શું કિન્નરોમાં પણ લગ્ન શક્ય છે ?કેવું હોય છે તેમનું જીવન ?
આપણને સૌને હંમેશા કિન્નર સમાજ માટે કુતૂહલ રહ્યું છે. કિન્નર નો જન્મ, કિન્નર નો ઉછેર ,કિન્નર ના રિવાજો, તેના લગ્ન ,તેની સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ ,તેના વૈજ્ઞાનિક રહસ્ય, તેનું મૃત્યુ, તેના મૃત્યુ પછી ની વિધિ આ તમામ વાતો વિષે જાણવાની ઈચ્છા સૌના મનમાં રહી છે.

આપણે જેમને માતાજીના ભક્ત તરીકે પણ ઓળખીએ છીએ એવો કિન્નર સમાજ આમ જોવા જઈએ તો સામાન્ય સમાજથી જુદો તરી આવે છે. અથવા તો એવું કહી શકાય કે તે સમાજથી તરછોડાયેલ અલગ સમાજ છે.
કદાચ સમાજથી તરછોડાયેલ હોવાથી જ તેમની આજીવિકા માટે તેમને કોઇ કામ ન મળવાને કારણે જ સમાજમાં કોઇને ઘરે થતા જન્મ અને સારા પ્રસંગોએ પૈસા ઉઘરાવવાની પ્રથા કિન્નર સમાજ દ્વારા આવી હશે.જો કે એ અંગે પણ રામાયણમાં વિસ્તૃત વાત કરવામાં આવી છે.

ખેર, આપણે કિન્નર ના જન્મ અંગે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો ગર્ભવતી મહિલા માટે ગર્ભાવસ્થાના પ્રથમ ત્રણ મહિના ખૂબ જ નાજુક હોય છે .આ ત્રણ મહિના દરમિયાન ગર્ભવતી મહિલાના સ્વાસ્થ્યની અત્યંત કાળજીપૂર્વક સાર સંભાળ રાખવાની હોય છે.
જો આ નાજુક તબક્કા દરમિયાન ગર્ભવતી મહિલા દ્વારા કોઈ દવા નો વધુ પડતો ડોઝ લેવામાં આવે અથવા તો કોઈ ખોટી દવા લઈ લેવામાં આવે તો અથવા તેના શરીરમાં હોર્મોનલ ઇમ્બૅલૅન્સ ઊભું થાય તો તેવા સંજોગોમાં ગર્ભમાં રહેલ શિશુના કિન્નર બનવાની સંભાવના વધી જાય છે. માટે જ ગર્ભાધાનના પ્રથમ ત્રણ મહિનાનો તબક્કો આવનારા બાળકના સ્વાસ્થ્ય માટે અતિ મહત્વનો છે.

કિન્નર અંગેનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ તો આપણે જાણી લીધો પણ આ અંગે આપણને તેનું પૌરાણિક રહસ્ય જાણવામાં પણ રસ હોય એ સમજી શકાય છે. આપણા પૌરાણિક ગ્રંથ ગરુડ પુરાણમાં કિન્નર નો ઉલ્લેખ મળી આવે છે. તેમાં જણાવ્યા મુજબ જે પુરુષ બળાત્કારનો અપરાધ કરે છે ,કિન્નાખોરી, ચોરી ,ખૂન અને સ્ત્રીની છેડતી જેવા ગુનાઓમાં સંડોવાયેલા પુરુષને બીજા જન્મમાં કિન્નરની યોની પ્રાપ્ત થાય છે.
કિન્નર તરીકે જન્મેલા બાળકનું લાલન-પાલન પણ કિન્નર સમાજ પોતે જ કરે છે. આ પણ સમાજની એક વિટંબણા નથી તો શું છે કે કિન્નર તરીકે જન્મેલા બાળકને માતા-પિતા જ કિન્નર સમાજ ને સોંપી દેતા હોય છે .

કિન્નર સમાજ માં આવનારા બાળક નો સ્વાગત કિન્નર સમાજ દ્વારા ખૂબ ધામધૂમથી કરવામાં આવે છે અને જેમ-જેમ બાળક મોટું થતું જાય તેમ તેમ તે કિન્નરોથી જોડાયેલી પરંપરા સાથે જોડાય છે.
ખુશીના પ્રસંગે પોતાનો હક માંગવા આવી જતા કિન્નરો માટે વાલ્મીકિ રામાયણમાંથી પણ એક કિસ્સો મળી આવે છે.રામ તેમના વનવાસ માટે નીકળ્યા ત્યારે તેમની પાછળ જતી અયોધ્યાની પ્રજા અને કિન્નરોને રામે પરત ફરવા કહ્યું. 14 વર્ષ વનવાસ ભોગવીને પરત ફરેલા રામે જોયું કે અયોધ્યાની પ્રજા તો પાછી ફરી ગઈ હતી પરંતુ ત્યાં ઊભેલો કિન્નર સમુદાય ભગવાન રામના પરત ફરવાની રાહ જોઈને હજી ત્યાં ને ત્યાં જ ઉભો હતો.

કિન્નરોની શ્રદ્ધાથી ખુશ થઈને ભગવાન રામે તેમને આશીર્વાદ આપ્યા કે કિન્નરોના મુખમાંથી નીકળેલા આશીર્વાદ ક્યારે વ્યર્થ નહીં જાય અને તેમને સમાજ દરેક ખુશીની પળોમાં સામેલ કરશે. માનવામાં આવે છે કે આ પછી કિન્નરો માં સમાજમાં ખુશીના પ્રસંગે જઈ અને તેમનો લાગો મેળવવાની પરંપરા શરૂ થઈ.

