ખેડૂત નરેન્દ્રભાઈ પટેલે કરી ચંદનની ખેતી, કમાશે ૧૨ કરોડ રૂપિયા…

ચંદનની ખેતી કરનાર નરેન્દ્રભાઈ પટેલ

રાજ્યના પ્રગતિશીલ ધરતીપુત્રો હવે પોતાના ખેતરોમાં ચંદનના વૃક્ષોની ખેતી કરીને નવો ચીલ્લો ચાતરી રહ્યા છે. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના મોરથાણા ગામના પ્રગતિશીલ ખેડૂત એવા શ્રી નરેન્દ્રભાઈ છોટુભાઈ પટેલ ઉર્ફે ભીખાભાઈ પટેલે ચંદનની ખેતી કરી સાહસિકતાનું અનોખુ ઉદાહરણ પૂરું પાડ્યુ છે.

તેઓ જણાવે છે કે મે ૯ સપ્ટેમ્બર, ૨૦૧૭ના રોજ ૧૬ વિઘાની અંદર ૧૨X૧૬ ફૂટના અંતરે ૨૧૫૧ ચંદનના રોપની વાવણી કરી છે. સાથે જ અાંતર પાક તરીકે મધ્યના ભાગમાં ૧૧૦૦ આંબાની પણ વાવણી કરી છે. સારો ગ્રોથ જણાતા એક વર્ષ બાદ વધારાની ચાર વિધા જમીનમાં ૩૫૦ ચંદનના રોપ તેમજ ૭૦૦ આંબાની પણ વાવણી કરી છે. થોડા સમય પછી ૧૧૦૦ જેટલા લાલ ચંદનના વૃક્ષોની પણ તેઓએ વાવણી કરી છે. પાણીની બચત થાય એટલા માટે ડ્રીપ ઈરીગેશન પધ્ધતિ દ્વારા પિયત કરવામાં આવે છે. શરુઆતના વર્ષોમાં અઠવાડિયાની અંદર બેથી ત્રણ દિવસ પાણી આપવુ પડે છે.

લાંબાગાળાની ખેતી શામાટે પસંદ કરી તેનો ઉત્તર આપતા નરેન્દ્રભાઇ એ જણાવ્યુ કે, ‘હું પહેલા નિલગીરી જેવા વૃક્ષોની ખેતી કરી ચૂક્યો છુ. જેનાથી આ ચંદનની ખેતી કરવા માટે પ્રેરાયો છુ. હાલના સમયમાં અનિયમિત વરસાદ અને શ્રમિકોની ઘણી અછત રહે છે અને આવનાર સમયમાં આ સમસ્યા ખૂબ વિકટ બનશે. શેરડીમાં પણ ગત વર્ષોમાં ખાસ ભાવ વધારો ના થયો હોવાથી ચંદનની ખેતીની પસંદગી કરી છે. રોકાણની કોઈપણ સ્કીમમાં મળતા વળતરથી પણ વધુ રૂપિયા ચંદનની ખેતીમાં મળી શકે છે. જેથી ચંદનની ખેતી દમદાર ખેતીનો પર્યાય છે એવુ કહેતા નરેન્દ્રભાઈ ઉમેરે છે કે, ચંદનની ખેતી ૧૫ થી ૨૦ વર્ષ જેવો લાંબો સમય માંગી લે છે. જેથી ખંતપૂર્વક આયોજન અને ધીરજ જરૂરી છે.

સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે, વાવણી માટે સારી ગુણવતા ધરાવતા રોપા જ તેનું ભવિષ્ય નક્કી કરે છે.

ચંદન એ પરોપજીવી વૃક્ષ છે. જેથી અન્ય પાક પર આધારિત હોવાને કારણે અમે પહેલા વર્ષે ચંદનની ફરતે લાલ મહેંદીની વાવણી કરી. ચંદનના છોડ એક વર્ષના થતા બે ચંદનના છોડની મધ્યમાં સરૂના છોડની વાવણી કરી છે. જેથી ચંદનના વૃક્ષોને નાઇટ્રોજન મળી રહે છે. ચંદનના વૃક્ષને અંદાજીત બે વર્ષ સુધી સારી માવજત આપવામાં આવે તો બાકીના સમયમાં ખૂબ જ ઓછા ખર્ચે તેમજ ઓછી મહેનતે વિકાસ થઈ શકે છે. ચંદનના વૃક્ષમાં ૭થી ૮ વર્ષ પછી ચંદન (હાર્ટવુડ) બનવાનુ શરુ થઈ જાય છે, તેમજ ૧૫ થી ૧૮ વર્ષ પછી તેની કાપણી કરીને વેચાણ શરુ કરી શકાય છે.

