધા. આ શિવાય થોડા શેર, ફીકસ અને રોકડ પણ તેને સોપી દીધી. સાથે કહ્યું કે, “આ બધું તારું જ છે. તારે જે કરવું હોય તે કરજે.”

પણ દીપાને આ બધું કયાં જોઈતું હતું?

રેવાબા, “દીપા આ મૂડી તને કામ લાગશે મારા ગયાં પછી તને આર્થિક મુશ્કેલી નહીં પડે.”

“બા તમે આવું ના બોલો તમારા વગર હું કેમ જીવીશ? હું તો રોજ પ્રાર્થના કરું છુ કે તમારા પહેલાં હું…”

દીપાને અટકાવતા રેવાબા, “ના દીપા આવું ના વિચાર ભગવાન સૌ સારાં વાના કરશે..આશા રાખું પરેશને સમજણ આવેને તે …” પણ રેવાબાને પોતાનાં શબ્દો જ અર્થવિહીન લાગ્યા અને તે વાત પૂરી નથી કરી શકતા.

રેવાબાને ભેટી દીપા પોતાના આસું સંતાડી નથી શકતી, અને આજ વર્ષોનો બાંધેલ બંધ તુટી ગયો.. દીપાને આશ્વાસન આપતાં રેવાબા પણ પોતાના નસીબ પર રડી પડ્યા.

પ્રથમ અને પલક આધુનિકતાના રંગે રંગાયેલા. તેમને માતા કરતાં પિતા સાથે વધારે બનતું. પિતાની સ્ત્રી મિત્રોને બહું સહજતાથી સ્વીકારી લીધેલ. પ્રથમ તેના ભોળપણમાં ડેડની સ્ત્રી મિત્રો સાથે આસાનીથી ભળી જતો તથા મોમ પાસે તેમના વખાણ પણ ખુબ કરતો.

આ વાતથી દીપાને ખૂબ જ આધાત લાગતો કે , ‘મારા પોતાનાં બાળકો પણ મને સમજી નથી શક્તાં.’ પલક તેની માતાને,

“મોમ, તું કાયમ ડેડનો વાંક હોય તેમ વર્તે. પણ તું તને જો, તું આજના જમાનાની સ્ત્રી કરતાં કેટલી પાછળ રહી ગઈ તું થોડી મોર્ડન બન. આ દેશી પહેરવેશ છોડી આધુનિક પહેરવેશ અપનાવ પછી જો ડેડ તને પણ ..”

દીપા તેને અટકાવતા, “ બેટા મેં તમને બંને ભાઈ બહેનને અમારી વચ્ચે અમારા મામલે બોલવાની ના પાડી હતી. તું ભૂલી ગઈ? અમારો પ્રશ્ન અમે અમારી રીતે સમજી લઈશું. બસ તમે બંને તમારી જિંદગી જીવો. તારા શબ્દમાં કહું તો બેટા ડોન્ટ વરી બી હેપ્પી એન એન્જોય યોર લાઈફ…”

“મોમ, તું આટલું સરસ ઈંગ્લીશ બોલી શકે છે ? ઓહ માય માય વોટ એ પ્લેઝટ સરપ્રાઈઝ.. મોમ તમે ..કેટલું ભણેલા?”

“પલક બેટા આઈ એમ ડબલ ગ્રેજયુએટ વીથ ઈંગ્લીશ લીટરેચર. બેટા તે આજ પહેલી વાર મને ‘તમે’ કહ્યું. પલક મારી ફરિયાદ કે લડાઈ તારી કે પ્રથમ સામે નથી. તમે બંને મારા જ છો અને હું તમને બહું જ પ્રેમ કરું છું. કરતી રહીશ.” પલક દીપાને ભેટીને. ”લવ યુ મોમ ફોર એવર એન એવર. વી પ્રાઉડ ફોર યું”

આ બધા વચ્ચે રેવાબાની તબિયત બગડતી ગઈ. અને સાથે પરેશની દીપા સામેની આડોડાઈ પણ. કયારેક તેની કડવાશ દીપાની સહનશીલતાની હદ પાર કરી દેતી.

“કેમ! મહારાણી બાને તો તમારી માયાજાળમાં લપેટી લીધેલ પણ હવે શું કરશો?
બાળકોને મારાથી વિરુદ્ધ કરશો? ગમાર દેશી કયાંથી મારા નશીબમાં લખાઈ તું? બાની હયાતી સુધી આ ઘરમાં રાજ કરી લે.. બાના ગયા બાદ તું આ ઘર કે મારા જીવનમાં નહીં જ હોય”.

અને આ સાથે પરેશનું હાસ્ય પડધાતું.

પરેશના વ્યંગબાણ તેને ખૂબ પીડા આપતા તે ઘણીવાર જવાબ આપવા જતી પણ પરેશની હાથચાલાકી યાદ આવતા, તે બાળકો સામે તેના પિતાની ઈજ્જત સચવાઈ રહે અને બાને સંતાપથી દૂર રાખવા મૌન ધારણ કરી લેતી.

રેવાબા આ બધું જોઈ ધણી વાર દીપાને તેના હક્ક માટે લડવા સમજાવતા પણ દીપા પર પથ્થર પર પાણી સરે તેમ કોઈ વાતની અસરના થતી.

કયારેક માણસની સારપ જ તેની દુશ્મન બનતી હોય, અહીં દીપાની સારપ તેની કમજોરી બની ગઈ.. આનો લાભ હંમેશા પરેશ ઉઠાવતો.

રેવાબાના પ્રેમ ને વિશ્વાસની મૂડી એ અત્યાર સુધીતો બધું બરાબર ચાલ્યું આવતું. રેવાબાને સૌથી વધારે ચિંતા દીપાની જ થતી.

તો દીપા બા પછી પોતે કેમ જીવી શકશે? તેના વિચારે કંપી ઉઠતી..

અચાનક રેવાબાની તબિયત વધારે બગડી ડોકટરે પણ હવે ઈશ્વર ઈચ્છા કહી હાથ ખંખેરી નાખ્યાં.. દીપા સતત બા પાસે બેસી નામ સ્મરણ સાથે બાનો અંતિમ સમય શાંતિથી પસાર થઈ જાય તેની કાળજી લેતી રહી.. આખરે એ અંતિમ ઘડી આવી ગઈ. બાના આખરી શ્વાસ સાથે બાને ભોંય પર સુવાડી તેની અંતિમક્રિયાની તૈયારી કરી બાને પગે લાગી પરિક્રમા કરી. ત્યાંતો તે તેમના પગ પાસે ફસડાઈ પડી. બા તેના માટે સર્વસ્વ હતાં હવે શું ના? વિચાર સાથે એક જોરદાર એટેક આવી ગયો.

તેણે બાનો અંતિમ સફરમાં સંગાથ કર્યો…

અસ્તું…..✍?

લેખક : કિરણ પિયુષ શાહ “કાજલ”

વાહ સુંદર વાર્તા, તમારા અમુલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં જણાવજો, દરરોજ આવી અનેક વાર્તાઓવાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી