ખમણેલી કેરી સ્ટફ કરેલા ગુંદા અને કેરીનું અથાણું – આ અથાણું ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે, તો આ સિઝનમાં જરૂર બનાવજો……..

ખમણેલી કેરી સ્ટફ કરેલા ગુંદા અને કેરીનું અથાણું

અથાણાં ની સિઝન લગભગ આવી જ ગઈ સમજો.. આજે હું લાવી છું એક સ્વાદિષ્ટ કેરી ગુંદા નું અથાણું . અહીં આપણે કાચી કેરી ને ગુંદા ની અંદર સ્ટફ કરીશું. મને આ અથાણું મારી બહેન જલ્પા એ શીખવેલ. હવે તો મારા ઘર માં પણ બધા નું ફેવરિટ છે આ અથાણું.

અથાણાં બનાવવા માટે ખૂબ જ ધીરજ ની જરૂર છે , સહેજ ઉતાવળ આખી મેહનત ને પાણી માં નાખશે. તો ચાલો જોઈએ સ્ટેપવાઇસ ફોટા સાથે આ સ્ટફ અથાણું..

સામગ્રીઓ:

  • 2 kg ગુંદા,
  • 3.5 kg કાચી કેરી,
  • 3.5 lt રાઇ નું તેલ,
  • 2.5 kg અથાણાં નો મસાલો,
  • 1 વાડકો આખું મીઠું,
  • 1 મોટી ચમચી હળદર.

રીત :::

સૌ પ્રથમ 2.5kg કેરી ને ધોઈ કોરી કરી લો… ત્યારબાદ મોટા કટકા કરો. જોકે માર્કેટ માં તૈયાર કટકા પણ મળે જ છે. બજાર માંથી તૈયાર કટકા વાપરો તો 1 થી 2 વાર મસળી ને ધોઈ લેવા..ત્યારબાદ એમા આખું મીઠું અને હળદર ઉમેરો.. મિક્સ કરી 8 થી 10 કલાક માટે સાઈડ માં મૂકી દો.. દર 2 થી 3 કલાકે હલાવો, જેથી મીઠું અને હળદર બરાબર કેરી પર ચઢી જાય.આપ જોઈ શકશો કે કેરી માંથી પાણી છૂટું પડશે . હવે આ કટકા ને એક એક લઇ કોટન ના કપડાં પર 5 થી 6 કલાક સુકવો.. કેરી માંથી પાણી નો ભાગ સૂકવવા નો છે , ચવડ ના થઇ જાય એ વાત ધ્યાન રાખવી. સૂકવવા માટે તડકે નાખી શકાય. અથવા પંખા નીચે પણ સુકવી શકાય. કેરી પર કોઈ પણ જાત કચરો કે ધૂળ ના ચડે એનું ધ્યાન રાખવું.હવે આપણે ગુંદા નું સ્ટફિંગ બનાવીએ … 1 kg કાચી કેરી ને ધોઈ ,છાલ ઉતારો. ખમણી લો. ખમણતી વખતે ધ્યાન રાખવું કે છીણ બહુ પાતળું ના હોય. એના પર 2 ચમચી મીઠું અને 1/2 ચમચી હળદર ઉમેરી મિક્સ કરો.
10 મિનિટ માટે સાઈડ પર રાખો (અહીં આપ સાદું મીઠું વાપરી શકો. આખું મીઠું વાપરવાની જરૂર નથી).. 10 મિનિટ પછી , બરાબર નીચોવી કોટન ના કપડાં પર 3 થી 4 કલાક માટે સુકવી દો. કેરી નું છીણ એકદમ સુકાઈ જવું જોઈએ…
હવે 1.5kg અથાણાં નો મસાલો આ કેરી ના છીણ માં મિક્સ કરો. જો હાથ થી મિક્સ કરવાનું હોય તો ધ્યાન રહે કે હાથ ધોઈ અને સંપૂર્ણ રીતે કોરા હોય. આખા વર્ષ ના અથાણાં બનાવતી વખતે ચોખ્ખાઈ નું ખૂબ જ ધ્યાન રાખવું.ગુંદા ને સાફ કરી ઠળિયા કાઢી લો. ઠળિયા કાઢવા માટે છરી અને મીઠા નો ઉપયોગ કરવો, ફાટફાટ નિકળી જાશે. હવે આ ગુંદા માં છીણ નો તૈયાર કરેલો મસાલો ભરોહવે એક મોટા તપેલા માં ભરેલા ગુંદા , સુકવેલી કેરી અને છીણ નો મસાલો (જો વધ્યો હોય તો) ભેગો કરો. હવે અથાણાં માં હાથ અડાડવો નહીં. ચમચા થી સરસ મિક્સ કરો. 1kg અથાણાં નો માસલો ઉમેરો. મારા ઘરે અથાણાં માં મસાલો ખૂબ જ વપરાય એટલે હું વધારે નાખું છું, આપ ચાહો તો એ માપ ઓછું કરી શકો છો.8 થી 10 કલાક માટે ઢાંકી ને સાઈડ પર રાખી દો. દર 2 3 કલાકે હલાવતા રેહવું. ત્યારબાદ એક મોટા તપેલા માં તેલ ગરમ કરો. તેલ માંથી ધુમાડા નીકળવા જ જોઇએ. તેલ ઉકાળવા ની જરૂર નથી પણ ધુમાડા નીકળવા જોઈએ. ગેસ બંધ કરી સંપૂર્ણ ઠરવા દો.હવે આ ઠંડુ થયેલું તેલ , અથાણાં ના તપેલા માં રેડો. મિક્સ કરો. બીજા 2 થી 3 દિવસ માટે અથાણું આ તપેલા માં જ રહેવા દો. અને દિવસ માં 2 વાર હલાવતા રેહવું. જો એવું લાગે કે અથાણાં માં તેલ ઓછું છે તો ગરમ કરી , ઠંડુ પાડી ,ઉમેરી શકો.. કાચું તેલ કોઈ પણ સંજોગો માં ઉમેરવું નહિ.

કાચ ની સાફ બોટલ માં ભરો અને 8 થી 10 દિવસ સુધી હલાવતા રહો. મસાલો જેટલો ઉપરનીચે થશે , ટેસ્ટ સારો આવશે.

આશા છે આપ સૌને પસંદ આવશે.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

 

ટીપ્પણી