ખજૂરનું અથાણું – ખાટું કે કેરીનું અથાણું ખાઈ ના શકતા હોય તેવા મિત્રો માટે ખાસ…

મિત્રો, ખજૂરની અવનવી વાનગીઓ બનાવી હશે અને ખાધી પણ હશે. પણ ક્યારેય ખજૂરનું અથાણું ખાધું છે ? જે ખૂબ જ ચટાકેદાર બને છે. વળી, તે બનાવવા માટે ખુબ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સની જરૂર પડે છે જે આપણા કિચનમાંથી જ મળી જાય છે અને બનાવવું પણ સાવ સરળ છે. તો ચાલો બતાવી દઉં કેવી રીતે બનાવશો ખજૂરનું અથાણું.

સામગ્રી :


250 ગ્રામ ખજૂર (કડક)

2 ટેબલ સ્પૂન દળેલી ખાંડ

2 ટેબલ સ્પૂન લીંબુ નો રસ

1 ટેબલ સ્પૂન તેલ

1 ટેબલ સ્પૂન ખાટી કેરીનો આચાર મસાલો (તેના ઓપ્શનમાં 1/2 ટેબલ સ્પૂન રાઈના કુરિયા અને 1/2 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર પણ લઇ શકાય)

1/2 ટેબલ સ્પૂન મીઠું

તૈયારી :

ખજૂરમાંથી ઠળિયા કાઢી તેની ચાર ચીરીઓ કરી લો.

તેલ ગરમ કરી ઠંડુ પાડી લો.

રીત :


એક મોટા બાઉલમાં ખજૂર લો. તેમાં આચાર મસાલો, ખાંડ પાવડર, મીઠું અને લીંબુનો રસ નાખી બરાબર મિક્સ કરો. ત્યાંરપછી તેમાં તેલ નાખો અને ફરી મિક્સ કરો. તો આ ખજૂરનું અથાણું તૈયાર છે. તેને એક કન્ટેઈનરમાં ભરી લો, બે દિવસ પછીથી ખાઈ શકાય. ઇન્ગ્રેડિયન્ટમાં લીધેલ મીઠું, ખાંડ અને લીંબુ પ્રિઝર્વેટિવ્સ તરીકે કામ કરે છે જેથી અથાણું લાંબા સમય સુધી સારું રહે છે. રોટલી, થેપલા, પરોઠા, પુરી સાથે ખાવાની માજા આવે છે. બાળકોને પણ ભાવશે તો તેમને પણ રોટલી કે પરોઠા સાથે લંચ બોક્સમાં આપી શકાય.


રસોઈની રાણી : અલ્કા સોરઠીયા