ખજૂર – આમલીની મીઠી ચટણી – ૨ – ૪ મહિના સુધી સારી રહેશે આ ચટણી આજે જ બનાવી લો…

પાણીપુરી ,ભેળ, દહીંવડા, ઢોકળાં, હાંડવો , સમોસા ,કચોરી કે પછી કોઈ પણ ફરસાણ જોડે અચૂક થી પીરસવામાં આવતી ખજૂર આમલીની મીઠી ચટણી ની રીત આજે લાવી છું.

લગભગ બધા ના ઘર માં આ ચટણી બનતી જ હોય છે. બધા ની રીત થોડી જુદી હોય છે. મારી આ ચટણી તમે બનાવી ને 2-4 મહિના સુધી ફ્રીઝર માં સ્ટોર કરી શકો છો.

ચટણી જોઈતા પ્રમાણ માં નાના નાના ડબ્બા માં અલગ અલગ ભરી ને ફ્રીઝર માં મૂકી દો . જેમ જોઈએ તેમ એ ડબ્બા બહાર નીકળી ને વાપરી શકો છો . જો તમારી ચટણી ઘટ્ટ કે સ્વાદિષ્ટ ના બનતી હોય તો ચોક્કસ થી આ રેસિપી બહુ જ ઉપયોગી બનશે…

સામગ્રી:-


150-200 ગ્રામ સૂકી આમલી

1 પેકેટ ઠળિયા નીકળેલી સાદી ખજૂર

1 મોટો વાડકો સમારેલો દેશી ગોળ


1 ચમચી લાલ મરચું

1 ચમચી શેકેલા જીરા નો ભુકો

2 ચમચી ધાણાજીરું

1 ચમચી સંચળ

2 ચપટી હિંગ

મીઠું સ્વાદાનુસાર ( સંચળ ઉમેર્યું હોવાથી ઓછું જોઈશે)

પાણી

રીત:-


સૌ પ્રથમ સૂકી આમલી માંથી બિયાં નીકાળી લો. ત્યારબાદ ખજૂર ને પેકેટ માંથી નીકાળી છૂટી કરી ને પાણી થી ધોઈ ને સાફ કરી લો. એક સ્ટીલ ના કુકર માં આમલી , ખજૂર અને 2-3 ગ્લાસ પાણી ઉમેરી ને 2 સીટી વાગે ત્યાં સુધી થવા દો. હવે કુકર ઠંડુ થાય એટલે આ મિશ્રણ ને હેન્ડ બ્લેન્ડર થી ક્રશ કરી લો. ત્યારબાદ કાણાં વાળી ચારણી માં નીકાળી ને ગાળી લો. જરૂરિયાત મુજબ પાણી ઉમેરો. ચટણી ઘટ્ટ જ રાખવાની છે એટલે બહુ પાણી ના ઉમેરવું. ચટણી ને ગાળી લીધા બાદ તેમાં લાલ મરચું, ધાણા જીરું, શેકેલા જીરા નો ભુકો, હિંગ, સંચળ ,મીઠું અને ગોળ ઉમેરી ને ફરીથી 5 મિનિટ માટે ધીમા તાપે એક ઉભરો આવે એટલું ગરમ કરો. જેથી ગોળ ઓગળી જાય અને બધું બરાબર મિક્સ થઈ જાય. ખજૂર-આમલીની ચટણી તૈયાર છે મનગમતી વાનગી જોડે સર્વ કરો અને તમારા ફરસાણ કે વાનગી નો સ્વાદ બમણો કરો… આ ચટણી ઠંડી થાય એટલે એકવાર ઉપયોગ માં આવે એવા માપ થી અલગ અલગ ડબ્બા માં ભરી ને ફ્રીઝર માં સ્ટોર કરી લો.

નોંધ:-

ચટણી બનાવવા માટે સ્ટીલ ના કુકર નો જ ઉપયોગ કરો.. આમલી એલ્યુમિનિયમ માં રાસાયણિક પ્રકિયા કરે છે જે હેલ્થ માટે ખૂબ જ નુકસાનકારક છે.. આ ચટણી ઘટ્ટ જ બનશે . તમને ગમે તો વધુ પાણી ઉમેરી ને પાતળી પણ કરી શકાય.

જ્યારે જોઈતી હોય ત્યારે 1 કલાક અગાઉથી બહાર નીકાળી લો જેથી સર્વ કરવાના ટાઇમે બરાબર લીકવિડ થઈ જાય. આ ચટણી માં જો બિયા કે ઠળિયાં રહી ગયા હોય તો બ્લેન્ડર થી ક્રશ કર્યા પહેલા જ નિકાળી લો. સંચળ અને શેકેલુ જીરુ ઉમેરવાથી વધુ સ્વાદિષ્ટ બને છે. કાળી કે સોફ્ટ ખજૂર આ ચટણી માં નહીં સારી લાગે..સાદી ખજૂર ની જ ચટણી સરસ બનશે..

ગોળ વધતા ઓછા પ્રમાણ માં તમારી પસંદ મુજબ ઉમેરો. ખજૂર હોવાથી ગળપણ પણ ઓછું જોઈશે અને ચટણી ઘટ્ટ પણ સારી બનશે. જે લોકો આમલી નથી ખાતા એ લોકો આમલી ની બદલે આમચૂર ઉમેરી ને પણ આ ચટણી બનાવી શકાય.. આમલી ની બદલે 2-3 મોટા ચમચા આમચૂર લેવું. બાકીની રીત સરખી જ છે.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)