કેસર રસગુલ્લા – રસગુલ્લા ઘરે નથી બનાવી શકતા? તો હવે બનાવો રૂચીબેનની આ સરળ રેસીપીથી…

રસગુલ્લા મારી નાની દીકરી ની મનપસંદ મીઠાઈ છે. તમારા ઘર માં પણ કોઈ તો હશે જ જે રસગુલ્લા નું દિવાનું હોય. મેં ઘણી વાર લોકો ને કહેતા સાંભળ્યા છે કે બજાર જેવા ઘરે ના બને..

મોટાભાગે ઘરે રસગુલ્લા બનાવીએ ત્યારે, ખૂબ કઠણ થઈ જાય અથવા તો જેવા પરફેક્ટ જોઈએ એવા ના બને. તો ચાલો આજે હું બતાવું મારી રેસિપી જેનાથી બનશે એકદમ સોફ્ટ ને સ્વાદિષ્ટ રસગુલ્લા..

સામગ્રી:

1 lt ગાય નું દૂધ

1 લીંબુ નો રસ

1/4 tsp ઈલાયચી પાવડર

થોડા કેસર તાંતણા

1.5 વાડકો ખાંડ

રીત :


જાડા તળિયા વાળા તપેલા માં દૂધ ગરમ કરો. દૂધ ઉકળવા ની શરૂઆત થાય ત્યારે ગેસ ધીમો કરો અને દૂધ માં લીંબુ નો રસ ઉમેરો. સરસ રીતે મિક્સ કરો. ધીરે ધીરે આપ જોશો કે દૂધ ફાટી જશે. લીંબુ ના બદલે દહીં કે વિનેગર પણ વાપરી શકાય. જો દૂધ ના ફાટે તો વધુ થોડો લીંબુ નો રસ ઉમેરો. આપ જોઈ શકશો કે આછા લીલા કલર જેવું પાણી છૂટુ પડશે. હવે આ ફાટેલા દૂધ ને એક પાતળાં કપડાં માં ગાળી લો. આપણે લીંબુ ઉમેર્યું છે એટલે આ પનીર ને થોડું ધોઈ લઈએ. 1 ગ્લાસ જેટલું પાણી લો અને સરસ રીતે પનીર ને ધોઈ લો. ધોવાથી પનીર ઠંડુ પણ થઈ જશે. ત્યારબાદ બધી સાઈડ ભેગી કરી કપડાં ને ટાઈટ બાંધી લો અને 30 મિનિટ માટે સારી રીતે પનીર માંથી પાણી નિતારવા દો. પાણી નિતારવા માટે કપડાં ની આ પોટલી ને ટાંગી દો અથવા ઉપર કંઈક વજનદાર વસ્તુ રાખી દેવી. જો આ પનીર આપ બીજી વાનગી માં વાપરવાના હોવ તો પાણી સંપૂર્ણ નિતારવા દેવું. પણ જો રસગુલ્લા બનાવવાના હોય તો જરા ભીનાશ રહેવા દેવી. ભીનાશ જોઈશે , પાણી નહીં. બીજી બાજુ 1.5 વાડકો ખાંડ અને 5 વાડકા પાણી ઉકાળવા મુકો. મધ્યમ આંચ પર રાખો. ચાસણી માટેનું વાસણ પહોળું રાખવું જેનાથી રસગુલ્લા સરસ ફૂલી શકે. ચાસણી માં ઈલાયચી પાવડર ઉમેરવો. મોટી થાળી માં નિતરેલું પનીર લો. હવે આ પનીર ને મસળવા નું ચાલુ કરો. જ્યાં સુધી ઘી જેવું છૂટું ના પડે ત્યાં સુધી મસળો. 6 થી 7 મિનિટ લાગશે. અને ત્યારબાદ એકદમ સોફ્ટ લોટ બની જશે. હવે આ લોટ ના નાના નાના ગોળા વાળો. ગોળા પર જરા પણ તિરાડ ના હોવી જોઈએ. હવે આ ગોળા ને ચાસણી માં ઉમેરો. ચાસણી એકપણ તારની કરવાની નથી. ખાંડ સરસ ઓગળેલી હોવી જોઈએ બસ. ઢાંકી ને 12 થી 15 સુધી ઉકાળો. ત્યારબાદ આપ જોશો કે રસગુલ્લા બમણી સાઈઝ ના થઇ ગયા હશે. પણ હવે મૂળ મુદ્દો કે ખબર કેમ પડે કે રસગુલ્લા થઈ ગયા કે બાકી છે. તો એના માટે એક રસગુલ્લુ ચમચી થી બહાર કાઢો અને પાણી ભરેલા ગ્લાસ માં મુકો. જો રસગુલ્લુ ડૂબી જાય તો તૈયાર છે અને તરે તો સમજવું કે હજુ થોડા કાચા છે. રસગુલ્લા થઇ જાય એટલે ધીમે ધીમે ચાસણી માંથી કાઢી પાણી ભરેલા તપેલા માં ઉમેરો. અને 30 મિનિટ સુધી રાખો. આમ કરવા થી રસગુલ્લા સારાં જાળી વાળા અને પોચા બનશે અને પોચા જ રહેશે ઠર્યા પછી પણ. ચાસણી થોડી હુંફાળી હોય ત્યારે એમાં થોડું કેસર ઉમેરો . પાણી માં મુકેલા રસગુલ્લા હળવેથી થોડા થોડા દબાવી ચાસણી માં ઉમેરો. રસગુલ્લા ને 4 થી 5 કલાક માટે ચાસણી માં પલળવા દો. આપ ચાહો તો પીસ્તા થી સજાવટ કરી શકો. મેં કેસર ઉમેર્યું છે માટે મારા રસગુલ્લા થોડા કલાકો પછી સહેજ પીળા રંગ ના થયા. આપ ચાહો તો કેસર ના ઉમેરવું. ઠંડા કરી ને પીરસો. આશા છે પસંદ આવશે.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.