કિન્નરો માં પણ લગ્નની પરંપરા છે. તેમના લગ્ન એમના દેવ એરાવન સાથે કરવામાં આવે છે. મહાભારતમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભગવાન શ્રીકૃષ્ણએ એક દિવસ માટે સ્ત્રીનું રૂપ ધારણ કરીને એરાવન સાથે લગ્ન કર્યા હતા. ત્યારથી કિન્નરો પણ એક દિવસ માટે એરાવન સાથે લગ્ન કરે છે.

ઇન્દ્રપ્રસ્થ નગરીમાંથી એક વર્ષ માટે બહાર રહેલા અર્જુનનો પરિચય દક્ષિણ ભારતમાં નાગ રાજકુમારી સાથે થયો અને બંને પ્રેમ લગ્ન કર્યા. તેમનો પુત્ર એટલે જ એરાવન દેવ. આ એરાવન પોતાના પિતા અર્જુનને મળવા નીકળ્યા એ સમયે મહાભારતનું યુદ્ધ ચાલતું હતું. અને પાંડવોએ પોતાની જીત માટે માતા મહાકાળીને એક રાજકુમારની બલિ આપવાની હતી.

તે સમયે અન્ય કોઈ પાંડવ રાજકુમાર બલિ માટે તૈયાર ના થતાં, એરાવનદેવ બલિ આપવા તૈયાર થયા. પરંતુ તેમણે એ પહેલા લગ્ન કરવાની ઈચ્છા દર્શાવી. બીજે દિવસે જેનો બલિ ચઢાવવાનો હોય તેને કોણ પોતાની દીકરી પરણાવે? માટે શ્રીકૃષ્ણ ભગવાને એક દિવસ માટે સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરી એરાવન સાથે લગ્ન કર્યા. આ પરંપરા અનુસાર કિન્નર પણ એક દિવસ માટે એરાવન દેવ સાથે લગ્ન કરે છે અને બીજે દિવસે એરાવનનો બલી ચઢી ગયો એમ માનીને વિલાપ કરે છે. ત્યારબાદ તેમની કિન્નર તરીકેની સામાન્ય જીંદગી શરુ થાય છે.
કિન્નર સમુદાયને પણ તેમના ગુરુ હોય છે અને એમ માનવામાં આવે છે કે કિન્નરોના ગુરુને કિન્નરના મૃત્યુની જાણ અગાઉથી થઈ જતી હોય છે.

આપણે જાણીએ છીએ કે કિન્નરો સમાજથી દૂર હોવાને કારણે તેમનું જીવન દુઃખમય તો હોય જ છે. ઉપરાંત તેમની શારીરિક મર્યાદાને કારણે પણ તેમના જીવનમાં એ ખુશી નથી હોતી જે સામાન્ય માનવીના જીવનમાં હોય છે. પરંતુ અતિ કમનસીબ વાત એ છે કે મૃત્યુ પછી પણ કિન્નર તરીકે નો પડછાયો તેમનો પીછો છોડતો નથી.

કિન્નરો નું માનવું છે કે જો કોઈ મનુષ્ય કિન્નર ની અંતિમયાત્રા જોઈ લેતો આગળના જન્મમાં તેનો જન્મ પણ કિન્નર યોનિમાં થાય છે માટે મૃતક કિન્નર ની અંતિમ વિધિ રાતના અંધકારમાં ચૂપચાપ આટોપી લેવામાં આવે છે. આમ જુવો તો સમાજથી તરછોડાયેલા,અસ્વીકાર્ય કિન્નર સમાજ સામાન્ય સમાજ માટે કેટલી ઉદારતા દરશાવે છે એ તેમની આ વિચારસરણીથી સાબિત થાય છે.તેમની માન્યતામાં કેટલું સત્ય છે એ પછીની વાત છે પણ અન્ય મનુષ્યને કિન્નર યોનિમાં ના આવવું પડે એટલા માટે તેઓ કિન્નરની મૃત્યુવિધિ કોઈ સામાન્ય માનવી ના જોવે એ રીતે આટોપે છે.

અગ્નિસંસ્કાર પહેલાં કિન્નર ના વાળ ખેંચવામાં આવે છે અને તેને બુટ અને ચંપલથી મારવામાં આવે છે જેથી તે આગળના જન્મ માં કિન્નર યોનિમાં ફરી જન્મ ધારણ કરે નહીં. મતલબમાં મૃત્યુ પછી કિન્નરના શબને પણ ત્રાસ આપવામાં આવે છે. જોકે એની પાછળ કિન્નરો નો ભાવ બહુ શુદ્ધ છે એ સમજી શકાય છે કારણ કે કિન્નર તરીકેનું જીવન જીવવામાં કેવા કેવા અવરોધો આવે છે એની ખબર તો કિન્નરોને હોઈ શકે.

કિન્નરના મૃત્યુ બાદ કિન્નરો એમના મૃત્યુનો ઉત્સવ મનાવે છે .તેની પાછળ પણ ભાવના તો એ જ છે કે કોઇ એક કિન્નર નર્ક જેવી જિંદગી માંથી મુક્ત થયો છે માટે તેનું મૃત્યુ આનંદનો અવસર છે. આના ઉપરથી જ કિન્નર સમાજનું જીવન કેટલું યાતના યુક્ત હશે કેટલું પીડાદાયક હશે એ સમજી શકાય છે
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ ! અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
– તમારો જેંતીલાલ