વિદેશોમાં ભારે ડિમાંડ રહે છે

સફેદ ચંદન સદાબહાર વૃક્ષ છે. વૃક્ષમાંથી નિકળનાર તેલ અને લાકડુ બન્ને અૌષધિઓ બનાવવા માટે ઉપયોગી છે. ચીન જેવા દેશોમાં એની ખૂબ ડિમાંડ છે. હાલના સમયમાં એક કિલોગ્રામ દીઠ ભાવ ત્રણથી ચાર હજાર રૂપિયા છે. જેની અંદર ભવિષ્યમાં વધારો થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. જો ખેડૂત પાસે વધારાની પડતર જમીન પડી હોઈ તો આ ખેતી લાંબા સમયે ખૂબ સારુ વળતર આપે છે.

ચંદનની ખેતીમાં લેવી પડતી તકેદારી બાબતે નરેન્દ્રભાઈ જણાવે છે કે, રોપણી બાદ માલિકી સર્વે નંબરમાં ચંદનના વૃક્ષોની નોંધણી જરૂરી છે, તેમજ કાપવા સમયે વનવિભાગના સક્ષમ અધિકારીની મંજૂરી બાદ ખેડૂત પોતાની રીતે તેનું વેચાણ કરી શકે છે. પ્રથમ તો ચંદનની ખેતીમાં જે તે જગ્યાની માટી અનુકુલ છે કે નહિ, તેની માહિતી હોવી જરૂરી છે. પહેલા તો મે ચારેક વર્ષ અગાઉ બે સફેદ ચંદનના છોડ લાવીને વાવણી કરી હતી. જેમા સારો એવો વિકાસ દેખાતા મોટાપાયા પર ખેતી કરવાની શરુઆત કરી. ખાસ કરીને પહેલા બે ચોમાસાના સમયે છોડની ફરતે પાણી ભરાય નહિ તેની ખાસ કાળજી રાખવી. શરુઆતમાં વર્મી કમ્પોસ્ટ આપીને ઓર્ગેનિક દવાઓનો છંટકાવ કરી છોડની સારસંભાળ કરી હતી. પહેલા ચોમાસામાં એમના ખેતરમા વાવેલા ચંદનના છોડ પૈકી ૭૦ જેટલા છોડ બળી ગયા હતા. જેમા ફરીવાર નવા છોડનું રોપણ કર્યુ છે.

બે વર્ષના અંતમાં નરેન્દ્રભાઈના ખેતરમાં ચંદનના વૃક્ષો આઠ ફૂટથી વધુ ઉંચાઈ તેમજ ઘેરાવો પણ સારો છે. ચંદનની વધારાની ડાળખીઓને કાપીને પ્રુનીંગ પણ કરવામાં આવેલુ છે જેથી મુખ્ય થડ વધુ વિકસી શકે.

નરેન્દ્રભાઈ જણાવે છે કે, સફેદ ચંદનના ૨૫૦૦ જેટલા વૃક્ષો ૧૮ વર્ષ પછી પરિપક્વ થઈ જશે. એક વૃક્ષમાંથી આશરે ૧૫ થી ૨૦ કિલોગ્રામ ઉપયોગી ચંદનનું લાકડુ મળશે. જેથી કિલોગ્રામ દીઠ રૂ.૩૦૦૦ જેટલો ભાવ ગણીએ તો વૃક્ષ દીઠ આશરે રૂ.૫૦,૦૦૦ મળે તો પણ આશરે ૧૨ કરોડ રૂપિયા જેટલુ માતબર વળતર મળવાની શક્યતા તેઓએ વ્યકત કરી હતી. વર્ષ દીઠ એક લાખ રૂપિયા જેટલો ખર્ચ પણ અંદાજવામાં આવ્યો છે.

નરેન્દ્રભાઈ ખેડૂતોને સંદેશો આપતા જણાવે છે કે, જે ખેડૂત ધીરજ અને હિંમત રાખી શકે અમે હોઈ તો જ આ ખેતી કરવી. લાંબાગાળે વળતર પ્રાપ્‍ત થતુ હોવાથી અન્ય આંતર પાક પણ લઈ શકાય છે. આ ખેતીમાં ઓછા પાણીથી, ઓછા ખર્ચે, ઓછી મહેનત તથા રોગોનું પ્રમાણ પણ ઓછુ જોવા મળે છે. ચંદનના વૃક્ષમાં બિમારીઓમાં ફુગ જેવી બિમારી પણ જોવા મળે છે જેનો સમયસર ઈલાજ કરવો પણ હિતાવહ છે. આમ ભવિષ્યની ડિમાંડને ધ્યાનમાં રાખીને ખેતી કરવી હિતાવહ છે.

અન્ય ખેડૂતો ચંદનની ખેતી કરવા માટે નરેન્દ્રભાઈની વાડીની મુલાકાત લઈ, માર્ગદર્શન પણ પ્રાપ્‍ત કરી શકે છે. આજના આધુનિક યુગમાં લોકો ખેતીવાડીના બદલે શહેર તરફ પ્રયાણ કરી રહ્યા છે, એવા સમયે આવી ખેતી કરી પર્યાવરણના જતન સાથે સૌથી બધુ આવક ખેડૂતો પ્રાપ્‍ત કરી શકે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