નકસલીઓની બોલબાલા વચ્ચે એક સાલસ, સરળ પરંતુ આલા દરજ્જાના કાર્યદક્ષ નેતાનું યોગ્ય સન્માન

 આને કહેવાય મેરીટ, આને કહેવાય વિકાસ અને આને કહેવાય છપ્પનની છાતી. વિજય રૂપાણી મુખ્યમંત્રી તરીકે રિપિટ થયાં એ એમની લાયકાત અને મોદીની પ્રતિબદ્ધતા નથી તો બીજું શું છે? ગુજરાતમાં જૈનોની વસ્તિ માત્ર એક ટકાની આસપાસ છે. અન્ય કેટલીક જ્ઞાતિઓએ CMપદ માટે ઉપાડો લીધો હતો. આવી સ્થિતિમાં કોઈ જૈન નેતા મુખ્યમંત્રી બને તો એના કરતાં હરખની વાત બીજી કઈ હોઈ શકે!
 આજથી સવા વર્ષ પહેલાં વિજયભાઈની મુખ્યમંત્રી તરીકે પસંદગી થઈ ત્યારે કેટલાંક વક્રદ્રષ્ટાઓ તેમને નાઈટ વૉચમેન કહેતાં હતા. મને ખબર નથી કે તેઓ નાઈટ વૉચમેન હતાં કે ફ્રન્ટ લાઈન બેટ્સમેન. પણ ક્રિકેટનો ઇતિહાસ તપાસીએ તો એવાં ઘણાં ઉદાહરણો મળશે જ્યાં કોઈને નાઈટ વૉચમેન કે પિંચ હિટર તરીકે મોકલ્યા હોય અને પછી તેણે એવી સોલ્લીડ બેટિંગ કરી હોય કે, ટીમ મેનેજમેન્ટ પણ તેને સ્ટાન્ડર્ડ બેટ્સમેન ગણી ને ઓપનર તરીકે ઉતારવા મજબૂર બન્યું હોય. સચિન તેંડુલકર વન-ડેમાં પાંચમા કે છઠ્ઠા ક્રમે આવતો હતો ત્યારે તેની એકપણ સેન્ચ્યુરી નહોતી થઈ. લોર્ડસમાં ઇમરાન ખાનની એક ચેરિટી મેચમાં તેને ઓપનિંગ કરવા મોકલાયો અને તેણે વિસ્ફોટક બેટિંગ કરી. એ દેખાવ પછી તેને શ્રીલંકા સામે ઓપનર તરીકે મોકલાયો અને એ પછીનો ઇતિહાસ જાણીતો છે. નાઈટ વૉચમેન તરીકે આવેલા ઘણાં લોકો સદી પણ ફટકારી ગયા છે.
વિજયભાઈએ તો 475 રન બનાવ્યા. માત્ર એક વર્ષમાં 475 નિર્ણયો લીધાં. કોઈ નેગેટિવ વાત કર્યા વગર માત્ર કામ પ્રત્યે જ લક્ષ્ય રાખ્યું. જ્ઞાતિવાદના કોંગ્રેસે રચેલા સાતેય કોઠા વિંધી નાંખ્યા. કોઈને પરાયા ન લાગ્યા, પોતીકા બધાંને લાગ્યાં.
આપણે સૌ દરેક બેટ્સમેનમાં તેંડુલકર શોધીએ છીએ અને પ્રત્યેક સ્પિનરમાં બેદી કે પ્રસન્નાની તલાશ કરીએ છીએ. પણ નેક્સ્ટ જનરેશનમાં કોઈ કોહલી કે કુંબલે પણ પાકી શકે. બધા પાસે નરેન્દ્ર મોદી જેવી અપેક્ષા ન રાખી શકાય. બધાની શૈલી અલગ હોય, વ્યક્તિત્વ અને મિજાજ નોખા હોય. રૂપાણીની આગવી સ્ટાઈલ છે. તેઓ સરળ, સાલસ, ડાઉન ટુ અર્થ અને સૌમ્ય છે. કોંગ્રેસના ઉમેદવારે તેમના રાજકોટના ઘેર કોઈ કારણ વગર ધમાલ કરી ત્યારે એક આદર્શ નેતાને છાજે તેમ તેઓ સંપૂર્ણ મૌન રહ્યાં. ઈવન, બીજે દિવસે પણ કોઈ પ્રતિક્રિયા ન આપી. ક્યારેક મૌન જ એક હજાર શબ્દો કરતાં વધુ બોલકું હોય. એમની ખામોશીએ એમને વધુ 10-15 હજાર મતોનો ફાયદો કરાવ્યો. જો કે, તેઓ ચૂપ રહ્યાં તેની પાછળ રાજકીય ગણિત ન હતું. તેમનો સ્વભાવ જ સાલસ છે. કાર્યકરો, નેતાઓ અને સામાન્યજન માટે તેઓ હંમેશા ઉપલબ્ધ રહ્યાં. રાજકોટ માટે અનેક કાર્યો કર્યા પણ ગુજરાતને ભૂલ્યા નહીં. શંકરસિંહ વાઘેલાએ ભાજપમાં બળવો કર્યો અને રાજકોટ તથા સૌરાષ્ટ્રમાં ભાજપની હાલત ખરાબ હતી ત્યારે એક જ વ્યક્તિએ અડીખમ રહી આખું સૌરાષ્ટ્ર બચવ્યું હતું. એ વ્યક્તિ એટલે વિજયભાઈ રૂપાણી. રાત-દિવસ એક કરી તેમણે પાર્ટીને સંકટમાંથી ઉગારી. ત્યારથી તેમનું રાજકીય કદ વધવાની શરૂઆત થઈ. એક પછી એક જવાબદારીઓ તેમણે પૂર્ણ પ્રતિબદ્ધતાથી નિભાવી.  સંગઠનથી લઈ ને સત્તા સુધીની જવાબદારી ખૂબીપૂર્વક નિભાવ્યા પછી તેમને મુખ્યમંત્રીપદ મળ્યું છે.
