ખાખરાની ખિસકોલી – ખેડૂતોને દુકાળથી નુકશાન થયું પણ તેને પોતાને તો ફાયદો જ હતો… લાગણીસભર વાર્તા…

બે દિવસથી એને ઘરાકીની ઠોર વાગતી હતી. ઘરાકી સારી ચાલી રહી હોવાથી તેનો કામ કરવાનો જુસ્સો વધી રહ્યો હતો. થોડી થોડી વારે, દૂર નજરની સામે દેખાતા રામા પીરના મંદિર સામે હાથ જોડી લેતો હતો. ઘરવાળી બાર એક વાગે ભાત લઈને આવતી, પણ ઘરાકીના કારણે એ બે દિવસથી સમયસર ખાતો નહીં. ” તે રાજુના બાપા, આ કામ તો દાળી કરવાનુજ સે ને આ રોટલો ઠરી જાહે પહેલાં ખઇ લો ને.” એની ઘરવાળી બોલી.

image source

” આવી વતર ચ્યાં રોજ આવેશે ? ગરાક જાતુ કરવું ઠીક ના કે’વાય, રાજુની બૈ ! ” ગ્રાહકનું જોડું પરત આપતાં તે બોલ્યો, ” તું એમ કર રોટલાનું બટકું ભાગીને આ મારી વાટ જોઈને બેઠેલા ઓલ્યા , કૂતરાને એનો ભાગ આલી દે, અને બસારા ને હુકામ મોડું કરાવવું રોજ ટેમસર આવી જાય છે.”

એની દુકાન એ સરકારી કચેરીની સામે આવેલ ” સૌનો સાથ સૌનો વિકાસ ” લખેલું એક મોટું હોર્ડિંગ છે , તેની બરાબર નીચે આવેલી છે. દુકાન એટલે એક પાટિયાની ઉપરથી ખુલતી પેટી. બાજુમાં એક બે ઘડયા વગરના પથરાને એક અડધું કાપી નખેલું પ્લાસ્ટિકનું પાંચ લિટરીયુ ડબલું ,કે જેમાં પાણી રહેતું. જોડાં રીપેર કરવાનું લોખંડનું સ્ટેન્ડ , થોડા ટાયરના ટુકડા ને બેઠક માટેનો કોથળો . આટલો એની દુકાનનો સરંજામ.

image source

વઢિયારનું તાલુકા મથક એટલે આડે દિવસે એને ખાસ ગરાગી ના હોય પણ આ સાલે વરસાદ ઓછો પડયો, ને સરકારે દુષ્કાળ ગ્રસ્ત તાલુકો જાહેર કર્યો, એટલે ગામડાની વસ્તી સરકારી કચેરીએ ખેતીની જમીનના ઉતારા કઢાવવા બહુ આવવા લાગી એટલે એની ગરાગી વધી. ચામડાનાં દેશી જોડાં શહેરનાં લોકો ખાસ પહેરે નહીં, આથી એને જોડાં રિપેરીંગનું કામ બહુ રહેતું નહીં. એના ધંધાનો આધાર મોટા ભાગે ગામડિયા ખેડૂત વર્ગ કે માલધારી વર્ગ પર રહેતો. આમ તાલુકો દુકાળગ્રસ્ત જાહેર થયો એટલે હમણાં હમણાં એના ધંધામાં તેજી આવી ગઈ.

હું પણ આજે મારી મોજડી રીપેર કરાવવા આ શિવા પાસે આવીને ઊભો. મારે જમીનનો કેશ ચાલે એટલે હું અવાર નવાર તાલુકામાં આવું ત્યારે એકાદ બે વખત એની પાસે કામ કરાવવા ગયેલો એટલે શિવો મને જાતુઆવતું ઓળખે. બે ત્રણ ઘરાક ઊભાં હતાં. શિવાનું કામ ચાલુ હતું. એમાં એની નજર મારા પર પડી. ” બોલો સાહેબ , આપળું કામ હોય તો લાવો.” શિવાએ કહ્યું

image source

” નાના એવું ના કરીશ આ લોકોને ઓફિસમાં કોઈ બોલાવેતો, એમનું કામ બગડે. પહેલાં એમનું કામ કરી આપ મારે ઉતાવળ નથી. શિવાની પત્ની પણ બપોરનું ભાત લઈને આવી ગયેલી હતી. ” તે ભયા ઓણ સાલ વરસાદ ના આવ્યો ને આ દકાળ જેવું ઊભું થયું. તેથી સરકાર ખેડૂતોને શું રાહત આપશે ?” શિવાની પત્ની મારા તરફ જોઈને બોલી.

” આતો એવું સે ને બોન, કે ખેડૂતોએ પોતાનું ખેતર વાવવા ખેડ કરી હોય, બીજ વાવ્યું હોય તેથી તેમને જે ખર્ચ થયું હોય તે ખોટ ભરપાઈ કરવા માટે સરકાર કાંઈક થોડી ઘણી મદદ કરશે. ” મેં સમજણ પાડી. ” પણ આમારા જેવાં ઉભડિયાં ને મજૂરીયા વૈણને પણ આ દકાળે જીવવું આકરું બનાવ્યું તો અમને કાંઈ નઇ ? એકલા ખડુતોનેજ .” શિવાની ઘરવાળીએ મને પૂછ્યું.

” બેસ બેસ છાનીમાની તું કે’વાય ખાખરાની ખિસકોલી ! ને આંબાનો હવાદ લેવા હું કામ જાસ.’ શિવો આગળ બોલ્યો, ” ભગવાન આપણને બે ટેમ રોટલો આલે સે ઇ તને ઓશો પડે છે રાજુની બૈ તે, એ, લાઇનમાં તપવા જાવુંનું તું વિચારેશ.?”

શિવાના આ વિધાનથી હું તો વિચારમાં પડી ગયો કે સાલું ” જેને આપણે જગતનો તાત કહીએ છીએ તે આજે લાભ લેવાની લાઈનમાં ઊભો રહેવા તલપી રહ્યો છે જ્યારે સાંજે જેને ખાવાની પૂરતી મજૂરી મળશે કે કેમ , તે નક્કી નથી તે આ શિવો, સરકારી મદદની અવગણના કરે છે. દિલની ઉદારતાને કોઈ નાત જાતના સીમાડા નડતા નથી.”

image source

શિવો બોલ્યો, “લાવો ભયા ! તમારી મોજળી હમી કરી આલું.પણ ભયા એક શરત પૈસા આપતા નઇ.” ” ચમ તે શિવા મારે કામ કરાવવાનું છે તે પૈસા તો તારે લેવા પડે ને દસ લેતો હોય તો થોડા ઓછા લેજે પણ મજૂરી તો લેવી પડે ને?” મેં શિવાને કહ્યું. ” જુઓ ભયા ચાર દિવસથી આ લીલા નેજાવાળાની મહેર છે.” સામે દેખાતી રામાપીરની દેરી સામે આંગળી ચીંધતાં એ બોલ્યો. ” ઈતો હવે, માનને બહુતો પંદર દહાડા પછી તો એજ બગાસાં ખાવાનાં ને ” મેં મારી મોજળી કાઢતાં કહ્યું.

” શું લઈ જવાના છીએ લાખ મલ્યા નથી ને લખેસરી થવાના નથી ભયા ! ખાતા પિતાને ખુદા દેતા ! ” શિવાએ તેની ફિલોસોફી લડાવી ને હું તો આ અદના કારીગરની દિલેરી સાંભળીને દંગ રહી ગયો. સાંજે વળતી વખતે શિવો નવરો બેઠો હતો આથી એની સાથે વાત કરવાની લાલચ રોકી ના શક્યો. ” તે શિવા, સરકારશ્રીની મદદ મેળવવા બાબતે તારા જે વિચારો છે , એ દાદ માગી લે તેવા છે. તમે ઘરમાં કેટલાં જણ છો ?” મેં પૂછ્યું.

” સાહેબ, અમે બે જણ ને ભગવાનનો આપેલ એક દીકરો રાજુ જે કોલેજમાં ભણે છે. ” શિવાએ સામેની લારીવાળાને ચા મોકલવાનો ઈશારો કરીને જવાબ આપ્યો. ” શિવા, તારામાં જે સંતોષ સમાયેલો છે. તેનાથી મને બહુ આનંદ થયો, પણ તમારો રાજુ નોકરી માટે કોઈ અરજી કરે છે ?” ” શું સાહેબ, કેટલીએ અરજીઓ કરી, અમારો રાજુ છેલ્લી પરીક્ષામાં બાસી ટકા લાવેલો. ” ચાનો ઘૂંટડો લેતાં શિવો બોલ્યો. ” વાહ તો પછી નોકરી…. ?”

image source

” સાહેબ, છેલ્લા ચાર-પાંચ મહિનાથી એને ધરાઈને ખાધું ના હતું, ઓલી કોઈ પોલીસવાળાની પરીક્ષા હતીને, વાંચ, વાંચ ને વાંચ. સવારે વહેલો ઉઠીને શું કે ? ઇ ધોળવા જાતો. અમને એમ કે ભગવાન જરૂર સારા દા’ડા દેખાડ સે ! મેં તો તમારા જેવા પાસેથી પૈસા ઉછી-ઉધાર કરી એને ઠેઠ પાલણપર પરીક્ષા દેવા મોકલ્યો હતો. તો બસારો પાછો આવ્યો.” શિવાએ નિહાકા નાખતાં તેની વિગત જણાવી.

” હા હા આ હમણાં એ નોકરી માટે પરીક્ષા લેવાની હતી ને પેપર ફૂટી ગયું હતું એની વાત છે ને શિવા ? ” મેં પૂછ્યું. ” અરે સાહેબ એ પેપર ફૂટી ગયું એની મનેતો કાંઈ ખબર ના પડે ! પણ રાજુની મા એવું કાંઈક બોલતી હતી કે ” રાજુના બાપા આતો આપણું નસીબ ફૂટી ગયું એમજ હમજોને”

લેખક : સરદારખાન મલેક

વઢિયારી લોકબોલી ના અર્થ.

દાળી- રોજ. વતર-તક. ભયા-ભાઈ. દકાર- દુકાળ. હવાદ-સ્વાદ. ઓશો-ઓછો.

ઊભડિયા-ધંધા રોજગાર વગરના.

વૈણ-જાતી. બૈ- મા. બોન-બહેન

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