ગુજરાતમાં કેટલાક જ્ઞાતિવાદી તત્વોને લીધે પરિસ્થિતિ ભાજપ માટે વિકટ હતી. ભાજપને હરાવવા અનેક રાષ્ટ્રવિરોધી તત્વો કામે લાગ્યા હતાં. આવી સ્થિતિમાં તેમણે પાર્ટીને જીત અપાવી. ખૂદ ભાજપના જ કેટલાક લોકો ઇચ્છતા ન હતા કે, ભાજપ જીતે. સૌરાષ્ટ્રમાં પાટીદારોનો અસંતોષ ડામવા મોદીએ જે લોકોને જવાબદારી સોંપી હતી એ લોકોની ભૂમિકા પણ શંકાસ્પદ રહી.
સૌથી રસપ્રદ વાત એ કે, નરેન્દ્ર મોદી છેવટ સુધી જ્ઞાતિવાદના બ્લેક મેઇલિંગને વશ ન જ થયાં. તેમણે ધાર્યું હોત તો ઈલેક્શન અગાઉ જ નીતિન પટેલને સંભવિત મુખ્યમંત્રી તરીકે આગળ ધરીને પાટીદારોના વધારાના મતો મેળવી શક્યા હોત. રિઝલ્ટ પછી પણ પટેલોને વ્હાલાં થવા માટે તેઓ કોઈ પાટીદારને મુખ્યમંત્રી બનાવી શક્યા હોત. પણ તેમણે એ જ કર્યું જે ગુજરાતના મોટાભાગનાં જાગૃત લોકો ઇચ્છતા હતાં. જ્યાં જ્ઞાતિના નામે હજારો ઘનચક્કરો એક આવારા-અનાડીના દર્શનાર્થે ભેગા થઈ જતાં હોય, રૂબરૂ ધર્મલાભ ન મળે તો ઓનલાઈન આરતીનો લાભ લેતા હોય, જ્યાં જ્ઞાતિની ઓથે રાષ્ટ્રદ્રોહીઓ અને નક્સલવાદીઓ ચૂંટાઈ જતાં હોય, જ્ઞાતિના નામે વ્હાઇટ કોલર નકસલીઓના ફતવા બહાર પડતાં હોય, જ્યાં સવાસો વર્ષ જૂની પાર્ટી પણ ચૂંટણી જીતવા બે-ચાર ઉગ્રવાદી છોકરાઓ વેંચાતા લેતી હોય એવા કાળમાં એક ટકા કરતા પણ ઓછી વસ્તિ ધરાવતાં જૈન સમાજના વિજય રૂપાણી જેવાં લાયક નેતાની CMપદે વરણી કોઈ તાજી હવાની લહેરખી જ ગણાય. ગુજરાતની હવા ચોક્કસ લોકોએ વાતાવરણમાં ઘોળેલા ઝેરીલાં વાયુથી ગ્રસિત હતી. ઓઝોન ઘોળવા બદલ મોદી-શાહનો સમગ્ર ગુજરાત વતી આભાર. વિજયભાઈને અભિનંદન અને શુભકામનાઓ.
લેખક : કિન્નર આચાર્ય, લેખક-પત્રકાર, 9825304041
રાજ્યને લગતી અગત્યની માહિતી વાંચવા માટે લાઇક કરો અમારું પેજ  : “જલ્સા કરોને જેંતીલાલ”

ટીપ્પણી